તમે દેશમાં ગમે ત્યાં ચાલ્યા જાઓ, તમને નર્સરી જોવા મળશે જ. નર્સરી ફળદ્રુપ જમીનનો એક નાનો ભાગ છે. અહીં બીજ કે પછી ગ્રાફ્ટિંગ કરીને રોપા તૈયાર કરવામાં આવે છે. આ તૈયાર છોડને બગીચા, ઘર કે પછી અન્ય કોઈ ઉદેશ્ય માટે બજારમાં વેચવામાં આવે છે. આજકાલ એવા અનેક યુવાનો છે જેમણે નર્સરીને પોતાનો વ્યવસાય બનાવ્યો છે.
આજે અમે તમને રાજસ્થાનના એક એવા જ યુવક વિશે જણાવી રહ્યા છીએ, જેણે નોકરી છોડીને નર્સરીને પોતાની વ્યવસાય બનાવ્યો છે.
રાજસ્થાનના ઉદયપુરમાં રહેતો 28 વર્ષીય આકાશદીપ વૈષ્ણવ છેલ્લા ચાર વર્ષથી નર્સરીનો બિઝનેસ કરે છે.

આકાશદીપ વિશે એક રસપ્રદ વાત એ છે કે તેણે પહેલા ક્યારેય ગાર્ડનિંગ નથી કર્યું. એટલું જ નહીં, તેના પરિવારમાંથી પણ કોઈ આ વ્યવસાયમાં નથી. આકાશદીપે એક સારી પેઢીમાં એકાઉન્ટન્ટની નોકરી પણ કરી છે. લગભગ છ વર્ષ સુધી નોકરી કર્યા બાદ તેના મનમાં વિચાર આવ્યો કે તે કોઈ બિઝનેસ કરવા માંગે છે.
આકાશદીપે ધ બેટર ઇન્ડિયાને જણાવ્યું કે, “હકીકતમાં મને પુસ્તક વાંચવાનો શોખ છે. મેં કોઈ પુસ્તકમાં વાંચ્યું હતું કે જો કોઈ વ્યક્તિએ પોતાના જીવનમાં કંઈક અલગ કરવું હોય તો તેની શરૂઆત 20થી 30 વર્ષની વચ્ચે જ કરવી જોઈએ. કારણ કે જીવનના આ વર્ષોમાં તમારા પર બહુ બધી જવાબદારી નથી હોતી. આથી આ સમયનો તમે પોતાના સપના પૂરા કરવા માટે ઉપયોગ કરી શકો છે.”
આકાશદીપના ઘરે તમામ લોકો નોકરી કરતા હતા, પરંતુ તે નોકરી શરૂ કરવા માંગતો હતો. બીજી તરફ એને એટલી ખબર હતી કે તેણે કોઈ બિઝનેસ કરવો છે પરંતુ શું કરવું છે એ ખબર ન હતી. આકાશદીપ કહે છે કે, “તમે કોઈ પણ બિઝનેસ શરૂ કરી શકો છો. કપડા કે વાસણની દુકાન કરી શકો, ફૂડનો સ્ટૉલ શરૂ કરી શકો, પરંતુ હું કંઈક અલગ જ કરવા માંગતો હતો. કંઈક એવું જેનાથી મને સંતોષ મળે અને સાથે સાથે પૈસા પણ મળે. આથી મેં નર્સરી શરૂ કરવાનો નિર્ણય કર્યો. જેમાં પૈસા પણ કમાવાની સાથે સાથે પર્યાવરણ માટે પણ કંઈક કામ કરી શકો છો. આ જ કારણ હતું કે મેં નોકરી છોડીને નર્સરી શરૂ કરી હતી.”

આકાશદીપે નર્સરી શરૂ તો કરી દીધી પરંતુ શરૂઆતમાં જાણકારીના અભાવે તેણે બિઝનેસમાં નુકસાન સહન કરવું પડ્યું હતું. જોકે, ધીમે ધીમે તેને આ બિઝનેસમાં સફળતા મળવા લાગી હતી. આકાશદીપ જણાવે છે કે જો તમારી પાસે કોઈ અનુભવ નથી અને તેમે નર્સરી શરૂ કરવા માંગો છો તો કેવી રીતે કરી શકો:
1) પૈસાથી વધારે જરૂરી છે જ્ઞાન:
આકાશદીપ કહે છે કે તેની સૌથી મોટી ભૂલ એ હતી કે ગાર્ડનિંગ વિશે કોઈ સમજ વગર જ તેણે નર્સરીમાં રોકાણ કરી દીધું હતું. આ જ કારણે શરૂઆતમાં તેણે નુકસાન વેઠવું પડ્યું હતું. આકાશદીપ કહે છે કે, “સૌથી પહેલા એ જરૂરી છે કે તમે જે પણ બિઝનેસ કરવા માંગો છો તેનું પ્રાથમિક જ્ઞાન તમારી પાસે હોય. જ્ઞાનના અભાવે મારે શરૂઆતમાં નુકસાન ઉઠાવવું પડ્યું હતું. જે બાદમાં મેં તાલિમ વિશે માહિતી મેળવી. મેં પહેલા ગાર્ડનિંગ અંગે થતા સેમિનાર વિશે માહિતી મેળવી. નોઇડા બાદ બેંગલુરીમાં પણ તાલિમમાં ભાગ લીધો હતો. તમે વિશ્વાસ નહીં કરો કે મને પહેલા તુલસી અને મની પ્લાન્ટ સિવાય બીજા કોઈ છોડ વિશે જાણકારી ન હતી. આજે હું બે હજાર જેટલા ફૂલ-ઝાડ વિશે જાણું અને સમજું છું.”
આકાશદીપ કહે છે કે નર્સરી બિઝનેસ શરૂ કરતા પહેલા તમારે તેનું પ્રાથમિક જ્ઞાન મેળવી લેવું જરૂરી છે. કઈ ઋતુમાં કયા છોડ પર વધારે ધ્યાન આપવું જોઈએ સહિતની વિગતો તમને ખબર હોય તે જરૂરી છે. જો પ્રાથમિક જ્ઞાન વગર જ તમે નર્સરી શરૂ કરી દેશો તો તમે ગમે એટલા પૈસા રોકશો પરંતુ તમારે નુકસાન જ સહન કરવું પડશે.

2) વચેટિયાઓથી બચવાનો પ્રયાસ કરો:
આકાશદીપ કહે છે કે નર્સરી બિઝનેસ શરૂ કરતાની સાથે સાથે તપાસ કરો કે તમે ક્યાંથી સારા છોડ મળી શકે છે. જાતે જ છોડને તૈયાર કરવાનું મોંઘું પડી શકે છે. આથી તમે જથ્થાબંધ છોડ ખરીદી શકો છો. એવો પણ પ્રયાસ કરો કે ગ્રાહકને તમામ પ્રકારની સેવા તમારી પાસેથી મળી રહે. આ જ કારણે છોડીની સાથે સાથે ખાતર, કુંડા, નાનાં નાનાં પથ્થર વગેરે પણ રાખો.
સૌથી ખાસ વાત એ છે કે તમે આ કામમાં વચેટિયાઓથી દૂર જ રહો. જે લોકો સેવા આપી રહ્યા છે તેનો સીધો જ સંપર્ક કરો. “અમારા છોડ દક્ષિણ ભારતમાંથી આવે છે. પરંતુ હું એજન્ટ્સ પર નિર્ભર નથી રહેતો. હું સીધો જ એ ખેડૂતોને મળું છું જેઓ છોડ તૈયાર કરે છે. ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવાથી તેમને અને આપણને બંનેને ફાયદો થાય છે. આ કામ થોડું મુશ્કેલ જરૂરી છે પરંતુ આનાથી જ બજારમાં તમારું નામ થશે.”
3) પોતે જ બૉસ અને પોતે જ સ્ટાફ બનો:
શરૂઆતમાં બહુ વધારે લોકોને કામ પર ન રાખો. જ્યાં સુધી તમારાથી કામ થઈ શકે ત્યાં સુધી જાતે જ તમામ કામ કરો. તમે કોઈ પણ બિઝનેસ શરૂ કરો પરંતુ તમે તેને ફક્ત સ્ટાફનો વિશ્વાસે ન ચાલુ રાખી શકો. આથી પ્રયાસ કરો કે શરૂઆતમાં તમે ઓછામાં ઓછા સાધનોથી પોતાનું કામ કરો.
