વારંવાર લોકોની વચ્ચે પોલીસની છબી નકારાત્મક ઉપસી આવતી હોય છે. પરંતુ મુંબઈની એક મહિલા પોલીસકર્મીએ લોકો સમક્ષ માનવતાનું નવું ઉદાહરણ રજૂ કર્યું છે. મૂળ, આ વાત રેહાના શેખની છે.
રેહાના શેખ, મૂળ મહારાષ્ટ્રના સતારાની, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ (ઈન્ટરપોલ)માં કોન્સ્ટેબલ છે. રેહાના 50 જરૂરતમંદ બાળકોનો ભણવાનો ખર્ચ ઊઠાવે છે, અને કોરોના વાયરસના કારણે 50 થી વધુ લોકો માટે પ્લાઝ્મા, બેડ અને એંબુલન્સ વગેરેમાં પણ મદદ કરે છે. આ કારણે જ આજે લોકો તેમને મધર ટેરેસા કહે છે.
કેવી રીતે થઈ શરૂઆત ?
રેહાના શેખે ધ બેટર ઈન્ડિયાને જણાવ્યું કે, “13 મે ના રોજ મારી દીકરીનો જન્મદિવસ હોય છે. એકવાર તેના જન્મદિવસ પર, અમે ઉજવણી કરવાનું આયોજન કર્યું હતું. તે દરમિયાન, નજીકમાં રહેતા એક કોન્સ્ટેબલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેથી અમે જન્મદિવસની ઉજવણી કરી શક્યા નહીં. ત્યારે જ, મુંબઈના એડિશનલ કમિશનર ઑફ પોલીસ, રવીન્દ્ર પાટીલની ઑફિસમાં કામ કરતા મિત્રએ મને રાયગઢમાં કેટલાક જરૂરિયાતમંદ બાળકો વિશે જણાવ્યું અને મને કેટલાક ફોટો બતાવ્યા.”
તે જોઈને રેહાનાએ તેના મિત્રને તેની પુત્રીનો જન્મદિવસ તે બાળકો સાથે સેલિબ્રેટ કરવા વિશે પૂછ્યું, જેના પછી તેમના મિત્રએ કહ્યું- હા, કેમ નહીં! પરંતુ, કોઈ અર્જન્ટ કામના કારણે તે ત્યાં જઈ શક્યા નહીં. રેહાના કહે છે, “બાળકો સાથે મારી પુત્રીનો જન્મદિવસ ઉજવવા ન ગયા પછી, મેં મારા મિત્રના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા અને તેમને તે બાળકો માટે
ભોજન લેવા અને સાંજે મને તેના ફોટા મોકલવાનું કહ્યું.”
તેઓ આગળ ઉમેરે છે કે, “તે મિત્રે મને કેટલીક એવી તસવીરો મોકલી, જે જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી મેં મારા મિત્રને ફોન કર્યો અને પૂછ્યું કે તમે કેવા ચિત્રો મોકલ્યા છે? કોઈના કપડા ફાટી ગયા છે તો કોઈના પગમાં ચપ્પલ નથી. આ અંગે તેમણે કહ્યું કે આ વાસ્તવિકતા છે. આ સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયા.”
ઈદ પર પોતાના બાળકોને નવા કપડા ન અપાવ્યા
આ પછી રેહાનાએ આ જરૂરિયાતમંદ બાળકો માટે કંઈક કરવાનું નક્કી કર્યું અને શાળાના આચાર્યનો ફોન નંબર શોધીને તેમની સાથે વાત કરી. તે કહે છે, “મેં તેમને કહ્યું હતું કે હવે હું તે લોકોને મદદ મોકલીશ. પણ તે આચાર્યએ કહ્યું કે તમે જાતે આવીને બાળકોને મળો. હું તમારી પાસેથી પૈસા નહીં લઈ શકું. તમારી ખુશી માટે તમે જે પણ મદદ કરવા માંગો છો તે કરી શકો છો.
