આજકાલ લોકો તેમની સુવિધા માટે ઘરની બહારના ઝાડ કાપી નાખે છે, જેથી તેઓને વાહનો પાર્ક કરવાની જગ્યા મળી રહે. આપણે સૌ આપણી સુવિધા માટે પ્રકૃતિને સૌથી વધુ નુકસાન પહોંચાડી રહ્યા છે. પરંતુ આજે અમે તમને એક એવા પરિવાર વિશે જણાવી રહ્યા છીએ જેમણે તેમની જમીનની વચ્ચેના ઝાડને કાપવાને બદલે તેની આસપાસ ઘર બનાવ્યું, તે પણ ઝાડને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર. આજે આ ઝાડ સારી રીતે વિકસિત પણ થઈ રહ્યું છે અને ઘર પણ એક મજબૂતીથી ઉભુ છે.
આ મધ્યપ્રદેશના જબલપુરમાં રહેતા કેશરવાની પરિવાર અને તેમના અદ્ભુત ઘરની વાર્તા છે. તમે શહેરમાં જઈને અને કોઈને પણ પૂછો કે તમે વૃક્ષોવાળા ઘરે જવા માંગો છો, તો લોકો જાતે જ તમને રસ્તો બતાવશે. રસપ્રદ વાત એ છે કે આ અનોખા ઘરની વાર્તા માત્ર જબલપુર જ નહીં વિદેશમાં પણ પહોંચી છે. બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં કેશરવાની દંપતીએ તેમના અનોખા ઘર વિશે વિગતવાર વાત કરી.
યોગેશ કેશરવાની અને તેમની પત્ની નીલુ કેશરવાની કહે છે, “આ ઘર અમારા પિતા સ્વર્ગસ્થ ડૉ.મોતીલાલ કેશરવાનીએ બનાવ્યું હતું. અમારા દાદાના સમયમાં આ જગ્યાએ એક નળિયાવાળુ ઘર હતું અને આ પીપળાનું ઝાડ કદાચ તે જ સમયથી અહીં ઉભું છે. લોકો કહે છે કે આ ઝાડની ઉંમર 150 વર્ષથી વધુ છે.”

વર્ષ 1990માં યોગેશના પિતા નવું મકાન બનાવી રહ્યા હતા. પરંતુ પીપળાના ઝાડને જમીનની વચ્ચે ઉભુ જોઈને લોકો તેમને ઝાડ કાપવાની અને એક સુંદર ઘર બનાવવાની સલાહ આપતા. પરંતુ પ્રકૃતિ પ્રેમી મોતીલાલે તેમની વાતને અવગણીને તેના સિવિલ એન્જિનિયરના મિત્ર સાથે વાત કરી. યોગેશ કહે છે, “આજે તેમના તે મિત્ર કેપી સોની જી પણ હવે અમારી સાથે નથી. પરંતુ તેમણે તેના પિતાની ઇચ્છા પર જે કમાલ કરી છે, તે તેમના નામને ક્યારેય ભૂલવા દેશે નહીં. પપ્પા ઈચ્છતા હતા કે પરિવાર માટે એક મજબૂત મકાન બનાવવામાં આવે અને ઝાડને કોઈ નુકસાન ન થાય અને તેમના મિત્રએ તેની જવાબદારી લીધી.”
ઘરની ડિઝાઈન એવી રીતે કરવામાં આવી હતી કે બધા રૂમમાં કોઈને કોઈ ઝાડની ડાળીઓ નીકળતી હોય. ઘર ચાર માળનું છે અને કેશરવાની પરિવાર માટે તે પર્યાપ્ત છે. યોગેશ સમજાવે છે કે ઝાડની વૃદ્ધિને ધ્યાનમાં રાખીને ઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે. બધાને ખબર છેકે,પીપળાનું ઝાડ કેટલું વધારે ફેલાય છે, તેથી બધી દિવાલોમાંથી પહેલાથી જ ડાળીઓને નીકળવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તે પણ એવી રીતે કે જો ડાળીઓ ક્યારેય કદ અથવા જાડાઈમાં વધે, તો ઘરને કે ઝાડને કોઈ નુકસાન થતું નથી.
“જો તમે આવીને જોશો, તો એકવાર તમને આશ્ચર્ય થશે કે આ કેવી રીતે થઈ શકે. પરંતુ રહેતા-રહેતા, તમને ખ્યાલ પણ નહીં આવે કે તમારા રૂમમાંથી ઝાડની ડાળી પસાર થાય છે. કારણ કે તે રીતે ઘરની ડિઝાઇનિંગ કરી છે,” તેમણે કહ્યું.

