Readers only offer: Get additional Rs 200 off on 'The Better Home' powerful natural cleaners. Shop Now
X

એક સમયે પૈસાના અભાવે માંડલના યુવાને પીટીસી છોડ્યું & પ્યુન બન્યા, આજે ધગશ અને મહેનતથી બન્યા પ્રોફેસર

ભણવામાં હોશિયાર છતાં પૈસાના અભાવે બન્યા પ્યુન, આજે મહેનતને સફળતાનો મંત્ર બનાવતાં પ્રોફેસર બન્યો માંડલનો આ તરવરિયો યુવાન

એક સમયે પૈસાના અભાવે માંડલના  યુવાને પીટીસી છોડ્યું & પ્યુન બન્યા, આજે ધગશ અને મહેનતથી બન્યા પ્રોફેસર

નસીબનું પાંદડુ ક્યારે ફરે અને ક્યારે તમારી જિંદગી બદલાઇ જાય તે કહી શકવું મુશ્કેલ છે.. મહેનત તો બધા કરતા હોય છે પણ જો તેમાં નસીબ ભળી જાય તો જિંદગી સરળ અને સફળ થઇ જતી હોય છે. એવા કેટલાય લોકો છે જે કરિઅર બનાવવા મહેનત કરતા હોય છે પણ સલાહ – સહકાર, સુવિધા, સાચી દિશાના અભાવે તેમની જિંદગીની નૈયા ડામાડોળ થઇ જતી હોય છે. પણ આવા સમયે કોઇ યોગ્ય સલાહકાર અને હિતેચ્છુ મળી જાય તો જિંદગીને નવો જોમ મ‌ળી જાય છે ’ને જિંદગીના ખરા લક્ષ્યાંક અહેસાસ થતાં તે દિશામાં નવી પહેલ કરી શકાય છે.. ને સફળતાને નવા આયામ સુધી લઇ જઇ શકાય છે. સફળતાની પહાડીનો સૌથી સરળ રસ્તો મહેનત છે.

આજે અમે વાત કરી રહ્યા છીએ માંડલ તાલુકાના સોલગામના એક આવા જ યુવાનની. જેમને પોતાની જિંદગીમાં મહેનત થકી પ્યુનથી પ્રોફેસર સુધીની લાંબી સફર ખેડી છે. અસામાન્ય લાગતી વાતને સુરેશભાઇ ચૌહાણે સામાન્ય અને સફળ બનાવી છે. બારમા ધોરણ સુધી માંડલના સોલગામમાં ભણેલા સુરેશભાઇના પરિવારની આર્થિક પરિસ્થિતિ સામાન્ય હતી. બારમા પછી જેમ તેમ કરી પરિવારે પૈસા ભેગા કરીને પીટીસીમાં એડમિશન અપાવ્યું પણ સમય અને સંજોગોની થપાટે પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેમને ભણતર છોડવાનો સમય આવ્યો, ત્યારબાદ તેમને અમદાવાદની લેબર ઇન્સ્ટીટ્યુટમાં પ્યુન તરીકેની નોકરી મેળવી ઘરના લોકોને આર્થિક સહાયરૂપ બનતા થયા.

આ નોકરી દરમિયાન ઓફિસમાં કામ કરતા અધિકારી લકુમ મુકેશભાઇએ સુરેશભાઇની ઉંમર જોઇને તેમના ભણતર અને તે છોડવાના કારણ વિશે પૂછ્યુ, જોકે મદદરૂપ અને યુવાનોના ભણતર વિશે ખાસ ધ્યાન આપનારા મુકેશભાઇએ નવયુવાન સુરેશને નોકરી છોડાવી અમદાવાદની રાષ્ટ્રભાષા આર્ટસ કોલેજમાં બી.એમાં એડમિશન અપાવ્યું. જોકે કોલેજમાંથી મળતી શિષ્યવૃતિને પગલે સુરેશભાઇને પણ નોકરી કરવાની કોઇ જરૂર રહી ન હતી. આ સાથે જ બી.એ. કોલેજમાં પ્રોફેસરોએ પણ તેમને થતી તમામ સહાય આપી. તે ભણતરની હોય કે પછી કોલેજની ફીની. એક ખરા ગુરૂ તરીકેની તમામ જવાબદારી કોલેજના બે પ્રોફેસરે આ યુવાન પ્રત્યે નિભાવી.

જેમ તેમ કરીને ત્રણ વર્ષનો બી.એનો અભ્યાસ પૂર્ણ કરીને માસ્ટર્સ માટે અમદાવાદની એચ.કે કોલેજમાં એડમિશન લીધું. ભણતર પ્રત્યે ધ્યાન કહો કે જીવનની જરૂરિયાત સમજો ભણતર અને જ્ઞાનને જ પોતાની જિંદગી બનાવી લીધી. કેમકે પોતાની સાથે પરિવારને પણ સારી જિંદગી આપવાની હતી. સારા સ્વભાવને કારણે પ્રોફેસરો સાથે સંબંધ પણ સમન્વયના રહ્યા હતા. કોલેજ પૂર્ણ થયા બાદ એચ.કે તરફથી તેમને લેક્ચરર તરીકે આવવા આમંત્રિત કરાયા હતા. આ સુરેશભાઇના જિંદગીની સૌથી સુખદ પળ હતી. એક તો પરિવાર માટે આવક ઉભી થવાની હતી સાથે જ જીવનનો નવો આયામ મેળવવાની પણ ખુશી હતી. એક સમય એવો હતો જ્યાં ભણતર છોડવું પડે તેવી પરિસ્થિતી આવી હતી ત્યારે એક સજ્જનની મુલાકાતે આખી જિંદગીની દિશા અને દશા બંને બદલી નાંખી હતી. હવે તો નોકરી પણ હતી અને ભણવાનું કારણ પણ હતુ તેમને એમ.ફીલ પૂર્ણ કરીને પી.એચડીમાં એડમિશન મેળવ્યું. હાલ સુરેશભાઇ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર વિષયમા પી.એચડી કરી રહ્યા છે.

સુરેશભાઇની મહેનત તો હતી જ સાથે નસીબે એક એવી વ્યક્તિનો સંપર્ક સાધ્યો કે ક્યારેય વિચાર્યું ન હતુ તેટલું ભણતર પણ મેળવી શક્યા. જિંદગી તમને હરાવવાની કોશીશ કરશે પણ જો તમારામાં લડવાની અને જીતવાની ખેવના હશે તો કોઇ પણ મોટી સમસ્યા કેમ ન હોય તેને તમે તમારા કૌશલ્ય અને શાલીનતાથી પાર પાડી શકશો. પણ જો તમે જિંદગીને છેતરવા જશો તો તે તમને છેતરવામાં કાંઈ બાકી નહીં રાખે. સારા બનો, સરળ બનો અને સામાન્ય બનો.

પોતાના જ તાલુકામાં પ્રોફેસર થયા
એક સમયે ભણતર માટે ધોરણ 12મા પછી તાલુકો છોડવો પડ્યો હતો તે જ તાલુકામાં એમ.ફીલ પછી કોલેજમાં પ્રોફેસર તરીકેની નોકરી મળી હતી. પોતાના જ વતનમાં પ્રોફેસર બનવાનો મોકો મળે તે કોઇ પણ વ્યક્તિના જીવનનો અનમોલ યાદગીરી હોય છે. હાલ સુરેશભાઇ 31 વર્ષની ઉમરે પી.એચડી કરવા સાથે માંડલ કોલેજમાં લેક્ચરર તરીકે કામગીરી કરી રહ્યા છે.

પોતાના જેવા બીજાને પણ ભણાવવાની ખેવના
પોતાના જીવનમાં જે રીતે સજ્જન આવ્યાને મારી જિંદગી બદલાઇ તેવી રીતે હું પણ મારા જેવા અનેક જરૂરિયાતમંદોને મદદ કરીને તેમનું કરિઅર બનાવવામાં મદદ કરવા માંગે છે. હાલ પણ સુરેશભાઇ કોલેજમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે સલાહકાર તરીકે કરિઅર માટેની સાચી દિશાનું માર્ગદર્શન પૂરૂ પાડે છે.

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: અમદાવાદમાં લાખોની કમાણી છોડી ડૉક્ટરે વતનમાં ખોલી મફત કોવિડ હોસ્પિટલ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

ચાલો મિત્રો બનીએ :)