Search Icon
Nav Arrow
Terrace Garden
Terrace Garden

ગૃહિણીએ સરકારી હોસ્પિટલના ધાબામાં ઉગાડી શાકભાજી, દરદીઓને મળે છે પૌષ્ટિક ભોજન

આંધ્ર પ્રદેશની આ ગૃહિણીએ ઘરમાં વાવ્યાં 1000 છોડ, હોમ ગાર્ડનિંગ કરવા ફૉલો કરો આ ટિપ્સ

આજકાલ લોકો પોતાના ઘરે ગાર્ડનિગ કરવાનું વધુ પસંદ કરે છે. લોકડાઉન દરમિયાન પણ લોકોએ kitchen garden ની શરૂઆત કરી હતી. પણ, આ નવા ગાર્ડનિંગ પ્રેમીઓની સાથે-સાથે એવા પણ લોકો છે, જેના માટે ગાર્ડનિંગ હમેશાંથી તેમના જીવનનો હિસ્સો રહ્યો છે. જેમ કે આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં રહેતી 47 વર્ષીય અનુરાધા પરેલા. અનુરાધાનું કહેવું છે કે તેમણે નાનપણથી જ ઝાડ-છોડ લગાવવાનો શોખ છે. છેલ્લા 27 વર્ષોથી તે એક સુવ્યવસ્થિત રીતે ગાર્ડનિંગ કરી રહી છે.

નાના પાયે કરો શરૂઆત
આટલા વર્ષોમાં અનુરાધાનો બગીચા પ્રત્યેનો પ્રેમ માત્ર વધ્યો છે અને તેમના બગીચામાં નવી-નવી વસ્તુઓ સામેલ થતી રહી છે. જેમ કે એક સમય સુધી તે માત્ર ઑનમેંટલ અને કૈક્ટસની પ્રજાતિના છોડ-ઝાડ ઉગાડતી હતી. પછી ધીરે-ધીરે તેણીએ ફૂલ અને ઔષધીય છોડ લગાવવાનું શરુ કરી દીધું. એટલે આજે તેમના ઘરે દરેક પ્રકારના છોડ-ઝાડ છે. સાથે જ તે કેટલીય પ્રકારના ફળ-શાકભાજી પણ ઉગાડે છે. અનુ કહે છે જો તમે નાને પાયેથી શરૂ કરો તો લાંબી સફર ખેડી શકો છો અને નુકશાનનો ડર પણ ઓછો થઈ જાય છે.

અનુ પોતાના વિશે વધુ જણાવે છે કે ”હું એક ગૃહિણી છું અને મારે મારા પરિવારમાં પતિ અને બે દિકરી છે. એક દિકરી નોકરી કરી રહી છે અને બીજી ભણે છે. પરિવારની જવાબદારીઓની સાથોસાથ મે મારા હોમ ગાર્ડનિંગના શોખને પણ ચાલુ રાખ્યો, સૌથી સારી વાત એ છે કે મારો પુરો પરિવાર પણ આમાં મારો સહયોગ કરે છે. અમારા ઘરના ગ્રાઉંડ ફ્લોરની સાથે પહેલા અને બીજા ફ્લોરની છત પર મે છોડ-ઝાડ વાવ્યા છે”.

Terrace Garden

ઘરમાં લગાવ્યા 1000 થી વધુ છોડ-ઝાડ
આગણાંથી લઈને છત સુધી અનુ પોતાના ઘરમાં હજારથી વધુ છોડ-ઝાડ વાવી ચૂકી છે. તે કહે છે અહી તેમણે ચીકૂ, જામફળ, દાડમ, સ્ટાર ફ્રૂટ, આંબળા, કેરી જેવા ફળોના ઝાડ છે અને એમાથી તેમને ફળોની સિઝનમાં સારી ઉપજ મળે છે. તે સિવાય, તેણીએ ડ્રેગન ફ્રૂટ પણ લગાવ્યું છે, પણ એમા હજુ ફળ આવ્યું નથી.

