મહારાષ્ટ્રના સોલાપુરમાં રહેતા ગૌરવ જક્કલ અને તેનો પરિવાર છેલ્લા 50 વર્ષથી બાગવાની (ગાર્ડનિંગ)નું કામ કરે છે. આ ટેરસ ગાર્ડન તેની દાદી લીલા દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો, જે આજે એક પ્રખ્યાત નર્સરીમાં પરિવર્તિત થઈ ગયું છે.
‘દાદા વાવે, પૌત્ર ખાય’ તમે આ કહેવત સાંભળી હશે. આ કહેવત વૃક્ષો અને છોડને પણ લાગુ પડે છે. ગામડાઓમાં વડીલો વિચાર કરી રોપાઓ રોપતા હોય છે કે આ વૃક્ષો બનશે ત્યારે તેઓ તેમની પેઢીઓને છાંયડો આપશે. સોલાપુરનો એક પરિવાર તેનું જીવંત ઉદાહરણ છે. મહારાષ્ટ્રના સોલાપુરનો રહેવાસી, 28 વર્ષીય ગૌરવ જક્કલ એક મિકેનિકલ એન્જિનિયર છે અને થોડા સમય પહેલાં જ તેણે પોતાની લિથિયમ આયર્ન બેટરી બનાવવાનું શરૂ કર્યું હતું. આ સાથે, તે તેના પિતા ત્રિભુવન જક્કલ સાથે, તેમના ઘરની છત પરના બગીચાની સંભાળ રાખે છે. તેનો આ બગીચો કોઈ મોટા ગાર્ડન કરતા ઓછો નથી, જ્યાં સેંકડો પ્રકારના હજારો વૃક્ષો અને છોડ હોય છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ ગાર્ડનનું નિર્માણનું કામ 1970 માં શરૂ થયું હતું. હા, અમે એવા ગાર્ડન વિશે વાત કરી રહ્યા છીએ જેની સંભાળ છેલ્લા 50 વર્ષથી લેવામાં આવે છે અને હવે તે ‘નર્સરી બિઝનેસ આઈડિયા’ (Nursery Business Idea) નું રૂપ લઈ ચૂક્યો છે.
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં ગૌરવ કહે છે, “મારી દાદી લીલા બહેન જયંત જક્કલે આ ગાર્ડન બનાવવાની શરૂઆત કરી હતી. દાદીને છોડ અને ઝાડનો ખૂબ શોખ હતો અને તેણે છત પર રોપા રોપવાનું શરૂ કર્યું. જોત જોતા માં જ, તે ગાર્ડન એક નર્સરીમાં ફેરવાઈ ગયું. કારણ કે, લોકો દાદી પાસે આવીને અને છોડ અને બાગકામથી સંબંધિત માહિતી લેવાનું શરૂ કર્યું.”
સોલાપુરમાં તાપમાન ખૂબ વધારે રહે છે. આવી સ્થિતિમાં, છત પર ગાર્ડન કરવું એ સરળ કાર્ય નથી. પરંતુ, લીલાબેહને ક્યારેય હાર માની નહીં. સ્થાનિક જાતોની સાથે, તેમણે છોડની અનેક વિદેશી જાતોના છોડ વાવવાના ઘણા પ્રયત્નો કર્યા. તેની સતત મહેનતથી તેને સફળતા મળતી ગઈ. ગૌરવ કહે છે કે દાદીએ શરૂ કરેલા કામની જવાબદારી હવે તેણે ઉપાડી લીધી છે. દાદીમાની ઉંમર લગભગ 90 વર્ષની છે અને છત પર આવવું જવુ તેના માટે થોડું મુશ્કેલ છે, તેથી હવે તે તેના પિતા સાથે મળીને આ બગીચાની સંભાળ રાખે છે.

કટિંગથી તૈયાર કરે છે અનેક છોડ-ઝાડ:
લીલા બહેન કહે છે કે તેમનું બાળપણ હરિયાળીની વચ્ચે આવેલ લોનાવાલામાં વીત્યું હતું અને લગ્ન પછી તેને સોલાપુરમાં આવવું પડ્યું હતું. તેને છોડ અને ઝાડ એટલા પસંદ હતા કે તેણે પોતાના ઘરની છત પર વિવિધ પ્રકારના છોડ રોપવાનું શરૂ કર્યું. જો કે આ એટલું સરળ નહોતું, પરંતુ જોત જોતા મા જ તેણે તેના ઘરમાં ફૂલો, કેક્ટસ, ફર્ન, ફોલિએજ અને સેક્યુલેન્ટ છોડની સેંકડો જાતના છોડ રોપ્યા. તેથી, તેના ઘરની છત લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ.
ગૌરવ કહે છે કે તેણે હંમેશાં લોકોને તેના ઘરે આવતા જોયા છે, જે ક્યારેક છોડ જોવા માટે, તો ક્યારેક છોડ મેળવવા અથવા ગાર્ડનિંગ શીખવા આવતા હતા. તેથી ગૌરવ અને તેનો પરિવાર, તેમના ગાર્ડનમાં છોડ-ઝાડની કાપણી કરીને નવા છોડ ઉગાવે છે. તેમણે કહ્યું, “અમારું આખું કુટુંબ પ્રકૃતિ પ્રેમી છે. અમે બધા ગાર્ડનિંગને લગતા કોઈને કોઈ કામ કરીએ છીએ. ઘણાં બધા વૃક્ષો અને છોડ હોવાથી તેની સંભાળ લેવામાં ઘણો સમય લાગે છે, તેથી અમે કાપણીમાંથી જ મોટાભાગનાં છોડ તૈયાર કરીએ છીએ. વિવિધ છોડ વિવિધ રીતે તૈયાર કરવામાં આવે છે, જેમ કે સૉઇલલેસ કટીંગ પ્રોપગેશન (વંશવૃદ્ધિ) , વૉટર પ્રોપગેશન, એર પ્રોપગેશન વગેરે. આ ઉપરાંત, અમે કેક્ટસના છોડ માટે પણ ‘લિફ પ્રોપગેશન’ કરીએ છીએ.”
પ્રોપગેશન દ્વારા નવા છોડ તૈયાર કરે છે
શહેરમાં તેના ઘરનો બગીચો ખૂબ પ્રખ્યાત છે. તેણે ઘણી વાર જુદા જુદા મેળામાં ભાગ પણ લીધો છે અને તેના બગીચામાં ઉગાડવામાં આવેલા વિવિધ પ્રકારના છોડનું પ્રદર્શન પણ કર્યું છે. ગૌરવ કહે છે, “દાદી અને પપ્પાએ વિદેશી જાતનાં છોડ ઉગાડવામાં સફળતા મેળવી છે. ગાર્ડિનગના જાણકાર હોવાને કારણે છે, લોકો છોડ લેવા કરતાં વધુ માર્ગદર્શન મેળવવા માટે અમારો સંપર્ક કરે છે. લોકો ફોન પરથી બગીચા સંબંધિત ઘણી માહિતી લેતા રહે છે. જેમ કે – ઘરે બગીચો કેવી રીતે બનાવવો, તેને કેવી રીતે જાળવવો અને છોડની સંભાળ રાખવાની સાચી રીત કઈ છે વગેરે.”
હવે તે લોકોને શીખવે છે કે માટી વિના પણ ‘પોટીંગ મિક્સ’ કેવી રીતે તૈયાર કરવું, જેથી છત પર ગાર્ડનિગ કરવું વધુ સરળ બને. તેઓએ તેની ઘણી તકનીકો વિકસાવી છે જેમ કે ડાંગર અને ઘઉંની ડાળીમાંથી પોટ્સ મિક્સ તૈયાર કરવું, શેરડીના બાકીના વધેલા જૈવિક કચરામાંથી પોટીંગ મિક્સ તૈયાર કરવું. તેમનું કહેવું છે કે જો યોગ્ય વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે તો જમીન વિના પણ સારી રીતે છોડ ઉગાડી શકાય છે. તેથી, પહેલાં તેણે તેના ગાર્ડનમાં કેટલાક પ્રયોગો કર્યા અને સફળ થયા પછી બીજાને પણ કહેવાનું શરૂ કર્યું.
હાલમાં, તેમની પાસે લગભગ 700 પ્રજાતિનાં સાત હજારથી વધુ વૃક્ષો અને છોડ છે. છેલ્લા 50 વર્ષમાં તેના ઘરમાં છોડની સંખ્યામાં ક્યારેય ઘટાડો થયો નથી.

