છેલ્લાં 15 વર્ષથી ગાર્ડનિંગ કરી રહેલ નવિનભાઈ મહેતા લગભગ 35 વર્ષથી ખેતી સાથે પણ જોડાયેલા છે. નવિનભાઇ ધોરણ 8 ભણ્યા બસ ત્યારથી જ ખેતી સાથે જોડાયેલા છે. જોકે તેઓ સ્કૂલમાં શિક્ષક પણ હતા અને અત્યારે રિટાયર્ડ થઈ ગયા છે.
50 વર્ષના નવિનભાઇએ સ્વાસ્થ્યના કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે અને હવે તેમનું જીવન પ્રકૃતિ સાથે પસાર કરી રહ્યા છે.

નવીનભાઇ ગુજરાતના એક નાનકડા શહેર બારડોલીમાં રહે છે. નવિનભાઇના ઘરમાં લગભગ 800 ચોરસ ફૂટ જગ્યા છે. જેમાં લગભગ 200 ડોલ, 100 બેગ અને અન્ય ઘણાં કૂંડાં છે. જેમાં નવિનભાઇ શાકભાજી, ફળ-ફૂલ અને ઔષધીઓ ઉગાડે છે.
નવિનભાઇ તેમના ટેરેસ ગાર્ડનમાં કોઇપણ પ્રકારનાં રસાયણોનો ઉપયોગ નથી કરતા. ઋતુ પ્રમાણે અલગ-અલગ પાકનું વાવેતર કરતા નવિનભાઇ વાવતાં પહેલાં જ માટી તૈયાર કરવાનું શરૂ કરી દે છે. એક સિઝન જવાની તૈયારી થઈ જાય એટલે એ છોડને કાઢીને એ માટીને સૂકવવા મૂકી દે છે અને બીજાં કુંડાંમાં સિઝન પ્રમાણેનાં ફળ અને શાકભાજીનું વાવેતર કરે છે, જે તેમણે પહેલાંથી તૈયાર કરી હોય.

ધ બેટર ઈન્ડિયા સાથે ટેરેસ ગાર્ડનિંગ અંગેની વાત કરતાં નવિનભાઇ જણાવે છે, “આજકાલ ઓર્ગેનિક શાકભાજી અને ફળો મળવાં બહુ મુશ્કેલ છે. અને જો મળે તો એ બહુ મોંઘાં હોય છે અને દરેક વ્યક્તિએ જેટલી પણ જગ્યા મળે એટલું ગાર્ડનિંગ કરવું જોઇએ. વધારે નહીં તો 5-10 કૂંડાંમાં વાવો. જેમાંથી તમને પૌષ્ટિક ફળ-શાકભાજી તો મળશે જ, સાથે-સાથે તણાવ પણ ઓછો થશે. સવારે ઊઠીને તમે સૌથી પહેલાં તમારા છોડ પાસે જશો ત્યારે મનને અદભૂત શાંતિ મળશે. લાગણીનો એક સંબંધ બંધાશે.”

છોડ વાવતાં પહેલાં માટી બનાવવાની ખાસ ટિપ્સ:
- જો તમે ધાબા કે બાલ્કનીમાં ગાર્ડનિંગ કરતા હોય તો માટીનું પ્રમાણ ઓછું રાખો.
- 25 ટકા માટી અને બાકીના ભાગમાં કોકોપીટ, લાકડાનો વેર, છાણીયું કે કમ્પોસ્ટ ખાતર કે પછી કિચન વેસ્ટમાંથી બનાવેલ ખાતરનો ઉપયોગ કરો.
- તમારી આસપાસ ચોખાની મિલ હોય તો તેમાંથી નીકળતાં ફોતરાંનો ઉપયોગ પણ કરી શકાય છે.
- જો અળસિયાનું ખાતર મળી શકે તો તેનો બહુ સારો ફાયદો મળશે..
- માટી અને ખાતરની સાથે જ થોડો લીમડાનો ખોળ પણ મિક્સ કરો, જેથી માટીમાં ફૂગ આવવાની સમસ્યા નહીં રહે.
- જો લીમડાનો ખોળ ન મળે તો લીમડાનાં લીલાં કે સૂકાં જે પાન મળે એ મિક્સ કરો.

