આજથી 35 વર્ષ પહેલાં રેલવે માટે પાટણ એ છેલ્લું સ્ટેશન હતું એટલે કે અમદાવાદથી કોઈ ટ્રેન નીકળે તો તે છેલ્લે પાટણ આવીને ઉભી રહેતી. આ વાતનો ઉલ્લેખ કરવો એ માટે જરૂરી છે કે છેલ્લું સ્ટેશન હોવાના કારણે અમદાવાથી કે બીજે કોઈ ઠેકાણેથી ઘણા અસ્થિર મગજના લોકો પણ ટ્રેનની સાથે સાથે પાટણ આવી ચડતા હતા અને પાટણ છેલ્લું સ્ટેશન હોવાના કારણે મોટાભાગના લોકો ત્યાં જ રોકાઈ જતા હતા. આમ કરતા કરતા સ્ટેશન પર અને તે વિસ્તારની આજુબાજુ 15 થી 20 અસ્થિર મગજના લોકો જમા થઇ ગયા.
આમ તે સમયે શહેરમાં ઉદ્દભવેલી આ સમસ્યાને જોઈને પાંચ સાત સજ્જનોને આ માનસિક દિવ્યાંગ લોકોની ચિંતા થઇ કે આ બધાને ભોજન કોણ આપતું હશે? અને તેથી જ તે લોકોને ભોજન માટે મદદ કરવા જે તે સમયે ઉમેશભાઈ આચાર્ય, પાઠક સાહેબ તથા બીજા બે ત્રણ સજ્જનોએ પોતાના ઘરેથી જ શરૂઆત કરી. ધીમે ધીમે બીજા લોકોનો પણ ટેકો તેમને મળતો ગયો જેમાં તે સમયના નવયુવાન યતીન ગાંધી અને દિલીપ સુખડિયાનો પણ સમાવેશ થાય છે જેઓ અત્યારે પાટણમાં આ કામને વિધિવત સાચવી અને સંભાળી નિરંતર આગળ વધારી રહ્યા છે.
માનસિક દિવ્યાંગ લોકોને જમાડવાની આ પહેલ પછી તો દરેક જરૂરિયાતમંદ લોકો માટે વિકસી અને તે કારણે જ ‘રામ રહીમ ટ્રસ્ટ’ ની રચના કરવામાં આવી જેના અંતર્ગત વિધવા, ત્યક્તા, ગરીબ લોકોને ગુપ્ત ટિફિનની શરૂઆત કરવામાં આવી તો સાથે સાથે રિક્ષામાં પાટણના વિવિધ વિસ્તારમાં ફરીને જે કોઈ પણ જરૂરિયાતવાળા લોકો ભોજન ઇચ્છતા હોય તે દરેકને પણ ભોજનની વહેંચણી શરુ કરવામાં આવી.
આ સંસ્થાની કમરગીરી સતત પાંત્રીસ વર્ષથી એક પણ દિવસની રજા વગર ચાલુ રહી છે અને અત્યારે પણ તે જ રીતે ચાલુ છે. સૌથી મહત્વની વાત એ છે કે રીક્ષા પાટણમાં જે જે જગ્યાએ ફરે છે તે એક એક જગ્યા પર નિયમિત સમયે હાજર હોય છે એટલે કે તમે રીક્ષા જે તે જગ્યા પર આવી હોય તે પ્રમાણે ઘડિયાળ જોયા વગર પણ સમયનો અંદાજ લગાવી શકો છો.

પણ વાંચો: ભોજન માટે વલખાં મારતાં આદિવાસીઓને જોઈ આ દાદાએ શરૂ કર્યું ફ્રી ‘આહાર’ કેન્દ્ર
આજે ‘રામ રહીમ ટ્રસ્ટ’ દિવસના 500 લોકોને ભોજન આપી રહ્યું છે જેમાં ગુપ્ત ટીફીનનો પણ સમાવેશ થાય છે. અહીંયા નોંધવા જેવી બાબત એ છે કે ગુપ્ત ટિફિન મેળવનાર લોકોનું સ્વમાન જળવાઈ રહે તે માટે રામ રહીમ સંસ્થા તે લોકોના નામ કોઈપણ ભોગે ઉજાગર નથી કરતી.
અત્યારે આ સંસ્થા દ્વારા 10 થી 12 લોકોને રોજગારી પણ અપાઈ રહી છે. તિથિ ભોજન દ્વારા કાયમી દાતાઓ તથા માનવતાવાદી કાર્યમાં રુચિ ધરાવતા વિવિધ દાતાઓ દ્વારા રામ રહીમ ટ્રસ્ટને સારો એવો ફાળો મળી રહ્યો છે અને તેમનું આ કાર્ય નિરંતર કોઈ પણ જાતની અડચણ વગર ચાલી રહ્યું છે. જો તમે પણ આ સંસ્થાને યથાશક્તિ મદદ કરવા ઇચ્છતા હોવ તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો.
રામ રહીમ ટ્રસ્ટ, પાટણ : 7046806702
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: Best Of 2021: 5 ગુજરાતીઓ, જેઓ આજના સમયમાં પણ મહેકાવે છે માનવતાની મહેક
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.