કોઈ વ્યક્તિને જીવનમાં સફળતા મળે તેનો થોડો આધાર તેના પરિવાર પર પણ રહેલો છે. વ્યક્તિની ઇચ્છાશક્તિ ગમે એટલી હોય પરંતુ સાથે સાથે પરિવારનું સમર્થન પણ રામબાણ સાબિત થાય છે.
આ કહાની 39 વર્ષીય ગીતાંજલિ રાજામણિની છે. પિતાના આકસ્મિક નિધન બાદ ગીતાંજલિ અને તેના ભાઈને તેની માતાએ ઉછેર્યાં હતા. આર્થિક તંગી તો હંમેશા રહી, પરંતુ ગીતાંજલિની માતા હંમેશા પોતાની ક્ષમતા કરતા વધારે કરતી રહી.

ગીતાજંલિ પોતાના બાળપણને યાદ કરીને કહે છે કે, “આમ તો મારો પરિવાર કેરળનો છે, પરંતુ મારો જન્મ હૈદરાબાદમાં થયો છે. મારું બાળપણ અન્ય દક્ષિણ ભારતીય પરિવારો જેવું જ રહ્યું હતું. ઉનાળાના દિવસોમાં અમે અવારનવાર કેરળ સ્થિત અમારા પૈતૃક ઘરે જતા હતા. અહીં પહાડો અને ખેતરોમાં રમીને મેં મારું અડધું બાળપણ વિતાવ્યું છે. છોડ અને ખેતી વિશે મેં ત્યાંથી જ શીખવાની શરૂઆત કરી હતી.”
ગીતાંજલિએ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)માં કામ કર્યું છે. અહીં તેણીએ ગ્લોબલ બિઝનેસ રિલેશનશીપ મેનેજરની જવાબદારી સંભાળી રહી હતી. ગીતાંજલિએ કોર્પોરેટ નોકરી છોડીને ખેતી અને સ્ટાર્ટઅપ શરૂ કરવાની સફર વિશે જણાવ્યું કે, “ટીસીએમસની નોકરીએ મને નફો, નુકસાન, સેલ્સ, ભરતી, સંચાલન વગેરે શીખવ્યું હતું. જે બાદમાં મને લાગ્યું કે મારે પોતાની કંપની શરૂ કરવા પર ગંભીરતાથી વિચારવું જોઈએ. ઓર્ગેનિક ફાર્મિક અને ગાર્ડનિંગ મને પહેલાથી જ પસંદ હતું. આથી મને આનાથી સારો વિકલ્પ બીજો કોઈ ન લાગ્યો. મારા પરિવાર અને પતિએ મને ખૂબ સાથ આપ્યો છે.”

ગીતાંજલિની સફર
ગીતંજલિ કહે છે કે, “2017માં બે સહ-સંસ્થાપક શમીક ચક્રવર્તી (CEO) અને સુધાકરન બાલાસુબ્રમણ્યમ (CTO) સાથે મળીને મેં સીઓઓ ફાર્મિજનની સ્થાપના કરી હતી. અમે જાતે પોતાના ઉપયોગ માટે જૈવિક શાકભાજી ઊગાડવા પર સંશોધન કરી રહ્યા હતા ત્યારે અમને આને વેપારના સ્તર સુધી લઈ જવાનો વિચાર આવ્યો હતો. અમને લાગ્યું કે આ વિચાર ઘણા લોકોને પસંદ પડશે. અંતે અમે આ કામ કરવાનું નક્કી કર્યું.”

ફાર્મિજન સાથે પરિવર્તન લાાવવાનો પ્રયાસ
ફાર્મિજને ‘મિની ફાર્મ રેન્ટલ’ મૉડલ તરીકે શરૂઆત કરી હતી. જેમાં એપના માધ્યમથી કોઈ પણ વ્યક્તિ પોતાના નજીકના ખેતરમાં 600 સ્ક્વેર ફૂટનો એક નાના ટૂકડો માત્ર 2,500 રૂપિયાથી ભાડા પર લઈ શકે છે. ગ્રાહક એપના માધ્યમથી એવું પણ નક્કી કરી શકે છે કે તે કઈ શાકભાજી ઊગાડવા માંગે છે. ફાર્મિજન સાથે જોડાયેલો કોઈ ખેડૂત તેના માટે શાકભાજી ઊગાડે છે. સાથે જ એપ્લિકેશન પર તેની સ્થિતિ ફોટોગ્રાફ્સ વગેરે અપડેટ થતા રહે છે. ખેડૂતો તરફથી ઊગાડવામાં આવતી શાકભાજી દર અઠવાડિયે ગ્રાહકના ઘરે પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત ગ્રાહક કે તેનો પરિવાર ગમે તે સમયે તેના મિની ફાર્મની મુલાકાત લેવા કે કામ કરવા જઈ શકે છે.
આ મૉડલમાં ફાર્મિજન ખેડૂતો સાથે ભાગીદારી કરીને આવક વહેંચે છે. તેમની જમીનને ભાડે કે લીઝ પર ન લેતા તેમને સ્વતંત્ર રીતે કામ કરવાની છૂટ આપે છે. સાથે જ તેમને બી, છોડ, જૈવિક ખાતર વગેરે આપે છે. આ સાથે જ ફાર્મિજન તમામ વ્યવસ્થા, ગ્રાહકોની સંખ્યા વધારવા અને તેમના સુધી વસ્તુઓ પહોંચાડવાનું કામ કરે છે.

“હવે અમે અમારા ખેડૂત નેટવર્કના માધ્યમથી જૈવિક અને પ્રાકૃતિક ઉપજ (ફળ અને શાકભાજી) પણ તૈયાર કરીએ છીએ. આ વસ્તુઓને એપના માધ્યમથી જ વેચીએ છીએ. આ સાથે જ અમે સંપૂર્ણ પારદર્શકતા પણ રાખીએ છીએ. અમારા ગ્રાહકોને ખબર હોય છે કે તેમના શાકભાજી કયા ખેતરમાંથી આવે છે. તેનું જીપીએસ લોકોશન શું છે. સાથે જ તેઓ ફાર્મ પર પણ આવી શકે છે,” તેમ ગીતાંજલિએ જણાવ્યું હતું.
પ્રાકૃતિક ખેતી કરતા લોકો માટે સૌથી મોટી મુશ્કેલી એ છે કે ગ્રાહકો શાકભાજી કે ફળના પોષક તત્વોને બદલે તેમના રંગ-રૂપ અને આકારથી પસંદગ કરતા હોય છે. આજ કારણ છે કે ખેડૂતો વધારે ઉત્પાદનની લાલચમાં પ્રાકૃતિક ખાતરના બદલે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે છે.
ગીતાંજલિએ પોતાની જિંદગીની એક યાદગાર ઘટના વિશે જણાવ્યું કે જ્યારે તેણી હિમાલયના એક શિખર પર ચઢવા માટે ગઈ હતી. રાત્રે ગાઢ અંધારામાં તેની ટીમે 15 હજાર ફૂટની ઊંચાઈ પર ચઢવાની શરૂઆત કરી હતી. તાપમાન શૂન્યથી 15 ડિગ્રી નીચે હતું, જમીન પર 18 ફૂટ બરફ જામી ગયો હતો.

ગીતાંજલિ કહે છે કે, “અમે 20 લોકો અને ટ્રેકર્સની એક નાની ટીમ હતી. અમે તમામ લોકો હેન્ડ લેમ્પના સહારે હિમાલય ચઢી રહ્યા હતા. ગરમ કપડાં, ભારે જૂતા અને બેકપેક સાથે હિમાલય પર ચઢવું ખૂબ મુશ્કેલ હતું. અમને હારી જવાનો ડર લાગી રહ્યો હતો પરંતુ અમે ચાલતા રહ્યા હતા. અમારા ટ્રેકર્સ કહેતા હતા કે એક સમયે ફક્ત એક ડગલા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ, આખી સફર પર નહીં.”
ગીતાંજલિ કહે છે કે, “બિઝનેસ શરૂ કરવો પણ કંઈક આવું જ છે. અંતિમ લક્ષ્ય લગભગ અશક્ય લાગે છે. મન હારી જવા માટે તૈયાર હોય છે પરંતુ તમારે હાર માનવાની નથી. દરરોજ થોડું થોડું કામ કરો. નાની જીતની ખુશી મનાવો. નિષ્ફળતાથી નિરાશ ન થાઓ. જે દિવસે તેમને તમારી પ્રથમ સફળતા પ્રાપ્ત થશે એ દિવસથી તમને આખી સફર ખૂબ જ સુંદર લાગવા લાગશે.”
અન્ય ઇચ્છુક ખેડૂતો માટે સલાહ
અન્ય ખેડૂતો માટે ગીતાંજલિનો સંદેશ છે કે જૈવિક અને પ્રાકૃતિક ખેતીની રીત પર વધારે સંશોધન કરો. પોતાના જમીનને રાસાયણથી દૂર રાખો. ગીતાંજલિ કહે છે કે આપણી માટી દુનિયાની સૌથી ઉત્તમ માટીમાંની એક છે, પરંતુ દુર્ભાગ્ય છે કે તે ઝડપથી ખરાબ થઈ રહી છે.

ગીતાંજલિ કહે છે કે, “હું હંમેશા સાંભળતી આવી છું કે છોડને નહીં પરંતુ માટીને પોષણ આપવું જોઈએ. જો માટી ફળદ્રુપ હશે તો તેમાં થતા પાક સ્વસ્થ અને જંતુમુક્ત હશે. આપણે આપણી માટીને પુર્નજીવિત કરવાની જરૂર છે. તેને ઓર્ગેનિક કાર્બન, પોષક તત્વો, રોગાણુ વેગેરેની જરૂર છે.”
અન્ય મહિલા ઉદ્યમીઓ માટે સંદેશ
આ સંદેશ ફક્ત મહિલા ઉદ્યમી માટે નહીં પરંતુ તમામ માટે છે. ત્રણ વાત હંમેશા યાદ રાખો- તૈયારી, દ્રઢતા અને પ્રબળતા (Prepare, Persevere & Prevail).
ફાર્મિજનની શરૂઆત જાન્યુઆરી 2019માં થઈ હતી. આજે તેના 16 હજારથી વધારે ગ્રાહક છે. વર્ષે 20 કરોડનું ટર્નઓવર, લૉકડાઉનમાં પણ સતત વધી રહ્યું છે. ગીતાંજલિનું માનવું છે કે આ મુશ્કેલી વચ્ચે લોકોએ અનુભવ્યું કે ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખોરાકનું મહત્ત્વ શું છે.
ગીતાંજલિ રાજમણિ એક ઉદાહરણ છે જે આપણને રિસ્ક લેવાનું અને આપણા સપના પૂરા કરવામાં પ્રેરણા આપે છે. તેના સ્ટર્ટઅપ વિશે તમે ફેસબુક , વેબસાઇટ કે પછી એપ દ્વારા વધારે જાણી શકો છો. ગીતાંજલિ સાથે તમે ફેસબુક કે પછી લિંક્ડઇન સાથે જોડાઈ શકો છો.
આ પણ વાંચો: એકાઉન્ટન્ટની નોકરી છોડીને શરૂ કર્યો નર્સરી બિઝનેસ, આજે કરે છે લાખોનો વેપાર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.