જો ઇચ્છાશક્તિ પ્રબળ હોય તો દરેક સપનાને ઉડાન અને આકાશ મળી જાય છે. પરંતુ દરેક સપનાને સફળ થવા પાછળ અઢળક મહેનત, પરિશ્રમ રહેલો હોય છે, ત્યારે પરિશ્રમ એ જ પારસમણિના સુત્રને ખરા અર્થમાં સાર્થક કરી સફળતા મેળવનાર એક એવી મહિલાના પ્રરેક જીવન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે શારિરીક ખોડખાંપણના તમામ પડકારોનો મક્કમ અને મજબૂત મને સામનો કરી તમામ ધ્યેય સિધ્ધ કર્યા છે.
આ વાત છે ગુજરાતના મહેસાણા જિલ્લાના તારંગા ગામમાં રહેતા 35 વર્ષીય ચેતનાબેન પટેલની. જેઓ 4 વર્ષની નાની વયે ડોકટર દ્વારા આપવામાં આવેલા એક ઈન્જેકશનના કારણે શારીરિક ખોડખાંપણનો ભોગ બન્યા હતા. જેના કારણે તેમના કમરથી લઈને પગ સુધીનો ભાગમાં પોલિયોની અસર થઈ ગઈ હતી, પરિણામે હાલ તેઓ 80 ટકા વિકલાંગતા ધરાવે છે, ત્યારે બાળપણથી લઈને આજદિન સુધી પોતાની આ લાચારી સામે ભાંગી પડવાની જગ્યાએ તેમણે અડગ મન સાથે કરેલા સાહસ અને પરિશ્રમ સાથે તેઓએ પોતાના અથાણાંના વ્યવસાયને સફળ બનાવી આર્થિક રીતે પગભર થયા છે.

· વિકલાંગતાના કારણે 8 વર્ષ સુધી પ્રાણીની જેમ ચાલીને શાળાએ પહોંચ્યા
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં ચેતનાબેન પટેલે પોતાના પ્રાથમિક શિક્ષણ અંગે વાત કરતા જણાવ્યું કે, જે-તે સમયે પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તેઓ માટે વિકલાંગો માટેની ત્રણ પૈડાવાળી સાયકલ લાવવી અશક્ય હતી. તેમ છતાંય તેમણે આ પડકાર સામે બાથ ભીડી શિક્ષણ મેળવવાનો નિરધાર કર્યો, અને એક પ્રાણીને જેમ 4 પગે ચાલીને તેઓ સ્કૂલે જવાનું શરૂ કર્યું હતું, માત્ર એટલું જ નહીં પરંતુ ઉનાળાની ઋતુમાં ધખધખતા તાપ હોવાના કારણે જે કાચા રસ્તાઓ પર ખુલ્લા પગે ચાલવું મુશ્કેલ હોય તેવા રસ્તા પર તેઓ હાથ અને પગમાં 2 જોડી મોજા પહેરીને 1 કિલોમિટર સુધી ચાલીને સ્કૂલે પહોંચતા હતા. જેના કારણે તેઓને હાથ અને પગમાં અનેક છાલા પણ પડી જતા હતા. આમ તેમણે અનેક સંઘર્ષો કરી ઘોરણ 1 થી લઈને 8 સુધી એમ કુલ 8 વર્ષ ચાર પગે ચાલીને સ્કૂલે પહોંચ્યા અને શિક્ષણ મેળવ્યું હતું. જ્યારબાદ એક મિત્રની સહાયના કારણે તેમને ત્રણ પૈડાવાળી સાયકલ મળી હતી.
· સફળતા મેળવવી હશે તો કષ્ટ સહન કરવું પડશે – ચેતનાબેન પટેલ
આ સાથે ચેતનાબેન પટેલે માસ્ટર ઓફ આર્ટસ (એક્સટર્નલ) પાસ કર્યા બાદ નોકરી ન મળવાના કારણે તેમને બે વર્ષ સુધી બેરોજગાર બેસી રહ્યા હતા. ત્યારે એક ખાનગી સેવાભાવી સંસ્થા દ્વારા તેમના ગ્રામીણ વિસ્તારમાં કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં તેઓ સિલાઈ મશીન શીખવાનું શરૂ કર્યું, પરંતુ વિના મૂલ્યે સિલાઈ કામની તાલીમ આપનારી સંસ્થા ત્રીજા માળે હતી અને તે બિલ્ડિંગમાં કોઈ લિફ્ટની પણ સુવિધા ન હતી. ત્યારે પિતા રમણભાઈએ ચેતનાબેનના ક્લાસ ન કરવાની સલાહ આપી ત્યારે તેમણે કહ્યું કે, સફળતા મેળવવી હશે તો કષ્ટ તો સહન કરવું જ પડશે અને આ જ ધ્યેય સાથે તેમણે 6 મહિના સુધી સિલાઈના ક્લાસ પણ કર્યા હતા. આ દરમિયાન તેમની કાર્ય પ્રત્યેની પ્રતિભા જોઈને આ ખાનગી સંસ્થા દ્વારા તેમને કમ્પ્યૂટરની નોકરી આપવામાં આવી હતી. અને વર્ષ 2009 થી 2017 સુધી ચેતનાબેન પટેલે નિષ્ઠાપૂર્વક નોકરી કરી હતી.
