21મી સદીના આધુનિક યુગમાં કેટલાય લોકોને ન્યાય મળતો નથી. કેટલાક લોકો પોતાની ગરીબીની લીધે ન્યાય મેળવવા માટે કાયદાકીય પ્રકિયા પુરી કરી શકતાં નથી. તો આજના મોર્ડન સમયમાં ઘણી દીકરીઓ સાથે અલગ-અલગ પ્રકારના અત્યાચાર થઈ રહ્યા છે. આજના યુવાઓ સૌથી વધુ માઇક્રો પરિવારમાં રહેવાનો વિચાર ધરાવે છે અને તેમના માતા-પિતાથી અલગ રહે છે અથવા તો તેમના માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. આ બધી જ સમસ્યાથી પીડિત લોકો માટે વડોદરામાં રહેતાં વકીલ જલ્પેશભાઈ પરમારે છેલ્લાં 15 વર્ષ પહેલાં “મૈત્રી સખી મંડળ” નામની એક સંસ્થા શરૂ કરી હતી. જેમાં તે પીડિત લોકોને આજે પણ ન્યાય અપાવી રહ્યા છે.
જલ્પેશભાઈ “મૈત્રી સખી મંડળ” નામની આ સંસ્થામાં સ્ત્રીઓને થતા અન્યાય સામે કાયદાકીય મદદ આપી રહ્યા છે. એટલું જ નહીં જલ્પેશભાઈ ખુદ મફત કાનુની સલાહ આપવાની સાથે સાસુ-વહુ, નણંદ-વહુનાં અને પતિ-પત્નીના ઝઘડાંમાં તે લોકોને સમજાવીને હકારાત્મક નિરાકરણ પણ લાવી આપે છે. તરછોડાયેલાં ઘરડાં મા-બાપને કાયદાકીય કાર્યવાહી કરીને ન્યાય અપાવે છે. આ ઉપરાંત ખોટા હાથમાં ફસાયેલી અને બળાત્કાર, છેડતી ભોગ બનેલી યુવતીઓને જલ્પેશભાઈ ઝડપી ન્યાય અપાવે છે. આ તમામ પ્રકિયા જલ્પેશભાઈ નિશુલ્ક કરે છે. ન્યાય મળ્યા પછી લોકો ખુશીથી કવરમાં જે કંઈ આપે તે પ્રેમથી સ્વીકારે છે અને તેનો ઉપયોગ સેવા કાર્યમાં કરે છે.

જલ્પેશભાઈએ તેમના મૈત્રી સખી મંડળ અંગે ધ બેટર ઇન્ડિયા સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, ‘‘ મેં જ્યારે વકીલાતની શરૂઆત કરી ત્યારે, તે વખતે ઘણાં લોકો આવતાં હતાં જેની પાસે રૂપિયાની તકલીફ હોય તેવા લોકો જેના લીધે તે ઘણું સહન કરતાં હતાં. મને લાગ્યું કે, આ લોકો ખરેખર ન્યાયને પાત્ર છે અને મેં તેમને વાત કરી કે હું તમારી મદદ કરીશ અને હું મૈત્રી સખી મંડળ નામની સંસ્થા ચલાવું છું. જોકે, હું કોઈ પીડિત સાથે વાત કરું ત્યારે અમુક સવાલ કરતી વખતે મને ખબર પડી જાય છે કે, આ લોકોને સાચું કહી રહ્યા છે કે, ખોટું. આ પછી તેમની સાથે હું ટ્રીટમેન્ટ કરું છું. આ ઉપરાંત તેમની દરેક સ્થિતિ જાણી લઉં અને પછી ખરેખર જરૂરિયાતવાળા લોકોને મદદ કરું છું. અત્યારસુધી મેં 1500થી વધુ કેસમાં ન્યાય અપાવ્યો છે.’’
‘‘એક દીકરીને ન્યાય અપાવી તેના પતિને જેલ ભેગો કર્યો’’
જલ્પેશભાઈએ તેમના કેટલાક કેસ અંગે વાત કરતાં જણાવ્યું કે, ‘‘આજથી થોડાંક વર્ષ પહેલાં એક દીકરીને તેના સાસરિયામાં પતિએ સળગાવીને મારી નાખી હતી. જેની જાણ મને થઈ હતી. આ પછી હું દીકરીના માતા-પિતાને સામેથી મળ્યો. તેમને કાયદાકીય લડત અંગે સમજાવ્યું અને તેમની દીકરીને ન્યાય અપાવવાનું વચન આપ્યું.’’
‘‘આ પછી દીકરીના માતા-પિતા સાથે હું પોલીસ સ્ટેશન ગયો અને ત્યાં જઈને પહેલાં તો ફરિયાદ કરાવી. આ પછી કોર્ટમાં કેસ ચાલ્યો અને દીકરીને સળગાવીને મારનારા યુવકને કોર્ટે દોષી જાહેર કર્યો. જેને કાયદાકીય સજા થઈને અને તે દોષી યુવક જેલમાં સજા ભોગવી રહ્યો છે. આમ, આ કેસ આજે પણ મારી આંખ સામે જ છે. ’

વૃદ્ધ માતા-પિતાને ન્યાય અપાવ્યો
આ અંગે કહ્યું કે, “આજથી સાત વર્ષ પહેલાં એક કેસ આવ્યો હતો. જેમાં પુત્રએ તેની વહુના કહ્યામાં આવી તેના માતા-પિતાને છેતરીને પ્રોપર્ટી પોતાના નામે લખાવી દીધી અને પિતાના રિટાયરમેન્ટના 25થી 30 લાખ રૂપિયા લઈને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હતાં. વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયાં ત્યારે તેમણે એવું કહ્યું હતું કે, અમે નવું ઘર લઈએ ત્યાં સુધી થોડોક સમય તમે બંને અહીં રહો. આ પછી તેઓ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકીને જતાં રહ્યાં હતાં.”
“આ દરમિયાન હું મારી આવકનો દસ ટકા ભાગ લોકો માટે વાપરતો હતો. એટલે મેં નક્કી કર્યું હતું કે, મારે વૃદ્ધાશ્રમમાં રહેતાં લોકોને જમાડવા છે. હું તે વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને જમાડતો હતો, ત્યારે તે મા-બાપ ખૂબ જ રડતાં હતાં. આ જોઈ મેં વૃદ્ધાશ્રમના મેજેનરને વાત કરી તો તેમણે મને કહ્યું કે, તેમના પુત્ર અને વહુ બંનેને અહીં મૂકી ગયાં છે અને મને એવું કહીને ગયા છે કે, હવે તેઓ પાછા આવશે નહીં. એટલું જ નહીં આ દાદાના રિટાયરમેન્ટના 25 લાખ રૂપિયા પણ લઈ લીધા છે. આ પછી મેં મેનેજરને કીધું કે, આ બંને માતા-પિતાને હું ન્યાય અપાવીશ. પણ, વૃદ્ધાશ્રમના મેનેજરે મને કહ્યું કે, એ ખર્ચો કરી શકશે નહીં પણ, મેં કીધું કે, હું તેમનો તમામ ખર્ચો ઉપાડી લઈશ.”
“આ પછી તે લાચાર માતા-પિતાને હું મળ્યો. તેમની પાસે વિગતવાર બધી માહિતી લીધી અને પછી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. થોડાંક સમય પછી તેમના પુત્ર અને વહુને જબલપુરથી અહીં બોલાવ્યા અને તેમના પિતાના 25 લાખ રૂપિયા પાછા અપાવ્યા. એટલું જ નહીં પુત્ર અને વહુને તેમના માતા-પિતાનું જીવનમાં કેટલું મહત્ત્વ છે તે અંગે કાઉન્સેલિંગ પણ કર્યું હતું. આજે એ લોકો ક્યાં રહે છે તે ખબર નથી પણ, તેઓ આજે પણ સાથે રહે છે. ઘણીવાર દાદાનો ફોન આવે છે કે, દીકરા તારા લીધે જીવન સુધરી ગયું. બસ આટલું સાંભળીને મન ધન્ય થઈ જાય છે.”
આ તો માત્ર બે કેસની વાત થઈ, જલ્પેશભાઈએ તો અત્યાર સુધીમાં આવા 1500 કરતાં પણ વધુ લોકોને ન્યાય અપાવ્યો છે અને હજી સુધી તેમનું આ ભગિરથ કાર્ય ચાલું જ છે.
જલ્પેશભાઈની સેવાનો લાભ લેવા માંગતા લોકો આ નંબરઃ 9558818402 પર સંપર્ક કરી શકે છે.
સંપાદન: નિશા જનસારી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.