નિવૃત્તિની ઉંમરે મોટાભાગના લોકો આરામ, પોતાનું ગમતું સંગીત સાંભળવામાં કે યોગ કે પછી પૂજાપાઠમાં સમય પસાર કરતા હોય છે ત્યાં, અમદાવાદનાં શર્મિષ્ઠા શેઠ આ બધામાં હટકે છે. તેઓ પણ આ ઉંમરે જીવનનો આનંદ તો માણે જ છે, પરંતુ શ્રીમતી શેઠે આ માટે જરા હટકે રસ્તો પસંદ કર્યો છે.
જમ્યા બાદ સોફા પર બેસતાં-બેસતાં 84 વર્ષનાં ગુજરાતી દાદીએ કહ્યું, “સાચું કહું તો, ઉંમર તો માત્ર એક આંકડો જ છે. રસોઇ મારો શોખ છે અને તેને કરવામાં ક્યારેય થાક લાગે ખરો! હજી નિવૃત્ત થવાનો મારો કોઇ પ્લાન નથી.”
આખા દિવસના લાંબા શેડ્યૂલમાં એક કલાક રસોડામાં રસોઇ માટે પણ પસાર થતો, પરંતુ કેટરર તરીકેના તેમના 40 વર્ષ પહેલાં શરૂ કરેલ ઉદ્યોગ સાહસ તરીકે વાત કરતાં અવાજમાં બાળકો જેવો ઉત્સાહ સ્પષ્ટ જણાઇ આવતો હતો.
જ્યારે તેમને પૂછ્યું કે તેઓ તેમના આ વ્યવસાયનું સંચાલન કેવી રીતે કરે છે, ત્યારે હસતાં-હસતાં બેટર ઈન્ડિયાને જણાવે છે:
“ગુજરાતી વાનગીઓમાં બધા જ પ્રકારના સ્વાદ અને સંગમ હોવો જ જોઇએ. લગ્ન માટેનું મેનુ નક્કી કરવું એ મારું સૌથી ગમતું કામ છે, આની પાછળ એક વિજ્ઞાન પણ છે. મારી આ ઉંમર કદાચ મને લગ્નમાં જવા કે કાઉન્ટરો સેટ કરવાની મંજૂરી ન આપે, પરંતુ ટેક્નોલૉજીના આભારે હું વિડીયો કૉલ કરી શકું છું અને ફોટા મંગાવી શકું છું. મને મારી કેટરિંગ હંમેશાં શ્રેષ્ઠ હોય એ ગમે છે.”

‘શર્મિષ્ઠા શેઠ કેટરિંગ’ છેલ્લા ત્રણ દાયકાથી લગ્ન સમારંભો અને વિવિધ પ્રસંગોમાં સ્વાદિષ્ટ ભોજન પૂરું પાડે છે. દર વર્ષે 20-30 લગ્નોમાં કેટરિંગ કરતાં શર્મિષ્ઠા બેનનો દાવો છે કે, છેલ્લાં 34 વર્ષમાં તેમણે 700 કરતાં વધુ લગ્નોનાં ભોજન પીરસ્યું છે.
ગુજરાતમાં તેમનો કેટરિંગ વ્યવસાય લોકપ્રિય હોવા છતાં ન તો ક્યાંય સોશિયમ મીડિયામાં દેખાય છે ન તો કોઇ વેબ સાઇટ્સ પર. વખાણ સાંભળવા મળે છે માત્ર લોકોના મોંએ જ.
શર્મિષ્ઠા બેન જણાવે છે, “મેં મારો વ્યવસાય 80 ના દાયકામાં શરૂ કર્યો હતો, જ્યારે ઇન્ટરનેટ એક એલિયન સમાન હતું. મેં ક્યારેય માર્કેટિંક કે પબ્લિસિટી પાછળ પૈસા નથી ખર્ચ્યા. તેની જગ્યાએ અમે અમારી શક્તિનો ઉપયોગ સંપૂર્ણ ખોરાક બનાવવા માટે કર્યો. તો પછી હવે બદલાવની શું જરૂર છે? કેટલીકવાર ઓલ્ડ-સ્કૂલ હોવું પણ તમારી યુએસપી (ઓળખ) બની જાય છે.”
એ વાતમાં કોઇ બેમત નથી કે, તેમના ગ્રાહકોમાં વ્યવસાયિકો, રાજકારણીઓ, અભિનેતાઓથી માંડીને સામાન્ય લોકોનો સમાવેશ થાય છે. તેમનાં વખાણ સાથે શર્મિષ્ઠા બેન તેમના સાહસને આગળ ધપાવતાં જાય છે.
મૂળ ગુજરાતી શેઠે પરંપરાગત વાનગીઓ ભેગી કરી તેમને એક સમકાલીન રૂપ આપ્યું અને તેને પ્રોટીન અને ફાઇબરની સાથે-સાથે સ્વાદથી પણ ભરપૂર બનાવી.
કેટરિંગ કંપની દ્વારા ઘેવર અને દાળ-ઢોકળી જેવી ઓછી જાણીતી અને ઊંધિયું, ઢોકળાં, પાત્રા જેવી જાણીતી ખૂબજ સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, શર્મિષ્ઠા શેઠને હજારો વર્ષોથી જાણીતી આંતરરાષ્ટ્રિય વાનગીઓ પીરસવામાં પણ સંકોચ નહીં થાય.
એક નમ્ર રસોડા સાથે શુભારંભ
શર્મિષ્ઠાબેનને શરૂઆતથી જ અભ્યાસ અને કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહન મળ્યું હતું. તેઓ ફાંકડું અંગ્રેજી બોલી શકે છે અને તેમની પાસે એલએલબીની ડિગ્રી પણ છે. તેઓ 1969 માં ફૂડ ક્રાફ્ટ સંસ્થાની પ્રથમ બેચમાં સ્નાતક પણ થયાં હતાં.
એક વર્ષ બાદ પતિ અને સાસુના પ્રોત્સાહન અને ટેકાથી તેમણે બેકિંગ અને રસોઇના વર્ગો શરૂ કર્યા. તે સમયે લોકો માટે એકદમ અસામાન્ય હતી તેવી આંતરરાષ્ટ્રિય વાનગીઓ પાઇ, કેક, પુડિંગ વગેરે વાનગીઓ બનાવી તેમના વર્ગ બહુ લોકપ્રિય બન્યા.
એક મોટા ઓરડાને તેમણે રસોડું બનાવી દીધું અને પછીના દસ વર્ષ સુધી તેમાં રસોઇના વર્ગો લીધા. તેમણે દિલથી પિઝા, બર્ગર, નૂડલ્સ જેવી વિદેશી ફાસ્ટફૂડની વાનગીઓને આવકારી અને લોકોને બનાવતાં શીખવાડી.
તેઓ દાવો કરે છે કે, લગભગ 6000 કરતાં વધુ છોકરીઓને રસોઇ કળા શીખવાડી અને તેમણે પોતાનાં ફૂડ સાહસ શરૂ પણ કર્યાં છે.
સમય સાથે શર્મિષ્ઠા શેઠે પ્રગતિ કરી અને પુણેની એસ.એન. ડી.ટી. વુમન્સ યુનિવર્સિટીમાં વિઝિટિંગ ફેકક્ટી બન્યાં. તેમણે અમદાવાદમાં અગાશિયે, મુંબઈમાં ઠાકર કેટરર્સમાં કેટલીક જૂની પરંપરાગત ગુજરાતી વાનગીઓ અને થાળીઓ માટે સલાહ આપવાનું શરૂ કર્યું.
આ બધાથી શર્મિષ્ઠા શેઠ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં એક બ્રાન્ડ બન્યાં, “લોકો તેમને પૂછવા લાગ્યાં, ‘તમે નાના સામાજિક સમારંભોમાં કેટરિંગ કેમ નથી શરૂ કરતાં?’ ત્યારબાદ, 80 ના દાયકામાં મેં મિત્રો અને સંબંધીઓ માટે કેટરિંગ કરવાનું શરૂ કર્યું.”
1986 માં જ્યારે તેમણે કેટરિંગમાં સાહસ કર્યું ત્યારે તેમની ઉંમર 40 થઈ જ ગઈ હતી. આ અંગે જણાવતાં તેમણે કહ્યું, “કોઇપણ વ્યવસાય શરૂ કરવા તમે 20 વર્ષ આસપાસના હોય તે જરૂરી નથી. જરૂર છે માત્ર મહેનત અને પ્રતિબદ્ધતાની.”
