ભાવનગર જિલ્લાના તળાજામાં રહેતા મુકેશ ધાપા પરિવારનું ગુજરાન ચલાવવા માટે સુથારી કામ કરે છે. આ કામ તેઓ રોજિંદી મજૂરી રૂપે જ કરે છે કેમ કે સુથારી કામ માટે તેમની પાસે પોતાની કોઈ દુકાન નથી તેથી ઘરે બેઠા જ આવતા દરેક ઓર્ડર્સને પૂર્ણ કરી તેઓ સમગ્ર પરિવારનું ભરણપોષણ કરે છે.
તેમની દિવસ દરમિયાનની આજીવિકા રળવાની આ પ્રવૃત્તિ સાથે આજથી ચાર વર્ષ પહેલા એક એવી પ્રવૃત્તિએ પણ પ્રવેશ કર્યો છે જે મુકેશ ધાપા અને તેમના સમગ્ર પરિવારને ગુજરાતના ઉમદા કુટુંબોમાંના એક કુટુંબ તરીકે પ્રસ્થાપિત કરે છે.
જયારે પણ આપણે કોઈ વ્યક્તિ સમુદાય કે પરિવારને પર્યાવરણીય કામગીરી બાબતે જણાવીએ છીએ કે તે માટે પ્રોત્સાહિત કરીએ છીએ ત્યારે તેઓ સાધન અને સંસાધનોના અભાવ કે સમયના અભાવનું બહાનું આગળ ધરાતા હોય છે. આવા લોકો માટે મુકેશ ધાપા અને તેમનો પરિવાર એક ઉત્તમ ઉદાહરણ રૂપે છે.
છેલ્લા ચાર વર્ષથી મુકેશભાઈ અને તેમનો પરિવાર વિવિધ વનસ્પતિઓ તેમજ શાકભાજી, ફળ, ફૂલના છોડવાઓ માટેના બીજનું પોતાની મેળે એકત્રીકરણ કરી તેને સાચવી અને તે વિવિધ બીજને સમગ્ર ભારતમાં જરૂરિયાતમંદ લોકોને ફક્ત 50 રૂપિયા કુરિયર ખર્ચ તરીકે લઇ મોકલાવે છે. આ માટે તેમણે પોતાની આ પહેલને ‘વનસ્પતિ બીજ બેંક, તળાજા’ નામ પણ આપ્યું છે.

ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા મુકેશભાઈ જણાવે છે કે, અત્યાર સુધી તેમણે લગભગ 3000 લોકોને વ્યક્તિગત રીતે બીજ કુરિયર કર્યા છે અને તે સિવાય 200 જેટલી સંસ્થાઓને પણ. અહીંયા નોંધવા જેવી બાબત એ છે કે કોઈ પણ સંસ્થાને તેઓ બીજ મોકલે છે તો તેનો કુરિયરનો ચાર્જ સંસ્થા પાસેથી ન લેતા તેઓ જાતે જ ઉઠાવે છે.
ખરેખર ધન્ય છે આ અનમોલ વ્યક્તિત્વને જે જિંદગીમાં કોઈ પણ જાતની ફરિયાદ વગર પર્યાવરણ માટે પોતાનાથી થતા કાર્યને નિરંતર કરી રહ્યા છે. જો તમારે મુકેશભાઈનો સંપર્ક કરવો હોય તો નીચે આપેલ નંબર પર કોલ કરી વાતચીત કરી શકો છો.
મુકેશ ધાપા (વનસ્પતિ બીજ બેંક, તળાજા) – 9265651785
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: બોટાદના આ શિક્ષકને ઝાડ ન વાવે ત્યાં સુધી ઊંઘ નથી આવતી, દર વર્ષે ઉછેરે છે 1600+ છોડ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.