31 વર્ષના ધરમપુરના ઋષિત મસરાણીએ ત્રિપલ માસ્ટર્સ કર્યું છે. અંગ્રેજી સાથે, અમેરિકન અંગ્રેજી સાથે અને બ્રિટિશ અંગ્રેજી સાથે અનુસ્નાતક કર્યા બાદ તેમણે એમએડ પણ કર્યું છે. આટલી બધી ડિગ્રીઓ બાદ તેમને જીપીએસસી, ટેટ, ટાટની પરિક્ષાઓ પણ પાસ કરી. તેમને સરકારી નોકરીની સાથે-સાથે બેન્કમાં અને બેંગ્લોર અને જર્મનીમાં પણ નોકરી મળતી હતી. પરંતુ ઋષિતભાઇ જ્યાં રહે છે તે આખો આદિવાસી પટ્ટો છે. અહીં શિક્ષણની સાથે-સાથે બીજી બધી જ સુવિધાઓનો અભાવ છે. અહીંથી ભાગ્યે જ કોઇ છોકરા-છોકરીઓ ઉચ્ચ શિક્ષણ માટે બહાર નીકળી શકતા. એટલે ઋષિતભાઇને લાગ્યું કે, જો આ લોકોના વિકાસ માટે હું કઈ કરી ન શકું તો, મારું ભણતર એળે જાય.
સેવાભાવના ગુણ તો તેમનામાં નાનપણથી જ હતા. આ ગુણ તેમને તેમના પિતા તરફથી વારસામાં મળેલા. તેમના પિતાજી ગામની મહિલાઓને વિધવા સહાય અપાવવામાં મદદ કરતા. ત્યારે માત્ર 8 વર્ષની ઉંમરે ઋષિતે પણ આમાં મદદ કરવાનું શરૂ કરી દીધું. કોઇ મહિલાઓ ઘરે આવે તો તેમને ફોર્મ ભરી આપે, જેથી તેમનાં કામ ન અટકે.

મસ્તી કી પાઠશાળા
ત્યારબાદ વર્ષ 2005 થી તેમણે શરૂ કરી ‘મસ્તી કી પાઠશાળા’. અઠવાડિયામાં એક વાર એક કલાક કોઇ એક ઝુંપડપટ્ટી વિસ્તારમાં જવાનું. ભણતર તો શાળામાં મળે છે પરંતુ ઋષિતભાઇ તેમને ગણતર આપવામાં માને છે, તેથી તેમનાં કામ ન અટકે. તેમને બેન્કમાં અકાઉન્ટ ખોલાવતાં, બેન્કના ખાતામાંથી પૈસા ઉપાડતાં, પૈસા જમા કરાવતાં, સરકારની કોઇ સહાય માટે ફોર્મ ભરતાં વગેરે શીખવાડે છે. આ ઉપરાંત ઘણાં લોકોને સહી કરતાં ન આવડતી હોય તો તેમને એ પણ શીખવાડે. બાળકોનો માનસિક વિકાસ થાય એ માટે તેમને વિવિધ રમતો રમાડે, ગીતો ગવડાવે, ગરબા ગવડાવે અને ડાન્સ કરતાં શીખવાડે. તેઓ જ્યારે પણ ત્યાં જાય ત્યારે તેમના માટે નાસ્તો પણ લઈ જાય પરંતુ તેમને એમ સીધો આપી ન દે. એ નાસ્તાના બદલામાં તેમની પાસે કોઇ સારું કામ કરાવે, જેમ કે, પક્ષીઓ માટે પાણીનું કુંડુ મૂકાવે, પક્ષીઓ માટે ચણ મૂકાવડાવે, પોતાનો વિસ્તાર સાફ રાખતાં શીખવાડે વગેરે. જેથી તેમને મફતનું લેવાની આદત ન પડે અને કઈંક સારાં કામ કરતાં થાય. સાથે-સાથે બાળકોને દાદા-દાદી પાસે જઈને વાર્તા સાંભળવાનું કહે. તેમના અનુભવો જાણી લાવવાનું કહે. અને જો કોઇના દાદા-દાદી બીમાર હોય તો તેમના ઘરે જાય અને તેમની સેવા પણ કરે, જેથી તેમનામાં પણ સેવાના ગુણ વિકસે. અત્યારે તો તેમની આ ‘મસ્તી કી પાઠશાળા’ ખૂબજ પ્રચલિત બની ગઈ છે. ધરમપુર અને કપરડામાં તો 12 પાઠશાળા ચાલે જ છે, સાથે-સાથે આસપાસનાં ગામ અને સૂરત, નવસારી, જામનગર, વલસાડ, વેરાવળ, અમદાવાદ, વડોદરા, પાકિસ્તાન, લેસ્ટર, મધ્યપ્રદેશમાં પણ તેમને વોલેન્ટિયર્સ મળી ગયા છે, જેઓ કોરોનાની સ્થિતિ સુધરતાં જ શરૂ કરશે ત્યાં મસ્તી કી પાઠશાળા.

પહેલ ટી સ્ટોલ
અત્યારે ધરપુરમાં ઋષિતભાઇ એક એકેડમી ચલાવે છે. જેમાં તેઓ સ્પર્ધાત્મક પરિક્ષા માટે અંગ્રેજીના ક્લાસ ચલાવે છે. આ સિવાય તેઓ ખેડૂત પણ છે અને અન્ય વ્યવસાય પણ કરે છે. તેની સાથે-સાથે તેઓ કૉલેજમાં પાર્ટટાઇમ લેક્ચર આપવા માટે પણ જાય છે. આ સિવાય તેમણે ચાની દુકાન પણ શરૂ કરી છે, ‘પહેલ ટી સ્ટોલ’. અહીં ઋષિતભાઇ અને તેમનાં પત્ની તો કામ કરે જ છે, સાથે-સાથે બીજા ચાર લોકોને પણ રોજકારી આપે છે. અને આમાંથી જે પણ કમાણી થાય તેને તેઓ ‘પ્રોજેક્ટ અન્નપૂર્ણા’ અંતર્ગત જરૂરિયાતમંદ લોકોને ટિફિનસેવા આપે છે. ગામમાં જે પણ વૃદ્ધો એકલાં રહેતાં હોય તેમને આમાં ટિફિન આપવામાં આવે છે. આ ઉપરાંત અંતરિયાળ વિસ્તારમાંથી કોઇ દર્દીઓ ધરમપુર હોસ્પિટલમાં ઈલાજ કે પ્રસુતિ માટે આવ્યાં હોય તો, તેમને પણ જમવાનું પહોંચાડે છે.
એક સમયે જ્યારે ધરમપુરમાં કાર પણ નહોંતી હોતી ત્યારે તેમના પિતા ફ્રીમાં એંબ્યુલન્સ ચલાવતા, જેથી વાહન વ્યવસ્થાના કારણે કોઇનો ઇલાજ થતો ન અટકે. બસ તેમની સેવાની આ ચેન આગળ વધારે છે ઋષિતભાઇ.

જે સમયે સોશિયલ મીડિયા એકદમ નવું હતું આપણા દેશમાં લોકો માટે ત્યારે તેમણે ફેસબુક પર જૂનાં કપડાં ભેગાં કરવાનું અભિયાન શરૂ કર્યું અને એક લાખ કપડાં ભેગાં કરી આસપાસના અંતરિયાળ વિસ્તારમાં લોકોને આપ્યાં. અત્યારે તેઓ એકદમ અંતરિયાળ વિસ્તારમાંથી ધરમપુર હોસ્પિટલમાં આવ્યા હોય અને ઘરેથી ઓઢવાના ધાબળા લાવવાનું ભૂલી ગયા હોય તો, તેમની મદદે તૈયાર ઋષિતભાઇ. તેમને ધાબળા આપે અને સાથે તેમને કહે પણ ખરા કે, જ્યારે તમે હોસ્પિટલમાંથી જાઓ ત્યારે આ ધોબળો ધોઇને બાજુના જરૂરિયાતમંદ દરદીને આપીને જજો.
એ સમયે ઋષિતભાઇ કોઇ પાસેથી દાન નહોંતા લેતા. તેઓ અને તેમના મિત્રો પોકેટમની અને પોતાના બચાવેલા પૈસામાંથી જ આ બધાં કામ કરતા. લગભગ 5 વર્ષ સુધી તેઓ થિએટરમાં મૂવી જોવા નથી ગયા પરંતુ હોસ્પિટલમાં કોઇ જરૂરિયાતમંદ દરદીને ઠંડીમાં ઠરવા નથી દીધો. આ દરમિયાન તેઓ દર રવિવારે જેલમાં કેદીઓને યોગ શીખવાડવા જતા. હજી પણ તેઓ જાય છે યોગ શીખવાડવા. ત્યાં જેલરે તેમને સમજાવ્યું કે, આમ દરેક કામ એમજ ન કરાય. રજિસ્ટર્ડ ટ્રસ્ટ બનાવવું જોઇએ. ત્યારબાદ તેમણે 2015 માં’ પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ’ બનાવ્યું. જોકે તેમ છતાં પણ તેઓ લોકો પાસેથી દાન નહોંતા લેતા. કોઇ અવોર્ડ માટે બોલાવે તો પણ ઋષિતભાઇ નમ્રતાથી ના પાડી દે છે.

ત્યારબાદ 2019 માં પૂર આવ્યું અને આસપાસનાં ગામ આખાં ડૂબી ગયાં હતાં. આ સમયે ઋષિતભાઇ પાસે પૈસા ખૂટી પડ્યા એટલે તેમણે દાન સ્વિકારવાનું શરૂ કર્યું. અને આ ત્રણેય ગામના બધા જ લોકોને તેમણે મીણબત્તી, મચ્છરદાનીથી લઈને કપડાં, વાસણ, અનાજ વગેરે બધી જ જરૂરિયાતો પૂરી પાડી. ત્યાંની આશ્રમશાળાઓને પણ પાણીમાં ડૂબવાના કારણે જે નુકસાન થયું તે સરભર કરી આપ્યું.
હજી ગયા વર્ષે જ ઋષિતભાઈનાં લગ્ન પૂર્વજાબેન સાથે થયાં. તેઓ પણ બહુ સારું ભણેલાં છે અને શ્રીમંત પરિવારમાંથી આવે છે, છતાં શહેરમાં રહી હાઇ લાઇફ સ્ટાઇલ જીવવાની જગ્યાએ તેમણે પણ ધરમપુરમાં ઋષિતભાઇ સાથે આ કાર્યો સાથે જોડાવાનું જ પસંદ કર્યું.
