Search Icon
Nav Arrow
Chatar Patar
Chatar Patar

આ જોડીએ પાણી-પુરીને બનાવી પોતાની બ્રાંડ, ઉભો કર્યો કરોડોનો બિઝનેસ

2011માં નાની દુકાનમાં શરૂ કરી હતી પાણી-પુરી બ્રાંડ, હવે 22 રાજ્યોમાં છે ‘ચટર પટર’નાં આઉટલેટ્સ

‘પાણી-પુરી’ નામ સાંભળતા જ ઘણા લોકોના મોઢાામાં પાણી આવવા લાગે છે. તમારા શહેરમાં કોઈને કોઈ એક એવો સ્ટોલ જરૂર હશે, જ્યાંની પાણી-પુરી તમને સૌથી વધારે પસંદ હશે. પરંતુ શું તમે જાણો છો કે પાણી-પુરી પણ એક બ્રાન્ડ તરીકે રજૂ કરવામાં આવી છે? હા, આજે અમે તમને એવા દંપતી સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જેમણે પાણી-પુરીને એક બ્રાન્ડ તરીકે રજૂ કરી છે. સૌથી રસપ્રદ બાબત એ છે કે હાર્વર્ડ યુનિવર્સિટીએ તેમની પાણી-પુરી બ્રાન્ડ પર કેસ સ્ટડી કરી છે.

આ અનોખી પાણી-પુરી બ્રાન્ડનું નામ ‘ગપાગપ’ છે, જેને ચટર પટર કંપની દ્વારા લોન્ચ કરવામાં આવી છે. પાણી-પુરીની જેમ, ચટાકેદાર નામવાળી આ બ્રાંડ શરૂ થવામાં અને સફળ થવાની સ્ટોરી પણ ચટાકેદાર છે.

વર્ષ 2011માં મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક નાના કિઓસ્કથી ‘ચટર પટર’ ની સ્ટોરી શરૂ થઈ હતી અને આજે તે 22 રાજ્યોના વિવિધ શહેરોમાં પહોંચી ગઈ છે. શું ખબર જ્યારે તમે આ કહાની વાંચી રહ્યા હોય, ત્યારે ચટર-પટરનું આગલું આઉટલેટ તમારા શહેરમાં જ ખુલી રહ્યું હોય. તેથી પહેલાંથી જ તમે આ બ્રાંડ વિશે જાણી લો જે પાણીપુરી અને ચાટને માત્ર ‘સ્ટ્રી ફૂડ’નાં ટેગમાંથી બહાર કાઢીને બર્ગર કિંગ, ડોમિનોઝની જેમ એક અલગ અને અનોખી રીતે બનાવી રહી છે.

ઈન્દોરના રહેવાસી પ્રશાંત કુલકર્ણી અને આરતી સિરસટ કુલકર્ણીએ મળીને આ બ્રાન્ડની શરૂઆત કરી હતી. આરતી સોફ્ટવેર એન્જિનિયર છે જ્યારે પ્રશાંત MBA છે. લગભગ 12 વર્ષ પહેલા બંને ઇન્ફોસિસમાં કામ કરતા હતા. કામ પરથી પરત ફરતી વખતે, તેને એક આદત હતી કે તે રસ્તામાં લારીમાંથી પાણી-પુરી ખાતા હતા. એકવાર પાણી-પુરી ખાધા પછી પ્રશાંતની તબિયત બગડી અને ડૉક્ટરે તેને પાણી-પુરી ન ખાવાની સલાહ આપી. જો કોઈ અન્ય વ્યક્તિ હોત તો કદાચ તેણે પાણી-પુરી ખાવાનું બંધ કરી દીધું હોત, પણ પ્રશાંતે વિચાર્યું કે શા માટે પાણી-પુરીનું સ્ટાન્ડર્ડ વધારવું ન જોઈએ જેથી લોકો આરામથી બેસીને સ્વચ્છ જગ્યાએ પાણી-પુરીનો આનંદ માણી શકે.

Chatar Patar

અને આ વિચાર સાથે દેશની પ્રથમ પાણી-પુરી બ્રાન્ડ શરૂ કરી. ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા, પ્રશાંત અને આરતીએ તેમની સફર વિશે વાત કરી.

માત્ર 10 હજાર રૂપિયાથી શરૂઆત કરી
પ્રશાંત અને આરતીએ 2011માં નાના સ્ટોલથી શરૂઆત કરી હતી. તે સમયે પ્રશાંતે નોકરી છોડી દીધી હતી કારણ કે તે સંપૂર્ણપણે ધંધા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતો હતો. પરંતુ આરતી એક કોલેજમાં ભણાવતી હતી અને સાથે મળીને, વ્યવસાયમાં મદદ કરી. પ્રશાંતે કહ્યું, “અમે નાની શરૂઆત કરી જેથી જોખમ વધારે ન હોય. અગાઉ અમે માત્ર પાણી-પુરી અને બે-ત્રણ પ્રકારની ચાટથી શરૂઆત કરી હતી. પણ પછી ધીરે ધીરે અમે લોકોની માંગ મુજબ અમારા મેનુમાં વધારો કર્યો. ઘણા લોકોએ અમને કહ્યું કે આ વિચાર કામ કરશે નહીં કારણ કે કોઈ પણ પાણી-પુરીની લારી લગાવી શકે છે. આવી સ્થિતિમાં જો કોઈ એન્જિનિયરિંગ અને એમબીએ કર્યા બાદ પાણી-પુરી વેચે તો લોકો હસશે. પરંતુ અમારી યોજના માત્ર પાણી-પુરી વેચવાની નહોતી પરંતુ તેને બ્રાન્ડ બનાવવાની હતી.”

આરતીએ મોટાભાગની રેસીપી તૈયાર કરી હતી અને પ્રશાંતે મોટાભાગના બિઝનેસનું વિસ્તરણ કર્યું હતું. રાત-દિવસ મહેનત કરીને તેમણે પાણી-પુરી માટે અલગ અલગ ફ્લેવર તૈયાર કર્યા. આરતી કહે છે કે તેણે એક પછી એક 100થી વધુ વિવિધ ફ્લેવર બનાવ્યા. આરતી કહે છે, “અમારો પ્રયાસ હતો કે મોટી બ્રાન્ડના પિઝા અને બર્ગરનો સ્વાદ દરેક શહેરમાં સમાન રહે. એ જ રીતે, અમારી પાણી-પુરી અને ચાટનો સ્વાદ પણ સરખો જ રહેવો જોઈએ. આ માટે, અમે પ્રોસેસિંગ પર ધ્યાન આપ્યુ અને વિવિધ પ્રયોગો કરીને અમે અમારા ઉત્પાદનો તૈયાર કર્યા. તમારે ફક્ત આ પાવડરને સૂચના મુજબ પાણીમાં મિક્સ કરવાનો છે અને તમારી પાણી-પુરીનું પાણી તૈયાર છે.”

Food Startup

જોત જોતામાં તેમનું કિઓસ્ક આઉટલેટમાં ફેરવાઈ ગયુ. પ્રશાંત અને આરતીએ શરૂઆતમાં માર્કેટિંગ પાછળ કોઈ પૈસા ખર્ચ્યા ન હતા. તેના બદલે લોકોએ તેમનું માર્કેટિંગ કર્યું. તે કહે છે કે તેમની પાણી-પુરીનો સ્વાદ અને ગુણવત્તા તેના આઉટલેટમાં લોકોને લઈને આવતા હતા.

આરતીએ કહ્યું, “પહેલા અમારા પરિવારને થોડી શંકા હતી પણ પછી તેઓ સમજી ગયા કે અમે આ કરી શકીએ છીએ. તે પછી તેમણે અમને સંપૂર્ણ સહયોગ આપ્યો. પ્રશાંતની બહેન પલ્લવીએ પણ શરૂઆતમાં અમારી મદદ કરી. લોકોની પ્રસિદ્ધિ અને અમારા પ્રિયજનોના આશીર્વાદથી અમારી સફળતાનો માર્ગ ખુલ્લો થવા લાગ્યો. રાજકોટની એક વ્યક્તિ પોતે આવી અને પૂછ્યું કે શું અમે તેને અમારી બ્રાન્ડની ફ્રેન્ચાઇઝી આપીશું? તે અમારા માટે કોઈ સપનાથી ઓછું નહોતું અને તે પછી અમે ક્યારેય પાછું વળીને જોયું નથી.”

આજે આરતી અને પ્રશાંત પોતાની બ્રાન્ડ દ્વારા લોકોને 100 થી વધુ પ્રકારની પાણીપુરી ખવડાવે છે. રસપ્રદ વાત એ છે કે હાર્વર્ડ યુનિવર્સિટીએ તેમની પાણી-પુરી બ્રાન્ડ પર કેસ સ્ટડી કર્યો છે. પ્રશાંત કહે છે કે તેમના માટે ગર્વની વાત છે કે વિશ્વની પ્રખ્યાત યુનિવર્સિટી પાણી-પુરીના ધંધા પર સંશોધન કરી રહી છે જેને માત્ર ચાટની વસ્તુ માનવામાં આવે છે. તેમણે આગળ કહ્યું કે કોરોના મહામારી અને લોકડાઉનની અસર તેમના વ્યવસાય પર પડી છે. પરંતુ તેમ છતાં તેઓ આગળ વધવાની નવી રીતો શોધી રહ્યા છે.

