Powered by

Home જાણવા જેવું સતત બીજા વર્ષે ભારતનાં સૌથી સ્વચ્છ શહેરોમાં સુરત બીજા નંબરે, રાષ્ટ્રપતિએ કર્યું સન્માન

સતત બીજા વર્ષે ભારતનાં સૌથી સ્વચ્છ શહેરોમાં સુરત બીજા નંબરે, રાષ્ટ્રપતિએ કર્યું સન્માન

કચરાનું વ્યવસ્થાપન, રિયૂઝ અને રિસાયકલ મારફતે હજારો સ્વચ્છતા કર્મીઓની મદદથી સતત બીજા વર્ષે સુરત બન્યું સ્વચ્છ શહેર. ભીના કચરા અને ટેમ્પલ વેસ્ટમાંથી બને છે ખાતર તો ગટરના પાણીને રિસાઈકલ કરી ઉપયોગમાં લેવાય છે બગીચાઓમાં.

By Kishan Dave
New Update
Surat Got Second Position

Surat Got Second Position

સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરી કેન્દ્રોમાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારના વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણ 2021માં સુરતે બીજું સ્થાન જાળવી રાખ્યું છે. જેના અંતર્ગત કેન્દ્ર સરકારના સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતની સાથે-સાથે વડોદરા અને અમદાવાદને પણ દેશનાં સૌથી સ્વચ્છ ટોપ-10 શહેરોમાં સ્થાન મળ્યું છે. તો ગાંધીનગર દેશનું સૌથી સ્વચ્છ પાટનગર બન્યું છે.

SLP (સર્વિસ લેવલ પ્રોગ્રેસ) કેટેગરી હેઠળ, સુરતે 2400 માંથી 2,238.06 માર્ક્સ મેળવ્યા, જ્યારે ઈન્દોરે 2313.38 મેળવ્યા. સિટીઝન વોઈસ કેટેગરીમાં સુરતે 1800માંથી 1721.16, ઈન્દોરે 1704.76 માર્ક્સ મેળવ્યા છે. સુરત અને ઈન્દોરે સર્ટિફિકેશન કેટેગરી હેઠળ 1800માંથી 1600 માર્ક્સ મેળવ્યા છે.

ઈન્દોરની 31 લાખની સરખામણીએ આપણા સુરત શહેરની વસ્તી 65 લાખથી વધુ છે. આમ સુરતે ઇન્દોર કરતા બમણી વસ્તી હોવા છતાં પણ સમગ્ર દેશમાં બીજા સૌથી સ્વચ્છ શહેરનું સ્થાન જાળવી રાખ્યું છે. સુરત એક ઔદ્યોગિક શહેર છે અને ગુજરાતની આર્થિક રાજધાની છે. આશા રાખીએ કે SLP ક્ષેત્રમાં સુરત હજી પણ સારું કામ કરી આવતા વર્ષે પ્રથમ ક્રમાંક મેળવે.

દિલ્હીમાં શનિવારે આયોજિત સ્વચ્છ સર્વેક્ષણની છઠ્ઠી આવૃત્તિની અધ્યક્ષતા રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે કરી હતી, જેમાં કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરી સહિત અન્ય લોકો પણ હતા.

2nd Cleanest City Of India

આ પ્રસંગે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિ પાની (B.N.PANI) પણ હાજર રહ્યા હતા. બી એન પાનીએ જ્યારથી સુરત મ્યુનિસિપલ કમિશનરનું પદ સાંભળ્યું છે ત્યારથી સતત બીજા વર્ષે સુરત શહેર આ યાદીમાં બીજા નંબરે આવ્યું છે.

સુરત 3Rs ના સૂત્રને ખૂબ જ ગંભીરતાથી અનુસરી રહ્યું છે - રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ. આ માટે, પ્રથમ, 100 ટકા ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનનો અમલ કર્યો, બીજું, ઘરે-ઘરે કચરો અલગ કરવાનો અમલ કર્યો, ત્રીજું, શહેરમાં પેદા થતા કચરાને અસરકારક રીતે ટ્રીટ કરવા માટે વિવિધ મિકેનિઝમનો અમલ કર્યો. પરિણામે, આજે સુરત તેના તમામ કચરાને ટ્રીટ કરી રહ્યું છે.

2020માં પણ સુરત શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં દ્વિતીય ક્રમાંકે જ હતું અને જો આપણે 2020 ના તેના માપદંડોને જોઈએ કે જેના કારણે જ સુરતે આ વર્ષે પણ દ્વિતીય ક્રમાંક જાળવી રાખ્યો છે તે નીચે મુજબ છે.

Surat, Cleanest City India

હાલમાં, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દરરોજ આશરે 1800 મેટ્રિક ટન ઘન કચરો એકત્રિત કરે છે, અને તેને ટ્રીટ કરે છે. શહેરમાં 85થી વધુ સોસાયટીઓમાં, સોસાયટીના કચરાને વસાહતની અંદર જ ટ્રીટ કરવા માટે એક મિકેનિઝમ છે - ભીના કચરાને ખાતર બનાવીને ટ્રીટ કરવામાં આવે છે, જેનો વધુ ઉપયોગ સોસાયટીમાં બગીચાની પ્રવૃત્તિઓ માટે થાય છે, જ્યારે, સૂકા કચરાને કચરા એકત્રીકરણ કરતા લોકોને આપવામાં આવે છે જેઓ આગળ આ કચરો વેચી આજીવિકા કમાય છે.

ઘરના કચરા સાથે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના અન્ય તમામ ધાર્મિક સ્થળોના 3 ટનથી વધુ કચરાનું વિવિધ વર્મી-કમ્પોસ્ટિંગ પ્લાન્ટ્સ પર પ્રક્રિયા કરીને પ્રક્રિયા કરે છે. તદુપરાંત, દરરોજ 75 ટનની ક્ષમતા સાથે, ભટારમાં સ્થિત પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટમાં પાયરોલિસિસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બાયો-ફ્યુઅલ અને ક્રૂડ ઓઇલ બનાવવા માટે શહેરના પ્લાસ્ટિક કચરાનું રિસાયકલ કરવામાં આવે છે. સુરત શહેર બ્યુટિફિકેશન હેતુ રિસાયકલ કરેલા કચરામાંથી મૂર્તિઓ પણ બનાવી રહ્યું છે. બાંધકામ કચરાને પણ શહેરમાં 100 ટકા તેના ઓપરેશનલ પ્લાન્ટમાં ટ્રીટ કરવામાં આવે છે જે 300 ટન પ્રતિ દિવસના ધોરણે ટ્રીટ કરવાની ક્ષમતા ધરાવે છે. ગટરના પાણીની વાત કરીએ તો, શહેરમાં બગીચાના હેતુઓ માટે તેના ગટરના પાણીને ટ્રીટ કરીને રિસાયકલ કરી ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે.

સંપાદન: નિશા જનસારી

કવર ફોટો

આ પણ વાંચો:બસમાં મુસાફરી કરતા હોવ અને રાહ જોવામાં કલાકો વેડફાતા હોય તો આ રીતે ટ્રેક કરો તમારી બસ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો