Search Icon
Nav Arrow
Om Trivedi
Om Trivedi

ફૂટપાથ પર ભીખ માંગતાં બાળકો માટે ખાસ ‘ભાઇબંધ’ની નિશાળ, રાત્રે 7 થી 11 ભણાવે છે આ પ્રોફેસર

ભીખ માંગતાં બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપવા શરૂ કરી રાત્રી શાળા, 32 બાળકો આવે છે ગણવેશમાં

“હું શરીરે સશક્ત લોકોને ક્યારેય ભીખ આપવામાં નથી માનતો, કારણકે મને લાગે છે કે, તેમને ભીખ આપવાથી આપણે તેમને ભીખ માંગવા પ્રત્યે પ્રેરિત કરીએ છીએ.” આ શબ્દો છે ભાવનગરની ફાર્મસી કૉલેજમાં નોકરી કરતા ઓમ ત્રિવેદીના.

વાત મે-જૂન 2019 પહેલાંની છે. હું મિત્રો સાથે રજાના દિવસે ભાવનગરમાં ફરવા નીકળ્યો હતો. સવારનો 11 વાગ્યાનો સમયે હતો. ત્યાં લગભગ 10-12 વર્ષની નાનકડી બાળકી ભીખ માંગતી હતી. માત્ર એ જ નહીં, એ વિસ્તારમાં બીજાં પણ ઘણાં બાળકો માંગતાં હતાં. પહેલાં તો મેં ના પાડી દીધી, કારણકે તેમને ભીખ આપવાથી તેઓ ભીખ માંગવા પ્રેરાય એવું મને લાગે. એટલે હું હંમેશાં અપંગ કે વૃદ્ધ હોય તો જ આપું. પરંતુ પાછળતી જોતાં તેનું મોં ઉતરી ગયેલું જોઇ મને દુ:ખ લાગ્યું અને મેં તેને ખીસામાં 5 રૂપિયા પડ્યા હતા એ આપી દીધા. પછી હું ત્યાં બાજુમાં હોટેલમાં નાસ્તો કરવા ગયો અને પાછો આવ્યો તો પણ એ છોકરી મારા બાઇક પાસે જ ઊભી હતી. તેને જોઇને મને લાગ્યું કે, તેને હજી વધુ રૂપિયા જોઇએ છે. એટલે મેં તેણે કહ્યું, “બેટા મેં તને એકવાર પૈસા આપ્યા તો ખરા, હવે શું કામ ઊભી છે?” આ સાંભળી ત્યાં ઊભી-ઊભી પૈસા ગણવાનો પ્રયત્ન કરતી બાળકીએ કહ્યું, સાહેબ મારે પૈસા નથી જોઇતા, તમે મને ગણી આપશો કે આ કેટલા રૂપિયા છે?
ઓમભાઇ: કેમ તને ગણતાં નથી આવડતું? તું તો આવડી મોટી છે ને?

Ombhai

બાળકી: ના સાહેબ મને નથી આવડતું..
ઓમભાઇ: તો આ બીજાં મોટાં બાળકો છે તેમને પણ નથી આવડતું?
બાળકી: ના સાહેબ, અહીં કોઇને નથી આવડતું..
ઓમભાઇ: તો તમે રોજ કેવી રીતે ગણો છો?
બાળકી: તમારા જેવા કોઇ ભલા સાહેબ ગણી આપે અથવા વેપારીને આપી દઈએ તો તે એમાંથી ઘણીને મોટી નોટ આપી દે.
ઓમભાઇ: વેપારી 30 ની જગ્યાએ 20 આપે તો?
બાળકી: તો બસ એમ.

Footpath School

આ સંવાદે ઓમભાઇએ વિચારતા કરી દીધા. તેમને લાગ્યું કે, આમના માટે કઈંક કરવું જ જોઇએ. દેશના દરેક શહેરમાં આવાં બાળકો હશે. આ બાળકો મોટાં થતાં ઘણીવાર ક્રિમિનલ પ્રવૃત્તિ તરફ પણ વળતાં હોય છે. કોઇપણ ઋતુ, કોઇપણ પરિસ્થિતિમાં તેમણે બસ ખુલ્લા આકાશ નીચે ફુટપાથ નીચે રહેવાનું હોય છે. તેઓ જે વિટંબળાઓમાં જીવન જીવતાં હોય છે, એ જોતાં તો કોઇપણ માણસ ક્રિમિનલ પ્રવૃત્તિઓ તરફ વળી શકે છે. એટલે તેમને ભણાવવાની સાથે-સાથે સારા સંસ્કાર આપવા પણ ખૂબજ જરૂરી છે. એટલે પહેલાં તો મેં તેમનાં માતા-પિતાને સમજાવી નજીકની સરકારી શાળામાં તેમનું એડમિશન કરાવવાનું નક્કી કર્યું.

Free education

ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં ઓમભાઈએ કહ્યું, “પછી એક દિવસ હું ઘરેથી નાસ્તો બનાવડાવીને લઈ ગયો અને તેમનાં પરિવારજનોને પાસે બેસાડી નાસ્તો કરાવ્યો. પછી તેમને આ બાળકોને ભણાવવા અંગે કહ્યું તો તેમણે સ્પષ્ટ ના પડી. તેમણે કહી દીધુ કે, જો એ શાળામાં જશે તો ભીખ કોણ માંગશે, કમાણી ક્યાંથી થશે. તો મેં કહ્યું કે, જો હું તેમને ભણાવું તો તમે મોકલો, તો તેમણે કહ્યું કે, માંગીને આવે પછી 7 વાગ્યા બાદ મોકલીએ. તો મેં કહ્યું સારું તો આજથી તેમને ભણાવવાની, રમાડવાની અને જમાડવાની જવાબદારી મારી અને તેઓ તૈયાર થઈ ગયાં.”

મારાથી આટલું બોલાઈ તો ગયું, પરંતુ તે સમયે મને પણ ખબર નહોંતી કે આ કેવી રીતે થશે. પછી મેં આ અંગે કેટલાક મિત્રોને વાત કરી તો, એ લોકો પણ મદદ માટે તૈયાર થઈ ગયા. પછી અમે વ્યવસ્થિત પ્લાન કરી લોક સહયોગથી શરૂ કરી ‘ભાઈબંધની નિશાળ.’

Importance of education

ભાવનગરમાં સરદારબાગ પાસે રૂખડા દાદાના મંદીરે શરૂ થઈ સાથે 7 થી 11 વાગ્યાની શાળા. કેટલાક મિત્રોની મદદથી રિક્ષાની વ્યવસ્થા પણ કરવામાં આવી. જેથી બાળકોને પણ એમ લાગે કે, જેમ બીજાં બાળકો સ્કૂલ બસમાં શાળામાં જાય છે તેમ અમે પણ જઈએ છીએ. તેમને બે-બે જોડી ગણવેશ, દફતર અને પાણીની બોટલ પણ આપી. જે રીતે બીજાં બાળકો શાળાએ જાય એ બધી જ સુવિધાઓ તેમને આપવામાં આવી. બાળકો માટે ભણાવવા અને સંસ્કાર સિંચન માટે સોમવારથી શનિવારનું સમયપત્રક બનાવવામાં આવ્યું અને રવિવારે રજા.

education

વધુમાં વાત કરતાં ઓમભાઈએ કહ્યું, “શરૂઆત 8 છોકરાંથી કરી હતી. 2 ઓક્ટોબર, 2019 ના રોજ ચાલીને લઈ ગયો બગીચામાં બાળકોને, પછી તેમને રમાડ્યાં, ગીતો ગવડાવ્યાં વગેરે કર્યું. ધીરે-ધીરે સંખ્યા વધતી ગઈ. ગામમાંથી દાન સ્વરૂપે બ્લેક બોર્ડ પણ મળ્યું. હવે અત્યારે મારી આ નિશાળમાં 32 બાળકો આવે છે. આ માટે ખાસ પ્રયત્નો તો નથી કર્યા, બસ એમ કહેતો કે આ બધાં બાળકો આવે છે, તમારે પણ આવવું હોય તો આવજો અને બાળકો આવવા લાગે. હું આ મોડેલમાં જરા પણ જબરદસ્તી કરવા નથી માંગતો. અને હવે તો સ્કૂલ રિક્ષાની સાથે બધી જ સુવિધાઓ બાળકોને મળવા લાગી. મારા મગજમાં એક મોડેલની રૂપરેખા બની ગઈ. ભાવનગર તેનું કેન્દ્ર બને અને ધીરે-ધીરે આખા દેશમાં પ્રસરણ થાય. અને આ રીતે દેશભરમાં આ રીતે ભીખ માંગતાં બાળકોને ભણાવવામાં આવે. જો તેમને શિક્ષણ મળશે તો તેઓ ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ નહીં વળે.”

Free education

તેમને આપણા જૂના મોડેલ પ્રમાણે સ્લેટ અને પેનમાં શિક્ષણ આપવામાં આવે છે. સોમ-મંગળ લેખન-પઠન, બુધવારે ભારતીય રમતો, ગુરૂવારે ડાન્સ, શુક્રવારે બાળ ડાયરો અને શનિવારે યોગ. “હું એમ ઈચ્છુ છું કે મારાં બાળકો આજની પઢીમાં ક્યાંય પાછળ ન રહી જાય. એટલે ડાન્સનો દિવસ હોય એ દિવસે ભાવનગરનાં જાણીતાં કોરિયોગ્રાફર સોનિયાબેનની મદદથી નવી ફિલ્મોનાં હિટ ગીતો પર તેમને ડાન્સ શીખવાડવામાં આવે છે. ડાયરામાં બાળકોને મજા આવે એવાં ઉખાણાં, ભજન, લોક વાર્તાઓનું આયોજન કરવામાં આવે. આ માટે શહેરમાંથી જાણીતા કલાકારોને બોલાવવામાં આવે અને બાળકોને પણ આ બધુ શીખવાડવામાં આવે છે. યોગ પણ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની મદદથી શીખવાડવામાં આવે છે.”

બાળકો 7 વાગે આવે. તેમને 9 વાગે સુધી ભણાવવામાં આવે પછી તેમને ભોજન આપવામાં આવે અને પછી એ જગ્યાની સફાઇ કરી બધાં છૂટાં પડે ત્યાં સુધીમાં 11 વાગી જાય. દરરોજ પહેલો એક કલાક બાળકોને ભણાવવામાં આવે, પછી તેમને વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે. ત્યારબાદ આપણી સંસ્કૃતિ અનુસાર સ્લોકગાન કરીને તેમને સાદુ ભોજન જમાડવામાં આવે છે. ત્યારબાદ બાળકો જાતે જ એ જગ્યાની સફાઇ પણ કરી દે છે અને તેમને રિક્ષામાં પાછાં ઘરે મોકલવામાં આવે છે.

Footpath education

મોટાભાગના દિવસોમાં તો તેમને જમાડવા માટે દાતા મળી રહે છે. શહેરમાં કોઇનો જન્મ દિવસ હોય કે, બીજો કોઇ પ્રસંગ, લોકો અહીં બાળકોને જમાડે છે. કોઇ વાર કોઇ દાતા ન મળે તો, ઓમભાઇનાથી જે પણ શક્ય બને તે લઈ જાય, કઈં ન હોય તો બિસ્કિટ, પણ આ બાળકોના મોંમાંથી પણ ક્યારેય ફરિયાદ સાંભળવા નથી મળતી. તેઓ એટલા જ પ્રેમથી ખાઇ લે છે. ઓમભાઇ બાળકોને ભાઇબંધ કહે છે તો બાળકો ઓમભાઇને ગુરૂજી કહે છે.

ઓમભાઇના દાદાજી તેમના સમયમાં શાળામાં આચાર્ય હતા અને તેમની પાસે ઓમભાઇ પણ ભણ્યા છે. બસ એક ભણતર-ગણતર અને પ્રશિક્ષણનો ઉપયોગ કરી રહ્યા છે ઓમભાઇ અત્યારે.

