લગભગ 40 વર્ષથી ગાર્ડનિંગ કરી રહેલ અમદાવાદનાં જાગૃતિબેન ભટ્ટને બાળપણથી જ ગાર્ડનિંગનો ખૂબજ શોખ છે. નાનપણથી જ તેમના પિતા સાથે તેઓ ગાર્ડનિંગ કરતાં. ત્યારબાદ લગ્ન બાદ મુંબઈ ગયાં તો ત્યાં પણ જેટલી પણ જગ્યા મળતી ત્યાં ગાર્ડનિંગ કરતાં.
જાગૃતિબેન બોટનીમાં ભણ્યાં છે. એટલે ત્યાંથી પણ તેમને ઘણું વધારે શીખવા મળ્યું. અત્યારે તેઓ વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં વિઝિટિંગ ફેક્ટલ્ટી તરીકે લેક્ચર પણ આપે છે.
અમદાવાદ શિફ્ટ થયા બાદ જાગૃતિબેન એક અપાર્ટમેન્ટમાં રહે છે. અહીં તેમને એક નાનકડી બાલ્કની જ મળી છે. છતાં અહીં તેમણે 300 કરતાં પણ વધારે કુંડાંમાં વિવિધ શાકભાજી, ફૂલ અને ફળ વાવ્યાં છે. નાનકડી બાલ્કનીને બહારથી પણ જોઇએ તો મન અભિભુત થઈ જાય.

જાગૃતિબેન ઉનાળામાં વેલા વાળી શાકભાજી વાવે છે. જેમાં તુરિયાં, ગલકાં, કારેલાં વગેરેનું વાવેતર કરે છે. તો શિયાળામાં મરચાં, ટામેટાં, હળદર, આદુ તેમજ બધી જ ભાજીનું વાવેતર કરે છે.
જાગૃતિબેનને ગાર્ડનિંગનો એટલો બધો શોખ છે અને આ બધા છોડ સાથે તેમની લાગણી એટલી બધી વણાઇ ગઈ છે કે, દિવસ દરમિયાન પાંચ મિનિટનો પણ સમય મળે તેઓ છોડ જોડે પહોંચી જાય છે. આ અંગે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં જાગૃતિબેન જણાવે છે, “દિવસનો ઓછામાં ઓછો એક કલાક તો હું ગાર્ડનિંગ પાછળ આપું જ છું. હું કંપોઝ્ડ ખાતર પણ જાતે જ બનાવું છું. ઘરે જે લીલો વેસ્ટ વધે છે તેમાં કાગળ, પૂંઠાં, નારિયેળનાં છોડાં, લાકડાનો વેર વગેરે મિક્સ કરી ખાતર બનાવું છું. કુંડામાં 50% ખાતર અને 50% માટીનો ઉપયોગ કરવાથી ઉત્પાદન સારું મળે છે, ઉપરાંત દર આંતરા દિવસે પાણી પાઈએ તો પણ ચાલે છે.”

તો ઘરે ઉગાડેલાં શાકભાજીનું મહત્વ સમજાવતાં જાગૃતિબેન જણાવે છે, “ઘરે ઉગાડેલાં શાક ખૂબજ પૌષ્ટિક હોય છે. આ શાકભાજી ખાવાથી આજકાલ વધી રહેલ ઘણા ગંભીર રોગોથી બચી શકાય છે. પ્રકૃતિ અને માનવજાત તો એકબીજા સાથે ધીસા સંકળાયેલા છે, તેની આસપાસ થતાં જીવજંતુઓ પણ આપણા માટે એટલાં જ ઉપયોગી છે. બાળકોને તો માટી સાથે ખાસ રમવા દેવાં જોઇએ. માટીમાં રમવાથી બાળકોનો માનસિક વિકાસ વધે છે. આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓ, રિટાયર્ડ લોકો અને તેમજ ગૄહિણીઓને ગાર્ડનિંગથી ઘણી મદદ મળે છે. ઘરના છોડ-વેલ સાથે સમય પસાર કરવાથી તેમનું મન પ્રફુલ્લિત રહે છે અને એકલતા સાલતી નથી.”

જાગૃતિબેન અત્યાર સુધીમાં 1000 કરતાં પણ વધારે લોકોને ગાર્ડનિંગ શીખવી ચૂક્યાં છે. આ ઉપરાંત તેઓ ગાર્ડનિંગ અને ખાતર બનાવવાની રીત શીખવવા માટે વર્કશોપ્સ પણ કરે છે. તેઓ અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન સાથે મળીને પણ કામ કરે છે. અમદાવાદમાં ખાલી જમીન પર તેઓ એએમસી સાથે મળીને ત્યાં ગાર્ડનિંગ કરે છે, જેથી સામાન્ય લોકો પોતાનો ખોરાક જાતે ઉગાડતા થાય.
જાગૄતિબેનના જણાવ્યા અનુસાર, જે રીતે જમીનો વેચાઇ રહી છે, એ રીતે ભવિષ્યમાં ફળ-શાકભાજીની તંગી ઊભી થઈ શકે છે. એટલે જેમની પાસે ધાબુ હોય, બાલ્કની હોય તેમણે પોતાના માટે તો વાવેતર કરવું જ પડશે. જેમની પાસે વધારે જગ્યા હોય તેમણે તો વ્યવસાયિક રીતે પણ વાવેતર કરવું પડશે. તમને પણ વિશ્વાસ રહેશે કે તમે શું ખાઓ છો અને તેની ગુણવત્તા કેવી છે.

આ ઉપરાંત ઘરે જ ગાર્ડનિંગ કરવાથી પર્યાવરણ બચાવવામાં પણ મદદ મળી રહે છે. મોટાભાગના કિચન વેસ્ટનો ઉપયોગ ખાતર બનાવવા માટે થાય છે. આ ઉપરાંત જાગૃતિબેન ‘નો સોઇલ’માં વિશ્વાસ કરે છે. જેથી ઉત્પાદન સારું મળે છે અને બાલ્કનીમાં વધારે વજન નથી થતું.
આ ઉપરાંત જો છોડ કે વેલમાં જીવાત કે ઈયળ પડે તો એ માટે શું કરવું એ અંગે જાગૃતિબેન જણાવે છે કે, અરીઠાનું પાણી સૌથી યોગ્ય ઉપાય છે. અરીઠાનું પાણી છાંટવાથી ઘણું સારું પરિણામ મળે છે. આ ઉપરાંત લીમડાનું તેલ, લીમડાના ખોળનું પાણી, તમાકુનું પાણી, ડુંગળીના પાણીનો ઉપયોગ કરી શકાય છે.

નાની-નાની બાલ્કનીમાં કેવી રીતે ગાર્ડનિંગ કરવું એ અંગે જાગૃતિ બેન જણાવે છે કે, જગ્યા નાની હોય તો, તમે વર્ટિકલ ગાર્ડન બનાવી શકો છો. બસ જો તમે શાકભાજી ઉગાડવા ઇચ્છતા હોય તો, દિવસમાં 6-7 કલાક તડકો મળી રહે એ ખૂબજ જરૂરી છે. બાકી જો 2-3 કલાકનો તડકો આવતો હોય તો, ફૂલ કે આદુ, હળદર તેમજ ભાજી, મેથી, કોથમીર વગેરે મસાલાઓનું વાવેતર કરી શકાય છે.
આ ઉપરાંત ઘરે કંપોઝ્ડ ખાતર કેવી રીતે બનાવવું એ અંગે પણ જાગૄતિબેને જણાવ્યું. જાગૃતિબેને તેમના ઘરમાં જ ઘણા ડ્રમ અને ડોલ રાખી છે ખાતર બનાવવા. આ અંગે જણાવતાં જાગૃતિબેન કહે છે, “ઘરે શાકભાજી અને ફળોનો જે ભાગ નીકળે, ઉપરાંત પાંદડાં વગેરેને કાગળ, પૂંઠાં, કોકોપીટ, લાકડાનો વેર વગેરેનાં લેયર બનાવી ખાતર બનાવવામાં આવે છે. આ રીતે લેયર બનાવી ખાતર બનાવવાથી પરફેક્ટ ખાતર બને છે. તેમાંથી પાણી પણ નથી નીતરતું. જો પાણી નીતરે તો, તેનાં ઘણાં પોષકતત્વો ઓછાં થઈ જાય છે. ડ્રમ પર કાણાં પાડી આ રીતે ખાતર બનાવવા મૂકવાથી તેને હવા પણ મળી રહે છે.”

શિયાળામાં છોડની સંભાળ કેવી રીતે રાખવી એ અંગે વાત કરતાં જાગૃતિબેન જણાવે છે કે, ગુજરાતમાં શિયાળામાં ઓછામાં ઓછું તાપમાન 10 સેલ્સિયસ સુધી જ જાય છે. આટલું તાપમાન તો છોડને ગમે છે. એટલે બીજું કઈં કરવાની જરૂર નથી પડતી. પરંતુ જો એમ લાગે કે ઠંડી વધારે છે તો, છોડને પાણી ઓછું પાવું.
વીડિયોમાં જુઓ તેમની બાલ્કની:
જાગૄતિબેન તેમના ઘરમાં ગાર્ડનિંગ કરવાની સાથે-સાથે તેમના સોસાયટીના ગાર્ડનને પણ મેનેજ કરે છે. આ ઉપરાંત તેઓ મોટાપાયે ગાર્ડનિંગ કરવા ઇચ્છતા લોકોને ખાસ ટ્રેનિંગ પણ આપે છે. જો તમે પણ જાગૄતિબેન પાસેથી શીખવા ઇચ્છતા હોય તો તેમના ફેસબુક પેજ તેમજ ઈન્સ્ટાગ્રામ પેજ પર જઈ શકો છો. અથવા 98257 44414 નંબર પર જાગૃતિબેનનો સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: ધાબામાં 300 કૂંડાં લગાવી ઉગાડે છે 20 કરતાં પણ વધારે શાકભાજી, જ્યોતિ આપે છે મહિલાઓને ટ્રેનિંગ પણ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.