Placeholder canvas

પહેલાં લાઈટબિલ આવતું હતું, 10,000, હવે 3 એસી અને બધી સુવિધાઓ હોવા છતાં થયું ઝીરો

પહેલાં લાઈટબિલ આવતું હતું, 10,000, હવે 3 એસી અને બધી સુવિધાઓ હોવા છતાં થયું ઝીરો

અમદાવાદમાં રહેતા 31 વર્ષીય ડૉ. દિલીપસિંહ સોઢાએ ઘરના ધાબામાં લગાવી છે પાંચ કિલોવૉટની સોલર સિસ્ટમ. ઘરમાં એસી, વૉશિંગ મશીન, ફ્રિજ, અવન સહિત બધીજ સુવિધાઓ હોવા છતાં બિલ આવે છે ઝીરો. સાથે-સાથે તેઓ પિતા સાથે મળીને વૃક્ષારોપણ અને 'કાર-ફ્રી' ડે જેવી ઝુંબેશ પણ કરે છે.

શું તમે ક્યારેય યૂનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) દ્વારા નિર્ધારિત કરેલ, 17 ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ‘ ને વાંચ્યા કે તેમાંથી કોઈ એકને પણ પૂરો કરવા માટે, વ્યક્તિગત ધોરણે કોઈ પહેલ કરી છે? જો ના તો વાંચો, પોતાના ઘરમાં ‘ઑન ગ્રિડ’ સોઅલર સિસ્ટમ (Solar Panel Installation) લગાવનાર ગુજરાતના એક ઓરલ સર્જન, ડૉ. દિલીપસિંહ સોઢાની આ કહાની, જે નાના-નાના પ્રયત્નોથી લક્ષ્યો મેળવવામાં પોતાનું યોગદાન આપે છે.

જ્યાં એક બાજુ, મોટાભાગના લોકોને એમજ લાગે છે કે, સમાજ અને પર્યાવરણ પ્રત્યે આ પ્રકારનાં લક્ષ્યો પૂરાં કરવાની જવાબદારી સરકાર, વહિવટી તંત્ર અને યૂનાઈટેડ નેશન્સ જેવાં સંગઠનોની છે. ત્યાં અમદાવાદમાં રહેતા ઓરલ સર્જન, ડૉ. દિલીપસિંહ સોઢા જણાવે છે કે, કેવી રીતે એક સ્સામાન્ય વ્યક્તિ પણ આમાં પોતાનું યોગદાન આપી શકે છે.

31 વર્ષીય ડૉ. દિલીપસિંહનું કહેવું છે, “આ સાચું છે કે, આપણે એકજ દિવસમાં બધું યોગ્ય નથી કરી શકતા. પરંતુ, આ કારણે જો આપણે કોઈ પહેલ પણ ન કરીએ તો, તે યોગ્ય ન ગણાય. મેં એક ખૂબજ નાની શરૂઆત કરી છે પરંતુ, મને ખબર છે કે, જો હું લાંબા સમય સુધી તેને કરતો રહીશ તો, ચોક્કસથી તેનાથી પર્યાવરણને ફાયદો થશે.”

વર્ષ 2015 માં પોતાનું ભણતર પૂરું કર્યા બાદ, દિલીપસિંહે યૂપીએસસીની પરીક્ષા આપવાનો નિર્ણય લીધો. ત્યારબાદ તેમણે એક-દોઢ વર્ષ તૈયારી પણ કરી. તેઓ જણાવે છે, “મેં એકવાર તૈયારી કરીને યૂપીએસસીની પરીક્ષા આપી, પરંતુ પાસ ન થઈ શક્યો. તેની તૈયારી દરમિયાન મેં કઈંક એવું વાંચ્યું, જેનાથી પોતાના દેશ, સમાજ અને પર્યાવરણ પ્રત્યે મારી સમજણ અને જાગૃતિ વધી. મેં 2017 માં ઓરલ સર્જન તરીકે મારી પ્રેક્ટિસ શરૂ કરી અને 2019 માં મારું પોતાનું એક ક્લિનિક શરૂ કર્યું. તેની સાથે-સાથે એક નાગરિક હોવાના નાતે, મેં મારા અધિકારો અંગે જાણવાની સાથે-સાથે પોતાનાં કર્તવ્યોનું પાલન કરવાનું પણ નક્કી કર્યું.”

Ahmedabad Doctor

વિજળી માટે અપનાવી સૌર ઉર્જા

દિલીપસિંહ જણાવે છે કે, તેમના ઘરમાં વિજળીની વપરાશ શિયાળામાં ઓછી અને ઉનાળામાં વધારે હોય છે. સામાન્ય રીતે તેમના ઘરમાં 60 દિવસમાં 1000 યૂનિટ વિજળીનો વપરાશ થાય છે. ગ્રિડથી આવતી વિજળી પરની નિર્ભરતા ઘટાડવા માટે તેમણે તેમણે તેમના ઘરના ધાબા પર 5 કિલોવૉટની ક્ષમતાવાળી સોલર પેનલ લગાવડાવી છે.

