મૂળ ગુજરાતી ભાવનાબેન દવેએ ગુડગાવવાસીઓને દિવાના કર્યા છે ગુજરાતી ઢોકળાં-થેપલાં, બટાકાપૌવા, ખાખરા, લાડવાના. ભાવનાબેન આમ તો ગુજરાતના નાનકડા ગામ ખોરનાં વતની છે, પરંતુ તેમનું ઘર વડોદરામાં છે.
છેલ્લાં 15 વર્ષથી ભાવનાબેનનો પરિવાર ગુડગાવમાં રહે છે. ભાવનાબેનના પરિવારમાં 4 સભ્યો છે. તેમના પતિ, પુત્ર અને એક પુત્રી. થોડાં વર્ષ પહેલાં જ ભાવનાબેનની પુત્રીનાં લગ્ન થઈ ગયાં એટલે તે સાસરે થઈ જતી રહી. હવે પુત્ર અને પતિ નોકરી માટે નીકળી જાય એટલે ભાવનાબેનને એકલતા સાલવા લાગી એટલે તેમણે કોઇ પ્રવૃત્તિ કરવાનું વિચાર્યું.

આ અંગે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં ભાવનાબેને કહ્યું, “અહીં ગુડગાવમાં ઢોકળાં, ખમણ, થેપલાં વગેરે ભાગ્યે જ મળે છે અને મળે તો પણ મજા આવતી નથી. આ જોઇને મને એક વિચાર આવ્યો કે, હું અહીં ખમણ-ઢોકળાં બનાવીને લોકોને ખવડાવું અને બસ ત્યાંથી જ શરૂ થઈ મારી સફર”
ભાવનાબેનનો વિચાર તેમના પતિ અને પુત્રને પણ બહુ ગમ્યો. અત્યાર સુધી ગૃહિણીનું જીવન જીવતાં ભાવનાબેને 52 વર્ષની ઉંમરે કઈં નવું કરવાનું વિચાર્યું, જેમાં પરિવારે પણ સહકાર આપ્યો.

ત્યારબાદ તેમણે એક જગ્યા પસંદ કરી ફૂડકાર્ટ શરૂ કરી. શરૂઆતમાં તો લોકોને ખમણ શું હોય એ પણ લોકોને ખબર નહોંતી. રોજ સાંજે ભાવનાબેન તેમના પતિ સાથે ત્યાં ઊભા રહે. લોકોને વાનગીઓનાં નામ નવાં લાગતાં આ શું છે એ જોવા આવે એટલે ભાવનાબેન પહેલાં તો તેમને ચખાડે અને જો તેમને ભાવે તો તેઓ ખરીદે. આમ કરતાં-કરતાં ‘ઢોકલા હાઉસ’ નામથી શરૂ થયેલ તેમનો સ્ટોલ ફેમસ બનવા લાગ્યો. પછી તો કેટલાક ફૂડ બ્લોગ દ્વારા તેમનું ઈન્ટર્વ્યુ પણ લેવામાં આવ્યું.
ત્યારબાદ તો ભાવનાબેને ગુડગાવમાં સેક્ટર 56માં હુડા માર્કેટમાં પોતાની દુકાન પણ શરૂ કરી. હવે તેમની આ દુકાનમાં ઢોકળાં, સૂરતી ઈદળાં, ખમણ, ખાખરા, ભાખરી, થેપલાં અને લાડવા સહિત ઘણી ગુજરાતી વાનગીઓ મળી રહેશે. તો ભાવનાબેને અત્યારે તો સેક્ટર 52 બીજી પણ દુકાન શરૂ કરી છે. પતિ-પત્ની મળીને રોજના 10-12 કલાક હવે તેઓ આમાં જ પસાર કરે છે.

ઘણા બધા લોકોએ તેમને ઓનલાઇન ડિલિવરી કરવાનું પણ કહ્યું એટલે પછી તેમણે ઝોમેટો અને સ્વિગી સાથે ટાઇ-અપ કરી ડિલિવરી પણ શરૂ કરી.
પહેલાં તો તેઓ બધુ કામ જાતે જ કરતાં હતાં પરંતુ હવે તેમણે મદદ માટે બે મદદનીશ પણ રાખ્યા છે. 1999 માં શરૂ કરેલ ઢોકળા હાઉસ નામના આ સ્ટાર્ટઅપથી અત્યારે ભાવનાબેન મહિનાના 60-70 હજાર કમાઇ લે છે.

જો તમને પણ રિટાયરમેન્ટની ઉંમરે ગરવી ગુજરાતણ ભાવનાબેનનો આ જુસ્સો ગમ્યો હોય અને તેમની સાથે સંપર્ક કરવા ઇચ્છતા હોય તો thedhoklahouse@gmail.com પર ઈમેલ કરી શકો છો અથવા તેમના ફેસબુક પેજ પર જઈ શકો છો.
આ પણ વાંચો: ગુજરાતી માતાએ ઘરે જ ઓર્ગેનિક શાકભાજી ઉગાડવા બનાવી ખાસ કિટ, એ પણ માત્ર 299 માં!
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.