સાહિત્ય અકાદમી પુરસ્કાર એ ભારતનો એક સાહિત્યિક પુરસ્કાર છે જેને સાહિત્ય અકાદમી દર વર્ષે ભારતમાં ઉપયોગી મુખ્ય ભાષાઓમાં પ્રકાશિત શ્રેષ્ઠ સાહિત્યિક કૃતિને આપે છે. ભારતના બંધારણની આઠમી અનુસૂચિમાં સમાવિષ્ટ 22 ભારતીય ભાષાઓ ઉપરાંત, રાજસ્થાની અને અંગ્રેજી એટલે કે, તે કુલ 24 ભાષાઓમાં પ્રદાન કરવામાં આવે છે.
1954 માં સ્થપાયેલ સાહિત્ય અકાદમી પુરષ્કાર સૌપ્રથમ 1955 માં એનાયત કરવામાં આવ્યો હતો, એવોર્ડમાં તકતી અને ₹ 1,00,000 ના રોકડ પુરસ્કારનો સમાવેશ થાય છે. આ પુરસ્કારનો હેતુ ભારતીય લેખનમાં શ્રેષ્ઠતાને ઓળખવા અને પ્રોત્સાહન આપવાનો તથા બદલાતા સમય સાથે નવા પ્રવાહોને પણ સ્વીકારવાનો છે. પસંદગીની વાર્ષિક પ્રક્રિયા અગાઉના બાર મહિના સુધી ચાલે છે. ઉલ્લેખનીય છે કે સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવેલી તકતી ભારતીય ફિલ્મ નિર્માતા સત્યજીત રે દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી.
ગુજરાતી સાહિત્ય માટે આ પુરષ્કાર સૌપ્રથમ મહાદેવભાઈ દેસાઈને તેમની રચના મહાદેવભાઈની ડાયરી માટે મરણોપરાંત આપવામાં આવેલ જેમાં તેમને પોતાની જિંદગીના અનેક યાદગાર સંસ્મરણોની નોંધ સુવ્યવસ્થિત રીતે ટપકાવી હતી.
મહાદેવભાઈ દેસાઈનો જન્મ 1 જાન્યુઆરી 1892ના રોજ ગુજરાતના સુરત જિલ્લાના સારસ ગામમાં શાળાના શિક્ષક હરિભાઈ દેસાઈ અને તેમની પત્ની જમનાબહેનને ત્યાં થયો હતો. મહાદેવભાઈ સાત વર્ષના હતા ત્યારે તેમની માતા જમનાબહેનનું અવસાન થયું. 1905 માં, 13 વર્ષની ઉંમરે, મહાદેવભાઈના લગ્ન દુર્ગાબહેન સાથે થયા હતા. તેમને સુરત હાઈસ્કૂલ અને એલ્ફિન્સ્ટન કોલેજ, મુંબઈમાં શિક્ષણ મેળવ્યું હતું. તેઓ બી.એ.ની ડિગ્રી સાથે સ્નાતક થયા અને 1913માં એલ.એલ.બી કર્યા પછી બોમ્બેની કેન્દ્રીય સહકારી બેંકમાં નિરીક્ષક તરીકે નોકરી લીધી.

મહાદેવભાઈ દેસાઈ
પ્રથમ વખત 1915માં ગાંધીજીને મળ્યા, જ્યારે તેઓ તેમનું પુસ્તક (જોન મોર્લીના અંગ્રેજી પુસ્તક ઓન કોમ્પ્રોમાઈઝનું ગુજરાતી ભાષાંતર) કેવી રીતે પ્રકાશિત કરવું તેની સલાહ લેવા માટે ગયા હતા. તે પછી તેઓ 1917માં ગાંધીજીના આશ્રમમાં જોડાયા અને તે જ વર્ષે મહાદેવભાઈ તેમજ દુર્ગાબહેન બંને ગાંધીજી સાથે ચંપારણ પણ ગયા.
તેમણે પોતાના મૃત્યુના આગળના દિવસ સુધી એટલે કે 13 નવેમ્બર 1917 થી 14 ઓગસ્ટ 1942 સુધી એક ડાયરી જાળવી રાખી, જેમાં ગાંધીજી સાથેના તેમના જીવનનો ઉલ્લેખ કર્યો. 1919 માં જ્યારે અંગ્રેજોએ પંજાબમાં ગાંધીજીની ધરપકડ કરી, ત્યારે તેમણે દેસાઈને તેમના વારસદાર તરીકે નામાકિંત કર્યા. તેઓ 25 વર્ષ સુધી ગાંધીજીના અંગત સચિવ હતા, પરંતુ વેરિયર એલ્વિને તેમના વિશે લખ્યું છે તેમ, “તેઓ ગાંધીજી માટે તેના કરતા પણ ઘણા વધારે અંગત હતા. કહેવાય છે કે મહાદેવભાઈ દેસાઈએ ઘણા અનિચ્છનીય મહેમાનોની સંભાળ રાખી અને ગાંધીજીના જીવનના 10 વર્ષ બચાવ્યા હશે.
રાજમોહન ગાંધી મહાદેવભાઈ દેસાઈ વિશે આ રીતે લખે છે: દેસાઈ ગાંધીના દિવસને ત્રણ વખત જીવ્યા – પ્રથમ તેની અપેક્ષા રાખવાના પ્રયાસમાં, પછી ગાંધીની સાથે ગાળવામાં, અને અંતે તેને તેની ડાયરીમાં રેકોર્ડ કરીને.”
50 વર્ષની વયે, મહાદેવ દેસાઈ 15 ઓગસ્ટ 1942ની સવારે આગા ખાન પેલેસમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા જ્યાં તેઓ ગાંધીજી સાથે નજરબંધ હતા. જ્યારે દેસાઈએ શ્વાસ લેવાનું બંધ કરી દીધું, ત્યારે ગાંધીજીએ તેમને બૂમ પાડી: “મહાદેવ! મહાદેવ!” જ્યારે ગાંધીજીને પાછળથી પૂછવામાં આવ્યું કે તેમણે આવું શા માટે કર્યું, ત્યારે તેમને જવાબ આપ્યો કે,”મને લાગ્યું કે જો મહાદેવ તેમની આંખો ખોલીને મારી તરફ જોશે, તો હું તેમને ઉઠવા માટે કહીશ. તેમણે તેમના જીવનમાં ક્યારેય મારી અવહેલના કરી નથી. મને વિશ્વાસ હતો કે જો જો તેણે આ શબ્દો સાંભળ્યા હોત, તો તે મૃત્યુને પણ અવગણીને ઊભો થઈ ગયો હોત”. ગાંધીજીએ પોતે જાતે જ દેસાઈના શરીરને સ્નાન કરાવી આગા પેલેસના મેદાનમાં જ તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો, જ્યાં આજે તેમની સમાધિ આવેલી છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: મંદિરની ચુંદડીઓમાંથી ‘અર્પણ પોટલી’ અને ‘ચાંદલા કવર’, મળે છે HIV ગ્રસ્ત મહિલાઓને રોજી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.