આ સમય દરમિયાન જ ઈદ આવી અને રેહાનાએ તેના બંને બાળકોને કહ્યું, “આપણે દર વર્ષે ઈદના અવસરે નવા કપડાં લઈએ છીએ, પણ આ વખતે નહીં લઈએ. આ કારણે બંને બાળકો નિરાશ થઈ ગયા અને પૂછ્યું કેમ? પછી મેં તેમને સમજાવ્યું કે આ વખતે આપણે તે પૈસાથી જરૂરિયાતમંદ બાળકોને મદદ કરીશું. રેહાના તે બાળકોને મળવા માટે રાયગઢના ધામનીમાં આવેલ જ્ઞાનયી વિદ્યાલય પહોંચી. તેમણે બાળકો વચ્ચે કપડાં અને જમવાનની ચીજ વસ્તુઓનું વિતરણ પણ કર્યું અને દર મહિને પોતાની કમાણીમાંથી થોડો ભાગ તેણે ગરીબ બાળકોના શિક્ષણ પર ખર્ચવાનું નક્કી કર્યું.
રેહાના કહે છે, “તે એક ખાનગી શાળા છે જેમાં 243 બાળકો છે. આ શાળા છેલ્લા 10 વર્ષથી ઠાકુર સર નામના શિક્ષક દ્વારા ચલાવવામાં આવે છે. તેઓ પોતાની ભજન-કીર્તન મંડળી ચલાવે છે, જેમાંથી તે શાળાનો ખર્ચ ઉઠાવે છે. આ શાળા મારા ઘરથી લગભગ 8 કિમી દૂર છે. શાળા ખુલ્યા પછી, હું દર અઠવાડિયે રજાના દિવસે અહીં આવું છું અને મરાઠી તથા હિન્દી શીખવું છું. હાલમાં હું 50 બાળકોના શિક્ષણનો ખર્ચ પણ ઉઠાવી રહી છું.

કોરોનાની બીજી લહેર દરમિયાન ઘણા લોકોના જીવ બચાવ્યા
કોરોના રોગચાળાની બીજી લહેર દરમિયાન રેહાના ઘણા લોકો માટે એક મસીહા તરીકે ઉભરી આવી હતી. તેમણે 54 લોકોને પ્લાઝમાથી લઈને ઓક્સિજન અને બેડ પૂરા પાડ્યા. જેમાં 32 મુંબઈ પોલીસ અને તેમના પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે અનેક લોકોને એમ્બ્યુલન્સની સુવિધા પણ આપી હતી.
તે કહે છે, “એક કોન્સ્ટેબલ મિત્રની માતાને કોરોના થયો હતો અને તેને ટેક્સિમ ઈન્જેક્શનની જરૂર હતી. પરંતુ તેને ઈન્જેક્શન નહોતું મળતું. તે પછી તેણે મને કહ્યું. મેં BMC હોસ્પિટલમાં પૂછપરછ કરી, તેઓએ કસ્ટમર કેર નંબર આપ્યો અને તેના દ્વારા મને ખબર પડી કે મને ઈન્જેક્શન ક્યારે અને ક્યાં મળશે. મેં મારા મિત્રને આ વાત કહી અને તેણે સવારે 3 વાગ્યાથી લાઈનમાં ઉભા રહીને ઈન્જેક્શન લીધું. આ રીતે મિત્રની માતાનો જીવ બચી ગયો.
આ સમાચાર કંટ્રોલ રૂમ (મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમ) સુધી પહોંચ્યા કે રેહાના લોકોની મદદ માટે કેટલીક વ્યવસ્થા કરી શકે છે. આ પછી, મદદની આશામાં સમગ્ર મહારાષ્ટ્રમાંથી પોલીસકર્મીઓના ફોન રેહાના પર આવવા લાગ્યા.
રેહાના પાસે દરેક સમસ્યાનો છે ઉકેલ
રેહાના માને છે કે લોકોને મદદ કરવી તેની પ્રાથમિકતા છે. જ્યાં સુધી તે પોતાની ક્ષમતા મુજબ કોઈ જરૂરિયાતમંદને મદદ ન કરે ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી. આ કામોમાં તેને તેના પતિ નાસિર શેખની પૂરી મદદ મળે છે. રેહાના એક ઘટનાને યાદ કરતાં કહે છે, “એક દિવસ વહેલી સવારે મને એક મિત્રનો ફોન આવ્યો કે કોઈને A પોઝિટિવ પ્લાઝમાની જરૂર છે, જે ક્યાંય ઉપલબ્ધ નથી. મેં ઘણી કોશિશ કરી, પણ કંઈ ફળ્યું નહીં. મને અસ્વસ્થ જોઈ મારા પતિએ પૂછ્યું શું વાત છે? જ્યારે મેં તેને આખી વાત કહી તો તે તરત જ સંમત થઈ ગયા અને મારી સાથે હોસ્પિટલ આવવા સામેથી જ કહ્યું.
