Search Icon
Nav Arrow
Gujarati School Teacher Kamlesh Zapadiya
Gujarati School Teacher Kamlesh Zapadiya

વિદ્યાર્થીઓ માટે શિક્ષણને વધારે રસપ્રદ બનાવવા રોજ 20 કિમી મુસાફરી કરે છે આ વ્યક્તિ

બાળકોને પુસ્તકિયા જ્ઞાન કરતાં પ્રેક્ટિકલ જ્ઞાન વધારે ગમે છે, એટલે રાજકોટના અંતરિયાળ વિસ્તારમાં રહેતા આ શિક્ષક બાળકોને અવનવી ટેક્નોલૉજીથી વાકેફ કરવા, અને રસપ્રદ બનાવવા રોજ 20 કિમી મુસાફરી કરે છે. તેમના આ અભ્યાસક્રમને માન્યતા મળી છે IIM અમદાવાદ દ્વારા પણ.

અન્ય લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે તથા તમામ અવરોધોને દૂર કરવા માટે માત્ર ઉત્સાહની જરૂર નથી પણ માર્ગ ન છોડવાનો નિર્ધાર પણ જરૂરી છે. કમલેશ ઝાપડીયા આ વાતને ખરા અર્થમાં સાબિત કરે છે. લગભગ વીજળીની સુવિધા વગરના ખેતરમાં રહેતા એક માણસે વિદ્યાર્થીઓને મનોરંજક રીતે અભ્યાસમાં જોડાવવા માટે એક વેબસાઇટ બનાવી છે. કેવી રીતે તે જાણવા માટે આગળ વધુ વાંચો.

“શિક્ષણ દેશને આપી શકાય તેવી સૌથી મોટી ભેટ છે,” આવું કમલેશ ઝાપડીયા માને છે કે જેઓ એક પ્રાથમિક શિક્ષક છે કે જે તેમના વિદ્યાર્થીઓ માટે શિક્ષણને વધુ રસપ્રદ બનાવવા માટે તેમના ગામથી નજીકના શહેરમાં સાયબર કાફે સુધી 20 કિલોમીટરની મુસાફરી કરે છે.

ગુજરાતના રાજકોટના વતની, આ 35 વર્ષીય વ્યક્તિ જે રીતે બાળકોને ભણતા જોયા તેનાથી ખૂબ નાખુશ હતા. તેઓ હંમેશા માનતા હતા કે અભ્યાસ મનોરંજક હોવો જોઈએ અને વિદ્યાર્થીઓ જે શીખે છે તેને સમજવું અને માણવું જોઈએ. ખૂબ વિચાર કર્યા પછી તેને 1 થી 10 ધોરણ સુધીના સમગ્ર અભ્યાસક્રમને ક્વિઝ ફોર્મેટમાં રૂપાંતરિત કરવાનો વિચાર આવ્યો.

“તે કૌન બનેગા કરોડપતિ જેવું છે,” ઝાપડિયા કહે છે. તેમણે તેમના મિત્રો સાથે મળીને Edusafar નામની વેબસાઇટ વિકસાવી છે જ્યાં તેઓ સમગ્ર અભ્યાસક્રમ અપલોડ કરે છે. આ ફોર્મેટને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ – અમદાવાદ દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે. વેબસાઈટ પરથી અભ્યાસક્રમ મફત ડાઉનલોડ પણ કરી શકાય છે.

“ક્વિઝ ફોર્મેટ મોડ્યુલ અને અભ્યાસક્રમ વાપરવા માટે તૈયાર છે. તેમને માત્ર અંતિમ પ્રૂફરીડિંગની જરૂર છે અને અમે સત્તાવાર રીતે પુસ્તકો લોન્ચ કરવાની રાહ જોઈ રહ્યા છીએ, ”ઝાપડિયા કહે છે.

ઝાપડિયા અને તેમના મિત્રોએ શૈક્ષણિક સહાય, ટ્યુટોરિયલ્સ અને સાધનો પરના ઘણા લેખો વાંચ્યા અને સંશોધન કર્યા પછી Edusafar શરૂઆત કરી હતી.

“જ્યારે હું સંશોધન કરી રહ્યો હતો, ત્યારે મેં ઘણી રસપ્રદ વસ્તુઓ શીખી અને હું લોકો સાથે તે શેર કરવા માંગતો હતો. આથી, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને લગતી તમામ અભ્યાસ સામગ્રી અને માહિતી Edusafar પાસે છે,” ઝાપડિયા કહે છે.

“વિચાર શિક્ષણને સરળ અને સમજવા માટે સરળ બનાવવાનો છે. શિક્ષક હોવાના કારણે, હું વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને સમજું છું અને આ વેબસાઈટ સરળ શિક્ષણના વિકલ્પોના સાધન તરીકે કામ કરે તેવી અપેક્ષા છે, ”ઝાપડિયા કહે છે. વેબસાઇટનું સંચાલન 6 સભ્યોની ટીમ કરે છે જે તમામ ગુજરાતની વિવિધ શાળાઓમાં શિક્ષકો છે.

પડકારો
“સૌથી મોટો પડકાર વીજળી છે. હું મારા પરિવાર સાથે ખેતરની સંભાળ રાખવા માટે વાડી (બગીચા) માં રહું છું તેથી જ્યારે પણ મારે કંઇક કરવું હોય ત્યારે મને લેપટોપ અને ફોન જોડવા માટે ખૂબ દૂર જવું પડે છે, ”ઝાપડિયા કહે છે.

બીજો પડકાર અન્ય સભ્યો સાથે વાતચીત કરવાનો છે. ગામમાં સંદેશાવ્યવહારની ખૂબ મર્યાદિત રીતો હોવાથી, દરેકને એક જ સમયે ઉપલબ્ધ કરાવવું ખૂબ જ મુશ્કેલ છે.

ભવિષ્ય
આજે ઝાપડિયા જેવા લોકો છે જે આપણામાંના દરેકને પરિસ્થિતિ ગમે તેટલી કપરી કેમ ન હોય તો પણ એક સ્ટેન્ડ લેવા અને પરિવર્તન લાવવાની પ્રેરણા આપે છે. વીજળીના અભાવનો સૌથી મોટો અવરોધ હોવા છતાં, ઝાપડિયાએ કંઈક એવું કર્યું છે જે હજારો લોકોનું જીવન બદલી શકે છે.

ઝાપડીયા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકો માટે એક એપ વિકસાવવાની યોજના ધરાવે છે. એપ્લિકેશનમાં વિવિધ સામાન્ય જ્ઞાન અને વર્તમાન બાબતોના પ્રશ્નો હશે જેમાંથી વપરાશકર્તા માત્ર એક ક્લિકથી શીખી શકે છે.

“ગુજરાતીમાં આવી કોઈ એપ કે પુસ્તકો નથી. જે લોકો અંગ્રેજી નથી સમજતા અને હજુ પણ આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા માંગે છે, તેમના માટે આ એપ કામમાં આવી શકે છે.

“આ વિચાર વિદ્યાર્થીઓને પુસ્તક દ્વારા દબાણ કરવાને બદલે વિષયમાં રસ લેતા કરવાનો હતો. મને લાગે છે કે આ વર્તમાન શિક્ષણ પ્રણાલીને ખરેખર મદદ કરશે જે ફક્ત સિદ્ધાંત- અને પુસ્તક આધારિત છે, ”ઝાપડિયા કહે છે.

ઝાપડિયા એવા 100 શિક્ષકોમાં હતા, જેમને ગુજરાત ઇનોવેટીવ એજ્યુકેશન કાઉન્સિલ અને ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા શિક્ષણમાં તેમના નવીન વિચારો માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.

કહાની સૌજન્ય: અંકિત વ્યાસ, એજ્યુકેશનલ ઈનોવેશન બેન્ક, આઈઆઈએમ-અમદાવાદ, જે ગુજરાતમાં નવીન શિક્ષકોની વાર્તાઓનું સંશોધન અને દસ્તાવેજીકરણ દ્વારા એક મહાન કાર્ય કરી રહ્યા છે.

મૂળ લેખ: શ્રેયા પરીખ

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: ચાર વાર GPSC પાસ કરવા છતાં જીવનભર શિક્ષણનો યજ્ઞ પ્રજ્વલિત રાખવા બન્યા શિક્ષક

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો

close-icon
_tbi-social-media__share-icon