ગુજરાતીઓને માત્ર ખમણ અને ઢોકળા જ ભાવે છે એ વાત હવે ધીમે ધીમે ઓસરી રહી છે, કારણકે એવી કેટલીય વાનગીઓ છે જે ગુજરાતીઓ વાર તહેવારે કે પછી નાસ્તામાં આરોગતા હોય છે.
ભજીયાનું નામ પડે અને મોઢામાં પાણી આવી જાય. તમે આજ સુધી મેથીના, બટેકાના કે પછી મરચાના ભજીયા ખાધા હશે. પણ શું ક્યારેય તમે આખા ટામેટાના ભજીયા ખાધા છે ખરા? જો તમે આ ભજીયા વિશે નથી સાંભળ્યું તો આજે તેમના વિશે જાણી લો. અમદાવાદના રખિયાલ વિસ્તારમાં છેલ્લા 25 વર્ષથી ગાયત્રી ભજીયા હાઉસ લોકોને સ્પેશીયલ ટામેટાના ભજીયા ખવડાવી રહ્યું છે. આ ભજીયા તો યુનિક છે જ, પણ સાથે સાથે ભજીયા સાથે અપાતી ચટણી પણ લોકો પેટ ભરીને પીવે છે.
આ ભજીયા બનવાનાર છે ગોપાલભાઈ અને ધીરુભાઈ સુદાણી. જેઓ મૂળ રાજકોટના ધોરાજી પાસે આવેલા ભોળા ગામના વતની છે. આ બંને ભાઈઓ મૂળ રૂપે ખેડૂત છે પણ આજથી 25 વર્ષ પહેલા અમદાવાદમાં ધંધો કરવા આવ્યા હતા. અમદાવાદમાં આવીને તેમણે જોયું કે અહિયાંના લોકો સ્વાદ રસિયા છે. તેથી જ તેમણે લોકોને ભજીયા ખવડાવવાનું વિચાર્યું. ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આજથી 25 વર્ષ પહેલા અમે સાવ નાની લારી પર ભજીયા બનાવવાની શરૂઆત કરી હતી. પણ અમારા ભજીયા સાથે આપવામાં આવતી ચટણી લોકોને એટલી પસંદ આવશે તે ક્યારેય નહોતું વિચાર્યું. અમારે લોકોને કંઇક સારું અને અલગ પીરસવું હતું તેથી અમે આખા ભરેલા ટામેટા અને આખા ભરેલા મરચાના ભજીયા બનાવવાનું શરુ કર્યું. જોત જોતામાં આજે અમે આખા પૂર્વ વિસ્તારમાં લોકોને અવનવી વેરાયટીવાળા ભજીયા પીરસીએ છે.
આ પણ વાંચો: 80% વિકલાંગ હોવા છતાં મહેસાણાનાં આ બહેન જાતે જ અથાણાં બનાવી કરે છે ડિલિવર પણ
શરૂઆતમાં તો તેમને એ પણ નહોતું સમજાતું કે ઘરના રસોડામાં બનાવવું અને લારી પર મોટી કડાઈમાં બનાવવું એ બંને વસ્તુ એકદમ અલગ છે. તેથી તેમણે ઘરે જ ભજીયા બનાવવાની શરૂઆત કરી. આસપાસ રહેતા લોકોને પણ તેનો સ્વાદ કેવો છે તેના વિશે પૂછ્યું, પણ જેવા લોકોનો અભિપ્રાય સાંભળ્યો અને તેમણે લારી કરવાનો નિર્ણય લીધો.

ગાયત્રી ભજીયા કોર્નરમાં તમને ઘણા પ્રકારના ભજીયા ખાવા મળશે. જેમાં મેથીના ભજીયા, બટેકા વડા, બટેકાની ચિપ્સના ભજીયા, ડુંગળીની ટીકડી, દાળવડા, આખા મરચાના ભજીયા અને ટામેટાના ભજીયા મળી રહે છે. ગોપાલભાઈ અને ધીરુભાઈ કહે છે કે લોકોને સારું અને ટેસ્ટી ખવડાવવાનું કામ એકદમ સરળ નથી. આ બધા જ પ્રકારના ભજીયા બનવવા માટે સૌ પ્રથમ કાચો માલ સામાન બનાવવો પડે છે જે માટે એકદમ વહેલી સવારે 5 વાગ્યે જ શરૂઆત કરવી પડે છે. તેમનું કહેવું છે કે અમે ભજીયા સાથે કઢી નથી આપતા, પણ ટામેટા અને બીજા મસાલામાંથી બનેલી એક અલગ પ્રકારની ચટણી આપવામાં આવે છે અને લોકો એ ખાવા માટે જ અમદાવાદના ખૂણે ખૂણેથી આવે છે.