શિક્ષણની શરૂઆત પણ સામાન્ય શાળઓની જેમ પ્રાર્થનાથી થાય છે અને પૂર્ણાહૂતિ પણ પ્રાર્થનાથી થાય છે. અંતે રાષ્ટ્રગીત ગવડાવી બાળકોને ઘરે મોકલવામાં આવે છે. આ પહેલાં જો કોઇ મહેમાનો આવ્યા હોય તો બાળકો તેમને ભારતીય પરંપરા પ્રમાણે પગે પણ લાગે અને આશીર્વાદ પણ લે.

શરૂઆતમાં જમતી વખતે આ બાળકો પલાઠીવાળીને બેસતાં નહોંતાં અને બે હાથે જ જમતાં. ધીરે-ધીરે તેમની આ આદત પણ સુધારવામાં આવી છે. હવે તેઓ પલાઠીવાળી લાઇનમાં બેસે છે અને એકહાથે જમે છે. આ દરમિયાન જો કોઇ ભાઇબંધ નાહીને આવ્યો હોય તો તેના માટે તાળીઓ પાડી તેનું સન્માન કરવામાં આવે છે. જેથી ક્યાંક પાણી મળી જાય તો આ લોકો નાહી લે છે.

slum school

વધુમાં ઓમભાઈ જણાવે છે, “આ દોઢ વર્ષ દરમિયાન આ બાળકો મારી પાસેથી ઘણું શીખ્યાં છે તો હું પણ તેમની પાસેથી ઘણું શીખ્યો છું. તેમના વ્યવહારો વિશે ઘણું જાણવા મળ્યું છે. તેમની મારી નજીક લાવવા હું તેમના વ્યવહારો અને ભાષા શીખ્યો. અત્યારે મારા આ ભાઇબંધો 1 થી 100 સુધીની એકડી કડકડાટ બોલે છે. કક્કો આવડે છે. એબીસીડીના ચાર આલ્ફાબેટ પણ આવડે છે તેમને. એ ફોર આંબેડકર, બી ફોર ભારત, સી ફોર ચાણક્ય એ એબીસીડી બોલે છે આ બાળકો. તેઓ સંસ્કૃતના 7 સ્લોક અને વંદેમાતરમ પણ કડકડાટ બોલે છે. સોશિયલ મીડિયા મારફતે ભોજન માટે પણ અલગ-અલગ દાતા મળી રહે છે. તો હું પણ એવો આગ્રહ કરું છું કે, શહેરના લોકો માત્ર પૈસા આપવાની જગ્યાએ ઘરેથી ભોજન તૈયાર કરાવી લઈને લાવે, જેથી લોકોના મનમાં પણ આવી સંવેદના જાગે. શહેર બહારના લોકો પૈસા મોકલાવે તો સ્વિકારી લઈએ અને તેમને વિડીયોકૉલ કરી બધુ બતાવીએ. અને તે લોકોનાં બાળકો આ જોઇને પણ સમજી જાય છે કે, અમારાં માતા-પિતા અમારા માટે કેટલું બધું કરે છે.”

બસ હવે થોડા સમયમાં આ મોડેલ સેટ થઈ જાય પછી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ વગેરે જિલ્લાઓમાં પણ આવી નિશાળ શરૂ થાય એવો પ્રયત્ન કરે છે ઓમભાઇ, જેથી બીજા જિલ્લાના બાળકોને પણ તેનો લાભ મળી શકે.

જો તમને પણ આ લેખ ગમ્યો હોય અને ઓમ ત્રિવેદીની મદદ કરવા ઇચ્છતા હોય તો, 99243 43536 પર તેમનો સંપર્ક કરી શકો છો.

ડૉ. ઓમ ત્રિવેદીના આ ભગિરથ પ્રયાસને FAIR-E અને Education Innovation Bank વતી ખુબ ખુબ શુભેચ્છાઓ.

આ પણ વાંચો:  લાખોના પગારની નોકરી છોડી ધરમપુરનો આ યુવાન 18-18 કલાક પસાર કરે છે સેવામાં, આદિવાસીઓ માટે બન્યો ‘વહાલો દીકરો’

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon