Powered by

Home આધુનિક ખેતી હળદર-આદુની ખેતી કરી 1.5 કરોડ કમાય છે આ ગુજરાતી IT ગ્રેજ્યુએટ, અમેરિકા-યુરોપમાં છે ગ્રાહકો

હળદર-આદુની ખેતી કરી 1.5 કરોડ કમાય છે આ ગુજરાતી IT ગ્રેજ્યુએટ, અમેરિકા-યુરોપમાં છે ગ્રાહકો

જો તમે દેવેશભાઈને પડકારો વિશે પૂછશો તો તેઓ હસતા મોઢે કહેશે કે એવા કોઈ પડકાર ન હતા, જેમને તેઓ સમય સાથે દૂર ન કરી શક્યા.

By Nisha Jansari
New Update
Organic Farming

Organic Farming

આપણે જિંદગીમાં શું કરવું છે તેને લઈને હંમેશા અસમંજસમાં હોઈએ છીએ. પરંતુ અમુક લોકો એવા પણ હોય છે જેમનું ધ્યેય બિલકુલ સ્પષ્ટ હોય છે. ગુજરાતના આણંદ જિલ્લાના બોરિયાવી ગામમાં રહેતા દેવેશ પટેલની કહાણી કંઈક આવી જ છે. દેવેશને શરૂઆતથી જ વિશ્વાસ હતો કે તેઓ ખેતી માટે જ બન્યા છે.

દેવેશે ધ બેટર ઇન્ડિયા સાથેની વાતચીમાં જણાવ્યું હતું કે, "ખેતી કરવી એ મારું ઝનૂન હતું. છતાં મે ડીગ્રી મેળવી હતી. મારા પરિવારના લોકોનું માનવું હતું કે કોઈ ડિગ્રી હોવી જરૂરી છે. મેં વર્ષ 2005માં કૉલેજના દિવસોથી જ ખેતી કરવાની શરૂઆત કરી દીધી હતી."

Farmer
Devesh Patel

દેવેશે વર્ષ 2005માં પોતાની બ્રાન્ડ 'સત્વ ઓર્ગેનિક'ની શરૂઆત કરી હતી. જે અંતર્ગત તેમણે હળદર આચાર, હળદર લાટા, આદુનો સુકો પાઉડર (સૂંઠ), ચા મસાલા જેવા ઉત્પાદનો બનાવવાની શરૂઆત કરી હતી.

હાલ તેઓ સત્વ ઓર્ગેનિકના નામ હેઠળ 27 પ્રકારના ઉત્પાદનોનું વેચાણ કરે છે. તેમને દર મહિને આશરે 15,000 ઑર્ડર મળે છે. આ ઉપરાંત તેઓ દર વર્ષે અમેરિકા અને યૂરોપના દેશોમાં છ ટન જેટલા આદુ અને હળદરની નિકાસ કરે છે. આનાથી તેઓ દર વર્ષે 1.52 કરોડ રૂપિયાની કમાણી કરે છે!

Turmeric
Turmeric

આ ઉપરાંત તેમણે 200 જેટલા ખેડૂતોને શિક્ષણ આપ્યું છે. આ ઉપરાંત તેઓને જૈવિક ખેતી કરવા માટે સમજાવ્યા હતા. જેમાંથી અમુક ખેડૂતો આજે સ્વયં ઉદ્યમી બની ગયા છે.

કેવી રીતે ઉદ્યમી ખેડૂત બન્યા દેવેશ

દેવેશનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો છે. આ જ કારણે તેઓ હંમેશા પ્રકૃતિ સાથે જોડાયેલા રહ્યા હતા. તેમની પાસે આશરે 12 એક પૈતૃક જમીન છે. દેવેશનો પરિવાર વર્ષોથી ખેતી સાથે જ જોડાયેલો છે પરંતુ વર્ષ 1992 બાદ તેમણે જૈવિક ખેતી શરૂ કરી હતી.

Farm
Farm

આ અંગે દેવેશ કહે છે કે, "અમે પોતાની જમીનને મા માનીએ છીએ. જો જમીન આપણી માતા હોય તો આપણે તેને ઝેર કેવી રીતે આપી શકીએ? માટીમાં અનેક પ્રકારના જીવજંતુ અલગ અલગ પ્રકારની હલચલ અને કામ કરતા હોય છે. લોકોને તાજુ અને રસાયણમુક્ત ભોજન આપવું એ અમારી નૈતિક જવાબદારી છે. જૈવિક ખેતી કરવા પાછળ અમારો આ જ ઉદેશ્ય હતો."

દેવેશ જ્યારે 2005માં આણંદ મર્કેન્ટાઇલ કૉલેજ ઑફ સાઇન્સમાં મેનેજમેન્ટ અને કોમ્પ્યુટર ટેક્નોલોજીનો અભ્યાસ કરતા હતા ત્યારે આ દરમિયાન તેમને કૃષિ આધારિક વ્યવસાય કરવાનો વિચાર આવ્યો હતો.

દેવેશ કહે છે કે, "અમારું ઉત્પાદન જૈવિક હતું, પરંતુ જ્યારે તેનું વેચાણ કરવા માટે બજારમાં જતાં હત્યા ત્યારે અજૈવિક અને જૈવિક બંનેના સરખી કિંમત મળતી હતી. જે બાદમાં મને અનુભવ થયો કે જૈવિક ઉત્પાદનોને કોઈ ગ્રેડ આપવો પડશે અને આ માટે બજાર પણ શોધવું પડશે."

Organic Farming

આથી દેવેશે તેમના ઉત્પાદનો સીધા જ વેચાણ કરવાનું નક્કી કર્યું. તેઓ વચેટિયાઓથી પણ છૂટકારો મેળવવા માંગતા હતા. આ માટે તેમણે અનેક ક્લબો અને તેના અધ્યક્ષોનો સંપર્ક કર્યો. થોડા સમય પછી ઘરોમાંથી સીધા જ ઓર્ડર પણ મળવા લાગ્યા હતા. કૉલેજ જતી વખતે સવારે દેવેશ આ તમામ ઑર્ડરની ડિલિવરી કરી દેતા હતા. આના પરિણામ સ્વરૂપ સત્વ ઓર્ગેનિકનો વિકાસ ઝડપી બન્યો હતો.

જૈવિક ઉત્પાદનોમાં વધારો

દેવેશ સત્વ ઓર્ગેનિકનું સંચાલક મોટાભાગે પરિવાર દ્વારા સંચાલિત વેપારની જેમ કરતા હતા. જેમાં દરેક વ્યક્તિઓ ખેતી, માર્કેટિંગ, પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધન સંબંધિત જવાબદારી નિભાવે છે.

આ અંગે દેવેશ કહે છે કે, "અમારી પાસે એક નાનું ડેરી ફાર્મ છે, અહીંથી મળતા ગોબરનો અમે ઉપયોગ કરીએ છીએ. ગોબરમાં સ્થાનિક કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત છાસ, એન્ટી ફંગલ પાઉડર અને તરલ જૈવિક બેક્ટેરિયા ભેળવીને ખાતર બનાવીએ છીએ. અમારા ખેતરમાં અનેક મોટાં મોટાં ખાડા પણ છે. જેમાં અમે કિચન વેસ્ટ અને સૂકા પાંદડાઓને ભેળવીને ખાતર બનાવીએ છીએ."

Turmeric
Turmeric

દેવેશે 1,200 વર્ગ ફૂટ જગ્યામાં એક ઉત્પાદન શાખા પણ બનાવી છે. જેમાં બટાકા ચિપ્સ, ફ્લેવર, પૉપકૉર્ન અને મસાલા મિક્સ બનાવે છે. આ શાખાની દેખરેખ તેમની પત્ની દરપન પટેલ કરે છે.

દેવેશ કહે છે કે "અમારી જમીન કંદમૂળની ખેતી કરવા માટે યોગ્ય છે. આ જ કારણે અમે બટાકા, હળદર, આદૂ, રતાળુ, શક્કરિયા, રિંગણ, ઘઉં અને ધાણાની ખેતી કરીએ છીએ." સત્ય ઓર્ગેનિક તરફથી વેચવામાં આવતા તમામ ઉત્પાદન FSSAI અને ઇન્ડિયા ઓર્ગેનિક અને USDA દ્વારા પ્રમાણિત છે. ગ્રાહકો તેમના ઉત્પાદનની ગણવત્તાથી ખૂબ જ સંતુષ્ઠ છે.

અમે પહેલા જણાવ્યું તેમ દેવેશ ભાઈએ અનેક ખેડૂતોને પણ ખેતીની તાલિમ આપી છે. પેટલાદ તાલુકાના ધર્મજ ગામના રિતેશભાઈ પાસે છ એકર જમીન છે. તેમણે આઠ વર્ષ પહેલા પિતાના મૃત્યુ બાદ ખેતી કરવાનો નિર્ણય કર્યો હતો. આ અંગે તેઓ કહે છે કે, "અમે તમામ લોકો તંબાકુની ખેતી કરી રહ્યા હતા. અમે તે બંધ કરીને મરચાની ખેતી શરૂ કરી હતી. પરંતુ અમને ઉત્પાદન મળી રહ્યું ન હતું. જે બાદમાં અમે જૈવિક ખેતી કરવાનો નિર્ણય કર્યો હતો. આ માટે દેવેશભાઈએ મને ખૂબ મદદ કરી હતી. દેવેશભાઈ મને વીડિયો કોલ કરીને સલાહ સૂચન આપતા હતા. હું તેમનો આભાર માનું છું કે તેમણે મારી આવક ત્રણ ગણી કરી આપી છે."

રિતેશ હવે એક જૈવિક ખેડૂત છે અને મગ, હળધર, ઘઉંની ખેતી કરે છે. તેમની પાસે એક પ્રોસેસિંગ યૂનિટ પણ છે. અહીં તેઓ હળદરને પ્રોસેસ કરીને તેને 'હર્ષપ્રેમ આર્ગેનિક' બ્રાંડથી વેચે છે.

Organic Farming

શું છે પડકાર?

જો તમે દેવેશભાઈને પડકારો વિશે પૂછશો તો તેઓ હસતા મોઢે કહેશે કે એવા કોઈ પડકાર ન હતા, જેમને તેઓ સમય સાથે દૂર ન કરી શક્યા.

દેવેશ કહે છે કે, "હાલ અમારા માટે સૌથી મોટો પડકાર ખેતી કરવા માટે જમીનનો વ્યાપ વધારવાનો છે. કારણ કે ભારત અને વિદેશમાં અમારા ઉત્પાદનોની ખૂબ જ માંગ છે."

દેવેશ ભવિષ્યમાં પોતાની ક્ષમતા વધારીને અન્ય ખેડૂતોને પણ શિક્ષિત કરવા માંગે છે. જેથી તે લોકો પણ જૈવિક ખેતી તરફ વળે. દેવેશ માને છે કે ખેડૂતોને જૈવિક ખેતી માટે જાગૃત કરવાની જરૂર છે. તેઓ પોતાનું જ્ઞાન એવા લોકોને વેચવા માંગે છે જેમનામાં કંઈક શીખવાની ધગશ હોય.

મૂળ લેખ:અંગરિકા ગોગોઈ

આ પણ વાંચો: પાર્કિંગ શેડમાં મશરુમ ઉગાડીને બે લાખ રૂપિયાની કમાણી કરે છે ગુજરાતની આ એન્જિનિયર!

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.