વર્ષ 2018માં જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન ‘રક્ષક’ ચાલી રહ્યું હતું. તે ઓપરેશન દરમિયાન, 11 એપ્રિલ 2018ના રોજ આતંકવાદીઓ સાથેની અથડામણમાં ઓફિસર દીપક નૈનીવાલ શહીદ થયા હતા અને તે જ ક્ષણે તેમની પત્ની જ્યોતિ નૈનીવાલનું જીવન એકદમ થંભી ગયું.
પરંતુ, જ્યોતિએ પોતાને વચન આપ્યું કે તેણી પોતાના પતિને ફક્ત અશ્રુભીની શ્રદ્ધાંજલિ ન આપતા એક ગૌરવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપશે. આજે, ત્રણ વર્ષ પછી, 20 નવેમ્બર 2021 ના રોજ, તેમણે ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી (ચેન્નઈ)માંથી અધિકારી તરીકે સ્નાતક થઈને તે વચન પૂરું કર્યું છે.
ત્રણ વર્ષ પહેલા જ્યારે આ ઘટના બની ત્યારે દીપક 40 દિવસ સુધી પથારીમાં જ હતા અને અંતે તેમણે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું. દીપક શહીદ થયા પછી તેમના પરિવારને કોઈ ખ્યાલ જ નહોતો કે હવે તેમનું ભવિષ્ય કેવું હશે.
માં ની એક સલાહે બદલી દીધી જિંદગી
દીપકની શહીદી વખતે જ્યોતિ ગૃહિણી તરીકે જ હતા. પરંતુ, અચાનક તેમની માતાની સલાહથી તેમના જીવનમાં નવો વળાંક આવ્યો. જ્યોતિની માતાએ જ્યોતિને કહ્યું કે, “તારું જીવન હવેથી તારા બાળકો માટે ભેટ તરીકે હોવું જોઈએ કેમકે તેઓ હવે તને જ અનુસરશે અને એ હવે તારા પર નિર્ભર કરે છે કે તું તારું જીવન કઈ રીતે ચલાવવા ઈચ્છે છે.”
તે સમયે જ્યોતિને એ વાતનો ખ્યાલ નહોતો કે સેનામાં જોડાવાની પસંદગી પ્રક્રિયા કંઈ રીતે હોય છે? પરંતુ દળમાં જોડાવાની તેમની આતુરતા જોઈને દીપકની મૂળ કંપની ‘1 મહાર રેજિમેન્ટ’ના બ્રિગેડિયર ચીમા અને કર્નલ એમ પી સિંઘે તેમના માર્ગદર્શકની ભૂમિકા નિભાવી.
જ્યોતિ (Army Officer Jyoti Nainwal) એ એક ઈન્ટરવ્યુમાં કહ્યું, “હું મહાર રેજિમેન્ટનો આભાર માનું છું. તે દરેક સમયે અમારી પડખે ઉભી રહી અને આજે હું જે કંઈ પણ છું, તે આ રેજિમેન્ટને કારણે જ છું.”
બાળકો પણ યુનિફોર્મમાં દેખાયા
દીપકની શહીદી પછી તરત જ, જ્યોતિએ આર્મ્ડ ફોર્સ ઑફિસર કેડરમાં પ્રવેશ માટે ‘સેવા પસંદગી બોર્ડ પરીક્ષા’ની તૈયારી શરૂ કરી. ત્યારબાદ, તેણીએ તે પરીક્ષા પાસ કરી અને ચેન્નાઈમાં 11 મહિનાની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી. હવે તેમને લેફ્ટનન્ટના પદ પર પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.
જ્યોતિના (Army Officer Jyoti Nainwal) બાળકો, નવ વર્ષની લાવણ્યા અને સાત વર્ષીય રેયાંશ પરેડ પછી જ્યોતિ જેવો જ યુનિફોર્મ પહેરીને તેમની માતા સાથે જ હતા.
લાવણ્યાએ એક ટીવી ચેનલને કહ્યું, “મને મારી મા પર ખૂબ ગર્વ છે! તે હંમેશા કહેતી હતી કે તે આર્મી ઓફિસર બનશે. આજે તેણે પોતાનું સપનું પૂરું કર્યું છે. તે વિશ્વની શ્રેષ્ઠ માતા છે. હું તેમને ખૂબ પ્રેમ કરું છું.”
દરમિયાન, યુનિફોર્મમાં જ્યોતિ અને તેના બાળકોના આ વીડિયોને લઈને ઈન્ટરનેટ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું છે. તેમના પ્રિયજનને ગુમાવ્યાના વર્ષો પછી, જ્યોતિના પરિવારમાં અને જીવનમાં આનંદની આ ક્ષણ આપણા ચહેરા પર પણ સ્મિત લાવી દે છે.
તમે આ વિડીયો પણ જોઈ શકો છો:
#WATCH | Newly commissioned Indian Army Officer Jyoti Nainwal, mother of 2 children is the wife of Naik Deepak Nainwal, who died after being shot while serving our nation in Indian Army operations in J&K in 2018.
— ANI (@ANI) November 20, 2021
(Source: PIB Tamil Nadu) pic.twitter.com/5hlrmGyAtV
મૂળ લેખ: અનઘા આર. મનોજ
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: 50 ગરીબ બાળકોને દત્તક લઈ માતા બની ભણાવે છે અને સાચવે છે આ પોલીસ કૉન્સ્ટેબલ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.