રાજસ્થાનના જયપુરમાં રહેતી વંદના જૈન વ્યવસાયે એક ફેશન ડિઝાઇનર છે અને સાથે-સાથે ઔષધીય તેલ બનાવવાનો વ્યવસાય પણ કરે છે. 48 વર્ષની વંદનાને બાળપણથી જ ઝાડ-છોડ સાથે બહુ નીકટનો સંબંધ છે. કદાચ આ જ કારણે જીવનમાં આટલી વ્યસ્તતા હોવા છતાં તેના દિવસની શરૂઆત થાય છે ઘરમાં જ ઉગાડેલ ઝાડ-છોડ સાથે.
વંદનાએ ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું, “350 વર્ગ ગજના મારા ઘરમાં ચારેય તરફ ઝાડ-છોડ છે. મારા પિતા અને દાદીને ગાર્ડનિંગનો બહુ શોખ હતો અને તેમણે જ અમને જીવનમાં ઝાડ-છોડનું મહત્વ સમજાવ્યું હતું. હું બાળપણથી જ ગાર્ડનિંગ કરી રહી છું.”

આજે વંદનાના ઘરમાં 700 કરતાં પણ વધારે ફળ-ફૂલ વાળાં ઝાડ અને છોડ છે, સાથે-સાથે વંદના શાકભાજીની ગાર્ડનિંગ પણ કરે છે.
આ અંગે તે જણાવે છે, “મારા ઘરમાં પીપળો, વડ, દાડમ, સંતરાની સાથે-સાથે બોનસાઇનું ઝાડ છે. ફૂલોમાં એડિનિયમ, ગુલાબ, ગલગોટા વગેરે છે. તો હું દૂધી, પાલક, રીંગણ જેવી ઘણી શાકભાજી ઘરે જ ઉગાડું છું, જેથી મારે તેને બજારમાંથી નથી ખરીદવાં પડતાં.”

વંદના ગ્રાફ્ટિંગ (કલમ કાપવી) દ્વારા ઘરમાં જ એક છોડમાંથી બીજા ઘણા છોડ બનાવે છે. રસપ્રદ વાત તો એ છે કે, તેમના ઘરમાં 45 વર્ષનું એક બોનસાઇ વડનું ઝાડ પણ છે.
ખૂબજ ખાસ છે આ ઝાડ
આ બાબતે વંદના જણાવે છે, “કલમ લગાવવાની કળા હું મારા પિતાજી પાસેથી શીખી હતી અને બાળપણથી જ મારી અને તેમની વચ્ચે બોનસાઇનાં ઝાડ લગાવવા બાબતે હરિફાઇ લાગતી. જ્યારે મારાં લગ્ન થયાં ત્યારે મને ભેટમાં પણ એક બોનસાઇ વડનો છોડ આપ્યો હતો, જે અત્યારે 45 વર્ષનું બોનસાઇ ઝાડ બની ગયું.”

વંદના જણાવે છે, “મારા પિતાની તબિયત બહુ નાજુક હતી તે સમયે હું ઓસ્ટ્રેલિયામાં હતી. હું તેમને મળી ન શકી, પરંતુ તેમણે મને ફોન પર એક વાત કહી કે, મેં તને જે વસ્તુ આપી છે, તેમાં હું હંમેશાં રહીશ… એટલે અત્યારે એ વડનું ઝાડ મારા માટે મારા પિતા સમાન છે અને હંમેશાં મારી સાથે રહેશે.”
કેવી રીતે કરે છે ગાર્ડનિંગ
વંદના જણાવે છે, “હું મારા છોડ પુણે કે બેંગલુરૂથી મંગાવું છું, પરંતુ જ્યાં હું રહું છું એ વિસ્તાર બહુ સૂકો છે. એટલે મારે છોડની દેખભાળ માટે વધારે સાવધાની રાખવી પડે છે. વરસાદ આવે એટલે હું બોનસાઇના છોડને ખૂબજ સાવધાની તેની માટીથી અલગ કરી દઉં છું. માટીથી અલગ કરી બાકીનાં મૂળ સાચવીને અલગ કરી મુખ્ય મૂળને થોડું કાપી દઉં છું. કારણકે ઉંમર વધવાની સાથે મુખ્ય મૂળનું કામ વધારે રહેતું નથી.”

વંદના જણાવે છે, “હું બોનસાઇના છોડ માટે માટી બનાવતી વખતે બાલૂ, માટી, વર્મી કમ્પોસ્ટ કે કિચન વેસ્ટને સરખા ભાગે લઉં છું. સાથે-સાથે, મૂળના ઝડપી વિકાસ માટે તેમાં એક ચમચી બોનામીલ (પ્રાણીઓનાં હાડકાંનો પાવડર) નાખું છું.”
તો, વંદના કુંડામાં છોડ ઉગાડતાં પહેલાં તેમાં ઈંટના નાના-નાના ટુકડા મૂકે છે, જેથી કુંડાનું વધારાનું પાણી સૂકવવામાં મદદ કરે છે.

ફળ-શાકભાજીનું ગાર્ડનિંગ કરે છે વંદના
વંદનાના જણાવ્યા અનુસાર, “બજારમાં ઉપલબ્ધ રસાયણયુક્ત શાકભાજીના સેવનથી સ્વાસ્થ્યને બહુ નુકસાન થાય છે. એટલે જ ઘરમાં કેટલાંક ફળ અને શાકભાજી ઉગાડવાં બહુ મહત્વનું છે.”
તેઓ જણાવે છે, “શાકભાજીના ગાર્ડનિંગ માટે કિચન વેસ્ટ અને વર્મી કમ્પોસ્ટ જ પૂરતાં છે. પરંતુ, શાકભાજીવાળા છોડ માટે તડકાની બહુ જરૂર પડે છે. તેમને રોજ 7-8 કલાક તડકાની જરૂર પડે છે.”
વંદના દર અઠવાડિયે 25 લીટર પાણીમાં 8-10 ચમચી લીમડાનું તેલ મિક્સ કરી બધા છોડ પર સ્પ્રે કરે છે, જેથી છોડ પર કીડા કે ઈયળો ન પડે.

ગાર્ડનિંગની ટિપ્સ
- પહેલીવાર ગાર્ડનિંગ કરી રહેલ લોકોએ શાકભાજીથી શરૂઆત કરવી જોઇએ.
- જેનાથી ગાર્ડનિંગ સાથે નીકટતા વધશે.
- બીજને સીધાં કુંડામાં ન વાવો, તેની જગ્યાએ શણના કોથળા પર માટી અને ખાતર મિક્સ કરી છોડ તૈયાર કરો. છોડ 2-3 ઈંચનો બની જાય ત્યારબાદ કુંડામાં રોપી દો.
- કીડા-ઈયળોથી બચવા લીમડાના તેલથી સ્પ્રે કરો.
- ગાર્ડનિંગની શારૂઆત સપ્ટેમ્બર દરમિયાન કરો. કારણકે આ દરમિયાન છોડનો વિકાસ ઝડપી થાય છે.
- 3-4 વર્ષ બાદ છોડની કલમ કરવાનું શરૂ કરી દો.
- દર બીજા દિવસે, માટીના ભેજ પ્રમાણે તેને પાણી આપતા રહે અને ગાર્ડનિંગ શરૂ કરો.

વંદના બધા જ લોકોને ગાર્ડનિંગ શરૂ કરવાની અપીલ કરે છે. તે કહે છે કે, શહેરી વિસ્તારોમાં મોટાભાગના લોકો તણાવમાં રહે છે અને તણાવ દૂર કરવાનો સૌથી સરળ ઉપાય છે ગાર્ડનિંગ, કારણકે ગાર્ડનિંગથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
આ પણ વાંચો: અમદાવાદની આ મહિલાએ બાલ્કનીમાં ઉગાડ્યા 300 થી વધુ છોડ, 1000 લોકોને શીખવાડ્યું ગાર્ડનિંગ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.