મિનિએચર આર્ટ આજકાલ બહુ ટ્રેન્ડમાં છે. ક્લેમાંથી સુંદર મિનિએચર બનાવતા કલાકારો તો દેશમાં બહુ છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ ચેન્નઈની મા-દીકરીની જોડી વિશે, જેઓ ક્લેમાંથી ફૂડ મિનિએચર આર્ટ કરે છે.
સુધા અને નેહા ચંદ્રનારાયણે અત્યાર સુધીમાં 100 કરતાં પણ વધુ ફૂડ મિનિએચર આર્ટ બનાવ્યાં છે. તેમણે બનાવેલ નારિયેળની ચટણી, સાંભાર, ડોસા અને ઈડલી જેવી ડિઝાઇન તો તમને જોઇને વિશ્વાસ પણ નહીં આવે કે આ ક્લેમાંથી બનાવેલ છે.

ક્લેમાંથી પાણીપૂરી, વડાપાઉ અને ઘણી વાનગીઓ
નેહાએ ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું કે, તેમની માતાએ તેમને તેમના જન્મદિન પર ડોસા મિનિએચર બનાવી ભેટમાં આપ્યું હતું. નેહાએ જ્યારે આ અંગે તેના મિત્રોને જણાવ્યું તો બધાં આશ્ચર્યચકિત રહી ગયાં. ત્યારથી જ નેહા અને તેની માતા મા અલગ-અલગ મિનિએચર જેમ કે, પાણીપૂરી, મેગી, વડાપાવ અને પાવ ભાજી જેવાં મિનિએચર બનાવી રહ્યાં છે.
20 વર્ષની નેહા કમ્પ્યૂટર સાયન્સની સ્ટૂડન્ટ છે. તેમણે જણાવ્યું કે, તેમની માએ ક્યાંય કળાની ટ્રેનિગ નથી લીધી. તેઓ છેલ્લાં 15 વર્ષથી ક્લેમાંથી કળા બનાવી રહ્યા છે. હવે મા-દીકરીની આ જોડીએ આ કળાને વધુ લોકો સુધી પહોંચાડવા માટે CN Arts Miniatures ની શરૂઆત કરી છે.

ક્લે આર્ટથી સુંદર મિનિએચર
તેઓ બંને ક્લે આર્ટમાંથી બનેલ ફૂડ મિનિએચર બનાવીને વેચે પણ છે. અલગ-અલગ વાનગીના આધારે તેનું માપ 3 થી 11 સેન્ટીમીટરની વચ્ચે હોય છે. નેહા અને સુધાને મલેશિયા, સિંગાપૂર અને અમેરિકા જેવા દેશોમાંથી ઓર્ડર મળે છે. દર મહિને તેમને લગભગ 150 ઓર્ડર મળી જાય છે.
50 વર્ષની સુધા જણાવે છે કે, તેમને બાળપણથી જ કળા બહુ ગમે છે અને તેમને આ કળા વારસામાં મળી છે. 15 વર્ષ પહેલાં તેઓ મુંબઈમાં હતાં ત્યારે ક્લે આર્ટ પર એક કોર્સ કર્યો હતો. વધુમાં ઉમેરતાં તેમણે જણાવ્યું કે, “હું ક્લેમાંથી જ્વેલરી, ફૂલ, બોન્સાઇ અને બીજા છોડ વગેરે બનાવતી અને લોકોને ભેટમાં આપતી હતી.”

શોખથી શરૂ કરેલ કામ બન્યો વ્યવસાય
વર્ષ 2013 માં સુધાનો પરિવાર ચેન્નાઈ શિફ્ટ થઈ ગયો અને તેમણે અહીં ઘરમાં જ એક નાનકડો વર્કશોપ બનાવી લીધો. અત્યાર સુધી તેમણે જે પણ શીખ્યું એ હવે લોકો સાથે શેર કરવાનો સમય આવી ગયો હતો. 2015 માં તેમણે 18 થી 80 વર્ષ સુધીની ઉંમરનાં બધાં લોકોને આ આર્ટિસ્ટિક સ્કિલ શીખવાડવાની શરૂ કરી. આ વર્ષે તેમણે તેમની દીકરીના કહેવાથી તેમના પોતાના કામના વેચાણની પણ શરૂઆત કરી.
ખૂબજ બારીકાઇનું કામ છે આ
આ કળાને ખૂબજ બારીકીથી કરવામાં આવે છે. સુધા જણાવે છે કે, તેઓ ડ્રાય એર નેચરલ ક્લેનો ઉપયોગ કરે છે, જે ઇકો ફ્રેન્ડલી છે. મિનિએચરની બધીજ વસ્તુઓ અલગ-અલગ બનાવવામાં આવે છે અને પછી તેને ગુંદરથી ચોંટાડવામાં આવે છે. ત્યારબાદ આ આર્ટવર્કમાં ભરવામાં આવે છે.

દરેક આર્ટવર્કને બનાવવા પાછળ અલગ-અલગ સમય લાગે છે. જો ડોસા પ્લેટર બનાવવાનું હોય તો તેમાં એક દિવસનો સમય લાગે છે. તો જો ઉત્તર-ભારત કે દક્ષિણ ભારતની થાળી બનાવવી હોય તો ત્રણ દિવસ લાગે છે. આ બંને રોજ 6 કલાક કામ કરે છે. તેમની ફાઇનલ પ્રોડક્ટ્સ 400 રૂપિયાથી 1500 રૂપિયા સુધીની હોય છે.
મહેનત અને ધીરજથી કરે છે કામ
આ કામમાં ખૂબજ મહેનત અને ધીરજની જરૂર હોય છે, એટલે મહિનામાં મર્યાદિત ઓર્ડર્સ લે છે. તેમને એકવાર અમેરિકાથી 100 ડોસા મિનિએચર બનાવવાનો ઓર્ડર મળ્યો હતો.
સુધાની કળાની સાથે-સાથે તેમનો વર્કશોપ પણ બહુ ફેમસ છે. તેમની પાસે શીખવા આવતાં કમલા વેંકટસન જણાવે છે કે, સુધા ખૂબજ ધીરજથી શીખવાડે છે.
સુધાની આ કળા ખરેખર અદભુત છે અને તેમના આર્ટવર્કને જે પણ લોકો જોવે છે, તેઓ ખુશ થઈ જાય છે.
મૂળ લેખ: નિશા ડાગર
આ પણ વાંચો: અમદાવાદનાં 80 વર્ષનાં હોશિલાં ગુજરાતી દાદીએ ઊભું કર્યું પોતાનું ફૂડ એમ્પાયર