ટામેટાના ભજીયા વિશે વાત કરતા તેઓ કહે છે કે અમદાવાદમાં ફરસાણની દુકાનો ઘણી બધી છે અને દરેક લોકોની પોતાની વિશેષતા હોય છે. તેના જ ભાગ રૂપે અમે પણ વિચાર્યું કે આપણે માત્ર મેથી અને બટેકા સિવાય પણ બીજા ભજીયા બનાવવા જોઈએ. તેથી સૌ પ્રથમ આ ભજીયા વિશે ગ્રાહકોને વાત પણ કરી કે અમે આવા પ્રકારના ભજીયા બનાવીએ તો? સાથે જ તેમણે ગ્રાહકોને તે ભજીયાનો ટેસ્ટ પણ કરાવ્યો. દિવસમાં માત્ર પાંચ ટામેટામાં થઇ રહે તેટલો મસાલો તેઓ શરૂઆતમાં બનાવતા. જયારે આજે સાંજ પડતા એકપણ ટામેટાના ભજીયા રહેતા નથી. ઘણી વખત તો મસાલો ખૂટી પડતા લોકો માત્ર બીજા ભજીયા ખાઈને પણ ચાલ્યા જ જાય છે.
આ પણ વાંચો: આ જોડીએ પાણી-પુરીને બનાવી પોતાની બ્રાંડ, ઉભો કર્યો કરોડોનો બિઝનેસ
એક સામાન્ય લારી અને માત્ર મેથીના ભજીયાથી તેમણે આ શરૂઆત કરી હતી. તેમના પિતા ફળો અને શાકભાજીની ખેતી કરતા હતા અને આ ફળો-શાકભાજી વેચીને જ તેમના ઘરનો ખર્ચો પૂરો થતો હતો. તમામ પ્રકારની મુશ્કેલીઓ હોવા છતાં, તેમના માતાપિતાએ તેમના બાળકોને વધુ સારું જીવન આપવાનો પ્રયાસ કર્યો. સાથે જ બંને બાળકોને એ પણ કહ્યું કે તમે શહેરમાં જઈ કંઇક સારું કામ કરો, જેથી તમારું આવનારું ભવિષ્ય સરસ બને. અહિયાં તેઓ ક્યારેય આવ્યા પણ ન હતા.

અમદાવાદમાં આવ્યા બાદ તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા. પણ બંને ભાઈઓની મહેનતને કારણે આજે તેઓ સામાન્ય ભજીયાની લારી પરથી એક દુકાનમાં ધંધો કરવા લાગ્યા, અમદાવાદમાં પોતાના ઘર પણ બનાવ્યા અને નવી પેઢીને સારું શિક્ષણ પણ આપી રહ્યા છે. સાથે જ ગ્રાહકો વધતા રાજસ્થાનથી કારીગર પણ બોલાવ્યા. હવે ધીમે ધીમે તેમનું નામ થયું અને લોકો પ્રસંગોમાં પણ મોટા ઓર્ડર માટે બોલાવતા. પણ ત્યારે એમ થયું કે જો ઓર્ડર પૂરો કરવા જઈએ તો પછી દુકાને આવેલ ગ્રાહક દુકાન બંધ જોઈ નિરાશ થઇ જાય. તેથી તેમણે વિચાર્યું કે શું દુકાનમાંથી જ મોટો ઓર્ડર પૂરો કરી દેવામાં આવે તો?
તેમની આ સમજણ કામ કરી ગઈ અને પછી થોડી મશીનરી લાવવાનું નક્કી કર્યું, જેથી કાચો, માલ સામાન ઝડપથી બની રહે. તે માટે અલગથી ગોડાઉન પણ વસાવ્યું અને ત્યાં જ કારીગરો માટે ઘર પણ બનાવ્યું. તેમનું કહેવું છે કે મોટાભાગના સ્વાદ ગ્રાહકોની સલાહ પર રજૂ કરવામાં આવ્યા છે. તેથી તેઓ ક્યારેય તેમની ગુણવત્તા સાથે સમાધાન કરતા નથી અને પ્રતિસાદના આધારે હંમેશા આગળ વધે છે. વધુમાં તેમનું કેહવું છે કે અમે ક્યારેય ગ્રાહકોને ઠંડા ભજીયા પીરસતા જ નથી. એ પછી ત્યાં જ ખાવાના હોય કે પછી પાર્સલ લઇ જવાના હોય. તેઓ ટામેટાના ભજીયા પણ પહેલેથી તૈયાર નથી રાખતા. જેમ જેમ ગ્રાહકની માંગ આવે છે તેમ તેમ તેમની સામે જ તેને બનાવે છે.
તો પછી તમે કોની રાહ જુઓ છો, એકવાર ચોક્કસથી સ્વાદ માણજો ગાયત્રી ભજીયા હાઉસનાં ટામેટા ભજીયાં.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: ચાર-ચાર પેઢીથી અમદાવાદીઓને દાઢે વળગેલ દાસ ખમણની સફર છે બહુ રસપ્રદ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.