પૂર, દુષ્કાળ કે વાવાઝોડા-તોફાનો ગમે તે રૂપમાં આફત આવે તે પોતાની સાથે વિનાશ લઈને આવે છે. આવી સ્થિતિમાં લોકોની સામે સૌથી મોટી સમસ્યા પીવાના શુદ્ધ પાણીની ઉભી થાય છે. વિનાશના માહોલમાં, બેક્ટેરિયા, રસાયણો, પ્રાણીઓની ગંદકી અને ઘણી અશુદ્ધિઓ પાણીને ગંદુ બનાવે છે.
રોગો ફેલાવાનું જોખમ પણ વધી છે અને આ કોઈપણ સંકટને મોટું બનાવવા માટે પૂરતું છે. તેથી, આવી પરિસ્થિતિઓમાં, ડિઝાસ્ટર મેનેજમેન્ટનું પ્રથમ કાર્ય સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરવાનું હોય છે.
આ કંપનીએ સમસ્યાનો કાયમી ઉકેલ આપ્યો
જો કે, ઘણી એનજીઓ આપત્તિગ્રસ્ત લોકોને પેકેજ્ડ પીવાનું પાણી પૂરું પાડે છે. પરંતુ તે સમસ્યાનો કાયમી ઉકેલ નથી. ક્યારેક પાણી પુરવઠામાં દિવસો અને મહિનાઓ લાગે છે. બીજી તરફ પેકેજ્ડ વોટરમાંથી પ્લાસ્ટિક વેસ્ટની સમસ્યા ઉભી થાય છે.
પુણે સ્થિત કંપની એક્વાપ્લસ વોટર પ્યુરિફાયર (પ્રાઇવેટ) લિમિટેડે આ વિશે વિચાર્યું અને સમસ્યાના ઉકેલ માટે તેના પગલાં લીધા. કંપની, છેલ્લા 17 વર્ષથી, અનોખા વોટર ફિલ્ટર્સનું ઉત્પાદન કરી રહી છે જે અફોર્ડેબલ છે અને કલાકોમાં હજારો લિટર પાણીને સાફ કરવાની ક્ષમતા પણ ધરાવે છે. તેને દેશના દૂરના વિસ્તારોમાં લઈ જવું અને ત્યાં ઈન્સ્ટોલ કરવું સરળ છે.
કંપનીએ, તેની વૉટર પ્યૂરિફિકેશન સિસ્ટમ દ્વારા, 50 થી વધુ કુદરતી આફતોની સ્થિતિમાં તેની સેવાઓ પ્રદાન કરી ચુકી છે. હાલમાં તેઓએ એવું વોટર પ્યુરીફાયર બનાવ્યું છે, જે વીજળી વગર પણ કામ કરી શકે છે.

આકસ્મિક શરૂ કર્યો ધંધો
કંપનીનો ક્યારેય આપત્તિ રાહત કામગીરીમાં સામેલ થવાનો ઈરાદો નહોતો. તેની શરૂઆત પણ એકદમ સરળ હતી. ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા, કંપનીના સ્થાપક રાહુલ પાઠક કહે છે, “હું પુણેમાં એન્જિનિયરિંગ કરતો હતો. ત્યારે મને લાગ્યું કે અહીં તર્ક માટે કોઈ સ્થાન નથી. કેલ્ક્યુલેશન અને થિયરી બંને સાથે મળીને સમસ્યાનાં સમાધાનને વધારે જટિલ બનાવી રહ્યા હતા. મારી દૃષ્ટિએ સમાજને પ્રયોગોથી બહુ ફાયદો થવાનો નથી. તેના બદલે, તાર્કિક રીતે સમસ્યાનો સરળ ઉકેલ શોધી કાઢવામાં આવે તો વધુ સારું રહેશે.”
દિલ અને દિમાગના ઝઘડા વચ્ચે, તેણે 1993માં તેનો અભ્યાસ અધવચ્ચે છોડી દીધો અને વોટર પ્યુરિફાયરનું માર્કેટિંગ કરવાનું નક્કી કર્યું. તેણે કહ્યું, “મને આ કરવાની પ્રેરણા મારા પિતાના બિઝનેસમાંથી મળી છે. તે સિરામિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ફિલ્ટર બનાવીને વેચતા હતા. જો કે, 90ના દાયકામાં આવેલી મંદીએ તેમના વ્યવસાયને પણ અસર કરી હતી અને તેમની માર્કેટિંગ વ્યૂહરચના સફળ થઈ શકી ન હતી.”
રાહુલના પિતાએ તેને તેની માર્કેટિંગ ટેકનિક સુધારવાનું સૂચન કર્યું અને આ રીતે રાહુલે વોટર ફિલ્ટર વેચવાના ધંધામાં પ્રવેશ કર્યો, પરંતુ આ તો માત્ર શરૂઆત હતી, તેનો અંત કંઈક અલગ જ હતો.
શીખ્યો વોટર ફિલ્ટર બનાવવાનું કામ
1994-95માં તેમણે કંપનીની સ્થાપના કરી અને પછી પોતે ફિલ્ટર બનાવવાનું શીખવાનું શરૂ કર્યું. તે જણાવે છે, “હું ઘરેલુ પાણીના ફિલ્ટરનું માર્કેટિંગ કરતો હતો. મેં આ વ્યવસાયને આગળ વધારવાનું નક્કી કર્યું. જોકે ઘણી કંપનીઓ તેના પર કામ કરી રહી હતી. પાણીના ફિલ્ટરમાં વપરાતા મેમ્બ્રેનનો ખ્યાલ પણ વધુ સામાન્ય બની રહ્યો હતો. હું સમજી ગયો કે જો મારે આ સ્પર્ધામાં ટકી રહેવું હોય તો મારે કેટલાક અલગ ઉત્પાદનો સાથે આવવું પડશે. પછી મેં મોબાઈલ વોટર ફિલ્ટર બનાવવાનું નક્કી કર્યું.”

રાહુલ કહે છે, “વોટર ફિલ્ટરમાં વપરાતી મેમ્બ્રેન કાગળની પાતળી શીટ છે, જે પાણીને ચાર તબક્કામાં શુદ્ધ કરે છે – માઇક્રોફિલ્ટરેશન, અલ્ટ્રા-ફિલ્ટરેશન, નેનોફિલ્ટરેશન અને રિવર્સ ઓસ્મોસિસ. આ પ્રક્રિયા પાણીમાં હાજર તમામ પ્રકારના બેક્ટેરિયા, વાયરસ, જંતુઓ, ખારાશ, ખનિજો અને અશુદ્ધિઓને 99 ટકા સુધી સાફ કરે છે.”
પહેલા આ મેમ્બ્રેન ચીનથી આયાત કરવામાં આવતી હતી, પરંતુ થોડા વર્ષો પછી રાહુલે તેને જાતે બનાવતા શીખી લીધું. તેમણે ‘ધ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR)’ના વૈજ્ઞાનિક સાથે મળીને એક મશીન પણ બનાવ્યું હતું. તેમનું આ ઉત્પાદન હવે સંપૂર્ણપણે સ્વદેશી હતું.
જ્યારે રાહત કાર્યમાં પહેલીવાર નવી ટેકનોલોજીનો ઉપયોગ કરાયો
રાહુલે બનાવેલા વોટર ફિલ્ટરનો ઉપયોગ કરવાની પહેલી તક 2005માં જમ્મુ-કાશ્મીરમાં આવેલા ભૂકંપ દરમિયાન મળી હતી. રાહુલ અને તેની ટીમ સંરક્ષણ અધિકારીઓની મદદ માટે ત્યાં પહોંચી હતી. તે કહે છે, “પોર્ટેબલ વોટર ફિલ્ટર એક નવો કોન્સેપ્ટ હતો. અમે તેને સેનાને દાન કરવાની ઓફર કરી હતી. સેનાએ તેની સ્થાપના ઉરી અને તંગધાર વિસ્તારોમાં રાહત શિબિરોમાં કરી હતી.”
પહેલીવાર, જ્યારે તેમના આ અનોખા વોટર ફિલ્ટરનો ઉપયોગ આપત્તિ રાહત કામગીરીમાં કરવામાં આવ્યો હતો, ત્યારે તેણે વ્યાવસાયિક ઇજનેરોના ગ્રુપ, ‘રજિસ્ટર એન્જિનિયર્સ ફોર ડિઝાસ્ટર રિલિફ (REDR)’નું ધ્યાન પણ પોતાની તરફ ખેંચ્યું હતું. રાહુલ જણાવે છે, “તેમણે આપત્તિ માટે જરૂરી વસ્તુઓની યાદીમાં ફિલ્ટરને પણ સ્થાન આપ્યું હતું. પાછળથી વોટર સેનિટેશન હાઈજીન (WASH) માટે કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા OXFAM ના કેટલાક નિષ્ણાતોએ પણ અમારો સંપર્ક કર્યો. તેઓએ અમને એક કલાકમાં 4,000 લિટર પાણીને શુદ્ધ કરી શકે તેવું ફિલ્ટર બનાવવાનું કહ્યું.”
રાહુલ જણાવે છે, “અમારું મોબાઈલ વોટર ફિલ્ટર એટલું ઉપયોગી હતું કે તેનો ઉપયોગ પૂર પ્રભાવિત બિહારના દૂરના વિસ્તારોમાં પણ થતો હતો. ફિલ્ટરથી પ્રભાવિત થઈને, OXFAM એ ઓર્ડર આપવાનું શરૂ કર્યું અને અમે તેને યુકેમાં નિકાસ કરી.” રાહુલે કહ્યું કે કંપની ‘સ્ફિયર હેન્ડબુક’ અનુસાર વોટર ફિલ્ટરને મોડિફાઇ કરવા માટે નિષ્ણાતો સાથે મળીને કામ કર્યું હતુ. જો કે, ફિલ્ટરની પોર્ટેબિલિટીને અપગ્રેડ કરવા અને સુધારવાના તેમના પ્રયાસો ક્યારેય રોકાયા નથી.

વીજળી વગર ચાલતુ વૉટર ફિલ્ટર
રાહુલે કહ્યું, “વર્ષો સુધી નવી શોધ અને ટેક્નોલોજીના ઉપયોગ પછી, અમે એક સસ્તું, પોર્ટેબલ, ઓછી જાળવણી વાળું વોટર ફિલ્ટર બનાવવામાં સક્ષમ થયા છીએ. આ ફિલ્ટર દેશના છેવાડાના વિસ્તારોમાં સરળતાથી પહોંચાડી શકાય છે. તે વીજળી વિના પણ પાણીને સાફ કરી શકે છે. ફિલ્ટરમાં 0.01 માઇક્રોન મેમ્બ્રેન છે જે સંસાધનોની ઉપલબ્ધતાના આધારે ગુરુત્વાકર્ષણ, હેન્ડપંપ અથવા ઇંધણ સંચાલિત મોટરનો ઉપયોગ કરીને પાણીને સાફ કરે છે.
તેમણે કહ્યુ, “વિવિધ શુદ્ધિકરણ કાર્યક્ષમતાવાળા આવા વોટર ફિલ્ટર્સના ચાર મોડલ છે. AP700CL મોડલ ઉત્તરાખંડમાં આવેલાં પૂર દરમિયાન વિકસાવવામાં આવ્યું હતું. પહાડી વિસ્તારોમાં તેને લઈ જવાનું સરળ હતું. તે ઘણી રાષ્ટ્રીય આફતોમાં ગેમ ચેન્જર સાબિત થયું છે. તેની ક્ષમતા દસ કલાકમાં 7,000 લિટર પાણીને શુદ્ધ કરવાની છે. ઉત્તરાખંડ, જમ્મુ, કેરળ, આસામ અને ચેન્નાઈમાં પૂર બાદ 1500 જગ્યાએ આ ફિલ્ટર લગાવવામાં આવ્યું હતું.”
UNICEFના ઇમરજન્સી સ્પેશિયાલિસ્ટ સરબજીત સિંઘ સબોતા જણાવે છે, “લોકોને શુધ્ધ પાણી પૂરું પાડવા માટે વોટર ફિલ્ટર જરૂરી છે. તેના ઓછા વજનને કારણે તેઓ વહન કરવામાં પણ સરળ છે. તેઓ કટોકટીના સમયે કામમાં આવે છે. ઈમરજન્સીના કિસ્સામાં જ્યાં વીજળી ન હોય ત્યાં તેને હેન્ડપંપ દ્વારા ચલાવી શકાય છે.” યુનિસેફે કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં પૂર અને ચક્રવાત દરમિયાન લગભગ 200 વોટર ફિલ્ટરનો ઉપયોગ કર્યો હતો.
પરંપરાગત વોટર ફિલ્ટર કરતાં સસ્તું અને અફોર્ડેબલ
આ વોટર ફિલ્ટરની બીજી ખાસિયત છે અને તે છે તેનો ખર્ચ છે, જે બાકીના ફિલ્ટર કરતા ઘણી ઓછો છે. રાહુલ કહે છે, “ઈનોવેટિવ ફિલ્ટર્સનો ખર્ચ પરંપરાગત ફિલ્ટરની કિંમત કરતાં એક તૃતીયાંશ ઓછો છે. કંપની પોતાની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેને ખૂબ જ ઓછા ખર્ચે બનાવે છે. અમે વધારે નફો કરવા નથી માંગતા. અમારો હેતુ જરૂરિયાતમંદોને મદદ કરવાનો છે.”
આ વોટર ફિલ્ટર નેપાળ, શ્રીલંકા, મોંગોલિયા, લાગોસ, ફીજી આઇલેન્ડ, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે અને અન્ય ઘણા દેશોમાં ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે. તેણે કુદરતી આફતો દરમિયાન આ દેશોમાં લાખો લોકોને શુદ્ધ પાણી પૂરું પાડવામાં મદદ કરી છે.
પોતાના પડકારો શેર કરતા રાહુલ કહે છે, “ખરાબ રસ્તાઓવાળા દૂરના વિસ્તારોમાં પહોંચવું, જરૂરિયાતોને સમજવી અને કટોકટીની તીવ્રતાનો અંદાજ કાઢવો હંમેશા પડકાર રહ્યો છે. તદુપરાંત, સંસ્થા અને સ્થાનિક લોકો સાથે સહયોગ કરવો અને વહેલામાં વહેલી તકે તેમના સુધી પહોંચવું પણ સરળ નથી.”
વિશ્વભરમાં બનાવવી છે ઓળખ
રાહુલ કહે છે, “મને આ બિઝનેસનો કોઈ અનુભવ નહોતો, મારા માટે બધું નવું હતું. બેંકો અમને લોન આપવા માટે સંપૂર્ણ રીતે સહમત ન હતી. મારો વ્યવસાય કોઈ સ્ટાર્ટઅપ કે એપ નહોતો જે મૂડીવાદીઓને આકર્ષી શકે. તે પોતે જ એક મોટી સમસ્યા હતી.”
તેમના મતે વોટર ફિલ્ટરને ડિઝાસ્ટર પ્રોટોકોલનો એક ભાગ બનાવવો જોઈએ. તે કહે છે, “દેશમાં ઘણી જગ્યાએ દર વર્ષે પૂર આવે છે. નુકસાન થવાની રાહ જોવાને બદલે, જો અગાઉથી તૈયારી કરવામાં આવે તો, તે સમયસર કટોકટીનો સામનો કરવામાં થોડી મદદ મળશે.”
હાલ રાહુલની નજર વિશ્વ બજાર પર છે. તે ઈચ્છે છે કે ભારતીય ઉત્પાદનો વિશ્વની મોટા ભાગની આપત્તિ રાહત કામગીરી સુધી પહોંચે. રાહુલ પાઠકનો સંપર્ક કરવા અથવા કંપની વિશે વધુ માહિતી માટે અહીં ક્લિક (Rahul’s affordable water filter) કરો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: ભજીયાવાળાએ બનાવ્યુ એવું મશીન, 10 મિનિટમાં બની જાય છે એક કિલો ભજીયા
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.