“મહિલાઓએ પોતાની જાતને ક્યારેય પણ જરા ઓછી ન માનવી જોઈએ. આપણે જ્યારે આપણી આવડત પર પ્રશ્નાર્થચિન્હ લગાવીએ છીએ, ત્યારથી જ આપણી હાર થાય છે. આથી ક્યારેય પણ પોતાની જાતને ઓછી ન આંકવી. કારણ કે મહિલાઓથી વધારે સારું મલ્ટિ-ટાસ્કિંગ કોઈ ન કરી શકે.” આ કહેવું છે મુંબઈની મહિલા સાહસિક મનીષા દત્તા ચૌહાણનું. મનીષા મુંબઈમાં પ્રાકૃતિક અને હાથથી બનેલા સાબુનો બિઝનેસ કરે છે. જેનું નામ ‘કેપ ઑફ ગુડ સોપ’ છે. વર્ષ 2016માં તેણીએ ઘરેથી જ બિઝનેસ શરૂ કર્યો હતો. ધીમે ધીમે તેણીનો બિઝનેસ ફેલાતો ગયો હતો.
મનીષાએ મીડિયા ક્ષેત્રમાં આશરે 20 વર્ષ સુધી ‘ક્રિએટિવ પ્રોફેશનલ’ તરીકે કામ કર્યું છે. મનીષા એક આર્મી ઓફિસરની પત્ની અને બે બાળકોની માતા છે. વ્યક્તિગત જીવનમાં પોતાની તમામ જવાબદારી નિભાવતાની સાથે સાથે તેણીએ ક્યારેય પોતાની ઓળખ ગુમાવી નથી. “અવારનવાર વધી રહેલી જવાબદારીઓ વચ્ચે આપણે આપણી જાતને ભૂલી જઈએ છીએ, જે બિલકુલ ખોટું છે. મેં હંમેશા મારા કામને એટલી જ પ્રાથમિકતા આપી, જેટલી મારા પરિવારને.”

મનીષાએ જણાવ્યું કે, માતા બન્યા પછી કંઈક નવું કરવાનું કારણ મળ્યું હતું. મનીષા કહે છે કે જ્યારે તેણી એક બાળકની માતા બની ત્યારે દુનિયાની તમામ માતાઓની જેમ તેણીએ પણ પોતાના બાળકને કંઈક ઉત્તમ આપવાનું વિચાર્યું હતું. આથી તેણી બાળકની જરૂરિયાતની મોટાભાગની વસ્તુઓ જાતે જ બનાવવા લાગી હતી.
મનીષાએ જણાવ્યું કે, “એક વખત એવો વિચાર આવ્યો કે બાળકનો સાબુ, શેમ્બૂ અને બૉડી કેરની વસ્તુઓ તો બહારથી જ આવી રહી છે. હું સુપરમાર્કેટમાંથી આ તમામ વસ્તુઓ લાવતી હતી. આ સમયે મારા દિમાગમાં સાબુ બનાવવાનો વિચાર આવ્યો હતો. મેં ક્લાસિસ અંગે જાણકારી મેળવી અને સાબુ બનાવવાનું શીખવા લાગી. આશરે ચાર-પાંચ વર્ષ સુધી મેં મારા પરિવાર અને બાળક માટે અલગ અલગ સાબુ અને બૉડી કેર વસ્તુઓ બનાવી હતી.”
મિત્રોએ સારો અભિપ્રાય આપ્યો
મનીષા જ્યારે પોતાના ઘર માટે સાબુ બનાવતી હતી ત્યારે તેણીના કેટલાક મિત્રો તે લઈ જતા હતા. એક વખત કોઈ વ્યક્તિ વસ્તુ લઈ જતી હતી તે બીજી વખત જરૂરી માંગતી હતી. આ રીતે મનીષાની વસ્તુઓની પ્રસિદ્ધિ થવા લાગી હતી.

મિત્રોના આગ્રહ બાદ મનીષાએ પોતાનું એક ફેસબુક પેજ શરૂ કર્યું હતું. આ ઉપરાંત નાના સ્તર પર સાબુ બનાવવાની શરૂઆત કરી હતી. મનીષાએ જણાવ્યું કે, “મેં ખૂબ નાના પ્રમાણમાં મારી નોકરી સાથે સાથે સાબુ બનાવવાની શરૂઆત કરી હતી. મેં વિચાર્યું હતું કે જ્યારે મને મારા બિઝનેસમાંથી નોકરી કરતા વધારે કમાણી થવા લાગશે ત્યારે હું નોકરી છોડી દઈશ. જોકે, ઘર, બિઝનેસ અને નોકરી વચ્ચે સંતુલન સાધવાનું કામ ખૂબ મુશ્કેલ છે. મારા પતિ આર્મીમાં હોવાથી આ તમામ કામ મારે એકલા હાથે જ કરવું પડતું હતું.”
શરૂઆતમાં મનીષા જાતે જ વસ્તુઓ લાવતી હતી, ઑર્ડર લેતી હતી અને સાબુ પણ બનાવતી હતી. ખૂબ વ્યસ્ત દિનચર્યા હોવા છતાં તેણીએ ક્યારેય સાબુની ગુણવત્તા સાથે સમાધાન નથી કર્યું. આખરે મનીષાની મહેનત રંગ લાગી અને તેણીએ વર્ષ 2018માં ‘કેપ ઑફ ગુડ સોપ’ને એક વ્યવસાયી તરીકે લૉંચ કરી હતી. બાદમાં મનીષાએ પોતાની નોકરી છોડી દીધી હતી. તેણીએ સંપૂર્ણ ધ્યાન પોતાના બિઝનેસને આગળ વધારવા પર કેન્દ્રીત કરી દીધું હતું. છેલ્લા બે વર્ષમાં મનીષાને ખૂબ સારા એવો ઑર્ડર મળે છે. રિટેલ ઉપરાંત આજકાલ તેણી ગેસ્ટહાઉસ, વેડિંગ પ્લાનિંગ કંપનીઓને પણ પોતાની પ્રોડક્ટ આપી રહી છે.
મનીષા કહે છે કે, આજકાલ અનેક સ્ટાર્ટઅપ છે જેઓ પ્રાકૃતિક સાબુ બનાવે છે અને લોકોને આપે છે. જોકે, તેણીનું કામ થોડું અલગ છે. તેણી ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે સાબુ બનાવે છે. એટલે કે ઑર્ડર દરમિયાન તેણી ગ્રાહકના પસંદગીના રંગો, આકાર અને ગ્રાહકની ત્વચા કેવી છે તેને ધ્યાનમાં રાખીને સાબુ બનાવી આપે છે.

મનીષાએ કહ્યું કે, “અમારો પ્રયાસ રહે છે કે ગ્રાહકને કંઈક ખાસ આપવું, જે ફક્ત તેમના માટે હોય. આ ઉપરાંત અમે સાબુની સેલ્ફ લાઇફ વધારવા માટે કોઈ જ કેમિકલનો ઉપયોગ નથી કરતા. અમારી તમામ સામગ્રી પ્રાકૃતિક અને ત્વચાને અનુકૂળ આવે એવી હોય છે. અમે સાબુને ક્યારેય અપ્રાકૃતિક રંગ કે ખુશ્બૂ નથી આપતા. સાથે જ તમામ બેચનું સારી રીતે ગુણવત્તા પરિક્ષણ પણ થાય છે.”
સાબુ ઉપરાંત મનીષા ‘શૉવર જેલ’, ‘બાથ સૉલ્ટ’, ‘બોડી સ્ક્રબ’, ‘બૉડી કેર’ જેવી પ્રૉડક્ટ્સ પણ બનાવે છે. મનીષા અને એની ટીમને દર મહિને લગભગ 500 ઑર્ડર મળે છે. તેમના તમામ ઑર્ડર સીધા ગ્રાહકો પાસેથી આવે છે. અન્ય જથ્થાબંધ ઑર્ડર પણ આવે છે. મનીષાના સાબુ આજકાલ ભારત ઉપરાંત વિદેશમાં પણ પહોંચ્યા છે.
મનીષાની ટીમમાં આજે 10 લોકો શામેલ છે. આ ઉપરાંત મુંબઈ, નાગપુર અને પુણેની સાત અન્ય મહિલા પણ તેણીના સંપર્કમાં છે. મનીષાને જ્યારે જથ્થાબંધ ઑર્ડર મળે છે ત્યારે તેણી આ સાત મહિલાઓને સાબુ બનાવવાનું કામ આપે છે. આ સાતેય મહિલાઓ સાબુ બનાવવાના બિઝનેસ સાથે જ સંકળાયેલી છે. જેઓ મનીષાના કહેવા પ્રમાણે સાબુ બનાવીને તેણીને પહોંચાડે છે. જે બાદમાં મનીષા અને તેની ટીમ આ સાબુનુ પેકિંગ કરે છે અને ગુણવત્તાની તપાસ બાદ તેને ગ્રાહક સુધી પહોંચાડે છે. આ રીતે મનીષા અન્ય લોકોને પણ રોજગારી આપી રહી છે.
ઑનલાઇનથી ઑફલાઇન જવાનો વિચાર:
હંમેશા એવું બનતું હોય છે કે લોકો ઑફલાઇનથી ઑનલાઇન જાય છે. પરંતુ મનીષા ઇચ્છી રહી છે કે તેણીનું કામ ઑફલાઇન થાય. તેણી ભારતના 2-ટાયર શહેરમાં પોતાનો સ્ટૂડિયો ખોલવા માંગે છે. જ્યાં લોકો ફક્ત સાબુ ન ખરીદે પરંતુ આ પ્રક્રિયાનો પણ આનંદ લે. આ રીતે તેણી વધારેમાં વધારે લોકોને પોતાના બિઝનેસ અંગે જાગૃત કરવા માંગે છે.
મનીષાએ જણાવ્યું કે, “આમ તો આજકાલ લોકો ઘણા જાગૃત છે પરંતુ, મારો નાનો પ્રયાસ છે કે હું મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે કંઈક કરી શકું. કોરોના વખતે લૉકડાઉનના મુશ્કેલ સમયનો પણ અમે હટીને સામનો કર્યો છે. આ જ કારણે હવે લોકો હાઇજીન અને સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ જાગૃત થાય છે. આને કારણે જ લોકોને આને અનુકૂળ હોય તેવા ઉત્પાદનનો ઉપયોગ કરવાના મહત્ત્વ વિશે માલુમ પડ્યું છે. લૉકડાઉન બાદ અમને ખૂબ ઓર્ડર મળી રહ્યા છે.”
અંતમાં મનીષા કહે છે કે, જો કોઈને લાગે છે કે તેમણે આ ક્ષેત્રમાં આગળ વધવું છે અને હું તેમની કોઈ મદદ કરી શકું તો તેઓ કોઈ જ સંકોચ વગર મારો સંપર્ક કરી શકે છે. મનીષાનો સંપર્ક કરવા માટે તેણીને ફેસબુક પેજ અને વેબસાઇટ ની મુલાકાત લો.
આ પણ વાંચો: આ અધિકારીના પ્રયત્નોએ વાંસને બનાવી બ્રાન્ડ અને ગુજરાતના નાનકડા ગામમાં ખૂલી ગયો મૉલ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.