2 ઝાડથી થયેલ શરૂઆત પહોંચી 5 હજારે, સૌરાષ્ટ્રના જગમલભાઈએ નકામી વસ્તુઓમાંથી બનાવી બાલવાટિકા

2 ઝાડથી થયેલ શરૂઆત પહોંચી 5 હજારે, સૌરાષ્ટ્રના જગમલભાઈએ નકામી વસ્તુઓમાંથી બનાવી બાલવાટિકા

સામાન્ય ડ્રાઇવરની નોકરી કરતા જગમલભાઈએ બચતમાંથી જમીન ખરીદી ઊભુ કર્યું 5000 ફળાઉ જાડનું જંગલ. સાથે-સાથે ગામલોકોએ ફેંકી દીધેલ વસ્તુઓમાંથી જ બનાવી સુંદર બાલવાટિકા. બધાં જ ફળ છે અહીંનાં પક્ષીઓ અને વાટિકામાં આવતાં બાળકો માટે. તો રસ્તે જતા પથિકો માટે જાતે બનાવી પરબ.

આજે આપણે વાત કરી રહ્યા છીએ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મજેઠી ગામના રહેવાસી જગમલભાઈ ડાંગર વિશે કે જેઓ વર્ષોથી પર્યાવરણ ક્ષેત્રે ખુબ સારું એવું કામ કરી રહ્યા છે. સાથે સાથે તેઓ વેસ્ટ માંથી બેસ્ટ મુદ્દા આધારિત કામગીરી તેમજ ગાય આધારિત જૈવિક ખેતી અને બાગાયતમાં પણ કાર્યરત છે. તો ચાલો તેમની સાથે થયેલ સંવાદને આગળ માણીએ.

ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા જગમલભાઈ પોતાના વર્ષો જુના અનુભવ અને કાર્યને વિસ્તારપૂર્વક જણાવે છે જે શાબ્દિક સ્વરૂપમાં નીચે મુજબ છે.

Tree Plantation

બે ત્રણ ઝાડ રોપીને કરી શરૂઆત
જગમલભાઈ જણાવે છે કે,”હું જવાનીના મારા દિવસોમાં ટ્ર્ક, ટ્રેકટર અને જીપ ચલાવતો હતો ત્યારબાદ તેમાંથી થોડી ઘણી કમાણી કરીને મેં ત્રણ વીઘા ખેતર ખરીદ્યું. આ ખેતરની આસપાસ ઘણો વિસ્તાર એક ખરાબા તરીકે ઉજ્જડ હતો જેમાં મેં શરૂઆતમાં આજથી લગભગ અઢાર વર્ષ પહેલાં બે ત્રણ વૃક્ષો વાવીને શરૂઆત કરી. આ પછી દર વર્ષે વખતો વખત વૃક્ષોની વાવણીની સંખ્યામાં વધારો થતો ગયો અને આજે 18 વર્ષ પછી અહીંયા લગભગ 200 પ્રકારની જાતના પાંચ થી છ હજાર વૃક્ષો 20 થી 25 ફૂટ ઊંચાઈના વિકસિત થયેલા છે. જેમાં આંબળા, સેતુર, સીસમ, સીસું, સાગ વગેરે સૌરાષ્ટ્રની આસપાસ જે કંઈ પણ ઉગે છે તેવા બધા જ પ્રકારના ઝાડ અહીંયા ઉગાડેલા છે. ખાસ કરીને તેઓ અત્યારે લુપ્ત થતી જતી વનસ્પતિઓ અને આયુર્વેદિક વનસ્પતિઓ ઉગાડવા પાર ખુબ જ ભાર મૂકે છે.

જગમાલભાઈએ ઉરી હુમલામાં શહીદ થયેલા જવાનોની સ્મૃતિમાં એક શહીદ વન પણ બનાવ્યું છે કે જેમાં તેમણે તે શહીદ થેયલ આપણા દેશના 18 સપૂતોની યાદમાં 18 વડલા રોપ્યા છે જે આજે તો સારા એવા વિકસી ગયા છે અને વર્ષો સુધી દેશ માટે શહીદ થયેલા આપણા તે નવ યુવાનોની બહાદુરીની સાક્ષી પૂરશે.

