પંજાબના પટિયાલામાં રહેતા 52 વર્ષીય દલીપ કુમારને બાળપણથી જ ગાર્ડનિંગનો શોખ છે. ઝાડ-છોડ પત્યે તેમને એટલો બધો લગાવ છે કે, તેમણે તેમનું કરિયર પણ આ જ ક્ષેત્રમાં બનાવ્યું. તેઓ એમએસસી હૉર્ટિકલ્ચરનું ભણ્યા અને વર્તમાનમાં, તેઓ પટિયાલા નગર નિગમના હૉર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટમાં ‘એગ્જીક્યૂટિવ એન્જિનિયર’ તરીકે સેવા આપી રહ્યા છે.
દલીપ કહે છે કે તેમનું મુખ્ય કામ શહેરના બગીચાઓ, ચોક અને પાર્કની દેખભાળ કરવાનું છે. આ સાથે-સાથે તેમણે ઘરના ધાબામાં પણ ખૂબજ સુંદર ગાર્ડન બનાવ્યું છે.
તેમના ઘરના ધાબામાં અલગ-અલગ પ્રકારના 1250 ઝાડ-છોડ છે. દલીપ કહે છે કે, આટલા સુંદર ગાર્ડનને બનાવવામાં, તેમને ઘણાં વર્ષોનો સમય લાગ્યો છે. તે સજાવટી છોડ, સક્યુલેન્ટ, વેલ, ફૂલ, ઔષધીઓ અને શાકભાજી ધાબામાં ઉગાડે છે.
તેમનું કહેવું છે કે, તેમને કોઈ રેકોર્ડ નથી બનાવવો કે તેમના ગાર્ડનમાં આટલા કિલો ફળ કે શાકભાજી ઉગાડવામાં આવ્યાં છે. તેમને બસ દરેક પ્રકારના ઝાડ-છોડ વાવવાનો શોખ છે અને આ માટે પૂરા દિલથી મહેનત કરે છે. તેમણે પોતાના ગાર્ડનને એ રીતે તૈયાર કર્યું છે કે, ઘરનું તાપમાન બહારના તાપમાન કરતાં ઓછું રહે છે.
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં દલીપે પોતાની ગાર્ડનિંગ સફર અંગે જણાવ્યું, “ગાર્ડનિંગ માત્ર હરિયાળી જ વધારે છે એવું નથી, પરંતુ પોતાની જાતને શાંત અને સ્થિર રાખવા માટે પણ બહુ સારું માધ્યમ છે. પોતાના ધાબામાં કેટલાક ઝાડ-છોડ વાવો અને તેમની સાથે સમય પસાર કરો. હું દરરોજ મારા ગાર્ડનમાં બેસીને યોગ કરું છું. વિશ્વાસ રાખો, આનાથી મારા પર બહુ સકારાત્મક અસર થઈ છે.”

છોડ વાવવા નથી કરતા માટીનો ઉપયોગ:
દલીપ જણાવે છે કે, જો ઝાડ-છોડની વાત કરવામાં આવે છે, ઑર્નામેન્ટલ છોડમાં તેમના ઘરે ક્રોટોન, ડ્રસીના રેડ, ડ્રસીના કેદારનાથ, જિજી પ્લાન્ટ, બ્લેક રબર પ્લાન્ટ, હાઈબ્રિડ કનેર, ચાંદની, અરેકા પામ, લિપસ્ટિક પ્લાન્ટ, સ્પાઈડર પ્લાન્ટ વગેરે છે. આ સિવાય તેમના ગાર્ડનમાં રંગૂન, ચમેલી, મિનિએચર રોઝ જેવાં ફૂલોની વેલ પણ જોવા મળશે.
ફળોની વાત કરવામાં આવે તો, તેમને કેરી, ચીકુ, લીંબુ, બારમાસી લીળ્બુ, નારંગી, અંજીર, કીનુ, દ્રાક્ષના છોડ વાવેલ છે. આ સિવાય, તેઓ સિઝનલ શાકભાજી અને તુલસી, હીંગ, લેમન ગ્રાસ, સ્ટીવિયા, કપૂર, રૂદ્રાક્ષ, ઈન્સુલિન પ્લાન્ટ. અજમો, ઓલિવિયા, એલોવેરા જેવા ઝાડ-છોડ પણ ઉગાડે છે.
તેમના ગાર્ડનિંગની સૌથી રસપ્રદ વાત એ છે કે, છોડ વાવવા માટે તેઓ માટીનો ઉપયોગ નથી કરતા. તેમના બધા જ ઝાડ-છોડ ભીના કચરામાંથી બનેલ ખાતરમાં વિકરી રહ્યા છે. તેઓ તેમના ઘરમાં જ જૈવિક કચરામાંથી ખાતર બનાવે છે. આ સિવાય, શહેરના નગર નિગમ દ્વારા ભેગા કરેલ ભીના કચરામાંથી પણ જૈવિક ખાતર બનાવવામાં આવે છે. દલીપ કહે છે કે, નિગમનો હૉર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટ પણ આ ખાતરને લોકોને વેચે છે, તો તેઓ ત્યાંથી પણ પોતાના ગાર્ડન માટે ખરીદે છે. કારણકે જૈવિક કચરામાંથી બનેલ ખાતર ગાર્ડનિંગ માટે ખૂબજ ફાયદાકારક ગણાય છે.
સાથે-સાથે ખાતર અને કોકોપીટ વગેરેના ઉપયોગના કારણે છત પર વજન પણ નથી વધતું. વધુમાં તેઓ જણાવે છે કે, ગાર્ડનની દેખભાળનું લગભગ બધુ જ કામ તેઓ જાતે જ કરે છે. તેમણે પોતાના બગીચાને એ રીતે તૈયાર કર્યો છે કે, જો કોઈ રાત્રે ગાર્ડનમાં સૂવા ઈચ્છે તો સૂઈ પણ શકે છે. તેમણે ગાર્ડનની સાથે એક કેબિન પણ બનાવડાવી છે, જેમાં વધારે ગરમી ન આવે એ માટે ‘ઈંસુલેટર શીટ’ પણ લગાવવામાં આવી છે. તેમણે જણાવ્યું, “મારા ગાર્ડનમાં ‘ફૉગિંગ સિસ્ટમ પણ લગાવેલ છે. તેને દિવસનમાં એકવાર ચલાવવાથી આખો ગાર્ડન ઠંડો થઈ જાય છે અને ઝાડ-છોડ પર વધારે ગરમીની અસર નથી પડતી.'”

