સાણંદમાં રહેતા 42 વર્ષીય મનુભાઈ બારોટ ખરા અર્થમાં એક સમાજસેવક છે. તેઓ વર્ષોથી સમાજના પછાત, ગરીબ અને નિરાધાર લોકો માટે એક મસીહા બની કામ કરી રહ્યા છે. એક સમયે સાણંદના બસ સ્ટેન્ડ પર હાથમાં કાચના પ્યાલાનું સ્ટેન્ડ લઈને ખરા તાપમાં એસ.ટીની લોકલ બસો પાછળ પાણી વેચવા દોડતો છોકરો આજે માનવસેવા NGO નો પ્રણેતા છે. કોરોના સામે જંગ જીત્યા પછી છેલ્લા ત્રણ મહિનાથી અવિરત કોરોનાથી પીડિત એવા રોજના 850થી વધુ લોકોનું રસોડું અને હોસ્પિટલોમાં અને જરૂરિયાતમંદોને તેમના સ્થાન સુધી ભોજન પહોંચાડવાની જવાબદારી ખૂબ જ સારી રીતે સંભાળી રહ્યા છે.
એક ગરીબ પરિવારમાં જન્મ લેનાર મનુભાઈના પિતા બારોટવૃતિનું કાર્ય કરતા હતા. મનુભાઈ પોતે કપરી પરિસ્થિતિમાં ભણ્યા અને ગ્રેજ્યુએટ થયા હતા. પોતાના ભણતરનો ખર્ચ બસ સ્ટેશનમાં પાણી વેચીને કાઢતા બપોરે કોલેજ પતાવી મોડી રાત સુધી સાણંદ બસ સ્ટેશનમાં આ પાણી વેચવાનું કાર્ય ચાલુ રહેતુ. મનુભાઈએ વારસાગત વ્યવસાય છોડીને સમાજને આપવાનું કાર્ય આરંભ્યુ. સાચા અર્થમાં મનુભાઈએ “માનવસેવા” દ્વારા માંગવાનું નહિ પણ આપવાનું કાર્ય કરેલ છે.

માનવસેવા ટ્રસ્ટની શરૂઆત કેવી રીતે થઈ?
મનુભાઈ એક ‘માનવ સેવા’ નામનું ટ્ર્સ્ટ પણ ચલાવે છે. જેની શરૂઆત સાણંદમાં 21 નવેમ્બર 2003 ના રોજ થઈ હતી. સામાન્ય રીતે સેવાકિય પ્રવૃતિ અને નાની મોટી રચનાત્મક પ્રવૃતિ ક્યારની શરૂ થઈ ગઈ હતી. નળસરોવર ત્રણ રસ્તા પર પાનના ગલ્લા પર બેસતા મનુભાઈ નળકાંઠાના ગામઠી લોકોના દુઃખ અને તકલીફોને વાંચવાનો અવસર સાંપડ્યો હતો. કાંઠાના લોકોની હૈયા વેદના અને મુશ્કેલીઓ જોતા આ પરિસ્થિતિને પહોંચી વળવા ગલ્લે આવતા કર્મચારીઓ સાથે ચર્ચા થતી જેમાંથી નિત નવા વિચારો પ્રગટ થતા.
સંસ્થાએ શરૂઆતમાં માતા મરણ અને બાળ મરણને અટકાવવા નળકાંઠાના વિસ્તારોમાં સગર્ભા મહિલાઓ અને માતાઓને મચ્છરથી બચવા માટે દવાયુક્ત મચ્છરદાનીનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું. સાથે-સથે સગર્ભા બહેનોને સુખડી આપવામાં આવી અને નિયમિત તેમના આરોગ્યની પણ તપાસ કરવામાં આવતી હતી. પ્રસુતિ હોસ્પિટલમાં જ થાય તે માટે પણ સમજાવવામાં આવતા. નળકાંઠામાં જ્યાં વ્યસનનું પ્રમાણ વધુ છે તે અર્થે માનવસેવા દ્વારા વ્યસનમુક્તિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું સાણંદ તાલુકાની 79 આંગણવાડીઓના 225 કુપોષિત બાળકોના ટાટા મોટર્સની સહાયથી દત્તક લેવામાં આવ્યા. જેમા બાળકોનું હેલ્થ ચેકઅપ, દવાઓનું વિતરણ, પૌષ્ટિક આહારનું વિતરણ કરી આ બાળકોને તંદુરસ્ત કરવામાં આવ્યા. માનવસેવા ટ્ર્સ્ટ દ્વારા આધુનિક મશીન દ્વારા આઈકેમ્પનું આયોજન પણ કરવામાં આવે છે. જેમાં માત્ર 30 રૂપિયામાં નંબરના ચશ્મા આપવામાં આવે છે. મોતીયાબીન્દના ઓપરેશ અર્થે સોલા સિવિલ મોકલવામાં આવે છે.