ત્યાં અચાનક કોરોનાનું સંક્રમણ શરૂ થતાં જ આ પતિ-પત્ની સેવા માટે નીકળી પડ્યાં. અચાનક લૉકડાઉન શરૂ થતાં હોસ્પિટલમાં દૂર-દૂરથી આવેલાં દર્દીઓને ખાવાની તકલીફ પડવા લાગી. ત્યાં તેઓ જાતે ખીચડી અને ચા બનાવીને લઈ જાય અને દર્દીઓને પ્રેમથી જમાડે. ત્યારબાદ તેમણે તેમણે સરકારી અધિકારીઓ અને પોલીસના જવાનોને પણ ચા-નાસ્તો આપવાનો શરૂ કર્યો. ધીરે-ધીરે સ્થિતિ વધારે કથળવા લાગી. પ્રવાસી મજૂરો ચાલતા તેમના ઘરે જવા નીકળી પડ્યા એટલે હાઇવે પર ભૂખ્યા ચાલતા લોકોની સંખ્યા ખૂબજ વધવા લાગી. એટલે તેમણે પાંચ હજાર લોકોની ખીચડી બનાવવાની શરૂ કરી. અને ગામલોકોએ પણ તેમને અઢળક મદદ કરી. તેઓ સવારે ઊઠે એટલે આસપાસના ખેડૂતો કહ્યા વગર જ શાકભાજી, તેલના ડબ્બા, ચોખા વગેરે મૂકીને ગયેલા હોય, જેમાંથી તેઓ ખીચડી બનાવીને ખવડાવે. ઘણા ખેડૂતોએ તો આખા ખેતરનો પાક આમાં આપી દીધેલો. આસપાસની મહિલાઓ પણ તેમને રસોઇમાં મદદ કરવા આવે. આજે ઋષિતભાઇ સાથે લગભગ 1200 વોલેન્ટિયર્સ પણ છે, જેઓ આ તેમની સાથે ખડેપગે તૈયાર રહે છે.

ત્યારબાદ સરકારના અધિકારીઓ પણ લોકો જ્યાં ભૂખ્યા હોય તેની જાણ ઋષિતભાઇને કરે. અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં ક્યાંય પણ લોકો ભૂખ્યા હોય તેની જાણ ઋષિતભાઇને કરવામાં આવે અને ઋષિતભાઇ, તેમનાં પત્ની અને વોલેન્ટિયર્સ અલગ-અલગ વિસ્તારમાં જાતે જઈને લોકોને ભોજન પહોંચાડે. તો કોઇવાર કોઇનો જન્મદિવસ હોય કે દાન વધુ આવ્યુ હોય તો કંસાર પણ આપે.
ત્યાં એક દિવસ રાત્રે 12 વાગે મામલતદારનો ફોન આવ્યો કે, સેલવાસ બાજુથી કેટલાક લોકો ચાલતા આવે છે અને તેઓ ભૂખ્યા છે. તો તેમણે તરત જ ઊઠીને તેમના માટે ખીચડી બનાવી, બીજા દિવસ ખાઇ શકે એ માટે સાથે લઈ જવા રોટલા બનાવ્યા અને પારલે બિસ્કિટનાં પેકેટ આપ્યાં. તો સાથે-સાથે બાજુમાં રહેતા ડૉક્ટરને ઉઠાડી તેમને જરૂરી દવાઓ પણ અપાવડાવી. સંપૂર્ણ લૉકડાઉન દરમિયાન તેમણે જરૂરિયાતમંદ લોકોની સાથે-સાથે બધા જ કોરોના વૉરિયર્સની ભોજન અને ચા-નાસ્તો પૂરો પાડ્યો.

ત્યારબાદ તેમણે માસ્ક બનાવડાવવાનું શરૂ કર્યું. તેમણે આ પહેલાં કેટલાક દિવ્યાંગ લોકોને સિલાઇ મશીન આપ્યાં હતાં, જેથી તેઓ રોજી-રોટી રળી શકે. તો આ લોકો પાસે જે પણ કાપડ મળ્યું એમાંથી માસ્ક બનાવડાવ્યા અને બજારમાં વેચ્યા. ત્યારબાદ અમદાવાદથી 600 મીટર ખાદીનું કાપડ મંગાવી ડિઝાઇનર માસ્ક બનાવડાવ્યા અને તેના પર વાર્લી પેઇન્ટિંગ પણ કરાવડાવ્યું. જેથી આ સિલાઇ કામ કરતા લોકોને પણ રોજી મળી. જેમાં તેમાં લગભગ દોઢ લાખ માસ્ક બનાવડાવી વેચ્યા. તો ટોપલા બનાવી કમાનાર લોકોનું કામ અત્યારે બંધ થઈ ગયું હતું તો તેમનાં ઉત્પાદનો પણ આસપાસનાં મોટાં શહેરોમાં વેચવામાં મદદ કરી. જે લોકોને પાપડ, અથાણાં, ખાખરા વગેરે બનાવતાં આવડતાં હતાં તેમનાં ઉત્પાદનો પણ વેચવામાં મદદ કરી, જેથી લોકોને કોઇને કોઇ રીતે રોજીરોટી મળી રહે. આમ તેમણે આસપાસ ઘણાં લોકોને રોજી-રોટી આપવામાં મદદ કરી.
