સમોસા હોય, આલુ-મટર પરાઠા હોય, વટાણા-બટાકાનું શાક હોય કે પછી બીજી ઘણી વાનગીઓ, વટાણા વગર અધૂરી ગણાય છે. આ વાનગીઓમાં વટાણાથી સ્વાદ અને સુગંધ બંનેમાં વધારો થાય છે. બાળકોને તો કાચા વટાણા પણ બહુ ભાવતા હોય છે. વટાણામાં ભરપૂર માત્રામાં વિટામિન એ, કે, સી, આયર્ન અને મેંગેનિઝ જેવાં પોષકતત્વો હોય છે. વટાણા સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક હોય છે. તેને ઉગાડવા પણ ખૂબજ સરળ છે. વટાણામાં ભરપૂર પોષકતત્વો હોય છે, પરંતુ જો તેને રાસાયણિક રીતે ઉગાડવામાં આવે તો, તેનાં પોષકતત્વો નાશ પામે છે. એટલે જ શક્ય હોય ત્યાં સુધી જૈવિક રીતે ઉગાડેલ વટાણાનું જ સેવન કરવું જોઈએ. આ માટેનો સૌથી સારો રસ્તો છે, ઘરમાં બાલ્કની, આંગણ કે ધાબામાં જ કુંડાં, ગ્રોબેગ કે અન્ય કોઈ વાસણમાં વટાણા ઉગાડવા.
આ સાંભળીને કદાચ તમને આશ્ચર્ય પણ થાય કે, કુંડામાં વટાણા કેવી રીતે ઉગાડી શકાય? પરંતુ, આ શક્ય છે અને મધ્યપ્રદેશના ભોપાલમાં રહેતા શિરીષ શર્મા દર વર્ષે તેમના ધાબામાં સંખ્યાબંધ શાક-ફળોની સાથે વટાણા પણ ઉગાડે છે.
શિરીષ શર્મા ભોપાલની એક પ્રાઈવેટ સંસ્થામાં સહાયક નિર્દેશક તરીકે કામ કરે છે. પરંતુ, તેમના દિવસની શરૂઆત તેમના બગીચાથી થાય છે. શિરીષ 15 વર્ષ કરતાં વધારે સમયથી તેમના ધાબામાં ગાર્ડનિંગ કરે છે. તેમના ધાબામાં 150 કરતાં પણ વધારે છોડ છે. તેઓ જણાવે છે, “વટાણાને કુંડા કે પછી કોઈ પણ મોટા અને પહોળા વાસણમાં ખૂબજ સરળતાથી ઉગાડી શકાય છે. તમને ગાર્ડનિંગની બહુ માહિતી ન હોય તો પણ તમે સરળતાથી વટાણા ઉગાડવાનો પ્રયત્ન કરી શકો છો. આ માટે જરૂર નહીં પડે વધારે ખર્ચની કે પછી વધારે મહેનતની.”

શિરીષ શર્મા ભોપાલની એક પાઈવેટ સંસ્થામાં સહાયક નિર્દેશક તરીકે કામ કરે છે. પરંતુ તેમના દિવસની શરૂઆત તેમના બગીચાથી થાય છે.
ઘરે કેવી રીતે ઉગાડી શકાય વટાણા:
શિરીષ જણાવે છે કે, વટાણા ઉગાડવા માટે બઝારમાંથી ખરીદેલ વટાણાનો ઉપયોગ કરી શકાય છે. આ સિવાય બઝારમાં મળતા સૂકા વટાણાનો ઉપયોગ કરી શકાય છે. જો તમારી આસપાસ કોઈ નર્સરી કે બિયારણની દુકાન હોય તો ત્યાંથી પણ બીજ લઈ શકાય છે.
જો તમે તાજા વટાણા લાવ્યા હોય તો, તેને ત્રણ-ચાર દિવસ સુધી ભીના કપડામાં બાંધી ને એક ડબ્બામાં મૂકી દો. ત્રણ ચાર દિવસ બાદ તેમાંથી અંકૂર ફૂટવા લાગે એટલે તેને વાવી શકાય છે. આ સિવાય સૂકા વટાણા વાવતા હોય તો, પહેલાં 24 કલાક માટે પાણીમાં પલાળ્યા બાદ કુંડામાં આવો.
તેઓ વધુમાં જણાવે છે કે, વટાણાનાં બીજ વાવવાનો સૌથી યોગ્ય સમય ઓક્ટોબરથી નવેમ્બર મધ્ય સુધીનો હોય છે. તમે નવેમ્બરમાં બીજ વાવશો તો જાન્યુઆરી સુધીમાં વટાણા મળવાના શરૂ થઈ જશે. જો તમે ‘પૉલીહાઉસ’ કરી ગાર્ડનિંગ કરતા હોય અને કોઈ પણ ઋતુમાં ગરમી નિયંત્રિત કરી શકતા હોવ તો, કોઈપણ ઋતુમાં વટાણા ઉગાડી શકો છો. આ સિવાય જ્યાં વધારે ઠંડી પડતી હોય અને ગરમી ઓછી હોય ત્યાં પણ શિયાળા બાદ પણ વટાણા ઉગાડી શકાય છે.

માટી કેવી રીતે તૈયાર કરવી:
આ માટે 50% બગીચાની માટી, 30% અળસિયાનું ખાતર કે છાણીયું ખાતર અને 20% કોકોપીટ કે રેત લેવી. હવે તેમાં મે મુઠ્ઠી નીમખલી મિક્સ કરી લો. વટાણા માટે એવી માટી તૈયાર થવી જોઈએ, જેમાં પાણી જરા પણ ભરાય નહીં.
વટાણા ઉગાડવા માટે તમે 12-14 ઈંચના કુંડા, ગ્રો બેગ કે પ્લાસ્ટીકની ડોલનો ઉપયોગ કરી શકાય છે.
રીત:
સૌથી પહેલાં કુંડામાં માટી ભરી લો અને તેમાં એકથી દોઢ ઈંચનો ખાડો કરી તેમાં વટાણાનું બીજ વાવી લો.
જો તમારી પાસે નાનાં કુંડાં હોય તો, એક કુંડામાં એક જ બીજ વાવવું. પરંતુ જો વાસણ મોટું હોય તો, એક કુંડામાં બે બીજ વાવી શકાય છે, પરંતુ બે બીજની વચ્ચે ઓછામાં ઓછું 6 ઈંચનું અંતર રાખવું જોઈએ.

બીજ વાવ્યા બાદ કુંડામાં પાણી છાંટવું.
બીજ વાવ્યા બાદ, લગભગ બે અઠવાડિયા સુધી કુંડાને કોઈ એવી જગ્યાએ મૂકો, જ્યાં સીધો તડકો આવતો ન હોય.
બે અઠવાડિયા બાદ જ્યારે છોડ તૈયાર થઈ જાય પછી તેને તડકામાં મૂકી શકાય છે.
નિયમિત રીતે છોડને જરૂર પૂરતું પાણી આપતા રહો.
સાથે-સાથે, બીજ વાવ્યાના એક માહિના બાદથી દર 15 દિવસે છાણીયું ખાતર કે અળસિયાનું ખાતર કે તરલ ખાતર આપતા રહો.
છોડને બીમારી કે જીવાતથી બચાવવા માટે મહિનામાં એકવાર લીમડાના તેલ વાળું પાણી પણ છાંટતા રહો.
વટાણાના છોડ વેલની જેમ ઉપર વધે છે, એટલે તેને મદદની જરૂર પડે છે. આ માટે કુંડાની ચારેય તરફ બે-ત્રણ લાકડીઓ ખોસો અને તેની ઉપર દોરી બાંધી દો. તેનાથી છોડને વધવામાં મદદ મળી રહેશે.

લગભગ 35-40 દિવસમાં વટાણાના છોડ પર ફૂલ આવવાનાં શરૂ થઈ જાય છે.
ફૂલોમાંથી સીંગો ફૂટવામાં એકથી બે અઠવાડિયાં લાગે છે.
લગભગ 55 દિવસ બાદ વટાણાની સીંગો આવવા લાગે છે.
લગભગ 65-70 દિવસ બાદ તમે છોડ પરથી વટાણા લઈ શકો છો.

શિરીષ કહે છે કે, વટાણાના છોડમાંથી ત્રણ વાર સુધી વટાણાની ફસલ લઈ શકાય છે. એટલે એકવાર વટાણાની સીંગો આવે એટલે તરત જ લઈ લેવી જેથી બીજી-ત્રીજી વાર પણ સીંગો લાગે. જો તમે ઈચ્છતા હોય કે લાંબા સમય સુધો વટાણાની ઉપજ મળતી રહે તો, અલગ-અલગ કુંડામાં 15-15 દિવસના ગાળામાં બીજ વાવવાં.
વધુ માહિતી માટે તમે આ વિડીયો જોઈ શકો છો.
આ પણ વાંચો: Grow Mango: કુંડામાં કોઈ પણ સિઝનમાં ઉગાડી શકાય છે આંબો, જાણો કેવી રીતે!
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.