મનુભાઈની આ બધી સેવાઓ વિશે જાણીને અક્ષયપાત્ર અને ફોર્ડ ઈન્ડિયા લિમિડેટે તેમને સહકાર આપવાનું શરુ કર્યુ અને તેમની સેવામાં ઉત્તરોતર વધારે થતો ગયો. આજે સાણંદની હોસ્પિટલમાં માનવસેવા, અક્ષયપાત્ર અને ફોર્ડના સંયુક્ત ઉપક્રમે પીડિતને સન્માનીય લાગે એવી સારી કવૉલિટીની ડિસ્પોઝિબલ ડિશમાં પલંગ પર ભોજન પહોંચી જાય છે. દરેક દર્દીનો પરિવાર જમવાની બાબતે નિશ્ચિત છે. કોરોનાકાળમાં એકલા રહેતા વડીલો, પરપ્રાંતિય મજૂરો, અહીંના વાદી- પરિવારો માટે આ જગ્યા એક આધાર છે. ઉલ્લેખનિય છે કે, સાણંદની બજારમાં જો કોઈ શાકભાજી વેચનાર મિત્ર માસ્ક પહેર્યા વગર શાક વેચે તો તેને તરત જ ગુલાબના ફૂલ સાથે માસ્ક આપવામાં આવે છે. મનુભાઈને મુન્નાભાઈ એમ.બી.બી.એસની માફક ગાંધીગીરી માફક આવી ગઈ છે અને આવી જ ગાંધીગીરી તેઓ દ્વારકા અને સોમનાથમાં ગંદકી ફેલાવતા ભકતો સાથે પણ કરી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, જ્યારથી કોરોનાએ આપણી વચ્ચે પગપેસારો કર્યો છે ત્યારથી મનુભાઈને તેમનો પરિવાર પણ બાંધી નથી શક્યો. રોજ માસ્ક પહેરી ઘરમાંથી નીકળી જવું અને સ્મશાનમાં, હૉસ્પિટલોમાં તો કોઈના અટકી ગયેલા શ્વાસ માટે મનુભાઈએ તેમના છોકરાઓ સાથે પાંચ મહિના સતત કામ કર્યું છે. કપાળમાં કરચલી પાડ્યા વગર દરરોજના અસંખ્ય ફોન અટેન્ડ કરવા, ઓક્સિજન, ભોજન, સ્મશાન વગેરેના કામ માટે સતત નિઃસ્વાર્થ ઝઝૂમ્યા કરે છે.
શરૂઆત કેવી રીતે થઈ?
42 વર્ષીય મનુભાઈ જણાવે છે કે, મારા માતા-પિતાની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી પણ હું ભણ્યો અને ગ્રેજ્યુએટ થયો પણ મારી પાસે નોકરી ન હતી. મારી પાસે ખાસ પૈસા ન હોવાથી મેં સાણંદથી નળસરોવર જતા રસ્તા ઉપર એક નાનકડો પાનનો ગલ્લો શરૂ કર્યો. સાણંદમાં પાનનો ગલ્લો શરૂ કર્યા બાદ દુકાન પર ભાત-ભાતના લોકો પાન ખાવા માટે આવતા હતા. ત્યારે તેમની વાતો સાંભળી મનુભાઈને અંદાજ આવ્યો કે, તેમના નળકાંઠાના લોકો દારુણ સ્થિતિમાં જીવે છે. ખાસ કરી આ વિસ્તારમાં ખૂબ જ પાણી ભરાઈ રહેતું હોવાના કારણે મચ્છરના ત્રાસને કારણે મહિલાઓ અને બાળકો મેલેરિયાનો ભોગ બને છે. તેમાં પણ સગર્ભા સ્ત્રીઓને મેલેરિયા થાય ત્યારે તેના માટે તે ઘાતક સાબિત થાય છે. ગરીબીમાં જીવતા બાળકો કુપોષણનો ભોગ બને છે.
પણ ત્યારે સમસ્યા એ હતી કે, મનુભાઈ બારોટ પાસે પોતાનું પેટ ભરવાના પૈસા ન હતા તો લોકોની મદદ કેવી રીતે કરે? પણ કહેવાય છે ન કે, ‘મન હોય તો માળવે જવાય’ ઈચ્છા હતી જેથી રસ્તો થતો ગયો. ગલ્લા ઉપર આવતા સરકારી અધિકારીઓને મનુભાઈએ લોકોની પીડા કહેવાની શરૂઆત કરી. અધિકારીઓને પણ તેમની વાત સાચી લાગી અને તેઓ મનુભાઈને લોકો માટે 100 થી 500 રૂપિયા દાનમાં આપવા લાગ્યા. ત્યારબાદ મનુભાઈ તે પૈસામાંથી મચ્છરદાની ખરીદવા લાગ્યા અને સગર્ભા મહિલાઓને આપવાની શરૂઆત કરી હતી. તેવી જ રીતે લોકો પૈસા આપે તે તેમાંથી સુખડી બનાવી કુપોષણનો ભોગ બનેલા બાળકો સુધી પહોંચાડવા લાગ્યા હતા. જોકે, હવે મનુભાઈએ પોતાનો પાનનો ગલ્લો પણ બંધ કરી દીધો છે. તેઓ કહે છે કે, હું વ્યાસન મુક્તિનો કાર્યક્રમ પણ કરૂ છુ ત્યારે હું પાન-તંબાકુ અને બીડી વેચુ તે વાજબી નથી, મેં હવે ગલ્લો બંધ કરી દીધો છે.

લોકોની પણ મદદ મળવા લાગી
મનુભાઈ આવું કામ કરે છે તેની જાણ થતાં ધીરે-ધીરે લોકો નાની નાની મદદ મોકલવા લાગ્યા અને પછી મનુભાઈ બારોટના ગલ્લાનું કામ બાજુ ઉપર થવા લાગ્યુ અને તેઓ એક પછી એક લોકોના કામ લઈ દોડવા લાગ્યા.
સાણંદને લીલુછમ બનાવ્યું
વર્ષો પહેલા સાણંદને હરિયાળુ બનાવવા માટે મનુભાઈએ વૃક્ષો વાવવાની પણ શરૂઆત કરાવી હતી. આજે સ્થિતિ એવી છે કે, 30 હજાર કરતા વધુ વૃક્ષો ત્યાં ઉગી નીકળ્યા છે. આ જ પ્રકારે નળસરોવર પક્ષી અભ્યારણ માટે જાણીતુ છે, પણ બીજી તરફ બહુ મોટી સંખ્યામાં ત્યાં પક્ષીઓના શિકાર થતાં હતા. મનુભાઈએ શિકારીઓને સમજાવ્યા અને તેનું સારુ પરિણામ પણ આવ્યું. ઉલ્લેખનિય કે, પર્યાવરણ ક્ષેત્રે પણ માનવસેવા દ્વારા ટાટા મોટર્સની મદદથી 27000 જેટલા વૃક્ષોનું વાવેતર પણ કરી ચુક્યા છે. એટલું જ નહી આ વૃક્ષો આજે પણ અડીખમ ઉભા છે. વૃક્ષ વાહન અને માનવસેવાના માધ્યમથી સાણંદમા કોઈ વાહન ખરીદવા આવે ત્યારે શોરુમ ખાતેથી વાહન સાથે એક છોડ આપવામાં આવતો અને તેનું જતન કરવાની નેમ લેવડાવવામાં આવતી. કારણ કે, ધરતીમાતાએ આપણને વણમાગ્યુ ઘણુ આપ્યુ છે, તો આપણે આ માતાને વૃક્ષ રૂપી ઉપહાર આપી તેનું રૂણ અદા કરવાનું કેમ ચૂકવુ જોઈએ. માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચાડતી કેમિકલ ઉત્પાદન કરતી કંપનીને પણ ગાંધીગીરી દ્વારા ફૂલ આપી બંધ કરાવવામાં સફળતા હાંસલ કરી હતી.

સંસ્થા દ્વારા અન્ય કયાં-કયાં કાર્ય કરવામાં આવે છે?
સાથે જ ગરીબીને કારણે બાળકોને શિક્ષણ પણ મળતુ હતું. તેમણે લોકોના દાનની મદદથી ધોરણ 9-10 ના બાળકો માટે કોચિંગ ક્લાસ શરૂ કર્યા. વર્ષ 2007માં સાણંદમાં ટાટા નેનો કંપની લઈ આવી ટાટાના અધિકારીઓને કોઈએ મનુભાઈના કામની જાણકારી આપી. ટાટા કંપનીએ પણ મહિલા અને બાળકો તેમજ શિક્ષણ માટે ફંડ આપવાની શરૂઆત કરી. આમ એક નાનકડો પ્રયાસ હતો અને ટાટા કંપનીનું પીઠબળ મળ્યુ, બાળકી જન્મે ત્યારે ઉત્સવ મનાવવાની તેમણે શરૂઆત કરાવી અને માતૃવંદનાનો એક કાર્યક્રમ શરૂ કર્યો જે સ્ત્રીઓ ગરીબ છે તેમને વર્ષભરનું અનાજ તો આપ્યુ પણ આકસ્મિક ખર્ચને પહોંચી વળવા માટે તેમણે 25 હજારના બોન્ડ આપવાનો નિર્ણય કર્યો.
મનુભાઈ પોતાની આ સમાજસેવાની પોસ્ટ નિયમિત રીતે પોતાના Manubhai Barot ફેસબુક આઈડી પર અપલોડ કરતા રહે છે. જો તમે પણ તેમના આ સારા કામો પ્રત્યે વધારે માહિતી મેળવવા માગો છો અને ગરીબો માટે માનવસેવા ટ્રસ્ટને દાન કરવા ઈચ્છો છો તો 9099095156 નંબર પર સંપર્ક કરી શકો છો.
સંપાદન: કિશન દવે
આ પણ વાંચો: ગરીબીમાં વીત્યુ બાળપણ, સિગ્નલ ઉપર વેચ્યા સાબુ, ડૉક્ટર બની 37000 બાળકોની કરી ફ્રી સર્જરી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.