કહેવાય છે કે, દરેક વ્યક્તિની અંદર એક ખેડૂત હોય છે. જરૂર છે તો બસ તેને ઓળખવાની અને પછી તો આપણે બધા કઈંક ને કઈંક ઉગાડી જ શકીએ છીએ. જરૂરી નથી કે, કઈંક ઉગાડવા માટે દરેક પાસે ખેતર હોવું જરૂરી છે. તમે ઇચ્છો તો ઘરના નાનકડા ખૂણાને પણ હરિયાળીથી ભરી શકો છો. સૌથી મહત્વની વાત તો એ છે કે, ઝાડ-છોડ ઉગાડવાની કોઇ ઉંમર નથી હોતી.
આ વાતને સાબિત કરી રહ્યા છે 9 વર્ષના વિયાન. ઈંદોરમાં પોતાની માં, નાના અને નાની સાથે રહેતો વિયાન ભણવાની સાથે-સાથે ફળ અને શાકભાજી પણ ઉગાડે છે. એટલું જ નહીં, પોતાના આ ગાર્ડનિંગના શોખના કારણે તેને એક નાનકડું સ્ટાર્ટઅપ પણ શરૂ કર્યું છે.
નાનકડો વિયાન જણાવે છે કે, તેને બાળપણથી જ ઝાડ-છોડ સાથે બહુ લાગણી છે અને તેને આ લાગણી તેની મા અવિષા તરફથી વારસામાં મળી છે. વિયાન માંડ 3-4 વર્ષનો હતો ત્યારથી જ અવિષા તેને ઝાડ-છોડ વિશે જણાવતી અને સમજાવતી હતી. તેમના ઘરમાં પહેલાંથી જ ગાર્ડન હતું પરંતુ ક્યારેય કોઇએ તેમાં શાકભાજી ઉગાડવા વિશે નહોંતું વિચાર્યું.

અવિષા કહે છે, “જેમ-જેમ વિયાન મોટો થતો ગયો, તેમ-તેમ હું તેને પ્રકૃતિનું મહત્વ સમજાવતી ગઈ. વાતો-વાતોમાં હું વિયાનને આપણે જે રાસાયણિક શાકભાજી ખાઇએ છીએ તેનાં નુકસાન વિશે પણ સમજાવતી હતી. મેં તેને પ્રાકૃતિક, જૈવિક અને રાસાયણિક વચ્ચેનો ફરક પણ સમજાવ્યો.”
પરંતુ વિયાનના મનમાં આ બધી બાબતો એ રીતે ઘર કરી ગઈ કે, તેણે આ શાકભાજી ખાવાનાં જ છોડી દીધાં. તે હંમેશાં અવિષાને પૂછતો કે, જો આમાં રસાયણો છે તો, કેમ તેને ખાઇએ છીએ આપણે? તેનો બીજો શું વિકલ્પ હોઇ શકે? તેના સવાલોના જવાબમાં અવિષાએ કહીં દીધું કે, ‘પોતાનાં શાક જાતે જ ઉગાડી લો!’ અને બસ પોતાની માંની વાત સાંભળીને જ વિયાને ગાર્ડનિંગ કરવાનું શરૂ કરી દીધું. અવિષાએ વિયાનને ક્યારેય કઈં કરતો રોક્યો નહીં. વિયાને જ્યારે ઝાડ-છોડ ઉગાડવાની વાત કરી તો તેને પૂરતો સહકાર પણ આપ્યો.

વધુમાં અવિષા જણાવે છે, “પહેલાં તો મેં તેને ગાર્ડનિંગ વિશે જણાવ્યું. બીજ લાવીને આપ્યાં અને પછી અમે ઘણા ઑર્ગેનિક વર્કશૉપમાં પણ ગયા. મોટાભાગે લોકો તેને ગાર્ડનિંગમાં જોઇને ચોંકી જતા હતા, કારણકે તેની ઉંમર માંડ 6 વર્ષની હતી. પરંતુ તેને બહુ પ્રોત્સાહન મળ્યું, કારણકે લોકોને ખૂબજ ગમતું હતું કે, આટલી નાની ઉંમરમાં જ કોઇ બાળક સ્વસ્થ ખાનપાન અને ખેતીનું મહત્વ સમજી રહ્યું છે.”
અવિષાને પોતાને પણ ગાર્ડનિંગનો બહુ શોખ હતો અને તેણે પોતાના દીકરામાં પણ આ ગુણ વિકસાવ્યા. વિયાન જણાવે છે કે, તેણે સૌથી પહેલો છોડ ભીંડાનો વાવ્યો હતો, કારણકે તેને ભીંડાનું શાક બહુ ભાવે છે. ત્યારબાદ ટામેટાં, મરચાં, દૂધી, કારેલાં, ફુલેવર, ગલકાં, ચોળી, કોથમીર જેવાં ઘણાં શાક ઉગાડવાનાં શરૂ કર્યાં.
જામફળ, સીતાફળ અને પપૈયાં જેવાં ફળોનાં ઝાડ પણ ઉગાડ્યાં. બીજથી છોડ લગાવવાથી લઈને તેની સંપૂર્ણ દેખભાળનું કામ વિયાન જાતે જ કરે છે. સવારે ઓનલાઇન ક્લાસ શરૂ થતાં પહેલાં તે ગાર્ડનમાં બધા ઝાડ-છોડને પાણી આપી આવે છે.

ત્યારબાદ સાંજે 4-5 વાગે નાના-નાની સાથે ગાર્ડનમાં સમય પસાર કરે છે. વિયાનને જો એમ પૂછીએ કે, શું ક્યારેય છોડ બગડી જાય છે તો તરત જ વિયાન કહે છે, “હા, ઘણીવાર આવું થાય છે.”
હવે જો આપણે તેને પૂછીએ કે, શું આનાથી તેને દુ:ખ નથી થતું? મૂડ સરખો કરવા શું કરે છે? તો તરત જ જવાબ આપતાં વિયાન જણાવે છે, “જો એક છોડ બગડી જાય તો હું બીજો છોડ ઉગાડી દઉં છું. “
વિયાન અને તેનો પરિવાર જાતે જ ઘરે જૈવિક સ્પ્રે અને જૈવિક કીટ નાશક પણ બનાવે છે. દર રવિવારે ઝાડ-છોડના પોષણ માટે ટૉનિક કે કોઇ ઓર્ગેનિક પેસ્ટિસાઇડ બનાવે છે. એક ખૂબજ સરળ પેસ્ટિસાઇડ બનાવવાનું વિયાન અમને પણ શીખવાશે છે. તેઓ કહે છે કે, એક બોટલ પાણી લો, તેમાં લીમડાનું તેલ અને થોડાં ટીંપાં કોઇપણ ડિશવૉશ લિક્વિડનાં મિક્સ કરો. તેને બરાબર મિક્સ કરી આ સોલ્યૂશનને ઝાડ-છોડ પર સ્પ્રે કરો. તેનાથી ઝાડ-છોડ પર કીડા કે ઈયળો નહીં પડે.

વિયાન પોતાના પરિવારને તો જૈવિક શાકભાજી ખવડાવે જ છે, સાથે-સાથે બીજા પરિવારો માટે પણ છોડ ઉગાડે છે. જી હાં, વિયાને એકદમ નિખાલસતાથી પોતાની માંને પૂછ્યું કે, તેઓ તો ઓર્ગેનિક ભોજન ખાય જ છે પરંતુ બીજા લોકોનું શું? આ બાબતે અવિષાએ તેને જ વિચારવાનું કહ્યું કે, શું કરી શકાય? થોડા દિવસ બહુ વિચાર્યા બાદ વિયાને નક્કી કર્યું કે, તે લોકોને શાકભાજીના છોડનાં સેપલિંગ બનાવીને આપી શકે છે. આ છોડને લોકો પોતાના ઘરે ઉગાડી શકે છે અને તેમને જૈવિક શાકભાજી મળતી રહેશે.
અવિષાએ કહ્યું, “વિયાનની આ વિચારસરણીને જ આગળ વધારવા અમે ‘Back to Roots’ શરૂ કર્યું. વિયાન માત્ર 7 વર્ષનો હતો ત્યારે તેની શરૂઆત કરી અને અત્યારે તેને બે વર્ષ થઈ ગયાં છે. ત્યારે એટલી ખબર પણ નહોંતી કે આ ચાલશે કે નહીં. તેના શોખના કારણે અમે આની શરૂઆત કરી હતી પરંતુ હકિકતમાં આપણી આસપાસ એવા ઘણા લોકો છે, જેઓ સ્વસ્થ ખાવાનું ઇચ્છે છે અને જો કોઇ બીજમાંથી છોડ બનાવી આપે તો તેઓ રાજી-ખુશી પોતાના ઘરે ઉગાડે છે.”

બેક ટૂ રૂટ્સ મારફતે વિયાન 100 કરતાં પણ વધારે લોકો સાથે જોડાયેલો છે. દર મહિને લગભગ 30-40 લોકો તેની પાસેથી છોડ ખરીદે છે અને લૉકડાઉન દરમિયાન તો આ વેચાણ બહુ વધ્યું. ઘણા લોકો પોતાના બાળકોના જન્મદિવસ પર ગિફ્ટમાં આપવા માટે ક્યારેક મરચાં તો ક્યારેક ટામેટાંના છોડ લે છે. આ બધાથી વિયાન દર મહિનાના લગભગ 10 હજાર રૂપિયા કમાઇ લે છે.
કમાણી કરતાં વધારે અવિષાને એ વાતની ખુશી છે કે, તેમનો દીકરો આટલી નાની ઉંમરમાં પ્રકૃતિનું મહત્વ શીખી રહ્યો છે. તેમના ઘરમાં સસ્ટેનેબિલિટીને બહુ મહત્વ આપવામાં આવે છે. તેમનો પ્રયત્ન એ જ રહે છે કે, તેઓ પ્લાસ્ટિક વગેરેનો ઓછામાં ઓછો ઉપયોગ કરે. સાથે-સાથે લોકોને જાગૃત કરે કે, પોતાના માટે શાકભાજી ઉગાડવાં કેટલાં જરૂરી છે.
નાનકડો વિયાન આપણા સૌના માટે પ્રેરણા છે અને તે પોતાની ઉંમરનાં બાળકોને માત્ર એટલો જ સંદેશ આપે છે કે, સૌએ ઝાડ ઉગાડવાનો પ્રયત્ન કરવો જોઇએ. બની શકે કે, તમને શરૂઆતમાં આ બધુ મુશ્કેલ લાગે, પરંતુ તમે આ બધુ ચાલું રાખશો તો સરળ બની જશે બધું. બધાંએ હેલ્ધી જ ખાવું જોઇએ અને આ માટે તમે ઘરમાં જ શાકભાજી ઉગાડી શકો છો. ઓછામાં ઓછો એકવાર તો પ્રયત્ન કરી જ જુઓ, તમને બહુ ગમશે.
વિયાનનો સંપર્ક કરવા તમે તેનું ફેસબુક પેજ જોઇ શકો છો.
આ પણ વાંચો: ઘરમાં છે 700+ ઝાડ-છોડ, ફળ-ફૂલ અને શાકભાજીની સાથે તમને જોવા મળશે વડ અને પીપળા પણ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.