આગળ તે કહે છે, “ફળો સિવાય હું દર સિઝનમાં 10-15 પ્રકારની શાકભાજી વાવુ છું. મારી કોશિશ રહે છે કે મારે બહારથી ડુંગળી, બટેકા જેવી શાકભાજી જ ખરીદવી પડે. બાકી શાકભાજી મારા બગીચામાંથી જ મળી રહે છે. છેલ્લા એક-બે વર્ષથી મારું સ્વાસ્થ્ય ઠીક નથી રહેતું એટલે મે કામમાં મદદ મળી રહે તે માટે બે માણસો રાખ્યાં છે. મે શાકભાજીમાં ફુદીનો, ધાણા, મેથી, ટમેટા, મરચા, કરેલા, શિમલા મિર્ચ, દૂધી, કોળુ, ટિંડોળા, તોરઈ, મૂળા, પાલક, ભીંડો, રિંગણ, હળદર વગેરે વાવ્યું છે.

ફળ-શાકભાજી લગાવવાની સાથોસાથ અનુ પોતાના ઘરના ભીના કચરામાંથી ખાતર પણ બનાવે છે. એટલું જ નહી પણ પોતાના બગીચામાં વાવેલી શાકભાજીમાંથી મળતા ફળોમાંથી બીજ કાઢી આવતી સિઝનમાં વાવવા માટે સંભાળીને રાખી લે છે. તે કહે છે કે તેણી જૈવિક રીતે શાકભાજી ઉગાડે છે. તે કોશિશ કરે છે કે બની શકે તેટલું શક્ય હોય તો દેશી શાકભાજી જ વાવે છે તેમજ તેણીને નવા નવા પ્રયોગ કરવાનો પણ શોખ છે જેમ કે નવા વિદેશી છોડ-ઝાડ વાવવા.

પોતાના ઘરની અંદર ગાર્ડનિંગ કરવાની સાથે-સાથે અનુરાધાએ શહેરની સરકારી હોસ્પિટલની ખુલ્લી જગ્યામાં ગાર્ડન બનાવ્યું છે. “આ ગાર્ડન બનાવવા પાછળનો હેતુ જરૂરિયાતમંદ લોકોને ખાવાનું મળી રહે તેવો છે. હું શહેરમાં એક ટ્રસ્ટ સાથે જોડાયેલ છું. આ ટ્ર્સ્ટના માધ્યમથી હોસ્પિટલમાં દર્દીઓની સાથે તેમના પરિજનોને ભોજન મળે છે.

Organic Vegetables

ગાર્ડનિંગ કરવા માટે ફૉલો કરો અનુની કેટલીક ટિપ્સ:
નાના પાયે કરો શરૂઆત: ગાર્ડનિંગ કરવાની ઈચ્છા રાખતી વ્યક્તિએ હંમેશા નાના પાયે શરૂઆત કરવી જોઈએ. ખાસ કરીને ત્યારે જ્યારે તમને અનુભવ ન હોય. તમે ઈચ્છો તો ઑર્નામેંટલ અથવા કૈકટ્સના છોડથી શરૂઆત કરી શકો છો. જો તમે કિચન ગાર્ડન કરવા માંગતા હો તો સૌપ્રથમ, માઈક્રો ગ્રીન્સ વાવીને શરૂઆત કરો. આને લગાવવુ સહેલું છે. જો તમે શાકભાજી વાવનું વિચારો છો તો તમારે ફુદીનો, મરચા અને ટમેટા જેવી શાકભાજીથી શરૂઆત કરવી.

જગ્યાના હિસાબે કરો સેટઅપ: ગાર્ડનિંગની તૈયારી કરતા સમયે, પોતાના ઘરમાં ઉપલબ્ધ જગ્યાનું હંમેશા ધ્યાન રાખો. જો જગ્યા ઓછી હોય તો એવા છોડ વાવો જેને ઓછી જગ્યાની જરૂર પડે છે. જો તમે છત પર ગાર્ડનિંગ કરી રહ્યા હોય તો કોશિશ કરો કે પોતાની છત વૉટરપ્રૂફ બનેલી હોય. જો તેમ ન હોય તો કુંડાની પસંદગી કરતી વખતે ધ્યાન રાખો. અનુ કહે છે, “છત પર વધુ વજન ન આવે એટલે હું વજનદાર કુંડાને બદલે ગ્રો બેગનો ઉપયોગ કરું છું.”

જો તમારી ઘરે જાજો તાપ આવતો ન હોય તો છાયામાં રાખી શકાય તેવા છોડ-ઝાડ લગાવો. ફળ અને શાકભાજીને તડકાની જરૂર પડે છે. માટે, જો તમારે ત્યા ઓછામાં ઓછા પાંચ-છ કલાક સારો તાપ આવતો હોય તો જ તમારે ફળ શાકભાજી વાવવી જોઈએ.