સિઝનલ નર્સરીથી સારી કમાણી કરી:
ગૌરવ વધુમાં કહે છે કે ઝાડ અને છોડની માંગ જોઈને તેણે તેના બગીચાને ‘સિઝનલ નર્સરી’ નું રૂપ આપ્યું છે. તે કહે છે, “જોકે અમે દાદીના સમયથી જ છોડ તૈયાર કરી રહ્યા છીએ, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં, છોડની ઘણી માંગ કરવામાં આવી રહી છે.” અમારી નર્સરીનું કામ વરસાદની મોસમ અગાઉ શરૂ થાય છે. કારણ કે આ સિઝનમાં વૃક્ષો-છોડ તૈયાર કરવું અને રોપવું સહેલું હોય છે. આ સિઝનમાં ઘણા લોકો તેમના ઘરોમાં ગાર્ડન બનાવતા હોય છે.”
સોલાપુર અને આસપાસના વિસ્તારોમાંથી લોકો રોપાઓ લેવા આવે છે. તે જણાવે છે કે માત્ર સાત મહિનામાં તેણે નર્સરીમાંથી સાડા ચાર લાખ રૂપિયાથી વધુની કમાણી કરી છે. તેમણે કહ્યું, “દરેક લોકો જાણે છે કે ચોમાસાની સિઝન કટિંગથી છોડ ઉગાડવા અને છોડ રોપવા માટેની બેસ્ટ સિઝન છે. તેથી જ અમે આ સિઝનમાં કામ કરીએ છીએ. ઉપરાંત, અમારી પાસે આખું વર્ષ નર્સરીમાં આપવા માટે પૂરતો સમય પણ નથી. કારણ કે ઉનાળા અને શિયાળામાં છોડ તૈયાર કરવું ખૂબ મુશ્કેલ હોય છે. નર્સરી પણ લોકોની વધતી માંગને કારણે જ શરૂ થઈ.”
લીલા બહેનની જેમ તેના પરિવારના સદસ્યોને પણ બાગકામ કરવું પસંદ છે. તેથી, તેઓ મોટા પાયે નર્સરી કાર્ય કરવા માંગતા નથી. ગૌરવ કહે છે કે તેમનો હેતુ એવા લોકોને બાગકામ માટે પ્રેરણા આપવાનો છે જે ખરેખર પ્રકૃતિને તેમની નજીક રાખવા માગે છે. કારણ કે ઘણા લોકો છોડ લઈ તો જાય છે, પરંતુ તેની યોગ્ય કાળજી લેતા નથી. આથી ગૌરવ અને તેનો પરિવાર છોડના વેચાણ કરવા કરતા લોકોને વધુ માર્ગદર્શન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે કહે છે કે દિવસમાં ચારથી પાંચ લોકો તેને કોઈક અથવા બીજા છોડ વિશે માહિતી મેળવવા માટે ફોન કરે છે અને તેને લોકોની મદદ કરવાનો આનંદ આવે છે.

તેની નર્સરીને સોલાપુરની ‘રોઝ ક્લબ’ તરફથી ‘બેસ્ટ નર્સરી’ નો ખિતાબ પણ મળ્યો છે. આ સિવાય તેને બોટની ક્લબ તરફથી અનેક એવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે. તેમણે અંતે કહ્યું, “આજીવિકા માટે અમારું પોતાનું અલગ કામ છે અને ગાર્ડનિંગ એ અમારું પેશન છે. તેથી, અમે ક્યારેય બગીચાને સંપૂર્ણપણે નર્સરીમાં રૂપાંતરિત કરવાનું વિચાર્યું નથી. આ અમારી દાદીનો વારસો છે, જેને અમે આગળ વધારવા માંગીએ છીએ. મારો પ્રયાસ રહેશે કે આપણી આવનારી પેઢીઓ પણ આ બગીચાની આવી રીતે જ સંભાળ રાખે છે જેમ અમે અત્યારે રાખી રહ્યા છીએ.
ખરેખર, આ દાદી અને પૌત્રની અને તેના બગીચા પ્રત્યેના સ્નેહની આ વાર્તા આપણા બધા માટે પ્રેરણારૂપ છે. આશા છે કે, લોકો લીલા બહેનની વિચારસરણીમાંથી પ્રેરણા લેશે અને તેમની આવનારી પેઢીઓને વૃક્ષો અને છોડનો વારસો આપશે. ઉપરાંત, ગૌરવની જેમ દરેક પૌત્રો તેમના વડીલોના વારસોને આવા જ પ્રેમથી સંભાળશે.
વધુ માહિતી માટે તમે 9595861961 પર કૉલ કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: 9 વર્ષની ઉંમરે ગાર્ડનિંગને બનાવ્યો બિઝનેસ, દર મહિને કમાય છે રૂપિયા 10 હજાર આ બાળક
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.