Tree Plantation Drive

તેમને આગળ અહીંયા ફળાઉ ઝાડમાં ઉગતા ફળોનું શું કરો છો તેમ પૂછ્યું તો તેઓ કહે છે કે આસપાસના બાળકો અહીંયા પોતે જાતે જ વેસ્ટમાંથી બનાવેલ બાલવાટિકામાં જયારે રમવા આવે છે ત્યારે તે આ ફળોને ખાય છે. નહીંતર આ ફળોને બસ પશુ પક્ષીઓ માટે ઝાડ પર જ  નૈસર્ગીક સ્થિતિમાં જ રહેવા દેવામાં આવે છે.

આ સિવાય તેઓ તેમની જગ્યા પર જ વિવિધ રોપાઓનું નિર્માણ કરીને જે તે લોકોને જોઈતા હોય તો તેનું નિઃશુલ્ક વિતરણ કરીને પર્યાવરણ વિશે જાગૃતિ લાવવાનું કામ પણ કરી રહ્યા છે. સાથે સાથે પોતાની ત્રણ વીઘા જમીનમાં ગાય આધારિત જૈવિક ખેતી કરે છે અને ઘર માટે જરૂરી એવી શાકભાજીઓ જેમ કે દૂધી, ગલકા,રીંગણ, ટામેટા વગેરેનું ઓર્ગેનિક રીતે વાવેતર પણ કરે છે અને આ માટે પોતાની જરૂરિયાત પૂરતું છાણીયા ખાતરનું નિર્માણ પણ તેઓ પોતાના ઘરે જ પોતાની રીતે કરે છે.

Tree Plantation Drive

આગળ જતા પશુ પક્ષીઓ માટે પણ શરુ કર્યું એક વ્યક્તિગત અભિયાન
વૃક્ષો વાવવાની સાથે જગમલભાઈએ પક્ષીઓ માટે માળા બનાવવાનું પણ શરુ કર્યું. તે માટે તેઓ કોઈ અંધશ્રદ્ધામાં ન માનતા હોય તેવું કહી હિંદુ શાસ્ત્રોક્ત વિધિમાં વ્યક્તિના અવસાન પછી જે માટીના ચાર માટલા સ્મશાનમાં મુકવામાં આવે છે તે માટલાઓ સ્મશાનમાંથી લાવીને તેના જ માળા બનાવી જગમલભાઈએ વિવિધ જગ્યાએ ગોઠવવાનું શરુ કર્યું. તેઓ કહે છે કે, “જયારે મેં આ રીતની શરૂઆત કરી ત્યારે ગામના લોકો મારા પર દાંત કાઢતા હતા અને મને આ બધું ન કરવું જોઈએ તેવી સલાહ પણ આપતા હતા પરંતુ મેં ક્યારેય કોઈની વાતનું માઠું લગાવ્યા વગર કે કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર મારુ કામ ચાલુ જ રાખ્યું. “આજે તો પક્ષીઓ માટેના તેમના કાર્યને જોઈને ગુજરાત ભરના પક્ષી પ્રેમીઓ તેમને ત્યાં પક્ષીઓ માટે માળા અને ચણ પણ મોકલાવે છે અને ગામના જે લોકો તેમના પર હસતા હતા તે જ લોકો કોઈ અવસાન થઇ ગયેલ વ્યક્તિની સ્મૃતિમાં જગમલભાઈના ઘરે ચણ તથા માટલા સામેથી આવીને મૂકી જાય છે.

 Kids Garden

તેઓ આગળ જણાવે છે કે, તેમણે વટેમાર્ગુઓ અને જંગલી તેમજ પાલતુ પશુઓના પીવા માટે પાણીની પરબ તથા હવાડો પણ બનાવડાવેલો છે. જેમાં માણસો માટે જે પરબ બનાવી છે તેમાં માટી અને રેતીના ફિલ્ટર તરીકેની દેશી ટેક્નિકનો ઉપયોગ કર્યો છે જેમાં માટી તથા રેતીના થરને દર વર્ષે બદલવામાં આવે છે. આ થરના કારણે પાણી ફિલ્ટર થાય છે તેમજ તે ઠંડુ પણ રહે છે.

જયારે આસપાસના કોઈ વિસ્તારમાં પાલતુ કે જંગલી પ્રાણી અકસ્માતગ્રસ્ત કે બીમાર પડે છે ત્યારે લોકો તેને મારી પાસે લઇ આવે છે. હું અહીંયા તે પશુની કાળજી રાખી જો તેને વધારે સારવારની જરૂર હોય તો જૂનાગઢ સક્કરબાગ ખાતે ફોન કરી મોકલી આપું છું.