40 ની ઉંમરે તેમને રસોઇયા લીધા અને જબરદસ્ત યાત્રા શરૂ કરી!

700 લગ્નોમાં કેટરિંગ કર્યું
ગુજરાતી લગ્નોમાં કેટરિંગ ખરેખર એક તણાવભર્યું કામ છે. સમયસર ડિલિવરી અને સ્વાદ બે એવી વસ્તુઓ છે, જેમાં કોઇપણ કેટરરની જરાપણ ભૂલ ન ચાલે. તેમને એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડે છે કે, ભોજન ખૂટે નહીં, સાથે-સાથે વધી પડે અને બગાડ ન થાય.
તે એ વાતનું ખાસ ધ્યાન રાખે છે, તેમનો દરેક કર્મચારી એ વાત શીખી લે કે, “સમયસર ડિલિવરી જ આપણી યુએસપી છે, 34 વર્ષમાં એકપણ વાર તેમાં ચૂક નથી થઈ.” 80 નો દાયકો પૂરો થયો ત્યાં તેમના પુત્ર સુરીન અને તેની પત્ની વૈશાલીએ પણ તેમના વ્યવસાયમાં જ કામ કરવાનું શરૂ કર્યું.
વિશાળ મેનુને સર્વ કરવા કેટરિંગ કંપની હાથ સજાવટવાળાં તાંબા-પિત્તળનાં વાસણો અને ક્રોકરીનો ઉપયોગ પણ કરે છે. તેમનું માનવું છે કે, વાનગીઓ દેખાવમાં સુંદર લાગશે તો, અનુભવ યાદગાર બની જશે.
શર્મિષ્ઠા શેઠે જ્યારે વ્યવસાય શરૂ કર્યો ત્યારે સ્વાદિષ્ટ વાનગીઓની સાથે-સાથે સુંદર ક્રોકરી અને શણગારેલાં ટેબલનાં આકર્ષક કાઉન્ટરની ભવ્યતા ભાગ્યે જ ક્યાંય જોવા મળતી હતી. તેમના ગ્રાહકોએ જ બીજા લોકો આગળ વખાણ કરી તેમના વ્યવસાયનો પ્રચાર કર્યો. તેમનાં ડિઝર્ટ બાર, કૉફી બાર અને જમ્યા પછીનું સેક્શન તે સમયે શહેરમાં ચર્ચાનો વિષય બન્યાં હતાં.

દર વર્ષે તેઓ 20 કેટરિંગ ઓર્ડર્સ લે છે, જે ઓક્ટોબરથી માર્ચ સુધી ચાલે છે. આ અંગે જણાવતાં તેઓ કહે છે, 200 થી 2000 મહેમાનો માટેનાં લગ્નોમાં તેઓ ઓછામાં ઓછી 30 વાનગીઓ પીરસે છે.
આવકની દ્રષ્ટિએ જોઇએ તો શર્મિષ્ઠા શેઠ પોતાને નસીબદાર માને છે, તેમનો વિકાસદર 15-20 ટકાની આસપાસ છે.
તાજેતરમાં જ શહેરના ફૂડ એન્ટરપ્રિન્યર એસોસિએશન દ્વારા જ્યારે તેમને લાઇફટાઇમ એચિવમેન્ટ અવોર્ડથી નવાજવામાં આવ્યાં ત્યારે તેમની આ અથાગ મહેનત અને ભગીરથ પ્રયત્નોનો બદલો મળ્યો.
થોડા પડકારોનો સામનો કરતાં શર્મિષ્ઠા બેને વિશ્વાસુ અને કાર્યક્ષમ ટીમ બનાવી અને હંમેશાં આવક કરતાં ગુણવત્તાને પ્રાધાન્ય આપ્યું. બધા અવરોધો વચ્ચે પણ હંમેશાં તેમણે તેમની ઓળખ બનાવી રાખી.
તેમણે તેમની ઉદ્યોગસાહસિક મહત્વકાંક્ષાઓને પૂરી કરવા હંમેશાં ઉંમરના અવરોધોને પણ અવગણ્યા છે.
મૂળ લેખ: ગોપી કરેલિયા