લગ્ન પહેલાં પહેલી મુલાકાતમાં જ શીતલબેન અને નિલેશભાઈને સમજાઈ ગયું કે, બંને પ્રાણીપ્રેમી છે અને બંનેએ લગ્ન બાદ પોતાનું બાળક ન કરવાનું નક્કી કરી દીધું, જેથી તેઓ જીવનભર પ્રાણીઓ અને પક્ષીઓની સંભાળ રાખી શકે. બસ એ જ દિવસથી શરૂ થઈ તેમની સફર.

પ્રાણીઓ પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરતાં ધ બેટર ઈન્ડિયાને શીતલબેન કહે છે, “મને નાનપણથી જ પ્રાણીઓની આંખ સામે જોઈ તેમનો પ્રેમ અનુભવાતો હતો. એટલે જ મારી મમ્મી મને મંદિરમાં દૂધ ચઢાવવા મોકલે તો, હું તેને રસ્તામાં જ કૂતરાને પીવડાવી દેતી, અને તેના ભાવ જોઈને જ મને સંતોષ મળતો. કારણકે મંદિરમાં ચઢાવેલું દૂધ તો ગટરમાં જાય છે, પરંતુ કૂતરાને એ દૂધ પીવડાવાથી તેની આંતરડી ઠરે છે.”

મૂળ જૂનાગઢના નિલેશભાઈ અને રાજકોટનાં શીતલબેન લગ્ન બાદ સૂરત આવીને વસ્યાં. અહીં શીતલબેનને ગટરમાંથી ટીંકૂ નામનું એક કૂતરું મળ્યું. તેની પરિસ્થિતિ ખૂબજ ખરાબ હતી. તેની તરત જ સારવાર કરીને તેને બચાવી લેવાઈ, પરંતુ તેના મોંમાં ગટરનું પાણી ઘૂસી ગયું હોવાથી, તેનો અવાજ જતો રહ્યો અને તે સાંભળી શકતું પણ નહોંતુ. ત્યારબાદ તેઓ ટીંકૂને ઘરે લાવ્યા અને પછી તો તેને પણ બચ્ચાં થયાં. બંને જણાં ટીંકૂ માટે 100 વારનો નાનકડો પ્લોટ શોધતાં હતાં, જેથી ત્યાં ટીંકૂ તેનાં બચ્ચાં સાથે મોકળાથી જીવી શકે. પરંતુ ત્યાં અચાનક 2006 માં સૂરતમાં પૂર આવ્યું અને બધું જ ત્યાં ખતમ થઈ ગયું. પછી પતિ-પત્ની વાપી આવીને વસ્યાં. અહીં ફરી પતિ-પત્નીએ એ જ ઝુંબેશ ઉપાડી. જેટલા બજેટમાં તેઓ 100 વારનો પ્લોટ શોધતા હતા એટલા જ બજેટમાં બહુ મોટી જગ્યા મળી ગઈ. તેમના ઘરથી 10 કિમીના અંતરે ખડકી ગામ તરફ હાઈવે પર આવેલ છે આ શેલ્ટર હાઉસ, જેની જગ્યા લગભગ 20,000 સ્ક્વેરફીટ છે.

તેમણે સૌથી પહેલાં જે કૂતરાને આશ્રય આપ્યો હતો તેનું નામ ટીંકૂ રાખ્યું હતું, એટલે તેમણે આ શેલ્ટર હાઉસનું નામ પણ તેના પરથી જ રાખ્યું છે, ‘ટીંકૂ મેમોરિયલ ટ્રસ્ટ.’ અહીં આ બધાં અબોલ પ્રાણી-પક્ષીઓ માટે 36 રૂમ છે. જેમાં કૂતરાં માટે ખાટલા, ગાદલાં સહિતની સુવિધા છે. તો શિયાળામાં ઠંડી ન લાગે એ માટે હીટર અને ગરમીમાં કૂલરની વ્યવસ્થા પણ છે. તો પક્ષીઓ માટે મોટાં-મોટાં પાંજરાં છે. અહીં મોટાભાગનાં પક્ષીઓ એવાં છે, જેમાંની કોઈની પાંખ કપાઈ ગયેલી છે, તો કોઈની આંખ નથી તો કોઈ બીજી બીમારીથી પીડાય છે.

46 વર્ષના નિલેશભાઈ અને શીતલબેનના આ શેલ્ટર હોમમાં અત્યારે 132 કૂતરાં છે, 1 બિલાડી છે, 170 કબૂતર છે અને લવ બર્ડ્સ સહિત બીજાં ઘણાં એગ્ઝોટિક પક્ષીઓ છે, જેમને જિલ્લામાં ક્યાંય ને ક્યાંયથી રેસ્ક્યૂ કરવામાં આવ્યાં છે. જે શેલ્ટરહોમની શરૂઆત 18 કૂતરાંથી કરવામાં આવી હતી, તે આજે જિલ્લાભરનાં અસહાય પ્રાણીઓ અને પક્ષીઓ માટે આશ્રયસ્થાન બન્યું છે.

આખા વલસાડ જિલ્લામાં ક્યાંય પણ કોઈ પ્રાણી પક્ષી ઘાયલ થયું હોય તો તેઓ તેમને ફોન કરે છે. તેમણે એક એમ્બ્યૂલેન્સ પણ રાખી છે. જેમાં એક ડ્રાઇવર અને એક ડૉક્ટર હોય છે. તેઓ તરત જ ત્યાં જઈને તેને લઈ આવે છે. તેની સારવાર કરવામાં આવે છે. શરૂઆતમાં નિલેશભાઈ તેને પોતાના ઘરમાં જ રાખે છે અને શીતલબેન ડૉક્ટરની સલાહ મુજબ જાતે સારવાર કરે છે. બંને જણાએ એક વર્ષની ખાસ ટ્રેનિંગ પણ લીધી છે આ માટે, જેથી તેઓ દવાઓ આપવાથી લઈને વેક્સિન આપવાનું કામ જાતે જ કરે છે, બસ તેની સર્જરી માટે જ ડૉક્ટરની જરૂર પડે છે.
તેઓ વાપીમાં જ એક ફ્લેટમાં રહે છે. અત્યારે તેમના ઘરમાં 16-17 પ્રાણીઓ-પક્ષીઓ છે, જેમાં 3 ગલૂડિયાં, 2 કૂતરાં, 1 બિલાડીનું બચ્ચું, કબૂતર અને ચકલીઓ છે. ઘાયલ અવસ્થામાં આવે એટલે સૌપ્રથમ તેઓ તેને ઘરે જ લાવે છે, કારણકે તેમને ખૂબજ પ્રેમ, હૂંફ અને સારવારની જરૂર હોય છે. તેમને દિવસમાં ત્રણ વાર દવા પીવડાવવાની હોય છે, સમયસર ખવડાવાની જરૂર હોય છે. ક્યાંક બિલાડીથી છૂટુ પડી ગયેલ 2-3 દિવસનું બચ્ચુ હોય તો માળામાંથી પડી ગયેલ ચકલીનું બચ્ચું, તેમને દર 10-15 મિનિટે થોડું-થોડું ખવડાવવું પડે છે. ઘરમાં તેમને હૂંફ મળી રહે એ માટે હિટર પણ ગોઠવેલ છે અને બધી જ બાલ્કનીઓમાં પાણીનાં કૂંડાં અને દાણા મૂકવામાં આવે છે કબૂતર અને બીજાં પક્ષીઓ માટે. રોજની લગભગ 5 કિલો જુવાર આમજ તેઓ મૂકે છે. તેઓ સાજાં થઈ જાય પછી તેમને ખુલ્લાં મૂકી દેવામાં આવે છે, જેથી તેઓ મોકળાશથી જીવી શકે, પરંતુ જો તેઓ સામાન્ય જીવનમાં સહેલાઈથી સર્વાઈવ કરી શકે તેમ ન હોય, દાખલા તરીકે કોઈ પ્રાણીનો પગ કપાઈ ગયો હોય કે કોઈ પક્ષીની પાંખ, તો પછી તેને તેઓ તેમના શેલ્ટર હોમમાં રાખે છે.

અત્યાર સુધીમાં તેઓ લગભગ 50 હજાર પ્રાણીઓ-પક્ષીઓની સારવાર કરાવી ચૂક્યાં છે. અત્યારે તો એક વેટરનરી ડૉક્ટર તેમને મદદ કરે છે, પરંતુ શરૂઆતના સમયમાં તેઓ આ અબોલ પ્રાણી-પક્ષીઓના જીવ બચાવવા બહુ દોડવું પડતું, તેઓ વાપીથી સેલવાસ, નવસારી વલસાડથી લઈને મુંબઈ સુધી દોડતાં, જેથી તેમના જીવ બચી જાય. ક્યાંય બહાર નીકળે અને કોઈ પ્રાણી ઘાયલ દેખાય તો પોતાનાં કપડાં કે ગાડી બગડવાની ચિંતા કર્યા વગર તરત જ તેઓ તેમની ગાડીમાં લઈને હોસ્પિટલ દોડી જાય છે.
આ ઉત્તરાયણમાં તેમની પાસે 14 ઘુવડ સારવાર માટે લાવવામાં આવ્યાં હતાં. જેમાંથી 12 સાજાં થઈ ગયાં અને તેમને ખુલ્લા આકાશમાં છૂટાં મૂકી દેવામાં આવ્યાં છે. તો બેનું અવસાન થયું.
તો આ સિવાય શીતલબેને આસપાસનાં 150 કૂતરાંને દત્તક લીધાં છે, જેમને દિવસમાં બે વાર જાતે જઈને જમાડે છે. શિયાળામાં તેમને ઓઢવા અને પાથરવા કોથળા મૂકે છે. અને નાનાં-નાનાં ગલુડિયાંને ટી-શર્ટ પણ પહેરાવે છે, જેથી તેમને ઠંડી ન લાગે. રોજ સવારે ત્રણ કલાક અને સાંજે 3 કલાક શીતલબેન આ બધાને ખવડાવવામાં પસાર કરે છે. તો નિલેશભાઈ હંમેશાં એ માટે દોડતા રહે છે કે, ક્યાંય પણ કોઈ ઘાયલ પ્રાણી કે પક્ષી સારવાર વગર ન રહે. તેને સમયસર સારવાર મળી રહે તો તેનો જીવ બચી જાય.

આ દંપતિ હંમેશાં અબોલ જીવો માટે દોડતું રહે છે. બંનેને લગ્ન બાદ હનિમૂન જવાનો પણ સમય નથી મળ્યો. બંને એકસાથે ક્યાંય બહાર નથી નીકળી શકતાં. શીતલબેન એક દિવસ માટે પણ બહાર નીકળે તો, તેમણે દત્તક લીધેલ કૂતરાંને જમાડવાની જવાબદારી નિલેશભાઈ સંભાળે છે, તો નિલેશભાઈ બહાર નીકળે તો, આસપાસથી કોઈપણ ઘાયલ પ્રાણી-પક્ષીના સમાચાર આવે તો શીતલબેન દોડે છે. દિવસમાં બેથી ત્રણવાર તેમના શેલ્ટર હોમની પણ મુલાકાત લે છે. ત્યાં તેમણે ત્રણ યુવાનો પણ રાખ્યા છે, જેઓ આ બધાં-પ્રાણીઓ-પક્ષીઓની સંભાળ રાખે છે.
નીલેશભાઈ જમીન-મકાન લે-વેચનો વ્યવસાય કરે છે અને સાથે સાથે ફેશન અને ઈન્ટિરિયર ડિઝાઇનિંગનું ઈસ્ટિટ્યૂટ પણ ચલાવે છે. તેમની આવકનો 80-90% ભાગ તેઓ આ અબોલ જીવો માટે જ ખર્ચી નાખે છે. અત્યારે રોજ લગભગ 500 પ્રાણીઓ પક્ષીઓને ખવડાવે છે. તેમની સારવાર કરાવે છે. નિયમિત વેક્સિનેશન કરાવે છે. કોઈ વિકટ સમસ્યામાં તેમનું ઓપરેશન કરાવવાની જરૂર પડે તો એ પણ કરાવે છે. આ બધા પાછળ આ દંપતિ દર મહિને લગભગ 2 થી અઢી લાખ રૂપિયા ખર્ચે છે. કોરોનાના લૉકડાઉન સમયમાં પણ બંને 24 કલાક દોડતા રહ્યા છે. જોકે ભગવાનની કૃપા અને આ અબોલ જીવોના આશીર્વાદથી બંનેને એકવાર પણ ખાંસી સુદ્ધાં નથી આવી.

આ બાબતે સમાજના વર્તન અંગે વાત કરતાં નિલેશભાઈ કહે છે, “શેલ્ટરહોમની આસપાસના લોકો તો વાંધો નથી ઉઠાવતા, પરંતુ શહેરમાં અમે કૂતરાંને ખવડાવવા જઈએ ત્યાં ઘણા લોકો વાંધો ઉઠાવે છે. આજે સવારની જ એક વાત કરું તો, 10-12 લોકો લાકડીઓ લઈને એક કૂતરાને મારી રહ્યા હતા. પૂછપરછ પરતાં ખબર પડી કે, ત્યાંનાં બાળકો એ કૂતરીનાં બચ્ચાંની નજીક જઈ રહ્યાં હતાં, તો બચ્ચાંને બચાવવા જ કૂતરી તેમને ભસતી હતી અને તેમને ત્યાંથી ભગાડતી હતી. આ જોઈને ગુસ્સે થયેલા લોકો તેને મારી રહ્યા . આ બધાને સમજાવતાં-સમજાવતાં લગભગા ઝગડો થઈ ગયો કે, તે પણ પોતાનાં બચ્ચાંના રક્ષણ માટે ઝઝૂમી રહી છે, જે રીતે આપણે આપણાં બચ્ચાંનું રક્ષણ કરીએ છે.”

આ સિવાય તેઓ જંગલ ડિપાર્ટમેન્ટ સાથે મળીને પણ કામ કરે છે. ત્યાં કોઈપણ સાપ, અજગર, મોર, ઘુવડ કે બીજુ કોઈ પ્રાણી પક્ષી ઘાયલ થાય કે બીમાર પડે તો તેની સારવાર માટે પણ તેઓ લઈ આવે છે. તેમનાં આ કાર્યો માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ પણ બે વાર પત્ર લખી તેમનું સન્માન કર્યું છે. તો જંગલ વિભાગ દ્વારા દર વર્ષે પક્ષી બચાવ માટે કરૂણા અભિયાન ચલાવવામાં આવે છે, જેમાં પણ આ દંપતિનું ખાસ સન્માન કરવામાં આવ્યું છે. આ સિવાય વલસાડના કલેક્ટરશ્રીએ પણ ખાસ સર્ટિફિકેટ આપી તેમનું સન્માન કર્યું છે.

આપણા સમાજમાં લોકો ગાય માટે દાન કરે છે, પરંતુ કૂતરાં અને અન્ય પ્રાણીઓ-પક્ષીઓ માટે દાન આપનાર લોકો બહુ ઓછા હોય છે. એટલે દાન આપવા વાળા લોકો તો ભાગ્યે જ મળે છે. પરંતુ કોરોનાના આ સમય બાદ ક્યાંક-કયાંક લોકો 200-500 રૂપિયા દાન કરે છે.
વધુમાં તેઓ જણાવે છે કે, તમે અમને મદદ ન કરી શકો તો કહીં નહીં, પરંતુ અમે જે કામ કરી રહ્યા છીએ તેમાં અડચણો ઊભી ન કરો. જો દરેક વ્યક્તિ રોજ બે રોટલી ગાય-કૂતરા માટે કાઢે તો, અમારા જેવા લોકોની જરૂર નહીં પડે.
જો તમને આ લેખ ગમ્યો હોય અને તમે તેમનો સંપર્ક કરવા ઈચ્છતા હોય તો, 9825055221 નંબર પર સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: આ અધિકારીના પ્રયત્નોએ વાંસને બનાવી બ્રાન્ડ અને ગુજરાતના નાનકડા ગામમાં ખૂલી ગયો મૉલ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.