ધાબામાં જ ગાર્ડન હોવાના કારણે, તેમના ઘરનું અંદરનું તાપમાન પણ યોગ્ય રહે છે. તેમનું કહેવું છે કે, તેમણે આજ સુધી ઘરમાં એસી નથી લગાવડાવ્યું અને તેનું કારણ છે તેમનું આ ગાર્ડન. તેમના ગાર્ડનમાંથી તેમને તાજાં ફળો તો મળી જ રહે છે, સાથે-સાથે તેમની રહેણી-કરણી પણ પ્રકૃતિની અનુકૂળ બની ગઈ છે. એટલે તેઓ કહે છે કે, જો તમે પોતાની જાતને પ્રકૃતિની નજીક લઈ જવા ઈચ્છતા હોય તો, તમારા ધાબા કે બાલ્કનીમાં ગાર્ડનિંગ કરો.
ગાર્ડનિંગ ટિપ્સ:
તેઓ કહે છે કે, ગાર્ડનિંગ માટે સૌથી પહેલાં તમારામાં દ્રઢ નિશ્ચય અને ધીરજ હોવી ખૂબજ જરૂરી છે. ત્યારબાદ તમે ઘરમાં રહેલ જગ્યાઓ પર નજર કરો. જુઓ તમે ત્યાં કયા પ્રકારના છોડ વાવી શકો છો અને ત્યાં કેટલો તડકો આવે છે, એ વાતોનું ધ્યાન રાખો. તમે કેટલાંક ફૂલો અને સરળ શાકભાજીથી શરૂઆત કરી શકો છો. શરૂઆતમાં એવા છોડ વાવો, જેને ઓછી દેખભાળ અને પાણીની જરૂર હોય.
ઝાડ-છોડ વાવવા માટે, ચોમાસાની ઋતુ યોગ્ય રહે છે. એટલે તમે પહેલાંથી તૈયારી કરી લો કે, તમારે કયા-કયા અને કેટલા ઝાડ-છોડ વાવવા છે. છતને લીકેજથી બચાવવા માટે તમે છત પર વૉટરપ્રૂફિંગ પણ કરાવી શકો છો અથવા પૉલિથીન પણ પાથરી શકો છો.

ગાર્ડનિંગ માટે ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓનો જ બને એટલો વધુ ઉપયોગ કરો. જેમ કે, ભીના કચરામાંથી ખાતર બનાવી લો, રસોડામાં ઉપલબ્ધ ધાણા, સૂકાં લાલ મરચાંના દાણા વગેરેમાંથી છોડ વાવી શકો છો. શાકભાજીનાં બીજમાંથી પણ તમે નવા છોડ વાવી શકો છો. ઘરમાં પડેલ જૂના કાચના કે પ્લાસ્ટિકના ડબ્બા, બોટલો, ટબ, જૂની ડોલ વગેરેનો પણ પ્લાન્ટર તરીકે ઉપયોગ કરી શકો છો.
શરૂઆતમાં તમે માટીમાં ખાતર મિક્સ કરી ‘પૉટિંગ મિક્સ’ તૈયાર કરો. પરંતુ તેમાં માટીની માત્રા શક્ય એટલી ઓછી રાખવી અને સાથે-સાથે ખાતર અને કોકોપીટની માત્રા વધારે રાખવી, જેથી છત પર વજન વધી ન જાય.
ઘરે ખાતર બનાવવું છે ખૂબજ સરળ. તેનાથી તમારા ઘરનો જૈવિક કચરો પણ બહાર નથી જતો.
ગરમોમાં છોડ માટે પાણીનું બહુ ધ્યાન રાખવું. છોડને સવાર-સાંજ બે વાર પાણી આપવું અને શક્ય હોય તો ‘શેડ નેટ’ લગાવડાવો, જેથી વધારે ગરમીમાં સૂર્યનો સીધો તડકો છોડ પર ન પડે અને છોડ ગરમીમાં બળી ન જાય.
અંતે માત્ર એટલું જ, કહે છે કે ગાર્ડનિંગ કરતી વખતે, તમને ઘણું બધું શીખવા મળે છે. તમને ઘણા નવા છોડ અને ટેક્નિક બાબતે જાણવા મળે છે. એટલે દરેક વ્યક્તિએ બે-ચાર છોડ પણ ઉગાડવા તો જોઈએ.
હેપી ગાર્ડનિંગ
આ પણ વાંચો: ગૃહિણીએ સરકારી હોસ્પિટલના ધાબામાં ઉગાડી શાકભાજી, દરદીઓને મળે છે પૌષ્ટિક ભોજન
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.