Powered by

Home ગાર્ડનગીરી ઘરે જ સરળતાથી ઉગાડો અજમાનો છોડ, શરદી-ખાંસી અને રોગપ્રતિકારક શક્તિ માટે છે કારગર

ઘરે જ સરળતાથી ઉગાડો અજમાનો છોડ, શરદી-ખાંસી અને રોગપ્રતિકારક શક્તિ માટે છે કારગર

ઊગી જશે માત્ર 20 દિવસમાં, ઘરે કુંડામાં સરળતાથી ઉગાડો અજમાનો છોડ

By Nisha Jansari
New Update
Grow ajwain in pot

Grow ajwain in pot

અજમો લગભગ દરેક ભારતીયના રસોડામાં મળી રહેતો એક મસાલો છે. રસોઇમાં અજમાના ઉપયોગથી સ્વાદમાં વધારો થાય છે. મોટાભાગના ભારતીય લોકો તેનો અચૂક ઉપયોગ કરે જ છે. અજમામાં ઘણા ગુણ હોય છે. આ છોડને ઘરમાં વાવવાથી તે એક એન્ટી પ્યૂરીફાઇડનું કામ કરે છે, જે આસપાસના વાતાવરણને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે, કેવી રીતે કુંડામાં સરળતાથી ઉગાડી શકાય છે અજમો.

અજમામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, ફૉસ્ફરસ, આયર્ન અને થાયમિન જેવાં ઘણાં પોષકતત્વો પુષ્કળ માત્રામાં હોય છે. જેના કારણે તેનો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે છે.

આમ તો અજમાની ખેતી આખા ભારતમાં કરવામાં આવે છે, પરંતુ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં તેનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવે છે.

લખનઉમાં ટેરેસ ગાર્ડનનાં એક્સપર્ટ પવનીત સિંહ આજે આપણને કુંડામાં અજમો ઉગાડવાની આખી રીત વિસ્તૃતમાં જણાવી રહ્યા છે. પવનીત સિંહ લાઇફવૉલ ના સંસ્થાપક છે અને તેના દ્વારા તેમણે યૂપીથી લઈને દિલ્હી સુધી 800 કરતાં પણ વધારે ઘરોમાં ટારેસ ગાર્ડનિંગનો સેટઅપ બનાવી આપ્યો છે.

Pavneet Singh
પવનીત સિંહ

પવનીત સિંહ જણાવે છે, "ઘણા ઔષધિય ગુણોથી ભરપૂર અજમો કોથમીરની પ્રજાતિનો હોય છે અને તેને કુંડામાં બે રીતે ઉગાડી શકાય છે, પહેલી - બીજથી, બીજી - કટિંગથી."

તેઓ જણાવે છે, "કટિંગથી તૈયાર થતાં અજમાનાં પાન ઘણાં મોટાં અને ગોળાકાર હોય છે. તેમાં સુગંધ પણ બહુ સરસ આવે છે. તો, ઘરમાં મળતા અજમાને કટિંગથી ઉગાડવો મુશ્કેલ છે, કારણકે તેની ડાળીઓ પાતળી હોય છે."

બીજથી અજમો ઉગાડવાની રીત વિશે સિંહ કહે છે, "આ રીતે અજમો ઉગાડવા માટે સૌપ્રથમ તો અજમાને થોડીવાર માટે પાણીમાં પલાળી ફૂલવા દો. તેનાથી છોડ જલદી ઊગે છે. કુંડામા બીજને વાવતાં પહેલાં 40 ટકા માટી અને 60 ટકા વર્મી કમ્પોસ્ટ અને કોકપીટનું મિશ્રણ બનાવો અને તેને કુંડામાં ભરી બીજને રોપી દો.

સિંહ જણાવે છે, "અજમાના છોડને તૈયાર થવામાં લગભગ 20 દિવસ લાગે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે, સિંચાઇ દરમિયાન કુંડામાં વધારે પાણી ભેગું ન થાય, કારણકે તેનાથી મૂળ કહોવાઇ શકે છે."

Ajwain
અજમો

કઈ ઋતુ છે સૌથી શ્રેષ્ઠ

અજમાને ચોમાસા સિવાય બીજી કોઇપણ ઋતુમાં ઉગાડી શકાય છે, પરંતુ અજમા માટે ગરમીની ઋતુ સૌથી શ્રેષ્ઠ છે. અજમાને ઉગાડવા માટે તેને પૂરતો તડકો મળે એ ખૂબજ જરૂરી છે. અજમાના કુંડાને એવી જગ્યાએ મૂકવું, જ્યાં પૂરતો તડકો આવતો હોય.

પાણીમાં પણ ઉગાડી શકાય છે અજમો

સિંહ જણાવે છે, "અજમાને માટી વગર પણ ઉગાડી સકાય છે. આ માટે જરૂર હોય છે એક હાઈડ્રોપોનિક પાઇપની. તેમાં નાના-નાના પૉટ હોય છે અને પાણીનિયમિત રૂપે અંદર પહોંચતું રહે છે. તેમાં લોક્વિડ ફાર્મમાં ઉપલબ્ધ ઉર્વરકોનો ઉપયોગ કરવો પડે છેમ જે બજારમાં ખૂબજ સરળતાથી મળી રહે છે. આ રીતે, આમાં છોડ ખૂબજ સ્વસ્થ રહે છે. આ રીતે અજમો ઉગવામાં લગભગ 15 દિવસ લાગે છે."

સિંહ જણાવે છે, "પાંચ સભ્યોના પરિવાર માટે બજારમાં મળતું 16-18 ઈંચનું કૂંડું પૂરતું હોય છે. પરંતુ ધ્યાન રાખવું કે, તે વધારે ઊંચુ ન હોય, આ છોડની ઊંચાઇ વધારે નથી થતી."

અજમામાંથી બીજ બનવામાં 4-6 મહિના લાગી જાય છે. ત્યાં સુધી તમે તેનાં પાનમાંથી પરોઠા, શાક, સેલડ વગેરે બનાવી શકો છો.

Grow ajwain in water
પાણીમાં અજમો ઉગાડો

કઈ-કઈ વાતોનું ધ્યાન રાખવું

સિંહના જણાવ્યા અનુસાર, અજમાને કુંડામાં ઉગાડવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઇએ

  • છોડને ગરમીની ઋતુમાં વાવવો.
  • વધારે પડતું પાણી ન પાવું.
  • માટીમાં વર્મી કમ્પોસ્ટ અને કોકોપીટ મિક્સ કરો અને જો ઘરે બનાવેલું ખાતર હોય તો શ્રેષ્ઠ છે.
  • કુંડું પહોળું હોય પરંતુ વધારે ઊંડુ ન હોય. ઊંડા કુંડામાં છોડને વધવામાં મુશ્કેલી આવે છે.
  • દર 25 દિવસે કુંડામાં ખાતર નાખો.

કટિંગથી અજમાનો છોડ તૈયાર કરવા અંગે જાણવા માટે આ પર ક્લિક કરો.

મૂળ લેખ: Kumar Devanshu Dev (https://hindi.thebetterindia.com/52863/tips-to-grow-ajwain-know-how-to-grow-ajwain-in-pots/)

આ પણ વાંચો:How to Grow Tulsi: આ રીતે ઘરે જ ઊગાડો અનેક ઔષધિય ગુણોથી ભરપૂર તુલસી

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.