Placeholder canvas

સૌર ઉર્જાથી ચાલતું આ મશીન એક દિવસમાં ડિસ્પોઝ કરે છે 200 પેડ્સ, બચાવશે પર્યાવરણ

સૌર ઉર્જાથી ચાલતું આ મશીન એક દિવસમાં ડિસ્પોઝ કરે છે 200 પેડ્સ, બચાવશે પર્યાવરણ

સ્ત્રીઓની સલામતી અને પર્યાવરણના બચાવને ધ્યાનમાં રાખી આ મહિલા ડૉક્ટરે બનાવ્યું ‘સોલર લજ્જા’, એકજ દિવસમાં 200 સેનેટરી પેડને ફેરવશે રાખમાં, જે કામ લાગશે ગાર્ડનમાં. હોસ્પિટલ્સ, સ્કૂલ્સ વગેરે માટે છે બહુ કામનું.

માસિક સ્રાવ સ્ત્રીઓ માટે કુદરતી પ્રક્રિયા છે. પરંતુ સંસાધનો અને જાગૃતિના અભાવે આ કુદરતી પ્રક્રિયા મહિલાઓ અને પર્યાવરણ બંને માટે સમસ્યા બની રહી છે. સૌથી મોટી સમસ્યા એ છે કે આજે પણ સ્ત્રીઓ માસિક ધર્મ દરમિયાન અસુરક્ષિત વસ્તુઓનો ઉપયોગ કરે છે જેમ કે જૂના કપડાં, રાખ, ઘાસ વગેરે. જેના કારણે મહિલાઓને ગંભીર બીમારીઓ થવાનું જોખમ રહે છે. નેશનલ ફેમિલી હેલ્થના સર્વેક્ષણ મુજબ, માત્ર 58% છોકરીઓ અથવા સ્ત્રીઓ સલામત માધ્યમોનો ઉપયોગ કરે છે, જેમાં મોટાભાગે સેનેટરી નેપકિન સામેલ છે.

પરંતુ હવે બીજી સમસ્યા આ સેનિટરી નેપકિન્સના યોગ્ય સંચાલનની છે. શું તમે જાણો છો કે ભારતમાં દર વર્ષે લગભગ 12.3 અબજ સેનિટરી નેપકિન્સ પર્યાવરણ સુધી પહોંચે છે અને તે તેને પ્રદૂષિત કરે છે? મેન્સ્ટ્રુઅલ હેલ્થ એલાયન્સ ઈન્ડિયા અનુસાર, સેનિટરી નેપકિનનો નિકાલ કરવામાં 500 થી 800 વર્ષનો સમય લાગે છે. કારણ કે તેને બનાવવામાં નોન-બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે, જે સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને માટે હાનિકારક છે.

જો કે, આજકાલ, સેનિટરી નેપકિન્સ અને ટેમ્પૂન્સનો સસ્ટેનેબલ વિકલ્પ, મેન્સ્ટ્રુઅલ કપ પણ બજારમાં ઉપલબ્ધ છે. પરંતુ તેના વિશે ઓછી જાગૃતિના કારણે તેનો ઉપયોગ હજુ પણ મોટા ભાગના મોટા શહેરો પૂરતો મર્યાદિત છે. આવી સ્થિતિમાં સેનિટરી નેપકીનના યોગ્ય સંચાલન પર વિચાર કરવો જરૂરી છે. તેથી જ આજે ઘણા લોકો તેના નિકાલ માટે વિવિધ પ્રકારના મશીનો બનાવી રહ્યા છે. પરંતુ બજારમાં મોટાભાગના ઈલેક્ટ્રીક મશીનો ઉપલબ્ધ છે.

આને ધ્યાનમાં રાખીને, મુંબઈના ડૉ. મધુરિતા ગુપ્તાએ તેમના ભાઈ રૂપમ ગુપ્તા સાથે મળીને એક ખાસ સેનિટરી નેપકિન ડિસ્પોઝલ મશીન બનાવ્યું છે. જેનું નામ છે- ‘સોલર લજ્જા’. બંને ભાઈ-બહેન Arnav Greentech Innovations Pvt Ltd (અર્ણવ ગ્રીનટેક ઈનોવેશન્સ પ્રાઈવેટ લિમિટેડ) નામનું સ્ટાર્ટઅપ ચલાવી રહ્યા છે.

આ મશીન વીજળીને બદલે સૌર ઉર્જા પર ચાલે છે અને તેનો ઉપયોગ સામુદાયિક વિસ્તારોથી ઘરો સુધી થઈ શકે છે. સેનિટરી નેપકિનની સાથે ટેમ્પૂન, ડાયપર અને અન્ય બાયોમેડિકલ વેસ્ટનો પણ આ મશીન વડે ઇકો-ફ્રેન્ડલી રીતે નિકાલ કરી શકાય છે. ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા તેણે પોતાના ઈનોવેશન વિશે જણાવ્યું.

 Dr. Madhumita Gupta

બનાવ્યુ સૌર લજ્જા
ડૉ. મધુરિતા વ્યવસાયે પશુચિકિત્સક છે અને MYVETS WILDLIFE TRUSTના સ્થાપક સભ્ય પણ છે. તેણે જણાવ્યું કે તે છેલ્લા ઘણા વર્ષોથી પ્રાણીઓ માટે કામ કરી રહી છે. તેમની સંસ્થાનો ઉદ્દેશ્ય ભારતમાં વન્યજીવોનું સંરક્ષણ છે. આ માટે તે અલગ-અલગ જંગલ વિસ્તારમાં અલગ-અલગ પ્રોજેક્ટ કરે છે.

તેમણે કહ્યું, “આજે બદલાતા સંજોગો વચ્ચે માનવ અને વન્યજીવો વચ્ચે સંતુલન જાળવવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. જંગલોની નજીક આવેલા આદિવાસી વિસ્તારોમાં લોકો કેવી રીતે જંગલી પ્રાણીઓનો શિકાર કરે છે તે અંગેના સમાચારો અમને દરરોજ જંગલ વિસ્તારોમાંથી મળતા રહે છે.”

વર્ષ 2017માં, ડૉ. મધુરિતા અને તેમની ટીમ રાજસ્થાનમાં આ મુદ્દા પર કામ કરી રહી હતી. તેમના સર્વે દરમિયાન તેમને જાણવા મળ્યું કે જંગલી પ્રાણીઓ દ્વારા ઘાયલ અથવા માર્યા ગયેલા મોટાભાગના લોકોમાં મહિલાઓ છે. “અને મોટાભાગની સ્ત્રીઓ જ્યારે માસિક સ્રાવ દરમિયાન અથવા પછી વપરાયેલ પેડ અથવા સુતરાઉ અને શણના કપડાંનો નિકાલ કરવા જંગલોમાં જાય છે ત્યારે જંગલી પ્રાણીઓ દ્વારા હુમલો કરવામાં આવે છે. જંગલોની નજીક રહેતા લગભગ તમામ સમુદાયોની આ સમસ્યા હતી. કારણ કે મહિલાઓ પાસે આ વસ્તુઓને માટીમાં દાટી દેવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. માસિક સ્રાવ સાથે સંકળાયેલ શરમનાં મુદ્દાને લીધે, સ્ત્રીઓ મોટે ભાગે સવારે સૂર્યોદય પહેલાં અથવા રાત્રે જાય છે અને તેમની સાથે અકસ્માતો થાય છે,” તેમણે કહ્યું.

મધુરીતાએ નક્કી કર્યું કે તેણે આ સમસ્યાનો ઉકેલ શોધવો પડશે જેથી મહિલાઓને પેડ કે કપડા વગેરેનો નિકાલ કરવા જંગલોમાં જવું ન પડે. તેમને ઘણા લોકો દ્વારા સલાહ આપવામાં આવી હતી કે તેમને સેનિટરી નેપકિન ડિસ્પોઝલ મશીન લેવું જોઈએ. પરંતુ ઘણી જગ્યાએ વીજળીની પણ સમસ્યા છે. તેથી, તેઓ એવા ઉકેલ ઇચ્છતા હતા કે જેના માટે વીજળી અથવા ઇંધણ જેવા માધ્યમો પર નિર્ભર ન રહેવું પડે, અને પછી તેઓએ સૌર ઊર્જાનો ઉપયોગ કરવાની યોજના બનાવી.

તેમણે તેમની ટીમ અને કેટલાક નિષ્ણાતો સાથે આ વિષય પર ચર્ચા કરી કે સૌર ઉર્જાથી ચાલતું મશીન બનાવવું જોઈએ.

 Innovation

શું છે ‘સોલર લજ્જા’ની વિશેષતા
ડૉ. મધુરિતા કહે છે કે આ મશીન વાપરવામાં ખૂબ જ સરળ છે અને તેને અન્ય મશીનો કરતાં 25% ઓછી વીજળીની જરૂર પડે છે. એક દિવસમાં, આ મશીન 200 પેડ્સનો નિકાલ કરે છે અને તેને રાખમાં ફેરવે છે. પેડ્સ ઉપરાંત, તે કોટન અને જ્યુટના કપડાંનો પણ નિકાલ કરે છે. આ રાખનો ઉપયોગ ખેતરોમાં અથવા બગીચાઓમાં બાગાયત માટે કરી શકાય છે. આ મશીનનું તાપમાન 800 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે.

તેમનું કહેવું છે કે આ મશીન એક ‘વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ’ છે. એકવાર ઇન્સ્ટોલ થઈ ગયા પછી, આ મશીનનો ઉપયોગ કરવા માટે કોઈ વધારાનો ખર્ચ થતો નથી. સેનિટરી પેડ્સ ઉપરાંત બાળકોના ડાયપર અને અન્ય બાયોમેડિકલ વેસ્ટનો પણ નિકાલ કરી શકાય છે. તે સામુદાયિક સ્થળો તેમજ ખાનગી કંપની, શાળા-કોલેજમાં લાગુ કરી શકાય છે.

“આજે પણ 60% થી વધુ છોકરીઓ શાળાઓમાં પેડ્સના નિકાલની સુવિધાના અભાવને કારણે સમયસર પેડ બદલી શકતી નથી. જે તેમના સ્વાસ્થ્ય માટે સારું નથી. પેડ્સના અયોગ્ય સંચાલનને લીધે, તે માત્ર લેન્ડફિલ માટે જ નહીં પરંતુ પાણીના સ્ત્રોત અને પ્રાણીઓ માટે પણ જોખમી છે,” રૂપમે કહ્યું.

આ મશીન સાથે ‘પેડ ડિસ્પેન્સિંગ’ યુનિટ પણ ઇન્સ્ટોલ કરી શકાય છે. “અમે ઘણા ગ્રામીણ વિસ્તારોમાં અમારી પોતાની સંસ્થા દ્વારા મહિલાઓને સેનિટરી નેપકિન્સ આપીએ છીએ. તો, તેમને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે કે તેઓ એક જ કપડાનો વારંવાર ઉપયોગ ન કરે અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે, ”તેમણે કહ્યું.

આ મશીનમાં પેડનો નિકાલ કરવામાં માત્ર એક મિનિટ લાગે છે અને તે ઓટોમેટિક મોડ પર કામ કરે છે. તેથી તેને શાળાઓ, કોલેજો, હોસ્પિટલો, ઓફિસો અથવા સામુદાયિક સ્થળોએ સ્થાપિત કરી શકાય છે. ઉપરાંત, ગ્રાહકો તેમની જરૂરિયાત મુજબ તેને કસ્ટમાઇઝ કરાવી શકે છે. અત્યાર સુધીમાં, મધુરિતા અને તેની ટીમે 30 ‘સોલર લજ્જા’ યુનિટ્સ ઇન્સ્ટોલ કર્યા છે, જેમાં મહારાષ્ટ્ર, ગોવા, રાજસ્થાન, સિક્કિમ અને ઉત્તર પ્રદેશના વિસ્તારોનો સમાવેશ થાય છે.

Innovation For Change

ઘણા સન્માન મેળવ્યા
તેના દરેક યુનિટ સાથે, માધુરીતા હજારો મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવી રહી છે. અન્ય દેશોમાં પણ તેમના મશીનની માંગ છે. મહિલાઓ માટે પરિવર્તન લાવવાની સાથે સાથે તે પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી પણ નિભાવી રહી છે. તેમનું કહેવું છે કે ‘સોલર લજ્જા’નું દરેક યુનિટ લગભગ 48000 વોટ વીજળી બચાવે છે, જેના કારણે તે તેના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવામાં પણ સફળ રહી છે.

મધુરિતા અને રૂપમે કોવિડ દરમિયાન પેદા થતા કચરા જેવા કે, PPE કિટ, માસ્ક વગેરેના નિકાલ માટે સૌર ઉર્જાથી ચાલતું ‘Covi-Burn’મશીન પણ બનાવ્યું છે. તેણે આ મશીન જયપુર, ગંગટોક જેવા સ્થળોને આપ્યું છે.

રૂપમ કહે છે કે આપણે જેટલી જલ્દી સ્વચ્છ ઉર્જા અપનાવીશું તેટલું ભવિષ્ય માટે સારું છે. વધતા જતા કાર્બન ફૂટપ્રિન્ટ અને ઘટતા જતા કુદરતી સંસાધનોને જોતા, સૂર્ય અને પવનની ઉર્જા વધુને વધુ અપનાવવામાં જ સમજદારી છે. ઉપરાંત, કચરો વ્યવસ્થાપન ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેથી પર્યાવરણ પ્રદુષિત ન થાય.

મધુરિતાએ IIT-BHU, MGM જયપુર, પ્રતાપ સોસાયટી, જયપુર અને નવી મુંબઈના ઘણા સ્લમ વિસ્તારોમાં ‘સોલર લજ્જા’ મશીનો સ્થાપિત કર્યા છે. આ સિવાય તેઓ સિક્કિમ સરકાર સાથે એક પ્રોજેક્ટ પર પણ કામ કરી રહ્યા છે. આ મશીન માટે, તેમને 2021માં ચિલી સરકાર દ્વારા STRAIT OF MAGELLAN AWARD FOR SOCIAL INNOVATION મળ્યો છે.  2019માં સિંગાપોરમાં આયોજિત INSPRENEUER 3.0માં તેને ટોપ 10 હેલ્થકેર ઇનોવેશન્સમાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર સ્ટેટ ઈનોવેશન સોસાયટી દ્વારા ટોપ 10 ઈનોવેશન્સમાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આમ તો, નિષ્ણાતની સલાહ માસિક સ્રાવ દરમિયાન મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કરવાની છે. પરંતુ જો તમે અત્યારે સેનિટરી નેપકિનનો ઉપયોગ કરો છો, તો પછી ઉપયોગ કર્યા પછી તેને યોગ્ય રીતે મેનેજ કરવાનો પ્રયાસ કરો.

જો તમે કોઈપણ સંસ્થા સાથે સંકળાયેલા હોવ અને તમારા સ્થાને ‘સોલર લજ્જા’ ઇન્સ્ટોલ કરાવવા માંગતા હો, તો તમે madhurita.gupta@myvetstrust.org પર ઈમેલ કરી શકો છો.

મૂળ લેખ: નિશા ડાગર

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: ગૃહિણીમાંથી બની ખેડૂત, પછી શરૂ કર્યો વર્મીકમ્પોસ્ટ બિઝનેસ, કાશ્મીર સુધી જાય છે તેમનું ખાતર

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X