વિદ્યાર્થીઓથી લઈને NRI, દરેક જોવા માટે આવે છે
નીલુ કહે છે, “મેં લગ્ન પહેલાં આ ઘર વિશે ઘણી ચર્ચા સાંભળી હતી અને મને આશ્ચર્ય પણ થયું કે ખરેખર તે સાચું છે કે ઘર ઝાડ પર બનાવવામાં આવ્યું છે. પરંતુ જ્યારે હું અહીં આવી અને મારી જાતે જોયું ત્યારે મને ખૂબ જ આશ્ચર્ય થયું. પણ પછી હું પણ અહીં રહેતા-રહેતા આ ઝાડ સાથે પ્રેમમાં પડી. હવે હું ખુશ છું કે હું આ પ્રકારની કોઈ વસ્તુનો ભાગ છું. ” જો કે, ઘણા લોકોએ યોગેશના પિતાને કહ્યું કે ઘરમાં પીપળનું ઝાડ શુભ નથી, તમારે પછી મુશ્કેલી પડશે. પરંતુ તે તેના નિર્ણયને વળગી રહ્યા અને તેમણે કમાલ કરી નાંખી.
યોગેશ કહે છે, “પીપળાનું ઝાડ 24 કલાક ઓક્સિજન આપે છે. સાથે જ, તે ખૂબ જ ગાઢ ફેલાય છે, તે છાંયડો પણ ઘણો આપે છે અને તેની આસપાસના વાતાવરણને શુદ્ધ અને ઠંડુ રાખે છે. અમારા ઘરનું તાપમાન હંમેશાં બહારના તાપમાન કરતા ઓછું રહે છે. એટલા માટે ઉનાળામાં પણ અમારે ભાગ્યે જ એ.સી. ચલાવવાની જરૂર પડે છે.” તેમણે કહ્યું કે આ મકાનનું નિર્માણ વર્ષ 1993માં પૂર્ણ થયું હતું અને તે પછી તે લોકોમાં કુતુહલતાનો વિષય બની ગયુ હતુ. યોગેશ કહે છે કે અગાઉ સિવિલ એન્જિનિયરિંગના ઘણા વિદ્યાર્થીઓ પણ તેમના ઘરે આવતા હતા.
તેના સિવાય બીજી જગ્યાઓ ઉપરથી પણ લોકો તેમનું ઘર જોવા માટે આવતા હતા. તેઓ કહે છેકે, ઘણા લોકો તેમનાં લગ્નનાં વીડિયોમાં પણ આ ઘરની ક્લિપ નખાવે છે. કેશરવાની પરિવાર દરેક લોકોનું દિલથી સ્વાગત કરે છે. તેમને ખુશી મળે છેકે, તેમનું ઘર બીજા લોકો માટે પ્રેરણા બની રહ્યુ છે પોતાની સુવિધા માટે પ્રકૃતિને નુકસાન પહોંચાડવું જરૂરી નથી. તમે પ્રકૃતિની સાથે સંતુલનમાં પણ રહી શકો છો.

વધારે ઝાડ અને છોડ પણ લગાવ્યા છે
“અમારા ઘરમાં લાગેલાં આ એક ઝાડને કારણે અમને પ્રકૃતિ સાથે લગાવ રહ્યો છે. પોતાના પારિવારિક વ્યવસાયની સાથે સાથે અમે જૈવિક ખેતી સાથે પણ જોડાયેલાં છીએ. અમારા ઘર માટે શાકભાજી અને ફળો અમે જાતે જ ઉગાડીએ છીએ. અમારા બાગમાં લગભગ 50-60 ફળોનાં ઝાડ છે. જેમાં જાંબુ, પપૈયુ, કેરી વગેરે શામેલ છે. આ દરેક છોડ અમે અમારા પિતાજીની સાથે લગાવ્યા હતા. અને આજે અમે તેના ફળો ખાઈ રહ્યા છીએ. તેનાંથી વધારે ખુશીની વાત શું હોઈ શકે છે.” તેમણે કહ્યુ.
તેના સિવાય, તે પોતાના બગીચામાં છોડની નર્સરી પણ તૈયાર કરે છે, જેથી કોઈને પણ વૃક્ષારોપણ માટે છોડ જોઈએ તો તેઓ ફ્રીમાં લઈ જઈ શકે છે. તેઓ કહે છેકે, “હિન્દુ પુરાણોમાં માન્યતા છેકે, પીપળાનાં ઝાડમાં ઈશ્વરનો વાસ હોય છે. એવામાં કહી શકાય કે, આ ઝાડને કારણે અમારો પરિવાર ખુશ રહે છે અને પ્રગતિ કરી રહ્યો છે. અમે બધા સમાજ પ્રત્યે અમારી જવાબદારી પણ નિભાવી રહ્યા છીએ.”
જો તમે જબલપુરમાં છો અને આ અનોખા ઘરને જોવા માંગો છો તો કોઈને પણ તેના વિશે પુછીને જઈ શકો છો. કેશરવાની પરિવાર હંમેશા લોકોનાં સ્વાગત માટે તૈયાર રહે છે.
ખરેખર, આ પરિવાર અને આ ઘર આપણા બધા માટે એક પ્રેરણા છે અને આપણે બધાએ વીચારવું જોઈએકે, કેવી રીતે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર આપણે જીવન જીવી શકીએ છીએ.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: ખીજડા પર ‘ટ્રીહાઉસ’, 2000 ઝાડ & તળાવ, થીમ પાર્ક કરતાં ઓછું નથી નિવૃત સૈનિકનું ખેતર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.