પાણી-પુરીમાં સફળતા બાદ વધુ બ્રાંડ શરૂ કર્યા
પ્રશાંતે જણાવ્યું હતું કે પાણી-પુરી અને ચાટમાં સફળતા મળ્યા બાદ, તેમણે ઘણી વધુ ખાદ્ય ઉત્પાદનોમાં સાહસ કર્યું. જેમ તેણે ગ્રાહકોને ભારતના દેશી બર્ગર ખવડાવવા માટે ‘બોક્સ-ઓ-બર્ગર’ બ્રાન્ડ શરૂ કરી. આ પછી તેણે ‘અંડેવાલા’ પણ શરૂ કર્યુ. તેમણે કહ્યું કે આપણા દેશમાં ઘણા લોકો માત્ર ઇંડા ખાય છે, માંસાહારી નથી. તેમણે તેમના માટે ખાસ જગ્યા તૈયાર કરવાનું વિચાર્યું. તેઓ કહે છે કે અંડેવાલા લોકોને 100થી વધુ ઇંડાની વાનગીઓ પૂરી પાડે છે.

“એ જ રીતે, કોરોના રોગચાળો અને લોકડાઉન દરમિયાન, જ્યારે અમારા નિયમિત કાફે, આઉટલેટ્સ થોડા સમય માટે બંધ હતા, ત્યારે અમને ક્લાઉડ કિચનનો વિચાર આવ્યો. છેલ્લા એક વર્ષમાં, અમે અલગ અલગ જગ્યાનાં વ્યંજનો જેવાકે દક્ષિણ ભારતીય, ઉત્તર ભારતીય વગેરે માટે ક્લાઉડ કિચન પણ શરૂ કર્યા છે. આ રીતે, આજે અમે 30 થી વધુ ફૂડ બ્રાન્ડનો વિકાસ કરી રહ્યા છીએ. આ તમામ બ્રાન્ડ્સ સહિત, અમારી પાસે દેશભરમાં 300થી વધુ આઉટલેટ્સ છે અને આ દ્વારા અમે 3000 થી વધુ લોકોને રોજગારી પૂરી પાડવા સક્ષમ છીએ.” તેમણે જણાવ્યુ.

Food Startup

તેમના ગ્રાહકોમાંથી એક મયંક તિવારી કહે છે કે, કોઈ નથી જે ચટર પટરની જગ્યા લઈ શકે. કારણ કે તેમની તમામ વાનગીઓ ખૂબ સારી છે અને તેમની સર્વિસ પણ ઘણી સારી છે. તો, ફૂડ બ્લોગર ઇશપ્રીત મલ્હોત્રા કહે છે કે લોકોએ તેમની ‘ચાટિઝા’ અને ‘ગપાગપ’ વાનગીઓ અજમાવી જ જોઈએ. કોલકાતામાં ચટર-પટરની ફ્રેન્ચાઇઝી ચલાવી રહેલા ચેતન ખંડેલવાલ કહે છે કે, તેમનાં ત્યાં પણ લોકોને પાણી-પુરી, ભેલ અને ચાટ પસંદ આવી રહી છે. તેમને ગ્રાહકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

બિઝનેસની વાત કરીએ તો આજે તેમનું ટર્નઓવર કરોડોનું છે અને તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે જવાની યોજના ધરાવે છે. તે દુબઈ અને નેપાળ જેવા દેશોમાં પોતાના સ્ટોર ખોલવાની યોજના પર કામ કરી રહ્યો છે. સાથોસાથ, પ્રશાંત અને આરતી ફૂડ બિઝનેસમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક ઉદ્યોગસાહસિકોને માર્ગદર્શન આપવા માટે એક મંચ શરૂ કરવા પર પણ કામ કરી રહ્યા છે. તેઓ કહે છે કે તે કંઈક નવુ કરવાની ઈચ્છા રાખતા લોકોને તેઓ વધારે આગળ વધતા જોવા માંગે છે જેથી તેમને જે મુશ્કેલી પડી તે લોકોને ન પડે.

અંતે તે એટલું જ કહે છે, “તમારો વિચાર મોટો હોવો જોઈએ. જો તમે ઓછા પૈસાનું રોકાણ કરો તો પણ તે કામ કરશે, પરંતુ તમારો વિચાર એવો હોવો જોઈએ કે તે દરેકને વિચારવા માટે મજબૂર કરે. આજે સમય કઠિન છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તમે કંઈ કરી શકતા નથી. તમારે ફક્ત તમારામાં વિશ્વાસ રાખવાની અને આગળ વધવાની જરૂર છે.”

જો તમે પ્રશાંત અને આરતી દ્વારા શરૂ કરવામાં આવેલી પાણી-પુરીની બ્રાન્ડ વિશે વધુ જાણવા માંગતા હો, તો તમે તેમની યુટ્યુબ ચેનલ પર જઈ શકો છો. તમે તેમની ફ્રેન્ચાઇઝી વિશે વધુ માહિતી મેળવવા માટે તેમની વેબસાઇટ ની મુલાકાત લઇ શકો છો.

મૂળ લેખ: નિશા ડાગર

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: 80% વિકલાંગ હોવા છતાં મહેસાણાનાં આ બહેન જાતે જ અથાણાં બનાવી કરે છે ડિલિવર પણ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon