અમદાવાદના જાણીતા આર્કિટેક્ચર હિમાંશુ પટેલ જણાવી રહ્યા છે કેવી રીતે સામાન્ય કરતાં સાવ અડધા ખર્ચમાં બનાવી શકાય છે સુંદર ઘર અને તે પણ પર્યાવરણને નુકસાન કર્યા વગર.
આજે ફરી અમે ધ બેટર ઇન્ડિયા પર સસ્ટેનેબલ ઘર એકદમ નજીવી કિંમતમાં અને સાથે સાથે વૈજ્ઞાનિક આધાર પર વર્ષો સુધી ટકી શકે તેવું કંઈ રીતે બનાવવું તે માટેની એક સુવ્યવસ્થિત માહિતી અત્યારે કડી તથા સાણંદ નજીક આવેલ ગામ ખંડેરાવપુરામાં પોતાનું વતન ધરાવતા અને ત્યાં જ સ્થાયી થઇ અને આવા બાંધકામ કરવા માટે ત્યાં જ d6thD Design Studio નામની ઓફિસ બનાવી ટકાઉ અને પર્યાવરણ ફ્રેન્ડલી બાંધકામ બનાવવા માટે કાર્ય કરતા આર્કિટેક્ચર હિમાંશુભાઈ પટેલ સાથે વાતચીત કરી મેળવી હતી. તો ચાલો તે વાતચીતના મહત્વના અંશોને આગળ માણીએ.
હિમાંશુભાઈનું કહેવું છે કે એકદમ ઓછા ખર્ચમાં સારું ટકાઉ અને પર્યાવરણીય અનુકૂળ બાંધકામનો આધાર છે આપણા વડવાઓ દ્વારા વર્ષોના અનુભવ અને અધ્યયન બાદ બાંધવામાં આવેલા આપણા ગામડાના જુના દેશી ઘરો જેમાં થોડું નવીનીકરણ કરી તમે એકદમ ઓછા ખર્ચમાં વર્ષો સુધી ટકી શકે તેવું બાંધકામ આસાનીથી કરી શકો છો.
હિમાંશુભાઈ દ્વારા અમલમાં મુકાતી ટકાઉ અને પર્યાવરણીય અનુકૂળ બાંધકામ માટેની મહત્વની રીતો
ગ્રાહકની વધારાની બિનજરૂરી જરૂરિયાતને ઓછી કરી બાંધકામ કરવામાં આવે છે જેથી તેટલી જગ્યા અને ખર્ચો બંને બચે. ઉદાહરણ તરીકે ગેસ્ટ બેડરૂમ. આ માટે વ્યવસ્થિત એક કારણ પણ છે કે જયારે પહેલાના સમયમાં ગામડામાં અત્યારે આવે છે તે કરતાં પણ વધારે મહેમાનગતી રહેતી ત્યારે તેમને કોઈ અલાયદી જગ્યાએ સુવડાવવા કરતા જ્યાં ઘરના લોકો સાથે જ તેમના પણ સુવાની વ્યવસ્થા થતી અને તે કારણે તે લોકો સાથે મહેમાનગતીમાં ફક્ત ઔપચારિકતા ના જાળવી એક આત્મીયતા સાથે લોકો જોડાતા, સૂતી વખતે ભાત ભાતની વાતો કરતા અને રહેતા. ખરેખર મહેમાનગતીની તે જ સાચી રીત હતી. આમ, સૌ પ્રથમ તો નિયમ એ જ રહે છે કે ખરેખર જેટલી જગ્યાની જરૂર છે તેટલું જ બાંધકામ કરવું ના તેનાથી વધારે કે ના તેનાથી ઓછું.
આજુબાજુ લોકલ કુદરતી જે મટીરીયલ મળતું હોય તેનો જ ઉપયોગ કરવો
“RCC નો ઉપયોગ ઓછામાં ઓછો થાય તેના પર વધારે ભાર રાખવો ખુબ જ જરૂરી. RCC નો આડેધડ ઉપયોગ ખરેખર બિનજરૂરી છે અને તે હું સમજ્યો આપણા ગામડાના ઘરો માંથી. તમે જ જોઈલો કે RCC ના બનાવેલા ઘર 35 થી 50 વર્ષ સુધીજ વ્યવસ્થિત ટકે છે જયારે આપણા ગામડાના બનાવેલા જુના ઘરો 100 વર્ષો પછી પણ વ્યવસ્થિત ટકતા હોય છે,” હિમાંશુભાઈ જણાવે છે.
તેઓ આગળ એ પણ જણાવે છે કે, અમે લોડ બેરીંગ દીવાલો બનાવીએ છીએ જેમાં RCC નો ઉપયોગ ખુબ જ ઓછો થાય જાય છે. એવું નથી કે અમે ફક્ત RCC બાંધકામના વિરોધી જ છીએ પરંતુ અમારો આશય એ છે કે જ્યાં જરૂર હોય ત્યાં જ તેનો ઉપયોગ કરવો જોઈએ ના કે, ગાડરિયા પ્રવાહમાં તણાઈને આડેધડ જેમકે પાણીના હોજ કે ટાંકા RCC ના બનાવવાની જરૂર નથી તેના બદલે તમે ઈંટના કે પછી આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની અછતના કારણે માટલા જેવા ભૂગર્ભ ટાંકા બનાવવામાં આવતા હતા તેમ બનાવી શકો છો અને પોતાનો ખર્ચો ઘટાડી શકો છો.
આગળ તેઓ જણાવે છે કે તેઓ ઘરના પાયાના ચણતરમાં RCC ની જગ્યાએ અનિયમિત આકારના પાણાંને રેતી સાથે મિક્સ કરી તેનું એક લેવલ બનાવી તેના પાર પથ્થરનું ચણતર કરી તેના પર હવે RCC નો એક પટ આપી બાંધકામ કરવામાં આવે છે. અહીં નોંધવા જેવી બાબત એ છે કે ફક્ત આ એક જ જગ્યાએ RCC નો ઉપયોગ કરવામાં આવે છે તેમાં પણ ફિલર સ્લેબ પદ્ધતિ પ્રમાણે કે જેમાં RCC નો ઉપયોગ 25 ટકા ઘટી જાય છે. અને સળિયા પણ ઓછા પ્રમાણમાં વપરાય છે. આમ આ કારણે પણ ઘરના બાંધકામના ખર્ચમાં ઘટાડો થાય છે.
ઘરના બારી અને બારણાં
હિમાંશુભાઈ જણાવે છે કે, “અત્યારે બીજો સૌથી મોટો ખર્ચો લોકો ઘરમાં બારી બારણાં પાછળ કરતા હોય છે. લોકો અત્યારે જે રીતે મોટા અને ભવ્ય બારી બારણાં બનાવવા વાદોવાદ પ્રેરાય છે જે ખરેખર જરૂરી નથી તો અમે તેને કંઈ રીતે મેનેજ કરી શકાય તેના પર વિશેષ ધ્યાન આપીએ છીએ. બારી અને દરવાજા વ્યવસ્થિત દિશા અને અનુકૂળતા પ્રમાણે બનાવીએ છીએ જેથી ઘરમાં કુદરતી રીતે જ હવા અને ઉજાસ બંને સારી રીતે જળવાઈ રહે. ઘણીવાર જુના બારી દરવાજાને રિસાયકલ કરીને વાપરીએ છીએ જેનો ફાયદો એ છે કે જૂનું લાકડું ખુબ જ સારું હોય છે જેમાં ઉધઈ નથી આવતી અને સીઝન લાકડું હોવાના કારણે તેમાં ભેજનું પ્રમાણ શુન્ય હોય છે જયારે અત્યારે તમે ગમે તેટલું નવું લાકડું લાવો પણ તે જુનાની જગ્યાએ ખુબ જ ઓછું ટકાઉ હોય છે. આમ આ રીત પણ તમારો ખર્ચો બચાવે છે
બારી અને દરવાજા બાબતે આપણા ગરમ અને શુષ્ક વાતાવરણને જોતા મોટા-મોટા બારી તથા દરવાજાની જરૂર નથી. પહેલા જયારે ગામડામાં બારી બારણાં બનાવતા ત્યારે ત્રણ માળખામાં તેને વિભાજીત કરતા અને તેમાં ઉપર એક હવાસી પણ રાખતા જેમાં નીચેના બે શટલને બંધ રાખી ઉપરનું શટલ ખુલે ત્યારે તેમાંથી ગરમ હવા પાતળી હોવાથી તે ઠંડી હવાની ઉપર રહે તેથી તે આ શટલ દ્વારા ઘરની બહાર જતી જેથી ઘરમાં ઠંડક જળવાઈ રહેતી.
ઘરની છત
આગળ હજી હિમાંશુભાઈ જણાવે છે કે, છત નળિયાની જ બનાવીએ છીએ અને તે પણ ઢાળવાળી. બેઝિક કોન્સેપ્ટ એ છે કે પહેલા દરેક ગામમાં કુંભાર પાસેથી જ ખરીદી કરતા જેથી સસ્તું પડે, પાણી જમા ના થાય ઢાલના લીધે અને સાથે સાથે લીકેજ કે એનો કોઈ પ્રોબ્લમ ના રહે. નળિયાથી બનાવેલું છાપરું દીવાલથી 2 થી 3 ફૂટ બહાર પડે તેનાથી દીવાલ પણ સુરક્ષિત રહે. સીધો તડકો ના પડે, સીધો વરસાદ ના પડે. જેનાથી આખું ઘર પ્રોટેક્ટ થતું. અને એજ પદ્ધતિ અમે પણ અપનાવીએ છીએ.
રાતો રાત નથી બન્યા ગામડામાં આવા ઘરો
હિમાંશુભાઈ દ્રઢ પાને મને છે અને સાથે-સાથે પોતાની વાત મૂકે છે કે, રાતો રાત ગામડામાં આવા ઘરો નથી બન્યા પરંતુ આપણા વડવાઓના વર્ષોના અનુભવ પરથી તેમણે આવા ઘરો બનાવ્યા છે. ભારતમાં દરેક જગ્યાએ પોત પોતાના વાતાવરણ અને વિસ્તાર પ્રમાણે વૈજ્ઞાનિક અભિગમ સાથેના અલગ અલગ જગ્યા પ્રમાણેના અલગ-અલગ ઘરોનું નિર્માણ વર્ષોથી થતું આવ્યું જ છે અને તે પણ પર્યાવરણને ઓછામાં ઓછું અથવા કંઈપણ નુકશાન ના થાય રીતે. પરંતુ હવે ગાડરિયા પ્રવાહમાં તણાઈને લોકો આપણી પોતાની સાચી અને જૂની રીતો ભૂલી રહ્યા છે અને અમુક જગ્યાએ તો સાવ ભૂલી જ ગયા છે.
તેઓ આગળ જણાવે છે કે, બીજી મહત્વની વાત એ કે લોકોના આવા આંધળા અનુકરણના કારણે તેઓ અત્યારે પોતાના ઘરના ચણતર દ્વારા પોતાની સંસ્કૃતિને પણ નથી રજુ કરી રહ્યા જે ખરેખર ખુબ જ દુઃખદ વાત છે.
લાકડાની જગ્યાએ અમે અમુક જગ્યાએ લોખંડ વાપરીએ છીએ જેમાં અગત્યની વાત એ છે કે આગળ જતા તેને ઓગાળીને રિસાયકલ પણ કરી શકાય છે. જો બાંધકામ દરિયાઈ વિસ્તારની આસપાસ થતું હોય તો અમે ત્યાં લોખંડની જગ્યાએ ગેલવેનાઈઝડ લોખંડનો ઉપયોગ કરીએ છીએ જેથી કાટ ઓછો લાગે.
ઘરમાં ફર્નિચર ઓછું જ બને તેવો પ્રયત્ન કરવો
તેઓ જણાવે છે કે તેઓ ઘરમાં ફર્નિચર ઓછું જ બને તેવો પ્રયત્ન કરે છે, તેના સિવાય અમે જુના ઘરમાં જે ગોખલા બનાવતા તે રીતે જ એક મોર્ડનાઇઝ પેટર્નના ગોખલા બનાવવાનું વધારે પસંદ કરીએ છીએ. તેમાં બસ પછી તેના પર વૂડન શટર લગાવવાનું રહે જેથી લાકડાનો એકદમ મિનિમમ ઉપયોગ થાય. આમ અમે જેટલું ફર્નિચર ચણતરથી બની શકતું હોય તો વધારે તો અમે તેને ચણતર દ્વારા જ બનાવવા માટે કરીએ છીએ. અને અમે તો અમારા બનાવેલા અમુક રિસોર્ટના કોટેજમાં બેડ પણ ચણતર દ્વારા જ બનાવેલ છે અને એ પણ RCC ના બદલે પથ્થરના બનાવેલા છે. ઘરમાં ફર્નિચરની જગ્યાએ આ રીતે તમે બનાવવાનું પસંદ કરો તો ખર્ચો પણ એકદમ ઓછો થાય.
છેલ્લે તેઓ એટલું જ કહે છે કે, આપણી જૂની પેઢીની પાસે અત્યારના સમયના જેટલા પણ બાંધકામ ક્ષેત્ર અને બીજા ઘણા વિવિધ ક્ષેત્રના જે પ્રશ્નો છે તેના વ્યવસ્થિત જવાબ છે જ, બસ જરૂર છે તો આપણી ઇચ્છાશક્તિને જાગૃત કરી તેમણે શા માટે આમ કર્યું તે જાણી, સમજી અને તેને વિધિવત નોંધી વ્યવસ્થિત રીતે અમલ મુકવાની જેથી આગળની પેઢી માટે અત્યારે પર્યાવરણની બાબતે જે ભયંકર આફત આવીને ઉભી છે તે વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે અને આપણા અત્યારના પ્રયત્નોના ફળ સ્વરૂપે આપણી આગલી પેઢી પણ આપણા પૂર્વજોના જ્ઞાનને તેમના સમયને અનુકૂળ ઢાળી એક ટકાઉ તથા પર્યાવરણને લાભદાયક રહે તેવી રીતે પોતાની જિંદગીને પરિવર્તિત કરી શકે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: GPSC ક્લાસ 1/2 ની પરીક્ષા પાસ કરવાની ખાસ ટિપ્સ પહેલા જ પ્રયત્ને સફળ થનાર ડેપ્યુટી કલેક્ટર વિવેક ટાંક દ્વારા
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.
We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.
Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.
This story made me
-
97
-
121
-
89
-
167