પછી, નાસિરે રેહાનાને કહ્યું કે તેનું બ્લડ ગ્રુપ પણ A પોઝિટિવ છે. રેહાના કહે છે કે તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેના પતિ આ રીતે કોઈનો જીવ બચાવવા માટે આગળ આવશે.

પોતે પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા
રમેશ પવાર, જેઓ કલ્યાણના રહેવાસી છે અને સરકારી શાળાના શિક્ષક છે, તેઓ પણ તેમની મદદ મેળવનારાઓમાં સામેલ છે. 51 વર્ષીય રમેશ કહે છે, “મને આ વર્ષે માર્ચમાં કોરોના હોવાનું નિદાન થયું હતું અને હું 18 દિવસ સુધી ઓક્સિજન પર હતો. મને પ્લાઝમાની જરૂર હતી જેથી હું ઝડપથી સ્વસ્થ થઈ શકું. પણ કશું થતું ન હતું. પછી મારા એક પોલીસ મિત્રને રેહાનાજી વિશે ખબર પડી. પરિવારના સભ્યોએ તેમની સાથે વાત કરી અને થોડીવાર પછી તેમણે કહ્યું કે કાલે તમને પ્લાઝમા મળી જશે. મને ખબર નથી કે તેમણે તે કેવી રીતે કર્યું, પરંતુ મારી પાસે તેમનું અભિવાદન કરવા માટે કોઈ શબ્દો નથી.”
લોકોની મદદ કરતી વખતે રેહાના પોતે પણ કોરોનાની ઝપેટમાં આવી ગઈ. જેના કારણે તેમને 11 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું હતું. રેહાના કહે છે કે કોરોનાનો ભોગ બન્યા બાદ તેમને સરકાર તરફથી 10,000 રૂપિયાનું ઈનામ મળ્યું હતું.
તેણી આગળ કહે છે, “તે સમયે રાયગઢમાં ભારે તોફાન હતું. જેના કારણે શાળાને ભારે નુકસાન થયું હતું. મને સરકાર તરફથી ઈનામ તરીકે જે પૈસા મળ્યા હતા તે શાળાને આપવામાં આવ્યા જેથી બાળકોને અભ્યાસમાં કોઈ મુશ્કેલી ન પડે.
પિતા પાસેથી શીખ્યા પાઠ
રેહાનાના પિતા મહારાષ્ટ્ર પોલીસમાં એસઆઈ હતા. તેમણે રેહાનાને હંમેશા લોકોની મદદ કરવાનું શીખવ્યું છે.
આ વિશે રેહાના કહે છે કે, “મારા પિતાએ મને હંમેશા લોકોના દુઃખમાં સાથ આપવાનું શીખવ્યું છે. હું નાની હતી ત્યારે તેમનું પોસ્ટિંગ સતારામાં હતું. હું તેમની પરેડ જોતી અને કેસ પણ સાંભળતી. તે કામમાં એટલા વ્યસ્ત રહેતા હતા કે ઘરથી 100 મીટર દૂર હોવા છતાં પણ તે જમવા જઈ શકતા નહોતા. બસ પિતાની આ કર્તવ્ય નિષ્ઠાના કારણે પણ મને પોલીસ બનવાની પ્રેરણા મળી.”
રેહાના સાતારાની સુશીલા દેવી વિદ્યાલયમાંથી 12મું પાસ કર્યા બાદ 1998માં મુંબઈની આંબેડકરકોલેજમાં જોડાઈ હતી. ત્યાં સુધીમાં તેમના પિતાનું પોસ્ટિંગ પણ મુંબઈમાં થઈ ગયું હતું.
ત્યારબાદ વર્ષ 2000માં રેહાનાને મુંબઈ પોલીસમાં કોન્સ્ટેબલની નોકરી મળી અને 2013માં તેણીએ એસઆઈની પરીક્ષા પણ પાસ કરી. જો કે, આ ભરતી પ્રક્રિયા હજુ પણ અટવાયેલી છે અને જેમ જેમ ભરતી પ્રક્રિયા ફરી શરૂ થશે તો તે આગળ હવે SI બની જશે.

એક રમતવીર
તમને જણાવી દઈએ કે રેહાના એક તેજસ્વી ખેલાડી પણ છે અને તેણીએ શ્રીલંકામાં આયોજિત માસ્ટર્સ ગેમ-2017માં પોલીસ ફોર્સનું નેતૃત્વ કર્યું હતું તથા ત્યાં તેમણે જેવલિન થ્રો અને રનિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
કોરોના રોગચાળા દરમિયાન લોકોને મદદ કરીને પોલીસનું મૂલ્ય વધારવા બદલ તેમને મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરાલેના હાથે ‘પોલીસ મેડલ’ પણ એનાયત કરવામાં આવ્યો હતો.
રેહાના કહે છે કે લોકોમાં પોલીસ વિશે ખૂબ જ નેગેટિવ ઈમેજ છે કે તેઓ રસ્તા પર ઉભા રહીને લાંચ લે છે. પરંતુ, વાસ્તવિકતા આ નથી. કોરોના રોગચાળા દરમિયાન જ્યારે લોકો ઘરની બહાર નીકળતા ડરતા હતા, ત્યારે પોલીસ લોકોની મદદ માટે રસ્તા પર ઉભી રહી હતી અને લાખો લોકોના જીવ બચાવ્યા હતા.
તેણી કહે છે કે પોલીસ તેમની ફરજ બજાવવા માટે પોતાના પરિવારને જોખમમાં મૂકે છે. તેથી સમાજે પોલીસ પ્રત્યેની પોતાની ધારણા બદલવી જોઈએ.
લોકપ્રિયતા ધ્યેય નથી
રેહાના માને છે કે તે લોકોને મદદ કરવાનું માત્ર એક સાધન બની ગઈ છે, જ્યારે વાસ્તવિક હીરો – વિશ્વાસ ઘાટે, અપ્પા ઘોપડે, રૂસી તાબડે, લોકેશ અને અક્ષય જેવા તેમના પોલીસ વિભાગના મિત્રો છે. તેમનો હેતુ ક્યારેય લોકપ્રિય બનવાનો ન હતો, પરંતુ લોકોને મદદ કરવાનો હતો.
તે લોકોને અપીલ કરે છે કે આજે લોકો એકબીજાને મદદ કરે. જો એક સક્ષમ કુટુંબ જરૂરિયાતમંદ બાળકના શિક્ષણનો ખર્ચ ઉઠાવી લે તો ભારતમાં કોઈ અભણ વ્યક્તિ નહીં રહે.
તેઓ કહે છે, “કોરોના રોગચાળા દરમિયાન, અમે જોયું છે કે ઘણા લોકોની સ્થિતિ એવી છે કે જો આવી કોઈ આપત્તિ આવે તો તેઓને ભોજન માટે પણ વલખા મારવા પડે છે. એટલા માટે લોકોએ તેમની ક્ષમતા અનુસાર મદદ માટે આગળ આવવું જોઈએ.”
આ ઉપરાંત તે અંગદાનને પ્રોત્સાહન આપવાની પણ અપીલ કરે છે. તેણી કહે છે, “જો તમે અંગોનું દાન કરશો, તો તમારા દુનિયા છોડીને ગયા પછી પણ તમારું અસ્તિત્વ રહેશે. મેં પણ થોડા સમય પહેલા મારી આંખોનું દાન કર્યું હતું, જેથી મારા મૃત્યુ પછી કોઈ મારા કારણે દુનિયાને જોઈ શકે.”
મૂળ લેખ: કુમાર દેવાંશુ દેવ
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: જો ટકાઉ ઘર બનાવવા ઈચ્છતા હોવ તો આ 8 પ્રાચીન ભારતીય તકનીકો તરફ પાછા ફરવું જ રહ્યું
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો