ગુજરાતમાં છેલ્લાં થોડાંક વર્ષથી વાતાવરણમાં અચાનક પલટો આવી જાય છે. કમોસમી વરસાદ થવાને લીધે ખેડૂત સહિત ઘણાં લોકોને નુકસાન થાય છે. ગુજરાતમાં પણ ગયા વર્ષે ઘણાં ખેડૂતોને મગળફીનું સાવ ઓછું ઉત્પાદન થયું હતું. જેથી ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. પણ રાજકોટના મોરબી રોડ પર રહેતાં ખીમજીભાઈ સાકરિયાએ આપત્તિને અવસરમાં પલટી થયેલાં નુકસાનની ભરપાઈ કરી હતી.
ખીમજીભાઈના પાસે કુલ 40 વીઘા ખેતર છે. આમાંથી 22 વીઘાના ખેતરમાં દર વર્ષે એક વીઘામાં અંદાજે 30-35 મણ મગફળીનું ઉત્પાદન થતું હતું. પણ ગયા વર્ષે 10 મણ કરતાં પણ ઓછું મગફળીનું ઉત્પાદન થયું હતું. આ પછી તેમણે વિચાર્યું કે, પાકની નુકસાનીની ભરપાઈ કેવી રીતે કરી શકાય. જે બાદ તેમને ઓર્ગેનિક ચિક્કી બનાવીને વેચવાનો વિચાર આવ્યો અને માત્ર બે મહિનામાં જ તેમણે 800 કિલો ચિક્કી બનાવીને વેચી દીધી હતી. આમ ખીમજીભાઈએ તેમને થયેલાં નુકસાનની મોટાભાગની ભરપાઈ કરી હતી. ખીમજીભાઈ સાકરિયાએ ધ બેટર ઇન્ડિયા સાથે આ અંગે વિસ્તાર પૂર્વક વાત કરી હતી.

ખીમજીભાઈ ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, ‘‘ગયા વર્ષે મગફળીનું ઉત્પાદન ઓછું થયું હતું. સામાન્ય રીતે અમારા 22 વીઘાના ખેતરમાં દર વર્ષે એક વીઘા દીઠ 30થી 35 મણ મગફળીનું ઉત્પાદન થાય છે, પણ ગયા વર્ષે માંડ-માંડ વીઘા દીઠ 10 મણ સુધી મગફળીનું ઉત્પાદન થયું હતું. જેને લીધે અમે કરેલા ખરચાનું વળતર મળ્યું નહીં. આ પછી વિચાર્યું કે, મગળફીમાં કેવી રીતે વેલ્યુ એડિશન કરી શકાય. અમે લોકો દર વર્ષે મગળફીનું તેલ કાઢીએ છીએ પણ એમાં એટલું વળતર ના મળે કે આ વખતે થયેલું નુકસાન સરભર થાય. એવામાં સંક્રાંતિ (ઉત્તરાયણ)નો સમય આવ્યો અને રાજકોટમાં સંક્રાંતિ પર ચિક્કી ખૂબ જ પ્રખ્યાત છે. મેં વિચાર્યું કે માણસો માત્ર ઓર્ગેનિક શાકભાજી અને ફળ જ ખાય છે. જ્યારે ચિક્કી સહિતની વસ્તુઓ ઓર્ગેનિક ખાવાનો લોકો પાસે ઓપ્શન નથી. એટલે અમે ચિક્કી બનાવવાનું શરૂ કર્યું.’’

ઓર્ગેનિક ચિક્કી કેવી રીતે બનાવો છો?
ખીમજીભાઈએ જણાવ્યું કે, ‘‘ અમે ચિક્કી બનાવવા માટે માત્ર ગોળ અને મગફળી વાપરીએ છીએ. ચિક્કી બનાવવા માટે ગોળ અને મગફળીનું સરખું કોમ્બિનેશન લેવામાં આવે છે. આ કોમ્બિનેશન અમારી મોનોપોલી છે. આ મોનોપોલી શીખવા માટે 70થી 80 કિલો મગફળી બગડી હતી. આ ઉપરાંત ગોળની પરફેક્ટ ચાસણી લેવામાં આવે છે. જેના લીધે ચોક્કસ થીકનેસ મળે અને દાંતમાં ચોંટે નહીં. લોકોની માંગણી મુજબ, જેવી કે કેટલાક લોકોને વધુ ગોળવાળી ચિક્કી જોઈએ તો, અમુક લોકોને ઓછા ગોળવાળી ચિક્કી ભાવતી હતી. અમે તે મુજબ પણ બનાવી દઈએ છીએ. કસ્ટમર માગે તે મુજબ આપતાં હતાં. ગોળ પણ અમે ઓર્ગેનિક વાપરતાં હતાં. મારા મિત્ર વિજયભાઈ રાવલિયા પાસેથી જ અમે ગોળ લેતાં હતાં, જેઓ જાતે જ ગોળ બનાવે છે. આમ અમે બધી જ કેમિકલ ફ્રી વસ્તુ વાપરતાં હતાં.’’

માત્ર બે મહિનામાં 800 કિલો ચિક્કી વહેંચી હતી
‘‘ડિસેમ્બર 2020થી જાન્યુઆરી 2021 દરમિયાન અમે 800 કિલોથી વધુ ઓર્ગેનિક ચિક્કનું વેચાણ કર્યું હતું. ચિક્કીના વેચાણ માટે રાજકોટ બહારના લોકોને ઓછામાં ઓછો 5થી વધુ કિલોનો ઓર્ડર હોય તો જ તેમને કુરિયર દ્વારા પહોંચાડી દેતા હતાં. આ ઉપરાંત રાજકોટમાં કોટેચા ચોક,યુનિવર્સિટી રોડ, નાના મૌવા રોડ અમીનમાર્ગ પર આવેલાં આઉટલેટ અને સોશિયલ મીડિયા મારફતે વેચાણ કયું છે.’’
500 ગ્રામના પેકેટમાં જ ચિક્કી વેચીએ છીએ
‘‘અમે લોકો 500 ગ્રામના પેકેટમાં જ ચિક્કી વેચીએ છીએ. જે લોકોને વધારે ચિક્કી જોઈએ તો તે મુજબ અમે 500 ગ્રામના પેકેટમાં જ ચિક્કી આપીએ છીએ. જેમ કે, કોઈને દોઢ કિલો ચિક્કી જોઈએ છે તો અમે 500 ગ્રામના ત્રણ ચિક્કીના પેકેટ આપીએ છીએ.’’

10થી 12 લોકો ચિક્કી બનાવે છે
‘‘અમે ખુદ પણ બનાવતા અને જોબવર્ક પણ કરાવતાં. દરરોજ 12-13 માણ ઓર્ડર મુજબ ચિ્ક્કી બનાવતા હતાં. આમ અમે 12-13 લોકોને રોજગારી આપતાં હતાં.’’
અંતમાં ખીમજીભાઈએ જણાવ્યું કે, ‘‘આ ઉપરાંત તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી છે. મારા પત્નીને થોડાક વર્ષ પહેલાં કેન્સર થયું હતું. અમે તેમની અઢી વર્ષ સારવાર કરાવી છતાં તેમને બચાવી શક્યા નહીં. આ પછી મે નક્કી કર્યું કે, ઓર્ગેનિક ખેતી કરીશ અને હું મારો બિઝનેસ બંધ કરીને સંપૂર્ણ ઓર્ગેનિક ગાય આધારિત ખેતીમાં આવી ગયો છું.’’
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: ભુજના સાત પાસ ખેડૂત ખારેકમાંથી બનાવે છે પ્રવાહી ગોળ, 42 પ્રકારના જ્યૂસ બનાવી 30 પરિવારોને આપી રોજગારી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.