નર્સરની દેખભાળથી લઈને ગ્રાહકને ત્યાં જઈને પ્રોજેક્ટ અંગે માહિતી મેળવવા સુધીના તમામ કામ જાતે જ કરો. ઘરના સભ્યોની મદદ પણ લઈ શકો છો. જ્યારે તમને એવું લાગે કે હવે તેમા તમામ કામ સંભાળી નથી શકતા ત્યારે જ કોઈને કામ પર રાખો. જ્યારે પણ અન્ય લોકોને કામ પર રાખો ત્યારે તેમના પણ યોગ્ય તાલિમ આપવી જરૂરી છે.
4) માર્કેટિંગ તમારું કામ કરશે:
આકાશદીપ કહે છે કે માર્કેટિંગ માટે લોકો ઘણું બધું કરતા હોય છે. કોઈ લોકો વર્તમાનપત્રોમાં જાહેરખબર આપે છે, કોઈ બેનર્સ લગાવે છે. આજકાલ એક નવો જ રસ્તો સોશિયલ મીડિયા છે. પરંતુ તમારું સૌથી સારું માર્કેટિંગ એ લોકો કરે છે જે લોકો તમારી સેવા લઈને ગયા હોય. આથી દરેક ગ્રાહકને ત્યાં સારું કામ કરો.
“મને જેટલા પણ ઓર્ડર્સ મળ્યા છે તે લોકો તરફથી કરવામાં આવેલા સારા માર્કેટિંગને કારણે મળ્યા છે. હંમેશા ગ્રાહકો પાસેથી પ્રતિભાવ લેતા રહે. તેમને એવું પણ પૂછતા રહે કે શું તેમના કોઈ મિત્રને સેવાની જરૂરી છે કે નહીં?”

5) ગ્રાહકની જરૂરિયાતને સમજો:
બજારમાં છોડ અને કુંડા તો અનેક લોકો વેચતા હોય છે પરંતુ તેમને ફક્ત પૈસાથી મતલબ હોય છે. જો તમારે આ ક્ષેત્રમાં આગળ જવું છે તો ગ્રાહકો સાથે સારા સંબંધ વિકસાવો. એક વખત તમારી સેવા લેનાર વ્યક્તિ ફરીથી તમારી પાસે આવે તે માટે જરૂરી છે કે તમે તમારા ગ્રાહક અને તેને શું જોઈએ છે તેના વિશે ધ્યાન રાખો. બીજી વાત કે ક્યારેક પણ પોતાના ફાયદા માટે ગ્રાહક સાથે છેતરપિંડી ન કરો. જો તમારી પાસે તેમની જરૂરિયા પ્રમાણેનો છોડ નથી તો તેમને જણાવી દો. સાથે તેમને એવું પણ કહો કે તે છોડ તમે કેટલા દિવસમાં લાવી આપશો. જો તમે ખોટું બોલશો તો તમે એક વખત જ ફાયદો મેળવી શકશો.
“અંતમા બસ એટલું જ કહીશ કે તમને અનુભવથી જે શીખવાનું મળે છે એટલું બીજે ક્યાંયથી નથી મળતું. જ્યાં સુધી ખુદ તમે બજારમાં નહીં ઉતરો ત્યાં સુધી તમને ખબર નહીં પડે. આથી મોટાપાયે નહીં તો નાના પાયે પરંતુ નિષ્ફળ થવાના ડરથી તમારા સપનાને છોડશો નહીં, કારણ કે સાચા મનથી કરવામાં આવેલા પ્રયાસ ક્યારેય વ્યર્થ નથી જતા.”
જો તમે આકાશદીપ પાસેથી નર્સરી શરૂ કરવા અંગે વધારે માહિતી મેળવવા માંગો છો તો તેની નર્સરીની મુલાકાત લઈ શકો છો. સરનામું છે, અક્ષયવટ વર્સરી, ભૈરવગઢ રિસોર્ટ પાસે, ખેલગાંવ મુખ્ય 200 ફૂટ રોડ, ઉદયપુર. તમે તેનો 09610962012 પર પણ સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: #DIY: જૂના ટાયર્સમાંથી બનાવો પ્લાન્ટર્સ, ખુરશી અને ટેબલ જેવી 10 વસ્તુ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.