આજે આપણે વાત કરી રહ્યા છે વડોદરાના એક યુવાનની જે હાઇવે પર રખડતા કુતરાઓને ભોજન આપવાની સાથે સાથે જરૂરિયાત પ્રમાણે તેમની કાળજી પણ રાખે છે. ધ બેટર ઇન્ડિયાએ તેમની સાથે વાત કરી ત્યારે તેમણે કયા સંદર્ભમાં અને કંઈ રીતે આ કાર્યની શરૂઆત કરી તે વિશે વિગતવાર જણાવ્યું હતું.
વ્રજેશ પંડ્યા પોતે વડોદરામાં રહે છે અને છેલ્લા ચારેક મહિનાથી તેમણે પોતાના વિસ્તારની આસપાસ હાઇવે પર રખડતા કુતરાઓના ભોજન તેમજ બીજી કોઈ જરૂરિયાત માટે તેમની કાળજી લેવાનું શરુ કર્યું છે. આમ તો વ્રજેશ નાનપણથી જ જીવદયા પ્રેમી છે અને તેઓ શરૂઆતથી જ પોતાના ઘરે બે બિલાડી પાળીને રાખતા જ હતા. આગળ જતા તેમનું જયારે મકાન બની રહ્યું હતું ત્યારે બે ત્રણ શેરીના કુતરાઓ નવા ચણતર થતા મકાનમાં આશરો લેવા લાગ્યા અને તે જોઈને મકાનના બાંધકામ પછી વ્રજેશભાઈએ તે કુતરાઓ માટે પોતાના ઘર નજીક જ એક શેલ્ટર બનાવી પાળવાનું શરુ કર્યું. ધીમે ધીમે તેમણે આસપાસના રખડતા કુતરાઓને રોજ બિસ્કિટ વગેરે ખવડાવવાનું શરૂ કર્યું પરંતુ તેમાં ખર્ચો વધારે થતો અને ઘણા કુતરાઓને વ્યવસ્થિત પોષણ પણ ન મળતું તેના કારણે વ્રજેશભાઈએ બિસ્કિટની જગ્યાએ ઘરેથી રાંધેલા ભાત સાથે છાસ તેમ જ દૂધ ઉમેરી ખવડાવવાનું શરું કર્યું. ધીમે ધીમે તેમના આ કાર્યનો વિસ્તાર વધવા લાગ્યો અને જોત જોતામાં અત્યારે વ્રજેશભાઈ રોજ એક વખત 40 થી 45 જેટલા કુતરાઓને ખવડાવવાની સાથે સાથે તેમની કાળજી લઇ રહ્યા છે.

વ્રજેશ આગળ ધ બેટર ઇન્ડિયાને જણાવે છે કે,”થોડા સમય બાદ કુતરાઓને ખવડાવતા જોઈ તે કુતરાઓના વિસ્તારમાં આસપાસ રહેતા ડુક્કર પણ એક આશ સાથે અમારી સામે જોવા લાગ્યા અને તે પછી અત્યારે અમે ડુક્કરને પણ જમાડવાનું શરુ કર્યું છે. કારણ કે જયારે અમે કુતરાઓને ખવડાવતા ત્યારે આસપાસના ડુક્કર જે આશ સાથે અમારી સામે જોતા તે જોઈને કોઈપણ વ્યક્તિ તેને જમાડ્યા વગર ના રહે.
તેઓ આગળ જણાવે છે કે, આ કામમાં તેમણે તેમના મિત્રો તેમજ માતા પિતા મદદ કરે છે અને તેઓએ હવે તેમના આ કાર્યને પ્રોજેક્ટ કમલ નામ આપ્યું છે. તેમણે આ પ્રોજેક્ટનું નામ પોતાના પરદાદી કમળાબાના નામ પર આપ્યું છે. અત્યારે આ કાર્ય માટે તેમને માસિક 6000 ની આસપાસ ખર્ચો થાય છે. અને હવે લોકો દ્વારા ધીમે ધીમે થોડું ઘણું 100 કે 200 રૂપિયા જેટલું યથાશક્તિ દાણ પણ મળે છે પરંતુ તેઓ કહે છે કે તેમણે આજ સુધી ક્યારેય કોઈ પાસેથી સામે ચાલીને આ બાબતે દાન ઉઘરાવવાનું પસંદ નથી કર્યું. જે લોકો આપે છે તે તેમની ઈચ્છા પ્રમાણે કામ જોઈને રાજી થઇને જ આપી જાય છે.
છેલ્લે ગુજરાતના દરેક લોકોને અબોલ જીવો પ્રત્યે ખુબ જ લાગણી અને કરુણા રાખી તેમની સેવા ના થઇ શકે તો કંઈ નહિ પણ તે અબોલ જીવોને કોઈપણ જાતની હેરાનગતિ ન થાય તેવું કરી તેમને પણ શાંતિથી જીવવા દેવાની વિનંતી સાથે વ્રજેશભાઈ પોતાની વાત સમાપ્ત કરે છે. ધ બેટર ઇન્ડિયા પરિવાર તેઓ આ કાર્યમાં હજી પણ ખુબ વધારે આગળ વધે તેવી શુભેચ્છા પાઠવે છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: પહેલા જ પ્રયત્નમાં GPSC પ્રિલીમનરી પરીક્ષા પાસ કરવાની ખાસ ટિપ્સ, આસિ. કમિશ્નર દ્વારા
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.