રાજસ્થાનના હિમ્મતરામ ભાંભુને તેમના ગૃહ જિલ્લામાં પર્યાવરણ સંરક્ષણ તેમજ વન્યજીવો અને પક્ષીઓના જીવન અને હિતોની સુરક્ષા માટેના તેમના પ્રયાસો માટે પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો.
1974માં, 18 વર્ષીય હિમ્મતરામ ભાંભુએ રાજસ્થાનના તેમના પૈતૃક ગામ, સુખવાસીમાં તેમની દાદીમા દ્વારા વવાતાં પીપળાનું ઉત્સુકતાપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. લગભગ 14 વર્ષ પછી, તે સંપૂર્ણ વિકસીને ફૂલી-ફાલી ગયું. જ્યારે હિમ્મતરામે જોયું કે આ વૃક્ષ કેવી રીતે ગામના રહેવાસીઓને છાંયો અને ઓક્સિજન આપે છે, ત્યારે તેમને તેમના જીવનનો મૂળ હેતુ મળી ગયો.
હવે, લગભગ 30 વર્ષ પછી, નાગૌર જિલ્લામાં તેમના પ્રયત્નોને કારણે લાખો વૃક્ષો અને સમૃદ્ધ ઇકોસિસ્ટમ્સ ઉભી થઇ છે, અને તેથી જ આ મહિનાની 8 નવેમ્બરે હિમ્મતરામ ભારતના ચોથા-સૌથી સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીને પ્રાપ્ત કરવા માટે ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની સામે ઊભા હતા.

તેમના આખા જિલ્લામાં ત્રણ લાખથી વધુ વૃક્ષો વાવીને પક્ષીઓ અને વન્યજીવો માટે સુરક્ષિત નિવાસસ્થાન પ્રદાન કરવાના તેમના પ્રયાસો બદલ તેમને આ સન્માન મળ્યું હતું. તેમના નિઃસ્વાર્થ પ્રયાસ માટે, તેમણે 1999 માં પોતાના દુષ્કાળગ્રસ્ત ગામ હરિમામાં 34 વીઘા જમીન ખરીદવા માટે લોન પણ લીધી હતી જેથી તેઓ 16,000 વૃક્ષોનું એક નાનું જંગલ બનાવી શકે.
એવા રાજ્યમાં જ્યાં શિકારની પ્રવૃતિઓ પ્રબળ છે, અને જ્યાં મોર, કાળિયાર, ચિંકારા અને અન્ય પ્રાણીઓની ગેરકાયદેસર દાણચોરી ઘણા લોકો માટે આજીવિકા માટેનો એક સ્ત્રોત છે, ત્યારે હિમ્મતરામ તેમના જિલ્લામાં આ મુદ્દાની સામે પડી તેને દૂર કરવા માટેના પ્રયત્નોમાં સૌથી મોખરે છે.

ધ બેટર ઈન્ડિયા સાથેની વાતચીતમાં, તેમણે કહ્યું કે, “હું સૌપ્રથમ ખેતી અને વૃક્ષો વાવવા વિશે મારા દાદી નૈની દેવી પાસેથી શીખ્યો, જેમણે હંમેશા કહ્યું કે વૃક્ષો વાવવાથી વધુ પુણ્ય બીજું કંઈ નથી. મને એવું લાગે છે કે મારી દાદીની પ્રેરણાથી જ આ શક્ય બન્યું છે.”
“મેં કોઈપણ વધારાના ખર્ચ વિના મારી છ વીઘા જમીનમાં વરસાદ આધારિત ખેજરી અને દેશી બાવળના લગભગ 400 વૃક્ષો ઉગાડ્યા છે. આ સિવાય અહીં કુમટ, લીમડો, ગુંદા, રોહીડા, ખજુરીયા અને જલકી પણ છે. જો કે વૃક્ષો વાવવાનો ખર્ચ વધુ નથી, તેમ છતાં તેની જાળવણી કરવી ખરેખર પડકારજનક છે,” હિમ્મતરામે કહ્યું.
વૃક્ષોની તેમની પસંદગી પણ પ્રશંસનીય છે. શુષ્ક રાજ્યને હંમેશા પાણીની અછતને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે તે ધ્યાનમાં રાખીને, તેમણે વરસાદ પર આધારિત વૃક્ષો પસંદ કર્યા.

વધુમાં, નાગૌર જિલ્લામાં ભૂગર્ભજળને સંતુલિત રાખવામાં વૃક્ષોએ પણ ઘણો ફાળો આપ્યો છે. જ્યાં ખેતીના હેતુ માટે 45,000 બોરવેલ જોડાણો છે ત્યાં હિમ્મતરામ કહે છે કે તેનું કારણ એ છે કે ખેડૂતો પાણી ખેંચવા માટે મશીનોના વધુ પડતા ઉપયોગ તરફ આંખ આડા કાન કરી રહ્યા છે, ત્યારે આ જ વૃક્ષો દાયકાઓથી ચૂપચાપ વરસાદી પાણીનો સંગ્રહ કરી રહ્યા છે અને વૃક્ષારોપણના કારણે આ ભૂગર્ભજળ વગર બોરવેલે પણ જમીનમાં ઊંડેથી ઉપર તરફ ખેંચાઈને આવે છે.
હિમ્મતરામ શિકારીઓ સામેની કાનૂની લડાઈનું પણ નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે 28 કેસમાંથી 16 શિકારીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. અને તેઓ કેસ લડવા માટે પોતાની બચતનો ઉપયોગ કરે છે.

1,570 થી વધુ ઘાયલ પ્રાણીઓ અને પક્ષીઓના જીવનને બચાવવા માટે, તેમને રાજીવ ગાંધી પર્યાવરણ સંરક્ષણ જેવા રાજ્ય પુરસ્કારો પ્રાપ્ત થયા છે. તેમના પર ‘હિમ્મત કે ધની હિમ્મતરામ’ નામનું પુસ્તક પણ પ્રકાશિત કરવામાં આવ્યું છે, જેનું સંસદ ભવનમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે વિમોચન કર્યું હતું.
ફોટો : ભારતના રાષ્ટ્રપતિ/ટ્વિટર
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: કોણ છે પદ્મશ્રીથી સન્માનિત મહિલા, પગમાં ચપ્પલ નહીં, માત્ર સાડીમાં લપેટાયેલ અમૂલ્ય નારી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો