રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં રહેતા કિરણબેન પીઠીયા પોતાના પતિની મદદથી ‘દિવ્ય જ્યોત દિવ્યાંગ’ સંસ્થા છેલ્લા છ વર્ષથી ચલાવે છે. આ સંસ્થામાં મંદ બુદ્ધિ ધરાવતા બાળકોને બધી જ જરૂરી સગવડ સાથે વિનામુલ્યે રાખવામાં આવે છે.
આ બાળકોમાંથી મોટા ભાગે એવા બાળકો છે જે ખુબ જ ગરીબ પરિવારમાંથી આવે છે. આવા બાળકોને તેઓ સામાન્ય કામકાજ જાતે ન કરતા થાય ત્યાં સુધી 24 કલાક એક વ્યક્તિના સહારાની જરૂર રહે છે પરંતુ તેમના માતા પિતાને તેમના પરિવારના ગુજરાન માટે આજીવિકા રળવા મજૂરી કરવી પડે છે જેથી તેઓ આ મંદ બુદ્ધિના બાળકોને સારો એવો સમય નથી આપી શકતા અને તે જ કારણે આ બાળકોને જીવનની સામાન્ય બાબતો શીખવા નથી મળતી. આ બાબતને ધ્યાનમાં રાખી કિરણબેને વર્ષ 2016 માં આ સંસ્થાની સ્થાપના કરી.
આ સંસ્થાની સ્થાપના કરવા પાછળ એક રસપ્રદ વાત પણ રહેલી છે. કિરણબેનના પિતરાઈ ભાઈ પણ મંદ બુદ્ધિ ધરાવે છે અને તે જ કારણે નાનપણથી જ કિરણબેને તે ભાઈની દેખરેખ માટે પરિવારના લોકોને ઝઝૂમતા જોયા છે. આ ઉપરાંત તેઓએ પણ ઘણા વર્ષો સુધી તે ભાઈ દેખભાળ કરેલી છે. આ દરમિયાન જ તેમને એક વિચાર આવ્યો કે ફક્ત પોતાન ભાઈને જ નહિ પરંતુ સમગ્ર પંથકમાં આ રીતની તકલીફ ધરાવતા દરેક બાળકને માટે એક સંસ્થા બનાવી અને તેની છત્ર છાયા હેઠળ જ ઉછેરીને તેમને પોતાની જિંદગી જીવવા માટે સક્ષમ બનાવીએ તો! અને તે જ વિચારે કિરણબેનને દિવ્ય જ્યોત દિવ્યાંગ સંસ્થા બનાવવા માટે પ્રેરણા આપી.

આ પણ વાંચો: રેલવે સ્ટેશનની આસપાસ ભટકતા લોકોની ભૂખ સંતોષવાથી થયેલ શરૂઆત આજે પાટણમાં 500 લોકોને જમાડે છે નિયમિત
સંસ્થામાં શરૂઆતમાં 10 બાળકો હતા જે આજે વધીને 27 ની આસપાસ થઇ ગયા છે. આ દરેક બાળકોની જમવાથી લઇ સાફ સફાઈ સુધીની સાર સંભાળ પહેલા કિરણબેન જાતે જ રાખતા હતા. ધીમે ધીમે લોકોની મદદ મળતા આજે તેમણે ચાર લોકોને નોકરીએ પણ રાખ્યા છે. તે સિવાય કિરણબેનના પતિ રમેશભાઈ આવા માનસિક રીતે દિવ્યાંગ બાળકોના શિક્ષક છે જેઓ આ બાળકોના સર્વાંગી વિકાસ માટે અને તેમને જીવનમાં સામાન્ય બાબતો શીખવવા માટે શિક્ષણ અને માર્ગદર્શન પૂરું પાડે છે.
શરૂઆતમાં સંસ્થાને દર મહિને જે ખર્ચ થતો હતો તેની ચુકવણી આ દંપતી જાતે જ કરતું હતું. ધીમે ધીમે તેમના આ કામની સુવાસ ચોતરફ ફેલાતા લોકોનો સારો એવો સહયોગ તેમને મળવા લાગ્યો. આજે દર મહિને આ સંસ્થાને 75 હજાર જેટલો ખર્ચ થાય છે પરંતુ લોક સહયોગના કારણે તેની ભરપાઈ સરળ રહે છે.

આ પણ વાંચો: અમદાવાદી મહિલા 21 વર્ષથી મહિનાના 20 હજાર ખર્ચી રાખે 300 કૂતરાંની સંભાળ
છતાં હજી પણ આ સંસ્થા ભાડાના મકાનમાં જ કાર્યરત છે અને તેથી જ રાજકોટના એક સજ્જન તરફથી અને ઉપલેટાના લોકો તરફથી સંસ્થાને સહયોગ મળતા તેઓ ટૂંક સમયમાં પોતાના માટે તૈયાર થતા એક મકાનમાં સ્થળાંતરિત થશે. આ બાબતે રમેશભાઈ જણાવે છે કે,”અત્યારે જે ભાડાના મકાનમાં અમે રહીએ છીએ તેમાં જગ્યાના અભાવના કારણે વધારે બાળકોને સમાવવા મુશ્કેલ છે સાથે સાથે તેમાં બાળકોના વિકાસ માટેની અમુક વોકેશનલ ટ્રેનિંગની પ્રવૃતિઓ પણ નથી થઇ શકતી જે આ નવા મકાનના બાંધકામ બાદ અમે ઉમેરી શકીશું.”
જો તમે આ સંસ્થાને હજી સારું કામ કરવા માટે અને આવા વધારે બાળકોને સમાવિષ્ટ કરાવવા માટે યથાશક્તિ મદદ કરવા ઈચ્છો છો તો આપેલ આ નંબર 9714536408 પર સંપર્ક કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: એક સમયે સ્ટેશન પર પાણીના ગ્લાસ વેચતો બાળક આજે સાણંદના હજારો લોકો માટે આશીર્વાદરૂપ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.