ખાતર અંગેની એક ખાસ સલાહ આપતાં નવિનભાઇ જણાવે છે કે, કમ્પોસ્ટ ખાતર હોય કે કિચન વેસ્ટનું ખાતર કે પછી છાણિયું ખાતર, જેટલું જૂનું હશે એટલું જ વધારે ફાયદાકારક છે. કમ્પોસ્ટ ખાતર અને છાણીયું ખાતર એકદમ માટી જેવું થઈ જાય પછી જ ઉપયોગમાં લેવું, નહીંતર માટીમાં ફૂગ આવવાની શક્યતા વધી જાય છે.
છતાં જો છોડમાં ઈયળ કે કીડા પડે તો, લીમડો, આકડો, ધતૂરો જેવા કોઇપણ કડવા ઝાડ-છોડના પાનનું પાણી બનાવી તેનો છંડકાવ કરો. પરંતુ આ પહેલાં એક વાતનું ધ્યાન રાખશો તો આ સમસ્યા ભાગ્યે જ જોવા મળશે. આ અંગે નવિનભાઇ કહે છે, “છોડ એકવાર આગળ વધવા લાગે એટલે દર અઠવાડિયે પાણીમાં લીમડાનું તેલ મિક્સ કરી છાંટતા રહો. ઈયળ કે કીડા ન પડ્યા હોય તો પણ છાંટો. એક લિટર પાણીમાં એક ચમચી લીમડાનું તેલ મિક્સ કરવું. એટલે જલદી આ સમસ્યા ઊભી જ નહીં થાય. પરંતુ જો છતાં પણ આ સમસ્યા ઊભી થાય તો, જેવી ઇયળો પડવાની શરૂ થાય તો, શરૂઆતથી જ પાણીમાં વાસણ ઘસવાનું લિક્વિડ કે પાવડર મિક્સ કરી છાંટો, એટલે કાબુમાં આવી જશે.”

નવિનભાઇના ટેરેસ ગાર્ડનમાં અત્યારે રીંગણ, ટામેટાં, બ્રોકોલી, દૂધી, ગલકાં, અળવી, મૂળા, મેથી, કોથમીર, મશરૂમ, બીટ રૂટ, ગલકાં, કારેલાં, કાકડી, શક્કરટેટી, અનાનસ, તરબૂચ સહિત ઘણું જોવા મળશે. સામાન્ય રીતે આપણે ત્યાં રીંગણ માત્ર શિયાળામાં જોવા મળે છે, ત્યાં નવિનભાઇના ટેરેસ ગાર્ડનમાં રીંગણ બારેય માસ જોવા મળે છે. નવિનભાઇ એક શાકભાજીના 8-9 છોડ રાખે છે, જેથી વારાફરથી શાક મળતું રહે. તેમની પોતાની જરૂરિયાત પૂરી થાય ત્યારબાદ નવિનભાઇ બીજાં શાક સગાં-સંબંધીઓના ઘરે પણ મોકલાવે છે.
વાત ઔષધીઓની કરવામાં આવે તો, નવિનભાઇના ધાબામાં તુલસી, ગિલોય, ડોમ વેલ, પારિજાત, બારમાસી, કુવારપાઠું સહિત 30 કરતાં પભ વધારે ઔષધીઓ છે. તેઓ આ બધી ઔષધીઓના રોપા પણ બનાવે છે અને બીજા કોઇને વાવવી હોય તો તેમને મફતમાં આપે છે. જેથી લોકોને આમાં પ્રેરણા મળે છે.

ફળ-શાકભાજીના રોપાની વાત કરવામાં આવે તો, નવિનભાઇ રોપા ઓનલાઇન મંગાવે છે. તેમના જણાવ્યા મુજબ ઓનલાઇન મંગાવેલ છોડમાં ફળ વધારે આવે છે. એક છોડમાં 80-85 ટામેટાં આવે છે.
નવિનભાઇ છેલ્લા 3-4 વર્ષથી ગાર્ડનિંગ અંગે ચાલી રહેલ ગુજરાતી ગૃપ્સમાં તેમના ટેરેસ ગાર્ડનની માહિતી પણ મૂકે છે અને કોઇને માર્ગદર્શન જોઇતું હોય તો આપે પણ છે.
જો તમને પણ નવિનભાઇનો આ લેખ ગમ્યો હોય અને તમે તેમની સાથે સંપર્ક કરવા ઇચ્છતા હોય તો તેમના ફેસબુક પર સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: ઘરમાં છે 700+ ઝાડ-છોડ, ફળ-ફૂલ અને શાકભાજીની સાથે તમને જોવા મળશે વડ અને પીપળા પણ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.