‘સેવા પરમો ધર્મ’ આ વાતને સાર્થક કરી બતાવી છે, કચ્છમાં રહેતાં વિભાકરભાઈ નટરવલાલ અંતાણીએ. વિભાકરભાઈ છેલ્લાં 45 વર્ષથી કચ્છમાં રહે છે. તેઓ એન્જિનિયરિંગ કોલેજમાં હેડ ક્લાર્ક તરીકે તેમની સેવા આપી અત્યારે નિવૃત થયાં છે. 61 વર્ષના વિભાકરભાઈ હેડ ક્લાર્ક હોવાની સાથે અનેક સેવાકીય કાર્ય પણ કરી રહ્યા છે. તેઓ છેલ્લાં 45 વર્ષથી નિશુલ્ક સંસ્કૃત પાઠશાળા ચલાવી રહ્યા છે. જેમાં વિદ્યાર્થીઓ પાસે માત્ર તેઓ પરીક્ષાની 20 રૂપિયા ફી જ લે છે. આ ઉપરાંત જરૂરિયાતવાળા લોકોને રાશન અને કપડાં પણ નિયમિત આપી રહ્યા છે. આ કાર્ય માટે તેઓ દાતા દ્વારા આપવામાં આવેલી રકમનો તરત જ સ્થળ પર સાર્થક ઉપયોગ કરે છે.
વિભાકરભાઈએ ધ બેટર ઇન્ડિયા સાથે તેમના સેવાકીય કાર્ય અંગે વિગતવાર વાત કરી હતી. જે અમે અહીં શબ્દશઃ રજૂ કરી રહ્યા છીએ.
વિભાકર ભાઈએ તેમના વિશે વાત કરતાં જણાવ્યું કે, ‘‘હું કચ્છ જિલ્લામાં છેલ્લાં 45થી વધુ વર્ષથી રહું છું. હું નાનો હતો ત્યારે રાત્રે પૌઢ શિક્ષણમાં પહેલાં બીજા ધોરણનાં છોકરાઓને ભણાવવા જતો હતો. એ સમયે લાઈટ નહોતી એટલે ફાનસના પ્રકાશથી અમે ભણાવતાં હતાં. આમ મને તે દરમિયાનથી જ સેવાકાર્યની તલપ લાગી ગઈ હતી. આજથી 90 વર્ષ પહેલાં ભૂજના પહેલાં એન્જિનિયર પી.કે. વોરા સાહેબની પ્રેરણાથી ભુજમાં સંસ્કૃત પાઠ શાળા શરૂ કરવામાં આવી હતી. આ પાઠશાળા માટે તે સમયના કચ્છના કલેક્ટર કોઈલી સાહેબે ભારતીય સંસ્કૃતિ સેવા મંડળ નામની સંસ્થાને મકાન એક રૂપિયાના ટોકન ભાવે આપ્યું હતું. જેમાં હું છેલ્લાં 45 વર્ષથી જોડાયેલો છું અને આજ સુધી કોઈ મહેનતાણું લીધું નથી.’’

‘‘આ સંસ્કૃત પાઠશાળા દરરોજ સાંજે સાડા પાંચ વાગ્યાથી સાત વાગ્યા સુધી ચાલે છે. આ પાઠશાળામાં વિદ્યાર્થીઓ પાસે કોઈ ફી લેવામાં આવતી નથી. વિદ્યાર્થીઓને અમે પુસ્તકો પણ ફ્રીમાં આપીએ છીએ. જોકે, પાઠશાળામાં વિદ્યાર્થીઓ પાસે માત્ર પરીક્ષાની 20 રૂપિયા ફી જ લેવામાં આવે છે. સંસ્કૃતની પરીક્ષા શ્રી બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ દ્વારા લેવામાં આવે છે. અમને દાતા તરફથી કોઈ પુરસ્કાર મળે તો અમે તે પુરસ્કારના રૂપિયા વિદ્યા્ર્થીઓની પરીક્ષાની ફી પાછળ વાપરીએ છીએ. આ પાઠશાળામાં દરેક ધર્મના વિદ્યાર્થીઓ પણ સંસ્કૃતનો અભ્યાસ કરવા માટે આવે છે. એટલું જ નહીં કચ્છના જજ ગાંધી સાહેબ અને ઠાકર સાહેબ પણ અહીં સંસ્કૃતની પરીક્ષા આપી હતી. આ પાઠશાળામાં વર્ષમાં બે વખત 300-300 એમ કુલ 600 છોકરાઓ પરીક્ષા આપે છે. મારી સાથે 12 લોકો આ પાઠશાળા માટે કાર્યરત છે.’’
‘‘તેમજ હું કચ્છમાં 40 વર્ષથી નાગરિક સંરક્ષણ કચેરીમાં સેવા આપું છું. જેમાં મને વર્ષ 2020માં રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ પણ મળ્યો છે. હું અત્યારે નિવૃત થયા માજી હોમગાર્ડ તરીકે કાર્યરત છું, તેનો પણ મને વર્ષ 2017માં મુખ્યમંત્રી દ્વારા એવોર્ડ પણ મળ્યો છે.’’

‘પત્ની બીમાર હોવા છતાં સેવાકીય પ્રવૃત્તિ ચાલુ રાખી’
‘‘મારા પત્ની સતત ચાર વર્ષથી પેરેલિસિસ હોવા છતાં હું અને મારી દીકરી પૂર્વાએ સેવાકીય પ્રવૃતિઓ સતત ચાલુ રાખી હતી. અમે કોરોનામાં 75 દિવસ સુધી લોકોને રાશન, સવારે ગરમ નાસ્તો અમારી ટીમ દ્વારા આપતા હતા. આ ઉપરાંત મેં જરૂરિયાતવાળા લોકો માટે 25થી વધુ વખત રક્તદાન કર્યું છે અને હું ખુદ રક્તદાન સમિતિ પણ ચલાવું છું.’’
‘જરૂરિયાતવાળા લોકોને રાશન કીટ અને કપડાં આપીએ છીએ’
વિભાકરભાઈએ જણાવ્યું કે, ‘‘અમે હાથ ના લંબાવી શકે તેવા 35 લોકોને વારંવાર રાશન કીટ અને કપડાં નિયમિત આપીએ છીએ. આ સાથે જ છઠ્ઠી બારી ખાતે ભારતીય સંતોથી સંચાલિત સંસ્કૃત પાઠશાળા, જે કલેકટર સાહેબે મહિનાના એક રૂપિયા ટોકન ભાવે ચાલુ કરી હતી. તેમાં હું છેલ્લાં 50 વર્ષથી કાર્યરત છું. અમે નક્કી કર્યું છે કે, સેવા કાર્ય સ્થળ પર જ કરવા અને કોઈ પાસે ક્યારેય કંઈ માંગતા નથી. બધુ નરસિંહ મહેતાની જેમ અમને અજાણ્યા દાતા તરફથી મળી રહે છે.’’

‘‘પિતા વગરની દીકરીનું કન્યાદાન કર્યું હતું
આ અંગે વાત કરતાં વિભાકરભાઈએ જણાવ્યું કે, ‘‘ આજથી ચાર-પાંચ વર્ષ પહેલાં એક દીકરીના પિતાનું અવસાન થઈ ગયું હતું. તેનું કન્યાદાન મેં અને મારી પત્નીએ આપ્યું હતું. જેનો મુખ્ય ફાળો ભુજના પ્રથમ મહિલા પોલીસ અધિકારી પ્રવીણબેન શુક્લ તરફથી મળ્યો, જેમણે બે ચાંદીની બુટ્ટી આપી અને શંકરભાઈના સહયોગથી આ કાર્ય સાર્થક થયું હતું.’’
અંતમાં વિભાકરભાઈએ જણાવ્યું કે, ‘‘ જો કોઈના ઘરે મરણ પ્રસંગ આવે તો તેના ઘરે અમે 12 દિવસ સુધી ટિફિન આપીએ છીએ. જો કોઈના ઘરે બે કે તેથી વધુ લોકો બીમાર હોય તો અમે દાતા પાસે તેમના ઘરે જ સીધા રૂપિયા મોકલાવી દઈએ છીએ. એક વાત ચોક્કસ કહીશ કે, મારા આ કાર્યમાં મારી પત્નીનો ખૂબ જ સાથ હતો, મારા પત્નીના નિધનને 7 મહિના કરતાં વધુ સમય થયો છે. છતાં સેવા કરવાનો જુસ્સો એવોને એવો જ છે.’’
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: આર્મીમાં ન હોવા છતાં ભુજના આ સજ્જને 1971 મા ભારત-પાક યુદ્ધમાં આપી હતી અમૂલ્ય સેવાઓ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.