મૂળ રાજપીપળાના વતની હિરેન પંચાલનો અત્યારે ધરપુરમાં ખેતીનાં ઓજારોનો વર્કશોપ છે. માત્ર બે વર્ષના ટૂંકાગાળામાં તેમના દ્વારા બનાવેલ આ હાથ ઓજારો એટલાં લોકપ્રિય બનવા લાગ્યાં છે કે, તેઓ 5000 થી વધારે ઓજાર વેચી ચૂક્યા છે. તેમણે ખેતીનાં કામ સરળ કરવા, મહેનત ઘટાડવા અને સલામતી માટે લગભગ 35 જેટલાં ઓજારો વિકસાવ્યાં છે. ભારતનાં અલગ-અલગ રાજ્યોની સાથે-સાથે અમેરિકા, જર્મની સહિતની જગ્યાઓએ પણ તેમણે તેમનાં આ ઓજાર વેચ્યાં છે.

આ અંગે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં હિરેનભાઈએ કહ્યું, “હું ક્યારેય કૉલેજનું પગથિયું નથી ચડ્યો. હું હોમ સ્કૂલિંગમાં માનું છું. પૂના પાસે વિજ્ઞાન આશ્રમ નામની સંસ્થા છે, જ્યાં જીવન જરૂરિયાતની સ્કીલને પ્રેક્ટિકલ રીતે શીખવાડવામાં આવે છે. અહીં ટ્રેનિંગ બાદ મારા જીવનમાં બહુ મોટો વળાંક આવ્યો. અહીંથી કઈંક નવું, વધારે ઉપયોગી કરવાની પ્રેરણા મળી. મને દરેક વસ્તુ અનુભવથી શીખવી ગમે છે. ત્યારબાદ મેં 5 વર્ષ સુધી ગુજરાત વિદ્યાપીઠ સાથે પણ કામ કર્યું. ત્યારબાદ એક વર્ષ જર્મની રહ્યા બાદ હું પાછો આવ્યો અને નર્મદા જિલ્લાના 72 ગામોના ખેડૂતો સાથે ‘સજીવ ખેતી’ પ્રચાર પ્રસારનાં કામોમાં જોડાયો.”

વધુમાં ઉમેરતાં તેમણે કહ્યું, “ગાંધીજી અને વિનોબાના રસ્તે છેલ્લા 50 વર્ષથી કામ કરતા પ્રયાસ એનજીઓ સાથે કામ કરતાં મને અહીંના લોકોને નજીકથી ઓળખવાની તક મળી. તેમની સાથે હું અહીંનાં 72 અંતરિયાળ ગામોમાં ફર્યો. અહીં પર્વતિય વિસ્તારોમાં પાણીની સમસ્યા બહુ છે તો સાથે-સાથે લોકો માટે ખેતી માટે નાના-નાના ટુકડાઓ જેટલી જમીન છે. ગરીબીના કારણે તેઓ ટ્રેક્ટર કે અન્ય આધુનિક સાધનો ખરીદવા સક્ષમ નથી. અહીં મેં જાતે જૈવિક ખેતી શરૂ કરી, જેથી લોકોને પ્રેરણા મળે. અને હું મારી જરૂરિયાત માટે કોઈ સાધન બનાવતો અને કોઈ બીજાને જરૂર પડે તો આપતો, તો સતત તેની માંગ વધવા લાગી. એટલે મને ખબર પડી કે, આની તો ખરેખર બહુ જરૂર છે.”

આ અંગે વધારે ઊંડા ઉતરતાં ખબર પડી કે, ખેતીમાં બહેનોનો ફાળો પણ એટલો જ છે, જેટલો ભાઈઓનો. આપણે ખેતરમાં જઈએ તો, નીંદવું, વાઢવું, લણવું જેવાં કામ બહેનો જ કરતી જોવા મળે છે. સતત ઊભા પગે બેસી આ બધાં કામ કરવાથી અહીં મહિલાઓમાં ઘણી સમસ્યાઓ જોવા મળે છે. નાની ઊંમરે કમર દુખવાની સમસ્યા, ઢીંચણની સમસ્યા, ગર્ભાવસ્તામાં વહેલી પ્રસુતિ જેવી અનેક સમસ્યાઓ જોવા મળે છે. આ બધુ જોઈએ તેમને લાગ્યું કે, આ લોકો માટે કઈંક એવાં સાધનો બનાવી આપવાની જરૂર છે, જેનાથી તેમનું કામ સરળ બને. આ રીતે જેમ-જેમ તેમને લોકોની જરૂરિયાતો સમજાવા લાગી, તેમ-તેમ અલગ-અલગ સાધનો બનાવતા ગયા.
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં હિરેનભાઈએ કહ્યું, “હવે મને એમ લાગ્યું કે, મારે હવે બનાવટની ખાસ ટ્રેનિંગ લેવાની જરૂર છે, જેઓ આ કામમાં વર્ષોથી જોડાયેલા છે અને મેં આવા લોકો શોધ્યા. તેમને મળી તેમની સાથે રહ્યો. હું ક્યારેય એનજીઓ બનાવવા નહોંતો ઈચ્છતો. હું હંમેશથી એમજ વિચારતો હતો કે, એવી જ વસ્તુ બનાવું કે, લોકો સામેથી તેને ખરીદે.”

વતન રાજપીપળા હોવા છતાં ધરમપુરમાં કામ કરવા અંગે તેમણે કહ્યું કે, આ એક એવો વિસ્તાર છે, જ્યાં આજે પણ આદિવાસી લોકોની વસ્તી બહુ વધારે છે અને લોકો નાની-નાની જગ્યામાં ખેતી કરી ભરણપોષણ કરે છે. ગુજરાતમાં ઘણા વિસ્તારો એવા પણ છે જ્યાં ખેડૂતો બુલેટથી હળ ચલાવે છે, પરંતુ અહીં આજે પણ લાકડાના હળથી જ ખેતી કરે છે. એટલે આ લોકો માટે કઈંક કામ કરવાની સૌથી વધારે જરૂર હતી. તેમના માટે એવાં સાધનો બનાવવાં ખૂબજ જરૂરી છે, જેનાથી તેમની મહેનત ઘટે અને આવક વધે.
આજથી બે વર્ષ પહેલાં હિરેનભાઈ પાસે ન તો પૈસા હતા ન તો કોઈ મદદ કરવાવાળું. વર્કશોપમાં તેઓ એકલા હાથે જ કામ કરતા. શરૂઆત બાળકોનાં ટૂલ્સથી કરી, કારણકે જો તમે દેશને સારા ખેડૂત આપવા ઈચ્છતા હોય તો, સૌપ્રથમ તો બાળકોને શીખવાડવું પડશે કે, ખેતી શું છે. આ ટૂલ્સ કિચન ગાર્ડનિંગ માટે પણ ખૂબજ પ્રચલિત થયાં. બાળકોને માટી મળે અને સારાં ટૂલ્સ તો તેમને ખૂબજ મજા આવે.

અત્યાર સુધી હિરેનભાઈ માર્કેટિંગ પાછળ એક રૂપિયો નથી ખર્ચ્યો. તેમને વૉટ્સએપ અને ફેસબુક દ્વારા લોકો સુધી પહોંચાડવાનું શરૂ કર્યું. અને એક વ્યક્તિ ખરીદે પછી તે લોકો જાતે બીજાને કહે છે, આમ તેમનો પ્રચાર થયા લાગ્યો. આમ તેમણે આ ટૂલ્સના દેશભરમાં 500 સેટ વેચ્યા, એક સેટમાં 5 સાધનો આવે છે. તો વિદેશોમાં પણ તેમણે 3-4 જગ્યાએ ટૂલ્સ મોકલ્યાં. તેમાંથી જે કમાણી થઈ તેમાંથી વર્કશોપ વિકસાવ્યો અને આજે તેમની પાસે કુલ 35 ટૂલ્સ છે.
અત્યારે હિરેનભાઈના વર્કશોપમાં 5 લોકો કામ કરે છે અને આ સિવાય પણ બીજા 8 લોકોને તેઓ રોજગારી આપે છે. જેમાં લુહાર, સુથાર, વેલ્ડર, કલર કામ કરતા પેઈન્ટર અને હેલ્પરને રોજગારી મળી રહે છે.

તેઓ ૠતુ અને જરૂરિયાત પ્રમાણે લોકોને સાધનો બનાવી આપે છે. જેથી લોકોમાં તેમનાં સાધનોની માંગ પણ બહુ છે. તેમનું બનાવેલ હોસ્ટેલનાં બાળકો માટે ઓછા પાણીમાં વાસણ ધોવાનું યુનિટ ધરમપુર અને કપરાડા તેમજ બીલીમોરાનાં 15 છાત્રાલયોમાં મૂકવામાં આવ્યું છે. તેમણે ગોબર પાવડો, ઘાસ કાઢવા સાઈડ સિકલ, શાકભાજીનાં ખેતરમાં નિંદામણ માટે 4,6 અને 7.5 ઈંચનાં ડી-વિડર, નર્સરી, વાડા અને ગાર્ડન માટે ખુરપીઓ, નિંદામણ માટે પુશ એન્ડ પુલ વિડર, નકામુ ઘાસ કાપવા સ્લેશર, નાનુ નિંદામણ કાઢવા રેક વિડર, નિંદામણ અને ઊંડા ઘાસ માટે 2 ઈન 1 વિડર અને કોદાળી વિડર તેમજ રેક, જમીનમાંથી ઢેફાં દૂર કરવા પંજેટી, ક્યારેય ટીપાવવાની જરૂર ન પડે તેવી કુહાડી, નારિયેળની છાલ છૂટી પાડવા કોકોનટ ડી-હસકિંગ, સરગવાની સિંગ/લીંબુ/ચીકુ/કેરી વગેરે સરળતાથી ઉતારવાની બેડનો, વિવિધ પ્રકારનાં ધારિયાં, ચણા તેમજ મગફળી છોડમાંથી છૂટાં પાડવાનાં સાધનો તેમજ ઓછા વજનવાળી ત્રિકમ સહિત અનેક સાધનો બનાવ્યાં છે હિરેન પંચાલે.
આ સિવાય તાજેતરમાં જ તેમણે મિત્ર એલેન ફ્રાન્સિસની મદદથી UN SDSN-Youth Solutions report નામની ઓનલાઈન સ્પર્ધામાં ભાગ લીધો અને તેમાં મીટ્ટીધનની ફાઈનાલિસ્ટ તરીકે પસંદગી થઈ.

અત્યારે હિરેનભાઈ સાથે બીજા પણ કેટલાક લોકો જોડાયા છે, જેઓ તેમને માર્કેટિંગ કેવી રીતે કરવું તેમાં મદદ કરે છે. તાજેતરમાં જ હિરેનભાઈને સ્ટાર્ટઅપ ઈન્ડિયાનું સીડ ફંડ મળ્યું છે. દેશની કૃષિ મિનિસ્ટ્રી દ્વારા આ ફંડ એ લોકોને આપવામાં આવે છે, જેમનું સ્ટાર્ટઅપ હોય, આ ઉપરાંત તેઓ બીજા લોકોને રોજગાર આપતા હોય. જેમાં ગુજરાતમાંથી તેઓ એકમાત્ર જ હતા, જેમને આ ફંડ મળ્યું હોય.
આસપાસ ભરાતી સ્થાનિક હાટમાં હિરેનભાઈ તેમનાં સાધનો વેચવા જાય છે. જ્યાં એકવાર એક ભાઈ તેમની પાસેથી એક ટૂલ લઈ ગયા અને ઘરે ગયા પછી તેમને એટલું બધુ ગમી ગયું કે, બીજા દિવસ તેઓ 62 કિમી ફરીથી બાઈક ચલાવીને 50 રૂપિયાનું ટૂલ લેવા લાવ્યા. આવા અનેક અનુભવો પરથી તેમને લાગ્યું કે, ખરેખર તેમનું કામ આજે લેખે લાગી રહ્યું છે.

તો કેરળમાં તો એક ભાઈને તેમનાં સાધનો એટલાં બધાં ગમ્યાં કે, તેઓ ઘરની બહાર જ તેમનાં સાધનો મૂકતા. સાવ અજાણ્યા હોવા છતાં, તેઓ તેમના માટે પ્રચાર કરતા અને આ પછી તો તેમને બહુ ઓર્ડર પણ મળ્યા.
તેઓ અત્યાર સુધી કોઈ ડીલર સુધી સામેથી નથી ગયા. જે પણ વ્યાપારી સામેથી આવે, જેને આમાં રસ હોય તે જ આવીને સામેથી લઈ જાય છે અને વેચે છે. જેથી તેઓ ગ્રાહકોને પણ સમજાવી શકે કે, આ ટૂલ્સનો ઉપયોગ શું છે.
અત્યારે ઘણી યુનિવર્સિટીઓ અને એનજીઓ પણ તેમની સાથે જોડાઈ છે. અત્યાર સુધીમાં 4-5 વાર વિદ્યાર્થીઓ અહીં આવી ચૂક્યા છે, જેઓ અહીં આવીને તેમનું કામ જાણે છે, સમજે છે અને શીખે છે. આ સિવાય તેઓ લોકોને સમજાવે છે કે, તમે આ સાધનો જુઓ અને સમજો અને તેની ઉપયોગિતાને પણ સમજો. જેથી તમે તમારી આસપાસના વર્કશોપમાં પણ તેને બનાવડાવી શકો છો.

હિરેનભાઈના આ સ્ટાર્ટઅપનું નામ છે ‘મીટ્ટીધન’, આ પાછળનો તર્ક આપતાં તેઓ જણાવે છે કે, મૂળ તો દરેક વસ્તુ માટીમાંથી જ આવે છે અને માટીમાં જ સમાય છે એટલે એટલે પૈસોએ ધન નથી પરંતુ માટી જ ધન છે. તેમના આ કામમાં તેમને પરિવારનો ખૂબજ સહયોગ મળ્યો છે.
હિરેનભાઈના મિત્રો કોઈ મોટી કંપની બનાવવા ઈચ્છે છે આના માટે, પરંતુ હિરેનભાઈ કઈંક અલગ જ વિચારે છે. તેમના માટે પૈસા કરતાં વધારે મહત્વની લોકોની જરૂરિયાતો સંતોષવાનું છે. તેઓ એક કેરેવાન બનાવવા ઈચ્છે છે, જેમાં એક નાનકડો વર્કશોપ હોય. જેને લઈને દેશભરનાં ગામડાંમાં ફરી ત્યાંના લોકોની જરૂરિયાતો જાણવી અને તેના લાયક સાધનો બનાવી આપવાં.

જો તમને અ લેખ ગમ્યો હોય અને હિરેનભાઈનાં ઓજારો ખરીદવા ઈચ્છતા હોય તો તેમને 74330 63058 પર વૉટ્સએપ કે 099132 22204 પર કૉલ કરી શકો છો. અથવા ફેસબુક પેજ પર સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: 10 પાસ ગુજરાતીએ વુડન સ્ટવ, લેમન કટર સહિત ખેતીનાં 20 કરતાં વધારે સંશોધનો કર્યાં
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.