છોટાઉદેપુરના સુરતાનભાઈ શાળાનું પગથિયું ચડ્યા નથી, ગુજરાતી સિવાય બીજી કોઈ ભાષા આવડતી નથી અને ગુજરાતી પણ આદિવાસી લયમાં બોલે છે, છતાં પોતાની કોઠાસૂજથી માટીનાં એવાં નોનસ્ટિક વાસણો બનાવ્યાં છે કે, તેમાં બનાવેલ રસોઈ જાણે ચૂલા પર બનાવી હોય એટલી સ્વાદિષ્ટ લાગે.

વન-વગડામાં પત્ની અને દીકરા સાથે રહેતા સુરતાનભાઈના પૂર્વજો પણ માટીનાં વાસણો બનાવતા હવે તેમને પણ વારસામાં આ કળા મળી. પહેલાં તેઓ માટીનાં પરંપરાગત વાસણો જ બનાવતા હતા અને તેમાંથી તેમનું ગુજરાન પણ થતું હતું. પરંતુ ધીરે-ધીરે બજારમાં સ્ટીલ અને એલ્યુમિનિયમનાં વાસણો આવતાં લોકો તેની તરફ વળ્યા અને માટીનાં વાસણોની માંગ સતત ઘટવા લાગી. આ જોઈ ઘણા લોકોએ કુંભારી કામનો ધંધો બંધ કરી બીજા નોકરી ધંધા કરવાનું પણ શરૂ કર્યું.

સુરતાનભાઈએ પણ એક સમયે માટીનાં વાસણો બનાવવાનું બંધ કરી બીજી મજૂરી કરવાનું શરૂ કર્યું હતું પરંતુ જન્મથી માટી સાથે મોટા થયેલ હોવાથી તેમનું મન બીજે ક્યાંય માનતું નહોંતુ. છેવટે તેમણે માટીથી જ કઈંક એવું કરવાનું વિચાર્યું, જેનાથી તેમનું કામ ચાલું રહે, ગુજરાન ચાલે અને લોકો માટીનાં વાસણો તરફ આકર્ષાય.
આ તરફ તેમણે જોયું કે, આજકાલ બજારમાં સ્ટીલ અને એલ્યુમિનિયમનાં વાસણોની સાથે-સાથે નોન-સ્ટિક વાસણોનું ચલણ પણ બહુ વધ્યું છે. જેના પરથી તેમને પણ માટીનાં નોનસ્ટિક વાસણો બનાવવાનો વિચાર આવ્યો. ભણેલા તો હતા નહીં, બહુ વધારે ખબર નહોંતી, પરંતુ ઘરમાં જ રહેલ કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરી તેમણે અખતરા કરવાના શરૂ કર્યા અને એક દિવસ તેમને આમાં સફળતા પણ મળી.

આ અંગે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં સુરતાનભાઇનાં પત્ની જણાવે છે, “અમારી આસપાસ પણ કોઈ એવું નહોંતુ જે અમને કઈં નવું શીખવાડી શકે. રોજ અવનવા અખતરા કરતાં-કરતાં છેવટે અમને સફળતા મળી. માટીની એક સાદી તવી લોકો અમારી પાસે 20-30 રૂપિયામાં ખરીદતા હતા, જ્યારે અમને અત્યારે માટીની નોનસ્ટીક તવીના 200 રૂપિયા મળે છે.”
નોનસ્ટિક વાસણો બનાવવા ઉપયોગ કરે છે તેલ અને લાખનો
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં સુરતાનભાઈ જણાવે છે, “માટીનાં વાસણો બનાવ્યા બાદ તેને એક આખો દિવસ તેલ પાવામાં આવે છે. ત્યાર બાદ તેના પર લાખની પોલિશ કરવામાં આવે છે. જેના કારણે તે વાસણ નોનસ્ટિક બની જાય છે. લાખની પોલિશથી વાસણની ચમક વધે છે અને તેમાં રસોઈ બનાવીએ તો તે ચોંટતી પણ નથી.”

આજે પણ સુરતાનભાઈ તેમના એ જ જૂના ઘરમાં રહે છે. આજુ-બાજુ જંગલમાંથી લાકડાં વીણી લાવે છે. પતિ-પત્ની મળીને આ વાસણો બનાવે છે. નોનસ્ટિક તવીની સાથે-સાથે તેઓ નોનસ્ટિક કડાઈ પણ બનાવે છે. સાથે સાથે માટીની સાદી કડાઈ અને અન્ય વાસણો પણ બનાવે છે.
આ દરમિયાન અમદાવાદની જ્ઞાન સંસ્થાને સુરતાનભાઈ અને તેમનાં આ કાર્યો અંગે ખબર પડી. તેમણે તેમની મુલાકાત લીધી. અને તેમના દ્વારા બનાવેલ આ વસ્તુઓ શહેરી લોકો સુધી પહોંચે તેનું બીડુ ઝડપ્યું. તેમને શહેરમાં લોકોને શું ગમશે તે અંગે સમજ આપી. મોટાં શહેરોમાં જ્ઞાન અને સૃષ્ટિ સંસ્થા દ્વારા જ્યારે પણ ખેડુત હાટનું આયોજન કરવામાં આવે ત્યારે સુરતાનભાઈને બોલાવવામાં આવે છે. તેઓ તેમના બનાવેલ માલ સાથે અહીં આવે છે અને શહેરી લોકોને વેચે છે.

શહેરી ભાષા ન આવડવા છતાં શહેરી લોકોને સુરતાનભાઈની આ વસ્તુઓ બહુ ગમે છે. તાજેતરમાં જ અમદાવાદની સૃષ્ટિ સંસ્થા દ્વારા ખેડુત હાટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતાનભાઈની નોનસ્ટિક કડાઈ અને તવીઓ લોકોને એટલી બધી ગમી કે, 2 જ દિવસમાં બધો માલ પૂરો થઈ ગયો.
પોતાના કામ અંગે વધુમાં વાત કરતાં તેઓ કહે છે, ગામડામાં લોકો મોટાં વાસણ પસંદ કરે છે, એટલે અમે ત્યાંના ગ્રાહકો માટે મોટી કડાઈ બનાવીએ છીએ. પરંતુ જ્યારે શહેરોમાં વેચાણ માટે આવવાનું હોય ત્યારે અમે ખાસ નાના માપની તવીઓ અને કડાઈ બનાવીએ છીએ. કારણકે અહીં નાનાં વાસણોની માંગ વધુ રહે છે.

એક સમયે ઘર ચલાવવા પૂરતી પણ કમાણી ન મળવાના કારણે સુરતાનભાઈએ જે કામ છોડી દીધું હતું, એ જ કામ આજે લોકોને ગમી રહ્યું છે, શહેરી લોકોને આકર્ષી રહ્યું છે. જોકે હજી બહુ મર્યાદિત લોકો તેમને ઓળખે છે. આપણી પ્રકૃતિ અને દેશી કળાઓ વિસરાઈ ન જાય એ જવાબદારી પણ આપણી જ છે.
સુરતાનભાઈની નોનસ્ટિક હાંડીની કિંમત 70 રૂપિયાથી 200 રૂપિયાની વચ્ચે છે. તો નોનસ્ટિક કડાઈની કિંમત 100 રૂપિયાની 200 રૂપિયા સુધી અલગ-અલગ માપ પ્રમાણે છે.
જો તમને પણ સુરતાનભાઈની આ નવી પહેલ ગમી હોય અને તેમના વિશે વધુ જાણવા ઈચ્છતા હોય તો તેમને 8140168009 પર કૉલ કરી શકો છો.
આ પણ વાંચો: કૉલેજનું પગથિયું નથી ચડ્યો પરંતુ 35 પ્રકારનાં ઓજારો બનાવ્યાં આ યુવાને, દેશ-વિદેશમાં મોકલ્યા 5000+ સેટ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.