પૉટિંગ મિક્સ: તમારા વિસ્તારમાં ઉપલબ્ધ સામાન્ય બગીચાની માટીમાંથી તમે છાણીયું ખાતર, ઘરના ભીના કચરામાંથી બનેલું ખાતર, અળસિયાનું ખાતર, લિંબોળીનું ખાતર વગેરે ભેળવી શકો છો. જે પણ વસ્તુ તમને સ્થાનિક બજારમાં મળી જાય, તેને ભેળવીને પૉટિંગ મિક્સ તૈયાર કરી શકો છો. પૉટિંગ મિક્સમાં જેટલી ઓછી માટી રાખશો તેટલો તમારા છત પર વજન ઓછો આવશે. અનુ જણાવે છે કે તે હંમેશા તેના ગ્રો બેગ અને પ્લાંટરમાં નીચે સુકાયેલ પાંદડા નાખે છે. ત્યારબાદ, તે તેમાં ઉપરથી પૉટિંગ મિક્સ નાખે છે. પ્લાંટરમાં જ સૂકાયેલા પાંદડાનું ખાતર સરળતાથી બની જાય છે જે છોડને પોષણ આપે છે. સાથે જ છત પર વજન પણ નથી વધતો.

મૌસમ: આમ તો દર મૌસમમાં ગાર્ડનિંગની શરૂઆત કરી શકાય છે. બસ તમારે ધ્યાન એ રાખવાનું છે કે ક્યા પ્રકારના છોડ-ઝાડ લગાવવાની સિઝન છે. ગાર્ડનિંગની શરૂઆત કરવાનો સૌથી સારો સમય માર્ચ-એપ્રિલ હોય છે. આ મહીનામાં લગભગ તમામ વિસ્તારોમાં મૌસમ માફકસર હોય છે એટલે ન વધુ ઠંડુ કે ન વધુ ગરમ. એટલે તમે માર્ચ અને એપ્રિલમાં નવા છોડ વાવી શકો છો.

Gardening

પાણી અને ખાતર: છોડને નિયમિત રીતે પાણીની સાથે સાથે વચ્ચે-વચ્ચે ખાતરની પણ જરૂર હોય છે. શિયાળામાં છોડને ઓછા પાણીની જરૂર હોય છે. ઉનાળામાં કોશિશ કરો કે તડકો આવે એ પહેલાં અને સાંજે એક વખત છોડને પાણી આપવું. તમે દર 15 દિવસમાં એકવાર છોડમાં છાણીયું અને અળસિયાનું ખાતર આપી શકો છો. તે સિવાય ઉનાળામાં વધુમાં વધુ તરલ ખાતર નાંખો. જેમ કે કેળાની છાલને ત્રણ-ચાર દિવસ પાણીમાં રાખી પછી તેને છોડમાં નાખી દેવુ.
રસોઈમાં દાળ અને ચોખા ધોયા પછી જે પાણી બચે તે પાણીને તમે છોડમાં નાંખી શકો છો. તે સારુ પોષણનું કામ કરે છે.

કીટ પ્રતિરોધક: જો તમને લાગે છે કે તમારા છોડમાં કિટાણું લાગી ગયા છે તો રસાયણ ઉપયોગ કરવાને બદલે, ઘર પર જૈવિક કીટનાશક બનાવો જેમ કે તમે લિંબોળીના તેલને પાણીમાં મિક્સ કરી સ્પ્રે કરો. તે સિવાય, શૈમ્પૂ કે વાસણ ધોવાના લિક્વિડને પાણીમાં ભેળવીને સ્પ્રે કરી શકો છો.

અનુ કહે છે, “તમે જ્યાં છો અને તમારી પાસે જે સાધન ઉપલબ્ધ છે તેનાથી શરૂઆત કરો. કેમ કે સૌથી મહત્વનું છે શરૂઆત કરવી. એટલે વધુ વિચાર્યા વગર આજે જ તમારા ઘરમાં કોઈ છોડ વાવો. તમે ઈચ્છો તો તેની શરૂઆત તુલસી કે ફુદીનાના છોડ લગાવીને પણ કરી શકો છો.

અનુનો સંપર્ક કરાવા તમે તેમને ઈંસ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો.

મૂળ લેખ: નિશા ડાગ

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: કચ્છની મહિલા સરપંચે ગંદા પાણીને રિસાયકલ કરી 7000+ ઝાડ વાવી ઊભું કર્યું મિયાવાકી જંગલ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon