બાળપણમાં મારો પરિવાર મુંબઈના કાંદિવલી વિસ્તારમાં રહેતો હતો. એ વખતની મારી સૌથી મીઠી યાદ એક 50 વર્ષીય કાકા સાથે જોડાયેલી છે. તેઓ બોલી કે ચાલી શકતા ન હતા પરંતુ દરરોજ સાંજે પોતાની વ્હીલચેરમાં ફરવા માટે નીકળતા હતા. બાળકો માટે તેઓ કોઈ જાદુગરથી ઓછા ન હતા. કારણ કે તેમના ખિસ્સામાં રાવલગાંવ દ્વારા નિર્મિત અનેક પ્રકારની ટૉફી રહેતી હતી. આ ટૉફી તેઓ અમને આપતા હતા.
હું અને મારા મિત્રો ‘પીપર’ (ગુજરાતીમાં કેન્ડી) કાકાની દરરોજ રાહ જોતા હતા. જ્યાં સુધી અમે નવા ઘરમાં રહેવા ન ગયા ત્યાં સુધી આ નિત્યક્રમ હતો. તેઓ અમને પારદર્શક પેપરમાં લપેટાયેલી પીળા અને નારંગી રંગની કેન્ડી આપતા હતા.
થોડા મહિના પહેલા મારે ફરીથી ત્યાં જવાનું થયું. ત્યાં જતા જ મને બાળપણના તે કાકાની યાદ આવી ગઈ હતી. જોકે, દુર્ભાગ્યવસ આજે તેઓ હયાત નથી. તેમની દીકરીએ મારું સ્વાગત કર્યું હતું.

અમારી વાતચીત દરમિયાન તેમણે અચાનક માફી માંગી અને અમારી સામે રંગબેરંગી ટૉફીથી ભરેલી એક પ્લેટ અમારી સમક્ષ મૂકી દીધી હતી. મને ખૂબ આશ્ચર્ય થયું હતું. કારણ કે ‘પીપર કાકા’ તો નથી રહ્યા પરંતુ તેમની દીકરીઓએ આ પરંપરાને આગળ ધપાવી હતી.
આ માટેનો તમામ શ્રેય 1933માં રાવલગાંવ સુગર ફાર્મ લિમિટેડની શરૂઆત કરનાર દૂરંદેશી વાલચંદ્ર હીરાચંદ્ર દોશીને જાય છે. જેમના કારણે અમારા સંબંધો ખાસ બની રહ્યા હતા.
80 વર્ષથી વધારે સમય પછી પણ રાવલગાંવ એ ગણી શકાય તેવી કંપનીઓમાંની એક છે જે ફક્ત પોતાની ગુણવત્તા માટે જ નહીં પરંતુ આપણા તમામના બાળપણની યાદ સાથે જોડાયેલી છે.
તમને પાન પસંદ યાદ છે? પાનના સ્વાદ જેવું માઉથ ફ્રેશનર, જે આપણી જીભ પર એક પ્રકારની લાલી છોડી જતું હતું. તેને ખાવાથી બાળપણમાં આપણને મોટા થવાનો અહેસાસ થતો હતો. કારણ કે બાળપણમાં પાન ખાવાની છૂટ ન હતી. મેંગો મૂડ કે જે લીલા અને પીળા રંગમાં આવતી હતી. તેને ખાઈને આખું વર્ષ કેરી ખાવાનો આનંદ લઈ શકતો હતો.

પરંતુ શું તમે એ કંપની વિશે જાણો છો જેણે 80-90ના દશકાના બાળકોને મીઠી યાદો આપી. એટલું જ નહીં, મહારાષ્ટ્રના એક પછાત વિસ્તારને એક શહેરનું સ્વરૂપ આપ્યું? જેણે હજારો ગરીબ ખેડૂતો અને ગરીબ મજૂરોને રોજગારી આપી. રાવલગાંવની રોમાંચક કહાની ‘વન્સ અપૉન અ ટાઇમ’થી શરૂ થઈ હતી. અત્યારસુધીની યાત્રા ખૂબ જ સુખદ અને પ્રભાવકારી રહી છે.
ટ્રેન યાત્રાથી સફરની શરૂઆત
સોલાપુરના એક વેપારી પરિવારમાં જન્મ લેનાર વાલચંદ, રાવલગાંવની સ્થાપના પહેલા આ વિસ્તારમાં જાણીતી હસ્તી હતી.

‘ભારતીય પરિવહન ઉદ્યોગના પિતામહ’ કહેવાતા વાલચંદ અનેક બિઝનેસ કરતા હતા. તેમણે વાલચંદ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (1908) અંતર્ગત રેલવે ટનલ (સુરંગ), ભારતની પ્રથમ સ્વદેશી શિપિંગ કંપની સિંધિયા શિપયાર્ડ (રાષ્ટ્રીયકરણ બાદ તેને હિન્દુસ્તાન શિરયાર્ડ લિમિટેડ તરીકે ઓળખવામાં આવે છે)થી લઈને સ્વદેશી ઓટોમોબાઇલ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને પ્રીમિયર ઓટોમોબાઇલનો પાયો નાખ્યો હતો.
અહીં તમે તેના વિશે વધારે વાંચી શકો છો.
રાવલગાંવ સુગર ફાર્મ લિમિટેડના કાર્યકારી નિર્દેશક નિહાલ દોશીના જણાવ્યા પ્રમાણે, 1900ના શરૂઆતના દશકામાં એક ટ્રેન મુસાફરી દરમિયાન વાલચંદને કોઈ વ્યક્તિએ નાસિક જિલ્લાના એક નાના ગામ-રાવલગાંવ વિશે જાણકારી આપી હતી.

નિહાલે ધ બેટર ઇન્ડિઆને જણાવ્યું કે, “એક સરકારી અધિકારીએ વાલચંદને હજારો એકર જમીન વિશે જણાવ્યું હતું. જેનો ઉપયોગ ખેતી કામ માટે થઈ શકતો હતો. આ માટે તેમણે 1,500 એકર જમીન ખરીદી હતી અને મશીનોની મદદથી ખેતરમાંથી પથ્થરો હટાવવાની શરૂઆત કરી હતી. તેમને વિશ્વાસ હતો કે ખેડૂતોના યોગદાન વગર ભારતનો આર્થિક વિકાસ શક્ય નથી. આ માટે તેમણે શેરડીની ખેતીને પ્રાધાન્ય આપ્યું હતું. એ દિવસોમાં ખેડૂતો શેરડીની ખેતીને પ્રાથમિકતા આપતા ન હતા. પરંતુ વાલચંદના પ્રયાસોથી ખેડૂતો તેના તરફ વળ્યાં હતાં.”
પડતર જમીનને ખેતીલાયક બનાવ્યા બાદ તેઓએ એન્જિનિયરો, કૃષિ વૈજ્ઞાનિઓની મદદથી અનેક પાક અજમાવ્યા હતા. એક દશકા સુધી કરેલા અખતરા બાદ વાલચંદે શેરડીની ખેતી પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. જે બાદમાં ભારતની સૌથી મોટી સુગર મીલોમાંથી એક મીલનો પાયો નાખ્યો હતો.
1933માં તેમણે રાવલગાંવ સુગર ફાર્મ લિમિટેડની સ્થાપના કરી હતી. જેના સાત વર્ષ પછી ત્યાં ટૉફી બનાવવાની શરૂઆત કરી હતી. તેઓ અહીંથી અટકી ગયા ન હતા. વર્ષ 1934માં પુણેથી 200 કિલોમીટર દૂર કલાંબમાં, જેને હાલ વાલચંદનગર કહેવામાં આવે છે, ત્યાં એક આવા જ મૉડલની શરૂઆત કરી હતી.

આ બંને મીલોએ આખા નાસિક ક્ષેત્રમાં રોજગારીનું સર્જન કર્યું હતું. ખેડૂતોને પણ પોતાના શેરડીના પાક માટે બજાર મળ્યું હતું. આ રીતે આ આખા વિસ્તારનો વિકાસ થયો હતો. રાજ્યમાં શેરડીની ખેતીને ક્રાંતિકારી સ્વરૂપ આપવાનો શ્રેય વાલચંદને આપવામાં આવે છે.
આ અંગે લગભગ નવ વર્ષ પહેલા કંપનીને સંભળાનાર નિહાલે કહ્યુ કે, “રાવલગાંવ-માલેગાંવ પટ્ટાના દરેક પરિવારમાંથી એક સભ્ય અમારા સાથે જોડાયેલો છે. પછી તે વિક્રેતાના રૂપમાં કે પછી કર્મમચારી તરીકે. આટલા વર્ષો સુધી અમારા પરિવારે નૈતિકતા અને સદભાવ સાથે વારસાને સંભાળવા માટે અનેક પડારોનો પણ સામનો કર્યો છે.”
90ના દશકાના અંતમાં જ્યારે રાવલગાંવ FMCG ક્ષેત્રનો નવી ખેલાડી હતી, કંપની વિખેરાઈ ગઈ, ત્યારે જ નિહાલના પિતા હર્ષવર્ધન દોશીએ કાર્યભાર સંભાળ્યો હતો.

રાવલગાંવ આઈએસઓ 22000 પ્રમાણિત કંપની છે. બજારમાં તેના 10 ઉત્પાદન છે. જે તમામ શાકાહરી છે. તેમના ઉત્પાદનમાં કેરી, દૂધ, ટૉફી જેવા અનેક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે.
કંપનીની સીએફઓ વૈશાલી કહે છે કે, “અહીં એકાઉન્ટ વિભાગમાં 1999થી કામ કરી રહી છું. કર્મચારીઓને કારકિર્દીમાં પર્યાપ્ત વિકાસ અને એક પરિવાર જેવા માહોલની હું ગેરન્ટી આપી શકું છું. હું જ્યારે પણ મારી કંપની વિશે કોઈ સાથે ચર્ચા કરું છું ત્યારે સામેની વ્યક્તિની આંખમાં એક ચમક આવી જાય છે. લોકોનો કંપની પ્રત્યેનો પ્રેમ અને જોડાણ છે, જેનાથી અમને સતત નવું કરવાની પ્રેરણા મળે છે.”

કંપનીના ઉત્પાદન વિશે વાત કરીએ તો નારંગી, રાસબરી અને લીંબુના સ્વાદમાં આવતી ચેરી માટે પારદર્શક રેપરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવું કરવા પાછળનું કારણ એવું છે કે લોકોને તે ખૂબ જ આકર્ષક લાગે. સામાન્ય રીતે ટૉફીના રેપર પર આકર્ષક રંગ અને ફોન્ટમાં કંપનીનું નામ ન હોય એવું ભાગ્યે જ જોવા મળતું હોય છે.
ખૂબ લાંબા સમય સુધી મને એ વાતની ખબર ન હતી કે ચેરી રાવલગાંવ દ્વારા બનાવવામાં આવી છે. કારણ કે રેપર પર કંપનીનું નામ વાંચવું મુશ્કેલ લાગે છે. પરંતુ પેકિંગના રેપ પરથી તેમની માર્કેટિંગ સ્ટ્રેટેજીનો અંદાજ લગાવી શકાય છે.
આ ઉપરાંત ચેરીને પોકી ટેક્સચર આપવામાં આવે છે, જેનાથી તે કરકરી લાગે. આ ઉપરાંત કારમેલાઇઝ્ડ મિલ્ક કેન્ડી, લેકોના રેપરમાં વાંસના અવશેષનો ઉપયોગ થાય છે.

આ અંગે નિહાલ કહે છે કે “રેપરના ઉપયોગ પહેલા કેન્ડીને દુકાનોમાં કાચની બરણીઓમાં રાખવામાં આવતી હતી. પરંતુ રેપરના ઉપયોગ બાદ ગ્રાહક અંદર શું છે તે જોઈ શકતો નથી. આ માટે જ અમે પારદર્શક રેપરની પસંદગી કરી હતી. આવું કરવાથી ગ્રાહકનો વિશ્વાસ ટકી રહે અને ટૉફીના રંગ પરથી બાળક તેને ઓળખી શકે.”
રસપ્રદ વાત તો એ છે કે દુનિયાની સૌથી મોટી ફોન નિર્માતા કંપની આઈફોન આ જ માર્કેટિંગ સ્ટ્રેટેજી અપનાવતા-સફેદ ઈયરફોન બનાવે છે.
ચોક્કસ છેલ્લા થોડા વર્ષોમાં રેપરોમાં થોડો ફેરફાર થયો છે. પરંતુ તેમણે સ્વાદ, સુગંધ અને પેકિંગને લઈને હંમેશા સ્થિરતા જાળવી રાખી છે. આ જ કારણ છે કે બજારમાં અનેક હરીફો હોવા છતાં કંપનીની ટકી રહી છે.
કંપનીના ઉત્પાદનમાં પાન પસંદ, મેંગો મૂડ, ટૂટી ફ્રૂટી, એસોર્ટેડ સેન્ટર (નારંગી, રાસબેરી, લીંબુ અને અનાનસ જેલી), કૉફી બ્રેક, સુપ્રીમ ટૉફી (ગુલાબ, એલચી અને વેનિલા), ચોકો ક્રીમ વગેરે છે.
દૂરદર્શનથી સોશિયલ મીડિયા સુધીની સફર
જો તમને કોઈ એવી મીઠાઈ વિશે માહિતી મળે છે જે લોકોના મોઢામાં પાણી લાવી દે છે, તો તેના વિશે તમે બાજુના ગામના વ્યક્તિને કોઈ ફોન કે સોશિયલ મીડિયા વગર કેવી રીતે જાણ કરી શકો?

બહુ સ્પષ્ટ છે કે તમે દૂરદર્શનનો દરવાજો ખખડાવશો. પરંતુ સરકારી પ્રસારણ સેવા પર સ્લૉટ મળવાથી વધારે પડકારભર્યું કામ 10 સેકન્ડની જાહેરાતના માધ્યમથી લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનું છે.
કંપનીની સૌથી પહેલા જાહેરખબરમાં અભિનેત્રી અર્ચના જોગલેકર લગ્નના પ્રસ્તાવને ગુસ્સા સાથે ઠુકરાવીને કહે છે કે, “શાદી…ઔર તુમસે?” કભી નહીં! જે બાદમાં કથાનાયક વિઝ્યુઅલ સાથે કહે છે કે, “પાન પસંદ, પાન કા સ્વાદ, ગજબ કી મીઠાસ.” અભિનેત્રી અર્ચના એ જ શબ્દોને ફરીથી બોલે છે પરંતુ આ વખતે મીઠા અવાજમાં.

આ જાહેરાતનો મૂળ સંદેશ એ હતો કે શબ્દો ભલે ગમે એટલા કડવા હોય પરંતુ પાન પસંદ સાથે તેમાં મીઠાસ ભરી શકો છો. આ કૉન્સેપ્ટ પર જાહેરાતની એક શ્રેણીથી કંપનીને રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચવામાં મદદ મળી હતી.
જો તમે એ યાદોને ફરીથી જીવવા માંગો છો તો અહીં એ જાહેરખબરો જોઈ શકો છો.
મહારાષ્ટ્રની એક બ્રાન્ડ હોવાને નાતે કંપનીએ પોતાના સમૃદ્ધ વારસામાંથી તાજેતરમાં રાજ્યના લોકો માટે ખાણીપીણીની સેવા શરૂ કરી છે. કંપની ઇન્સ્ટાગ્રામના માધ્યમથી લોકોને જોડવાનો પ્રયાસ કરે છે. જે અંતર્ગત કંપનીના પેજ પર રસપ્રદ માહિતી આપવામાં આવે છે.
નિહાલ કહે છે કે, “પહેલા ગ્રાહકો કરિયાણાની દુકાન પર પાન પસંદ ખરીદતા હતા. હવે મૉલ હોવાથી અમારી પાસે વધારે વિકલ્પ છે. લોકો અમને અવારનવાર લખે છે કે સુપરમાર્કેટમાં અમારી વસ્તુઓ નથી મળતી. આથી અમે તેમને વસ્તુઓ પહોંચાડવા માટે કામ કરી રહ્યા છીએ.”

તેઓ વધુમાં કહે છે કે, “આજે અમારી મીઠાઈ અમેઝોન ઉપરાંત રિલાયન્સ ફ્રેશ પર પણ મળે છે. તમે તમારી નજીકની કરિયાણાની દુકાન પર જઈને તેને ખરીદી શકો છો. અમે તેમને માલ પૂરો પાડીએ છીએ. લોકો વિચારે છે કે અમે અમારું ઉત્પાદન ઓછું કરી નાખ્યું છે, પરંતુ આ વાત બિલકુલ સાચી નથી.”
મારો પરિવાર વર્ષોથી રાવલગાંવની મીઠાઈનો આનંદ લેતો આવ્યો છે. આ અંગે મારા પિતા ઉદય કરેલિયા કહે છે કે, અમારા માટે રાવલગાંવ હંમેશા ‘કુછ મીઠા હો જાયે’નું પ્રતિક છે અને રહેશે. હકીકતમાં રાવલગાંવના ઉત્પાદનો અમારા જેવા લાખો ભારતીયો માટે ખાસ છે.
રાવલગાંવના ઉત્પાદનો અહીં ખરીદી શકો છો.
તમામ તસવીરો રાવલગાંવના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: જાણો કેવી રીતે બે ગૃહિણીએ પોતાના સ્વદેશી ઓવનથી અમદાવાદીઓને કર્યા પિઝાના દિવાના
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.