Powered by

Home જાણવા જેવું આ લાઇબ્રેરી છે સૌરઉર્જા સંચાલિત, સોલરમાંથી ઉત્પન્ન થતી વીજળીમાંથી કરે છે વર્ષે લાખો રૂપિયાની બચત

આ લાઇબ્રેરી છે સૌરઉર્જા સંચાલિત, સોલરમાંથી ઉત્પન્ન થતી વીજળીમાંથી કરે છે વર્ષે લાખો રૂપિયાની બચત

ભરૂચના ચોકસી પરિવારે પોતાની સ્વતંત્રતા સેનાની દાદાની યાદમાં બનાવી છે લાઈબ્રેરી. લાઈબ્રેરીમાં એસી સહિત બધી જ સુવિધાઓ હોવા છતાં લાઈટબિલ આવે છે 'ઝીરો'. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને વાંચવા માટે છે શ્રેષ્ઠ જગ્યા.

By Vivek
New Update
Free Library

Free Library

ભરૂચમાં આવેલી કે.જે. ચોક્સી પબ્લિક લાઈબ્રેરીએ સૌરઊર્જાના વપરાશનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. આ લાઇબ્રેરી જોતાં એવું લાગે કે, આ વિદેશની કોઈ લાઇબ્રેરી હશે. આ લાઇબ્રેરી વિવિધ પ્રકારની સુવિધાથી સજ્જ છે. અહીં વાંચવા માટે આવતાં વિદ્યાર્થીઓને મોટાભાગની શક્ય એટલી સુવિઘા મળી રહે છે. કાંતીલાલ જેકિશનદાસ ચોક્સીના નામ પરથી આ લાઇબ્રેરી વર્ષ 2008માં શરૂ કરવામાં આવી હતી. કાંતીલાલ સ્વતંત્રસેનાની હતા અને તેમણે ભારતની આઝાદી માટેના ઘણા આંદોલનમાં ભાગ લીધો હતો. જોકે, વર્ષો પછી કાંતીલાલના પુત્રોએ તેમની જન્મ અને કર્મભૂમિનું ઋણ ઉતારવા ભવ્ય લાઇબ્રેરી બનાવડાવી છે.

ચોક્સી પરિવાર દ્વારા આ લાઇબ્રેરી શરૂ કરવાનો એકમાત્ર હેતું છે કે, ભરૂચના વિદ્યાર્થીઓને સારું વાંચન મળે જેથી તેઓ કરિયરમાં શ્રેષ્ઠ પ્રગતિ કરી શકે. આ અદ્યતન લાયબ્રેરીના ડિરેક્ટર મનન ચોક્સીએ ધ બેટર ઇન્ડિયા સાથે મોકળા મને વાતો કરી હતી.

Free Library

સોલર રૂફ ટોપ લગાડવાનો વિચાર કેવી રીતે આવ્યો?
લાઇબ્રેરીના ડિરેક્ટર મનન ચોક્સીએ આ અંગે જણાવ્યું કે,'' અમારી લાઇબ્રેરીના બિલ્ડિંગનું ધાબુ તપતું હોવાથી રીડીંગ રૂમ વધુ ગરમ રહેતા હતા. જેને લીધે અમારે AC રીડીંગ રૂમની જરૂર હતી. એટલે ટ્રસ્ટીએ પ્રસ્તાવ મૂક્યો કે, AC રિડીંગ રૂમ કરવો છે. તો તેમણે કહ્યું કે, આપણે વન ટાઇમ ઈન્વેસ્ટમેન્ટનો વાંધો નથી પણ, રનિંગ કોસ્ટ ઓછી થાય એવું કંઈક વિચારવું જોઈએ. આ પછી એવું નક્કી કરવામાં આવ્યું કે, સોલર રૂફટોપ પ્લાન્ટ લગાવી દઈએ. એટલે બિલ્ડિંગનું ધાબુ ઓછું ગરમ થાય અને સોલરમાંથી જે પાવર ઉત્પન્ન થાય તેમાંથી આપણે AC ચલાવી શકીએ. ''

'' આ પછી અમે પાવર એફિશિયન્ટ AC લીધા. જે બાદ બિલ્ડિંગના ધાબા પર સોલર રૂફટોપ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરાવડાવ્યો હતો.''

K J Choksi Library

કેટલા સ્ક્વેર ફૂટમાં સોલર રૂફટોપ લગાડવામાં આવ્યો છે?
''સોલર રૂફટોપ લગાવ્યા પહેલા અમે પાવર લોડ વધાર્યો હતો. કેમ કે, તે વખતે સરકારની એવી પોલિસી હતી કે, જેટલો પાવર લોડ હોય એનું અડધાં કિલોવોટનું સોલર લગાવી શકાય. એટલે અમે 25 કિલો વોટ પાવરનો લોડ વધાર્યો અને 12.50 કિલો વોટનું સોલર લગાડ્યું. જેમાં ઓલમોસ્ટ 1500 સ્ક્વેર ફૂટમાં ટેરેટમાં સોલર લગાડ્યા છે. ગયા વર્ષે લોકડાઉનમાં અમારું બિલ માઇનસમાં આવતું હતું.''

Free Library

લાયબ્રેરીમાં રીડિંગ કરવા આવતાં લોકો માટે શું પ્રોસેસ હોય છે?
આ અંગે મનનભાઈએ જણાવ્યું કે, '' લાઇબ્રેરીમાં રીડીંગ કરવા આવતા વિદ્યાર્થીઓ પાસેથી તેમનું ઓળખ કાર્ડ અને જે સ્કૂલ-કોલેજમાં ભણતાં હોય તેનો પુરાવો લેવામાં આવે છે. આ પછી તેમની પાસેથી મહિનાની 300 રૂપિયા ડિપોઝિટ લેવામાં આવે છે. આ પછી તેમને લાઇબ્રેરીનું એક કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડ દ્વારા વિદ્યાર્થી લાઇબ્રેરીમાં એમના ટાઇમ મુજબ વાંચવા આવી શકે છે. અમારી લાયબ્રેરી 12 કલાક ચાલુ રહે છે. અમે લાઇબ્રેરીમાં આવતા વિદ્યાર્થીઓને અત્યારે માત્ર પાણી જ આપીએ છીએ, પણ આગામી સમયમાં અમે લાઇબ્રેરીના કેમ્પસમાં કેન્ટીન શરૂ કરીશું. જેમાં ચા-નાસ્તો સહિતની સુવિધા વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવીશું.

કેટલા સ્ટુડન્ટ રીડિંગ કરવા આવે છે?
'' અમારી કેપેસિટી 220 સ્ટુડન્ટ્સની છે. મેઇન રીડિંગ હોલમાં 135 અને બાકીના નાના બે રીડીંગ રૂમ છે. જોકે, અત્યારે સરકારની કોરોના ગાઈડલાઈન મુજબ 50 ટકા કેપેસિટી સાથે લાઇબ્રેરી કાર્યરત છે તેમાં 100 જેટલાં સ્ટુડન્ટ આવે છે. ''

Solar Powered Library

કયા સ્ટુડન્ટ્સ વાંચવા વધુ આવે છે?
અંતમાં મનનભાઈએ જણાવ્યું કે, અમારી લાઇબ્રેરીમાં સૌથી વધુ બેન્કિંગ, UPSC, RTO, પોલીસની પરીક્ષા અને પ્રોફેશનલ સહિતના કોર્સની પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ રીડિંગ કરવા માટે આવે છે.

જો તમને આ લેખ ગમ્યો હોય અને લાઈબ્રેરી વિશે વધુ જાણવા ઈચ્છતા હોય તો, 02642 260 888 નંબર પર કૉલ કરી શકો છો.

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો:કેશોદના 2 ભાઈઓના ઘર & ખેતરે ક્યાંય નથી આવતું વિજળી-પાણીનું બિલ, ઘી-દૂધ-શાક બધું જ ઑર્ગેનિક

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.