તેઓ કહે છે, “અમારા ઘરમાં ત્રણ એસી, પાંચ-છ પંખા, લાઈટ્સ, પ્રિઝ, વૉશિંગ મશીન અને કિચનમાં અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો છે. સૌર પેનલ લગાવડાવી એ પહેલાં ઉનાળામાં અમારા ઘરનું લાઈટ બિલ, દસ હજાર કરતાં પણ વધારે આવતું હતું, પરંતુ અત્યારે અમારું લાઈટ બિલ લગભગ ઝીરો થઈ ગયું છે.”

તેમણે જણાવ્યું કે, ‘ઑન ગ્રિડ સૌર સિસ્ટમ’ ના સેટઅપ દરમિયાન, તેને ઘરોમાં વિજળી સપ્લાય કરતી કંપનીના ગ્રિડ સાથે જોડવામાં આવે છે અને ત્યારબાદ, વિજળી વિભાગ દ્વારા એક નેટ મીટર લગાવવામાં આવે છે. જેનાથી વપરાશકર્તાને પૂરો હિસાબ મળી રહે છે કે, તેમણે વિજળી કંપની પાસેથી કેટલી વિજળી લીધી અને તેમની સૌર સિસ્ટમમાં કેટલી વિજળી બની. જો સૌર સિસ્ટમમાં બનતી વિજળી કરતાં વધારે વિજળીનો ઉપયોગ થાય તો, વધારાના યૂનિટનું બિલ ભરવું પડે છે. પરંતુ જો સૌર સિસ્ટમ દ્વારા ઉત્પાદિત વિજળી, વપરાશ કરેલ વિજળી કરતાં વધારે હોય તો, વિજળી કંપની વપરાશકર્તાને તેનું વળતર આપે છે.

તેઓ વધુમાં જણાવે છે, “અમને સબ્સિડી મળ્યા બાદ, સૌર સિસ્ટમ 1,65,000 રૂપિયામાં પડી. આ સૌર પેનલ લગાવવામાં લગભગ 25,000 હજારનો વધારાનો ખર્ચ થયો. પરંતુ જે રીતે વિજળી કંપની પર અમારી નિર્ભરતા ખતમ થઈ ગઈ, તેને જોતાં એમ લાગે છે કે, લગભગ ત્રણ વર્ષમાં અમારો આ ખર્ચ વસૂલ થઈ જશે. એટલે સૌર ઉર્જા અપનાવવાથી પર્યાવરણને તો ફાયદો થાય જ છે, સાથે-સાથે વિજળી પાછળનો આપણો ખર્ચ પણ ઘટે છે.”

લોકોને સૌર ઉર્જા અપનાવવાની સલાહ આપતાં તેઓ કહે છે કે, તમે તમારા વિસ્તારની બે-ત્રણ કંપનીઓ સાથે વાત કરો અને તેમની સર્વિસ અંગે જાણી લો. પછી જ્યાંથી યોગ્ય લાગે ત્યાંથી સિસ્ટમ લગાવડાવો. સાથે-સાથે સબ્સિડીની ચિંતા કરવાની તમારે જરૂર નથી કારણકે, ઘણી કંપનીઓ સૌર સિસ્ટમ લગાવવાની સાથે-સાથે, સબ્સિડી સંબંધિત પ્રક્રિયા જાતે જ પૂરી કરે છે. જેથી ગ્રાહકોને વધારે સમસ્યા ન નડે.

Tree Plantation

વૃક્ષારોપણ અને ‘કાર ફ્રી ડે’ અભિયાન

દિલીપસિંહ અને તેમનાં પરિવારજનો સૌર ઉર્જા અપનાવવાની સાથે-સાથે હરિયાળી વધારવાના સ્તરે અને પ્રદૂષણ ઘટાડવાના પ્રયત્નો પણ કરે છે. તેમણે ઑગષ્ટ 2019 માં તેમના ઘરની બહાર રસ્તાના કિનારે 17 ઝાડ વાવ્યાં અને તેમની દેખભાળ પણ તેઓ અને તેના પિતા, નારણજી સોઢા નિયમિત કરે છે.

દિલીપસિંહ કહે છે, ” અમારા ઘરમાં ઘણા ઝાડ-છોડ છે અને એજ ઝાડ-છોડથી અમે આસપાસના પર્યાવરણને સ્વચ્છ બનાવી શકીએ છીએ. એટલે મેં અને મારા પપ્પાએ મળીને ઘરની બહાર રસ્તા કિનારે 17 ઝાડ વાવ્યાં અને તેમની સુરક્ષા માટે ‘ટ્રીગાર્ડ’ પણ લગાવડાવ્યાં.અમે દરરોજ સવારે આ બધાં જ ઝાડને પાણી આપીએ છીએ અને દર રવિવારે તેમની આસપાસ સફાઈ કરીએ છીએ.”

દિલીપસિંહ જણાવે છે કે, ઘણા લોકો ‘ટ્રીગાર્ડ’ ની અંદર પણ કચરો નાખી જાય છે, જેને તેઓ સાફ કરે છે. તેમનાં વાવેલ ઝાડ બહુ સારી રીતે વધી રહ્યાં છે. વૃક્ષારોપણ સિવાય, તેમણે એપ્રિલ 2020 થી પોતાના ઘરમાં ખાતર બનાવવાનું પણ શરૂ કર્યું છે. પોતાના ઘરના બગીચામા જ એક ખાડો ખોદીમાં તેમાં ઘરનો બધો જૈવિક કચરો ભેગો કરી ખાતર બનાવે છે.

તેમના પિતા, 57 વર્ષીય નારણજી સોઢા કહે છે કે, ખાતર બનાવવાથી ઘરમાંથી નીકળતા ઘણા કચરાને ઘટાડી શકાય છે. જેનાથી વહિવટી તંત્રને પણ મદદ મળશે અને આ ખાતરથી આપણે નવા છોડ પણ વાવી શકીએ છીએ. જો બધા જ લોકો આ પ્રક્રિયામાં ભાગ લેવા લાગશે તો, આપણે જૈવિક કચરાને લેન્ડફિલમાં જતો રોકી શકાય છે.

આ સિવાય, તેમણે જણાવ્યું કે ગામ અછવાડિયા, બનાસકાંઠામાં તેમનાં ખેતરો છે, જ્યાં એક સ્થાનિક પરિવાર બધુ સંભાળે છે. ત્યાં પણ તેમણે પોતાનું એક ઘર બનાવ્યું છે અને 33 ઝાડ વાવ્યાં છે અને તેમાં પાણી પાવા માટે ટપક સિંચાઈની વ્યવસ્થા પણ કરેલ છે. તેમનું કહેવું છે કે, જ્યાં પણ તેમને યોગ્ય જગ્યા મળે તેઓ ત્યાં ચોક્કસથી વૃક્ષારોપણ કરે છે.

Car Free Day

વધુમાં દિલીપસિંહ જણાવે છે કે, તેઓ શહેરના ‘પેડલ પાવર’ નામના સાઈકલિંગ ગૃપ સાથે જોડાયેલ છે. આ ગૃપમાં 50 કરતાં વધારે સભ્યો છે, જે નિયમિત સાઈકલિંગ કરે છે. સાથે-સાથે દિલીપસિંહ અને કેટલાક અન્ય સભ્યોએ એક ‘કાર ફ્રી’ પહેલ પણ શરૂ કરી છે.

તેમનું કહેવું છે, “મારા ઘરેથી મારું ક્લિનિક લગભગ 7 કિમી છે. અઠવાડિયામાં એક દિવસ હું ક્લિનિક કારની જગ્યાએ સાઈકલ લઈને જઉં છું. આ પગલું બહુ નાનું છે, પરંતુ હું જાણું છું કે, જો મારી આ નાનકડી પહેલ લાંબા સમય સુધી ચાલું રાખીશ તો, તેનાથી પર્યાવરણને થોડો-ઘણો ફાયદો તો ચોક્કસથી મળશે. “

લગભગ પાંચ મહિનાથી તેઓ ‘કાર ફ્રી ડે’ નું અનુસરણ કરે છે અને તેમનુમ લક્ષ્ય છે કે, તેઓ આગામી આઠ-દસ વર્ષ સુધી તેને ચાલું રાખશે. તેઓ લક્ષ્ય હંમેશાં નાનાં-નાનાં બનાવે છે અને પ્રયત્ન કરે છે કે, તે લક્ષ્યથી સમાજ અને પર્યાવરણને ફાયદો થાય.

અંતમાં તેઓ માત્ર એટલો જ સંદેશ આપે છે, “દુનિયામાં કોઈ દેશ ઉત્તમ નથી. પરંતુ, દરરોજ તેને ઉત્તમ બનાવવાનો પ્રયત્ન કરી શકાય છે. એક નાગરિક હોવાના નાતે, સરકાર અને વહિવટીતંત્રની ઊણપો જણાવવાનો આપણો હક છે, પરંતુ તેની સાથે-સાથે સમાજ પ્રત્યે પોતાનાં કર્તવ્યોને પણ પૂરાં કરવાં જોઈએ. મારો પ્રયત્ન છે કે, હું જેટલું શક્ય હોય ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ’ પૂરા કરવામાં મારું યોગદાન આપતો રહું છું. આપણે સૌએ આવા પ્રયત્નો કરવા જોઈએ.”

જો તમે ડૉ. દિલીપસિંહ સોઢાનો સંપર્ક કરવા ઈચ્છતા હોવ તો તેમને dilipsingh.n.rajput@gmail.com પર ઈમેલ કરી શકો છો.

મૂળ લેખ: નિશા ડાગર

આ પણ વાંચો: ન વિજળીનું બિલ, ન શાકભાજીનો ખર્ચ, ન પાણીની ચિંતા, સૌરાષ્ટ્રના શિક્ષક આધુનિક સુવિધાઓ સાથે જીવે છે સાત્વિક જીવન

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

 • feel inspired icon
  97
 • more aware icon
  121
 • better informative icon
  89
 • do something icon
  167

Tell Us More

 
X