 Kids Garden

બનાવે છે વેસ્ટમાંથી બેસ્ટ ચીજ વસ્તુઓ
જગમાલભાઈ ધ બેટર ઇન્ડિયાને આગળ જણાવે છે કે, પોતાને અમુક બાબતમાં લોક સહકાર જરૂરથી  મળે છે પરંતુ બીજી ઘણી બધી બાબતોમાં પોતાની આર્થિક સ્થિતિ એકદમ મધ્યમ વર્ગીય હોવાના કારણે આજ સુધી તેઓએ જે કઈ પણ કાર્ય કરેલું છે અને હાલ પણ જે કંઈ કરે છે તે હંમેશા નકામી પડેલી ચીજ વસ્તુઓનો સારો એવો ઉપયોગ થઇ શકે અને કોઈ વગર જોતો ખર્ચો પણ ન થાય તે પદ્ધતિના આધારે જ કરે છે. તેમણે પોતાને ત્યાં ટપક સિંચાઇની પાઇપો, વાંસ અને વિવિધ નકામી પડેલી વસ્સ્તુઓની મદદથી વિકસાવી છે.  કોઈપણ વ્યક્તિની મદદ લીધા વગર જાત મહેનતે એક સુંદર બાલવાટિકા પણ બનાવેલી છે. આ સિવાય તેઓ માળા તેમજ વિવિધ બીજી ઘણી બધી ચીજ વસ્તુઓનું નિર્માણ નકામા ડબ્બા, પાણીના ગોળા, દેશી નળિયા વગેરેનો ઉપયોગ કરી તેને વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે.

Save Environment

આગળ જગમલભાઈને તેમની દિનચાર્ય વિશે પૂછ્યું તો તેઓએ જણાવ્યું કે પોતે અપરણિત છે અને પોતાના સિત્તેર વર્ષના માતા પિતા સાથે રહે છે તથા એક ગાય રાખે છે. દિનચર્યા બાબતે તેઓ કહે છે કે, સવારે 4 વાગે ઉઠી જવાનું, પછી શિરામણ કરી સાફ સફાઈ કરવાની ત્યારબાદ ગાય દોહવાની ત્યાં સુધી તેમના પિતા પક્ષીઓને ચણ નાખે છે. તે બધું પતાવી બપોરે બાર વાગ્યા સુધી વૃક્ષો અને ખેતરનું કામકાજ પતાવવાનું. ઝાડવાંઓ નવા વાવવાના હોય તો તે માટે મજૂરની મદદથી અને જાતે પણ તેના રક્ષણ અને સંવર્ધન માટેના કાર્ય કરવાના. બપોરે 12 વાગે જમી 2 થી 2.30 વાગ્યા સુધી આરામ કર્યા પછી સાંજ સુધી ફરી પાછું સવારના કામનું પુનરાવર્તન કરવાનું.

Save Environment

વર્ષોથી તેઓ આ પ્રકારનું જીવીન જીવી રહ્યા છે અને પ્રકૃતિની સેવા કરી રહ્યા છે. કોઈક વખત તો આ દિનચર્યામાં જગમલભાઈ એટલા ઓતપ્રોત થઇ જાય છે કે તેઓ એક-એક મહિનો બહાર તો શું ગામમાં પણ નથી જતા હોતા.

છેલ્લે ધ બેટર ઇન્ડિયા દ્વારા એટલું પૂછવામાં આવ્યું કે હાલ તેઓ શું કરી રહ્યા છે તો તેઓ હસીને કહે છે હાલ તો હું મારી આ ગાયને ખંજવાળી રહ્યો છું અને સાથે તમારી સાથે આ બધી વાતચીત કરી રહ્યો છું. ખરેખર કળિયુગમાં પણ પ્રકૃતિની આટલી નિસ્વાર્થ નિષ્ઠા પૂર્વક સેવા કરનાર લોકોને ધ બેટર ઇન્ડિયા પરિવાર હૃદય પૂર્વક નમન કરે છે.

Tree Lover

જો તમે પણ જગમાલભાઇ સાથે વાત કરવા ઇચ્છતા હોવ તો તમે તેમને 9662809110 આ નંબર પર સંપર્ક કરી શકો છો.

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: હાડકાના કેન્સરને હરાવી 130 નિરાધાર બાળકોની માતા બની હૂંફ અને શિક્ષણ આપે છે અમદાવાદી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X