તો લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા તેમણે ધરમપુર અને આસપાસના વિસ્તારના લોકોને 7 દિવસનો ઉકાળાનો કોર્સ કરાવ્યો. ત્યારબાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે વાત કરી સાત પ્રકારની ઔષધીઓના 12000 છોડ મંગાવ્યા. અને જે પણ લોકો ઉગાડી શકે તેમ હોય તે બધાને આ છોડ આપ્યા જેથી તેઓ પોતાના ઘરે ઉગાડે અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે. તો શાળાઓ, પોલિસ સ્ટેશન અને જાહેર સ્થળોએ પણ આ છોડ વાવ્યા. તો 30,000 કરતાં પણ વધારે ફળફળાદીના રોપા આપી ખેડૂતો પાસે વવડાવ્યા. જેથી ભવિષ્યમાં એ લોકોને આનાથી રોજી પણ મળી રહે. તો તે સમયે વાહનવ્યવહાર પણ બંધ હોવાથી જે લોકોને નિયમિત બીપી અને ડાયાબિટિસની દવા લેવાની હોય તેમને આ દવાઓ મળવાની તો તકલીફ પડવા લાગી, તો આ લોકો સુધી દવાઓ પણ પહોંચાડી.

ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં ઋષિતભાઇએ જણાવ્યું, “મારા કાકાનું અવસાન કેન્સરના કારણે થયું હતું. જેથી હું મારા વિદ્યાર્થીઓ અને વોલેન્ટિયર્સને તમાકુ ન ખાવાનો કે દારૂ ન પીવાની શપથ લેવડાવું છું. તો જે લોકો નશાનું સેવન કરતા હોય તેમને અમે કીટ પણ આપતા નથી. હું કોઇ મોટો સમાજ સેવક નથી. મારી પોતાની પણ ફેમિલિ લાઇફ છે અને હું મોડર્ન પણ છું. બસ મારાથી જે પણ થાય એ હું દેશ માટે કરું છું.”
પ્રોજેક્ટ શુદ્ધિ
બીજી એક સરસ વાત કરીએ તો, ઋષિતભાઇ ગુજરાતના પહેલા એવા પુરૂષ છે, જેઓ અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં જઈને વર્ષોથી મહિલાઓ અને છોકરીઓને માસિક અંગેની માહિતી આપે તેમને સેનેટરી પેડ અંગેની સભાનતા આપે અને તેમને સેનેટરી પેડનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ શીખવાડે. ગયા વર્ષે તેમનાં લગ્ન થતા હવે પૂર્વજાબેન પણ તેમની સાથે ઘરે-ઘરે જાય છે. મહિલાઓને સેનિટરી પેડની સાથે આંતરવસ્ત્રો પણ પણ આપે છે. એક રસપ્રદ વાત કરીએ તો, પૂર્વજાબેન પણ માત્ર ઋષિતભાઇને જ નહીં પરંતુ સમાજસેવાને પણ વર્યાં છે. લગ્ન બાદ તેમના પહેલા જન્મદિવસ પર ઋષિતભાઇએ તેમને 20 હજાર સેનિટરી પેટ આપ્યાં. જે પૂર્વજાબેને આસપાસનાં ગામોમાં જરૂરિયાતમંદ આદિવાસી મહિલાઓને આપ્યાં. આ ‘પ્રોજેક્ટ શુદ્ધિ’ અંતર્ગત તેઓ દરમિયાન મહિલાઓને ઈકો ફ્રેન્ડલી સેનિટરી પેડ કે વૉશેબલ પેડ આપે છે. ઋષિતભાઇ ત્યાંની આદિવાસી ભાષા ‘કોકણા’ બહુ સારી રીતે બોલી શકતા હોવાથી, આદીવાસી લોકો પણ તેમની સાથે પ્રેમથી હળી-ભળી શકે છે.

આ સિવાય તેમણે જોયું કે, અંધારાનો લાભ લઈ બળાત્કાર જેવી ઘટનાઓ થતી હોય છે. તો જે લોકોના ઝૂંપડાંમાં લાઇટ ન હોય ત્યાં તેઓ સોલર લાઇટ આપે છે અને આ લોકોને હેરાન કરતા હોય તેમને તેઓ પોસ્કો જેલના સળિયા સુધી પહોંચાડવામાં મદદ કરે છે. એ છોકરીઓને પણ કાઉન્સેલિંગ કરીને તેમને ફરિયાદ કરવા તૈયાર કરે.
પ્રોજેક્ટ પપ્પા-મમ્મી
તાજેતરમાં જ ઋષિતભાઇએ શરૂ કર્યો છે ‘પ્રોજેક્ટ પપ્પા-મમ્મી’. આ અંગે વાત કરતાં તેમણે કહ્યું, “બાળકોને ભણાવવા અને તેમની જરૂરિયાતો પૂરી કરવામાં ઘણીવાર માતા-પિતા પોતાની જ જરૂરિયાતો પૂરી ન કરી શકે. જેના કારણે તેઓ બે-ત્રણ વર્ષ સુધી કપડાં પણ ખરીદી નથી શકતા. તો આ માટે અમે પુરૂષોને બે-બે જોડી પેન્ટ શર્ટ સીવડાવી આપ્યાં, મહિલાઓને સાડીઓ આપી અને જે મહિલાઓ ડ્રેસ પહેરતી હોય તેમને ડ્રેસ સીવડાવી આપ્યા. જેનો ફાયદો અહીંના દરજીઓને પણ થયો. અત્યારે કપરા કાળમાં તેમને પણ રોજી મળી.”
આ સિવાય અહીં તેઓ કુટુંબ નિયોજન અંગે પણ લોકોને પ્રરિત કરે છે. અહીં સભાનતાના અભાવે આદિવાસીઓના ઘરે ઘણાં બાળકો હોય છે અને પછી તેમનામાં કુપોષણની સમસ્યાઓ પણ જોવા મળે છે. તેઓ તેમને સમજાવે છે કે, બે બાળક વચ્ચે ઓછામાં ઓછા ત્રણ વર્ષનો સમય હોવો જોઇએ. બે બાળકો બાદ પુરૂષ કે સ્ત્રી બેમાંથી કોઇ એકે ઓપરેશન કરાવી લેવું જોઇએ, જેથી વધારે બાળકો ન થાય. તેઓ તેમને નિરોધ પણ આપે છે. લગ્ન બાદ તેમની પહેલી એનિવર્સરી નિમિત્તે પણ તેમણે 10 હજાર નિરોધનું વિતરણ કર્યું હતું. તો પૂર્વજાબેને જાતે મહિલાઓને સમજાવી કે કેવી રીતે નિરોધનો ઉપયોગ કરવો અને કેવી રીતે ઓપરેશન કરાવી શકાય. આ ‘પ્રોજેક્ટ સમજણ’ અંતર્ગત તેઓ ઘરે-ઘરે જઈને ત્યાંની સ્થાનિક ભાષામાં લોકોને સમજાવે છે.
લૉકડાઉનમાં કૂતરાં-ગાય વગેરેને પણ ખાવાની તકલીફ પડતી. તો તેમણે એકદિવસ પણ ભૂખ્યાં નથી રહેવા દીધાં ગાય-કૂતરાંને.

પ્રોજેક્ટ પોષક
તાજેતરમાં જ આ દંપતિએ શરૂ કર્યો છે ‘પ્રોજેક્ટ પોષક’. જેમાં તેઓ ગામની અને આસપાસની ગર્ભવતી મહિલાઓને પોષકતત્વોથી ભરપૂર એક ટોપલો આપે છે. જેમાં ઘી, ખજૂર, મગ, સોયાબિન, ચણા, ગોળ, પાલક વગેરે આપે છે. આ ટોપલો તેઓ તાજેતરમાં માસિક શરૂ થયું હોય તેવી છોકરીઓને પણ આ ટોપલો આપે છે.

પ્રોજેક્ટ લક્ષ્મી
‘પ્રોજેક્ટ લક્ષ્મી’ અંતર્ગત દરમિયાન તેમણે લૉકડાઉન દરમિયાન જે પણ લોકોની રોજીરોટી છીનવાઇ હોય તેમને ફરી કોઇ નવો ધંધો શરૂ કરવા 2-2 હજાર રૂપિયા આપ્યા. જેમાં કેટલાક લોકોએ રમકડાનો, તો કેટલાક લોકોએ નાસ્તાનો તો કેટલાક લોકોએ ચાનો ધંધો શરૂ કર્યો.
અન્ડરસ્ટેન્ડ યોર ચાઇલ્ડ, ટીન, પેરેન્ટ્સ
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં ઋષિતભાઇએ કહ્યું, “હું અને પૂર્વજા બંને શિક્ષણ અને રિસર્ચના માણસો છીએ. એટલે અત્યારે ‘અન્ડરસ્ટેન્ડ યોર ચાઇલ્ડ, ટીન, પેરેન્ટ્સ’ અંતર્ગત અમે વાલીઓને સમજાવીએ છીએ કે, બાળકો સાથે કેવી રીતે તાલમેળ સાધવો. તેમને પણ સમજવાની જરૂર છે. તેમને ટોકવાની જગ્યાએ તેમને સમજો અને તેમને આગળ વધવામાં મદદ કરો.”
વિકલાંગથી દિવ્યાંગ
આ સિવાય ‘વેદાંશી દિવ્યાંગ’ નામનો એક નવો પ્રોજેક્ટ પણ શરૂ કર્યો છે. જેમાં દિવ્યાંગોને દયાપાત્ર બનાવવાની જગ્યાએ તેમને પગભગ કરવામાં આવે છે. તેમણે 8 દિવ્યાંગોને નાની-નાની દુકાન પણ ખોલી આપી છે. જેથી તેઓ આત્મનિર્ભર બને. જેમાં અત્યાર સુધીમાં 30 લોકોને આત્મનિર્ભર બનાવ્યા છે. 22 લોકોને સીવવાનાં મશીન આપ્યાં અને આ જ લોકો પાસે માસ્ક સિવડાવ્યા એટલે તેમને કમાણી પણ મળી રહી.

પ્રોજેક્ટ છત્રછાયા
આ સિવાય ‘પ્રોજેક્ટ છત્રછાયા’ અંતર્ગત રસ્તાઓ પર રહેતા લોકોને તેઓ તાડપત્રી આપે છે. જેથી વરસાદ સમયે પણ તેઓ તેમના ઘર કે ઝૂંપડાને બચાવી શકે.
જો તમને પણ ઋષિતભાઇનાં કાર્યો ગમ્યાં હોય અને તમે તેમનો સંપર્ક કરવા ઇચ્છતા હોય તો, +91 97243 88805 પર તેમનો સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: વડીલોની એકલતા દૂર કરવા નટૂભાઇ ચલાવે છે મેરેજ બ્યૂરો, ફ્રીમાં શોધી આપે છે યોગ્ય સાથી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.