ફળોનો રાજા કેરી આખી દુનિયામાં લોકપ્રિય છે. તેનો ઉપયોગ ફક્ત ફળ તરીકે જ થતો નથી પરંતુ તેનો ઉપયોગ ચટણી, જ્યુસ, કેન્ડી, અથાણાં જેવી ઘણી વસ્તુઓ માટે પણ થાય છે. કેરીમાં વિટામિન ‘એ’, ‘સી’, પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ જેવા ઘણા પોષક તત્વો હોય છે અને તે પેટના રોગોથી લઈને કેન્સર સુધીની દરેક બિમારીઓમાં અસરકારક છે.
આમ તો, કેરી જમીન પર ઉગાડવામાં આવતું ફળ છે. પરંતુ, આજે અમે તમને જણાવીશું કે તમે તેને કુંડામાં કેવી રીતે ઉગાડી શકો છો.
ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં પોતાની નર્સરી ચલાવતા વૃદ્ધિ ચંદ્ર મૌર્ય કહે છે, “વરસાદની મોસમ જમીન પર કેરી રોપવા માટે શ્રેષ્ઠ છે. કારણ કે, આ સમય દરમિયાન છોડને વધુ જાળવણીની જરૂર હોતી નથી. પરંતુ, જો તમે તેને વાસણમાં ઉગાડતા હોવ તો, તમે તેને કોઈપણ સિઝનમાં લગાવી શકો છો.”

તે કહે છે કે કેરીનો છોડ બે રીતે તૈયાર કરી શકાય છે –
રોપણી કરીને
કલમ બાંધીને
મૌર્યના જણાવ્યા મુજબ, રોપણી પદ્ધતિથી કેરીનો છોડ તૈયાર કરવામાં ઘણો સમય લાગે છે અને ફળ આવવામાં પણ સમય લાગે છે.
તેથી, આપણે અહીં કલમ બાંધીને એટલેકે ગ્રાફ્ટિંગ ટેક્નિક દ્વારા કેરીનો છોડ કેવી રીતે તૈયાર કરવો તેના વિશે જાણીશું.
તે જણાવે છે, “આ માટે કેરીના બીજને જમીનમાં લગાવો અને એક નાનો છોડ તૈયાર કરો. ત્યારબાદ, એક એવાં જૂના છોડની શોધ કરો, જેનાં ફળોનો સ્વાદ સારો હોય. તે પછી, તેમાંથી 10-12 ઇંચની ડાળી કાપી અને તીક્ષ્ણ છરીથી નીચેથી લગભગ એક ઇંચની છાલ કાઢો.”
તે આગળ કહે છે, “આ પછી, જમીનમાં નાના છોડને ઉપરથી દોઢ ઇંચ જેટલા કાપો અને કાળજીપૂર્વક ત્વચાને છોલી દો અને અન્ય કાપેલી ડાળીને તેની સાથે જોડીને પ્લાસ્ટિક સાથે બાંધી લો.”

તે જણાવે છે કે આ રીતે છોડ 30-35 દિવસમાં તૈયાર થઈ જાય છે. હવે તમે તેને માટીથી કાળજીપૂર્વક દૂર કરી શકો છો અને તેને વાસણમાં લગાવી શકો છો.
તો,કલમ કાપવાની બીજી રીત એ છે કે, તમે કોઈ પણ ફળદાર છોડમાં એક સામાન્ય જાડી ડાળી પરની કલમ કાપીને છોડ તૈયાર કરી શકો છો.
આ માટે, લગભગ એક ઇંચ સુધી ડાળીની છાલને છોલી દો અને તેના પર માટી અને ગોબર લગાવીને પ્લાસ્ટિકથી બાંધો. આ સાથે, 60-65 દિવસમાં, છોડ તૈયાર થઈ જશે, પછી તમે તેને વાસણમાં રોપી શકો છો.
માટી કેવી રીતે તૈયાર કરવી
મૌર્ય કહે છે કે કેરીના છોડ માટે માટી તૈયાર કરતી વખતે સૌથી વધુ કાળજી રાખવી જોઈએ, નહીં તો છોડ સુકાઈ જવાનો ડર રહે છે.
તે જણાવે છે કે જો તમે બગીચાની માટીનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમારે 70 ટકા માટી અને 30 ટકા છાણીયું ખાતર અથવા વર્મી કંપોસ્ટ સાથે 100 ગ્રામ લીમડાની ખળીનો ઉપયોગ કરવો જોઈએ.
જો તમે ચીકણી માટીનો ઉપયોગ કરી રહ્યા છો, તો 60 ટકા માટી, 20 ટકા ગોબરનું ખાતર અને 20 ટકા રેતી અને 100 ગ્રામ લીમડાની ખલીનો ઉપયોગ કરવો જોઈએ.
તેઓ જણાવે છે કે કુંડામાં માટી તૈયાર કરતી વખતે, ધ્યાનમાં રાખો કે તે ખૂબ જીણી ન હોય, છોડના મૂળિયાંને વધવામાં મુશ્કેલી થાય છે. તેનાથી બચવા માટે થોડી માત્રામાં ખંગરનો ઉપયોગ કરી શકાય છે. કારણ કે, તેનાંથી છોડના મૂળિયાઓને પૂરતી હવા મળી જાય છે.

કેવી રીતે જાળવણી કરશો
મૌર્ય જણાવે છે કે છોડ વાવ્યા પછી, તેમાં બે-ત્રણ મહિનામાં ઘણો વિકાસ થઈ જાય છે. કુંડામાં એકવાર લીમડાની ખળી આપ્યા બાદ,છોડને એક વર્ષ માટે પૂરતું પોષણ મળે છે અને સાથે જ, જીવાતો સામે રક્ષણ આપે છે.
તેઓ જણાવે છે, “જો તમારા છોડમાં કોઈ ઉણપ હોય અથવા તેમાં જંતુઓ લાગી રહી છે તો પાંદડાઓનો રંગ પીળો થવા લાગે છે. તેનાંથી બચવા માટે તમારે તાત્કાલિક લીમડાનું તેલ વાપરવું જોઈએ, નહીં તો તમારો છોડ સુકાઈ જશે.”
બે વર્ષ સુધી ફળ ઉગવા ન દો
મૌર્ય કહે છે કે, સારા ફળનો આંબાનો છોડ, પહેલાં વર્ષથી જ ફળ આપવા લાગે છે. પરંતુ, તમારે ઓછામાં ઓછા પહેલાં બે વર્ષ સુધી છોડને ફળ લાગવા દેવાના નથી. આને કારણે, છોડને વધારાનું પોષણ મળે અને તેનું આયુષ્ય વધે છે.
આ પછી, તમારે છોડ પર દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં લીમડાનું તેલ છાંટવું જોઈએ. તેનાંથી માંજર સારા આવે છે અને જીવાતોનો ભય રહેતો નથી.
અન્ય સાવધાનીઓ
મૌર્ય કહે છે કે વાસણમાં કેરીઓ ઉગાડવા માટે, કુંડુ ઓછામાં ઓછો 15 ઇંચનું હોવું જોઈએ. તેનાંથી છોડના મૂળિયાને ઉગવા માટે પૂરતી જગ્યા મળે છે.
ઉપરાંત, પોટને એવી જગ્યાએ મૂકો કે જ્યાં છોડને સંપૂર્ણ સૂર્યપ્રકાશ મળે. ઝાડને છાયામાં રાખવાથી તે સુકાઈ જશે.
તો, સિંચાઈ દરમિયાન સાવચેત રહો અને જમીનમાં માત્ર ભેજ બનાવીને રાખો.
આ રીતે, જો તમે છોડને વધુ સારી રીતે જાળવી શકો છો, તો તમે તેના ફળોનો આનંદ 10-12 વર્ષ સુધી સરળતાથી મેળવી શકો છો.
કુંડામાં ઓલ ટાઈમ કેરી કેવી રીતે ઉગાડવી તે શીખો –
આ પણ વાંચો: ફેબ્રુઆરીમાં વાવી દો આ 5 શાકભાજી અને મેની ગરમીમાં મેળવો તાજાં શાક
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.