· અથાણાના વ્યવસાયની કરાઈ શરૂઆત
વર્ષ 2017 માં ચેતનાબેનના મોટાભાઈ નરેદ્રભાઈના પુત્ર ઓમકુમારનું નિધન થયું હોવાના કારણે તેમને પરત સતલાસણા તાલુકાના તારંગા ગામમાં પરત આવવું પડ્યું હતું. અને ગ્રામ્ય વિસ્તાર હોવાના કારણે મહિનાઓ સુધી ફરી એકવાર તેમને બેરોજગાર રહેવું પડ્યું હતું. પરંતુ ઘણા પ્રયાસો બાદ તેમને સ્થાનિક વિસ્તારના એક એસ્ટેટમાં વર્ક ફ્રોમ હોમની નોકરી લાગી હતી. અને આ નોકરીમાંથી પૈસા બચાવીને તેઓએ એક એક્ટિવા પણ ખરીદી હતી. તેમનું ઘર ખુબ જ સારી રીતે ચાલી રહ્યું હતું. પરંતુ કોરોના મહામારી આવવાના કારણે ફરી એકવાર તેમણે નોકરી ગુમાવી દીધી હતી. ત્યારે વર્ષ 2020 માં તેમણે અને તેમના ભાભી સોનલબહેને અથાણાંનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું હતું.

· અથાણાના પ્રથમ ઓર્ડરની આ રીતે થઈ શરૂઆત
અથાણાના વ્યવસાય શરૂ કરવાને લઈને ચેતનાબેન પટેલે જણાવ્યું કે, અથાણાનો વ્યવસાય શરૂ કરવાનો આઈડિયા આવ્યા બાદ તેમણે અને તેમના ભાભીએ સાથે મળીને પ્રથમ વખત 2 કિલો અથાણું બનાવ્યું અને આજુ-બાજુના ગામડાઓમાં વિના મૂલ્યે લોકોને ચાખવા માટે આપ્યું હતું અને જેનો ખુબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. ત્યારબાદ મેં મારા દિવ્યાંગના વોટ્સઅપ ગ્રુપમાં અથાણાના ફોટા મુકવાનું શરૂ કર્યું, ત્યારબાદ ઘણા લોકોએ મને અથાણાના ઓર્ડર પણ આપ્યા હતા, જેઓને મેં કુરિયર મારફતે પહોંચાડ્યા હતા, ધીમે ધીમે અથાણાના ઓર્ડર વધવા લાગ્યા અને જ્યારે આજુ બાજુના ગામડાઓમાંથી 5 થી 10 કિલોના ઓર્ડર આવવા લાગ્યા ત્યારે હું ખુદ એક્ટિવા મારફતે ઓર્ડર આપવા ગઈ હતી. અને 1 વર્ષ પહેલા શરૂ કરેલા અથાણાના વ્યવસાયમાં તેઓ માસિક 30 કિલો અથાણાંનું વેચાણ કરી રહ્યા છે.
· અથાણાના વ્યવસાયને આગળ વધારવા ભવિષ્યની યોજના
આ અથાણાના વ્યવસાયને ભવિષ્યમાં આગળ વધરાવાની યોજનાને લઈને ચેતનાબેન પટેલે જણાવ્યું કે, હું આગામી દિવસમાં એક નાની દુકાન લેવાની છું, અને એક જ જગ્યા પરથી દરેક લોકોને અથાણું મળી રહે તેવું આયોજન કરવું છે. અને હું 10 થી વધુ દિવ્યાંગ બહેનોને આ વ્યવસાય થકી રોજગારી આપી શકુ તેવો પણ પ્રયાસ કરવાની છું.
ચેતનાબેન અને તેમની ટીમ દ્વારા હાલ લાલ મરચા, લીંબુ, બીજોરા અને કેરીના અલગ અલગ અથાણા 200 પ્રતિ કિલ્લોના દરે વહેંચાણ કરી રહ્યા છે. ત્યારે જો આપને પણ આ અથાણું ખરીદવા માંગતા હોય તો તમે +91 95864 32783 નંબર પર કોલ લગાવીને ઓનલાઈન ઓર્ડર આપી શકો છો. જે કુરિયર મારફતે તમારા ઘરે પહોંચાડવામાં આવશે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: કેન્સર સર્વાઈવર પતિ-પત્નીનો લૉકડાઉનમાં કૂરિયર બિઝનેસ પડી ભાંગતાં ખાખરા બનાવી બન્યાં આત્મનિર્ભર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.