મહિલા દિવસ તો ગયો. દર વર્ષે વિમેન્સ ડે આવે છે અને જતો પણ રહે છે. એક દિવસ માટે મહિલાઓના ગુણગાન ગવાય છે અને પછી 365 દિવસ પુરુષોના! જો કે આપણા સમાજમાં કેટલાક પુરુષો એવા પણ જે મહિલાઓને વિશેષ માન આપે છે. તેમના માટે આખુ વર્ષ મહિલા દિવસ જ હોય છે. આજે આપણે વાત કરીશું આવા જ એક વ્યક્તિની જેમણે સ્ત્રી દાક્ષિણ્યની ભાવના આત્મસાત કરેલી છે. માત્ર વાતો નહીં કામ પણ એવુ કર્યુ છે જે કરતાં પહેલા બીજો કોઇ નફા-નુકસાનનો વિચાર જરુર કરે. પરંતુ સાવજ રિસોર્ટના વિજયભાઇ આવી કોઇ ગણતરી કરતા નથી.
શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે તમે ક્યાંક ફરવા જાઓ અને ત્યાં કોઇ રિસોર્ટમાં તમારી સાથે તમારી કુંવારી દીકરી (unmarried daughter) ને રહેવાનું ફ્રીમાં મળે ? સાસણગીરના એક રિસોર્ટમાં વર્ષોથી કુમારિકાઓ પાસેથી કોઇ ચાર્જ વસૂલ કરવામાં નથી આવતો. સાસણગીરના ગીર અભ્યારણ્યમાં દર વર્ષે સિંહ દર્શન માટે હજારોની સંખ્યામાં મુલાકાતીઓ આવે છે. દિવાળીના સમયમાં અહીં હોટલ કે રિસોર્ટમાં રહેવાના ઉંચા ભાડા ચૂકવવા પડ છે ત્યારે જો કોઇ રિસોર્ટમાં તમારી બહેન કે દિકરીને ફ્રીમાં રહેવા મળે તો તમારા ખિસ્સા પર એટલો બોજ ઓછો પડે.

સાવજ રિસોર્ટમાં દીકરીઓ ખાસ મહેમાન
સાવજ રિસોર્ટના સંચાલકોના દાવા અનુસાર આખી દુનિયામાં આ એકમાત્ર રિસોર્ટ એવો છે જ્યાં માતા-પિતા સાથે રિસોર્ટમાં રોકાતી કુમારિકા પછી તે કોઇપણ ઉંમરની કેમ ન હોય, તેનો કોઇ ચાર્જ વસૂલ કરવામાં નથી આવતો. સીધી ભાષામાં કહીએ તો પેરન્ટ્સે રહેવાનો ચાર્જ આપવો પડે છે પરંતુ જો તેમની સાથે આવેલી દીકરી કુંવારી છે તો તેને રહેવા, જમવાનું બિલકુલ ફ્રી હોય છે. રિસોર્ટના માલિક વિજયભાઇ જિવાણીનું કહેવું છે કે અમે દીકરીઓને માન-સન્માન આપીએ છીએ. 2008માં જ્યારથી રિસોર્ટ શરૂ થયો ત્યારથી જ અમે માં-બાપ સાથે આવતી કુંવારી છોકરીઓ પછી તે એક હોય કે એકથી વધુ હોય, તેની પાસેથી કોઇ ચાર્જ વસૂલ કરતા નથી. આવુ અમે ઘણાં વર્ષોથી કરીએ છીએ. અને દીકરીઓને ખાસ ગેસ્ટ તરીકે આવકારીએ છીએ.

ક્યાં છે સાવજ રિસોર્ટ અને કેવી છે સુવિધા
સાવજ રિસોર્ટ સાસણગીરમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ઓફિસ સિંહસદનથી માત્ર 4 કિલોમીટરના અંતરે છે. દેવળિયા પાર્ક અહીંથી 12 કિલોમીટરના અંતરે છે. આ રિસોર્ટથી સાસણગીર સફારી પાર્કની એન્ટ્રીથી ફક્ત બે કિલોમીટર દૂર છે. રિસોર્ટને અડીને જ હિરણ નદી પર બાંધવામાં આવેલો ચેકડેમ છે. જુની રેલવે લાઇન છે. રિસોર્ટમાંથી તમે નદીમાં મગરને તરતા જોઇ શકો છો. નદીની આસપાસ હરણ, નીલગાય, સાબરને જોઇ શકાય છે તો ક્યારેક સાવજના દર્શન પણ થઇ જાય છે. રિસોર્ટની અંદર કેસર કેરીનું આંબાવાડિયું છે.
કેવી છે સુવિધા
સાવજ રિસોર્ટમાં સ્વિમિંગ પુલ, કોન્ફરન્સ હોલ, 200 વ્યક્તિની ક્ષમતાવાળો મલ્ટીપર્સઝ હોલ છે. લગ્ન માટે 500થી 700 વ્યક્તિઓને સમાવતો સાઉન્ડ પ્રુફ હોલ છે. આ ઉપરાંત, ડાઇનિંગ હોલ, પાર્કિંગ, ડોક્ટર ઓન કોલ, વોકિંગ ટ્રેક, માંચડા, બોનફાયર, ચિલ્ડ્રન પાર્ક, સિટિંગ લોન્જ, જંગલ વ્યૂ દર્શાવતું ટેરેસ, 45 કોટેજીસ અને રૂમ્સ, 100 ટકા વેજીટેરિયન ફૂડ મળે છે.

રિસોર્ટથી નજીકમાં શું છે
અગાઉ જણાવી ગયા તેમ દેવળિયા પાર્ક અહીંથી માત્ર 12 કિલોમીટર દૂર છે. દેવળિયા પાર્કમાં બસમાં બેસીને સિંહ દર્શન કરી શકાય છે. દેવળિયા પાર્કની ટિકિટ ઓન લાઇન બુક કરી શકાય છે. પાર્કમાં દિપડાઓ પણ મોટી સંખ્યામાં છે. સોમનાથ મંદિર અહીંથી આશરે 50 કિલોમીટર દૂર છે. સોમનાથ મંદિર એક જ્યોર્તિલિંગ છે. દર વર્ષે અહીં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભોળાનાથના દર્શન કરવા આવે છે. સોમનાથમાં પણ રહેવાની સુવિધા છે. દરિયાના કિનારે ઊંટ સવારી કરવાની મજા આવે છે. નજીકમા ભાલકાતીર્થ છે જ્યાં ભગવાન કૃષ્ણને પારધીએ તીર માર્યું હતું. આ ઉપરાંત ગુજરાતીઓને સૌથી પ્રિય એવું દીવ અહીંથી 100 કિલોમીટરના અંતરે છે.
દિવમાં ઘોઘલા, નાગોઆ, ચક્રતીર્થ, ગોમતીમાતા બીચ સહિત અનેક બીચ છે. આ સિવાય દીવ મ્યૂઝિયમ, ચર્ચ, નાયડા કેવ્સ, આઇએનએસ કુફરી, ગંગેશ્વર મહાદેવ, દીવ ફોર્ટ જેવા સ્થળો જોવાલાયક છે. નાગવા બીચ પર અનેક સહેલાણીઓ વોટર એડવેન્ચર અને અન્ય એક્ટિવિટીઝ માટે આવે છે. સમુદ્રની સામે જ બાર, રેસ્ટોરન્ટ અને હોટેલો આવેલી છે જ્યાં પ્રવાસીઓ ન્હાઈને સી ફૂડ, નોન વેજ કે વેજ ફૂડ માણી શકે છે. દીવ આવતા ઘણાં ઓછા લોકો નાઈડા કેવ્સની મુલાકાત લેતા હોય છે, પરંતુ દીવ ફોર્ટ નજીક આવેલા આ સ્થળની વહેલી સવારે મુલાકાત લેવી જોઈએ. જો ફોટોગ્રાફીનો શોખ હોય તો વહેલી સવારે સૂર્યોદયના સમયે અહીં પહોંચી જજો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: રાજકોટની આ મહિલાને લાગ્યું છે સેવાનું ગાંડપણ, માનસિક અસ્થિર લોકોની સેવાને બનાવ્યું પોતાનું જીવન
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.