Search Icon
Nav Arrow
Jashuben Pizza
Jashuben Pizza

જાણો કેવી રીતે બે ગૃહિણીએ પોતાના સ્વદેશી ઓવનથી અમદાવાદીઓને કર્યા પિઝાના દિવાના

જ્યારે ગુજરાતમાં બહુ ઓછા લોકો પિઝા વિશે જાણતા હતા ત્યારે આ બે ગૃહિણીઓએ દેશી ઓવન બનાવી લોકોને ખવડાવ્યા ભાખરી પિઝા

આ વાત તો જગજાહેર છે કે, ગુજરાતીઓ ખાવા-પીવાના બહુ શોખીન હોય છે. વાનગી કોઈપણ પ્રદેશની હોય, ગુજરાતીઓ તેમને પોતાના અંદાજમાં બનાવી જાણે અને તેને બહુ સ્વાદિષ્ટ પણ બનાવે.

આવું તેમનું પોતાનું એક વર્ઝન છે પિઝાનું પણ. મારા એક મિત્રની દાદીએ પિઝાના રોટલાની જગ્યાએ બાજરી કે જુવારની ભાખરીનો ઉપયોગ કરવાનો શરૂ કર્યો. તેઓ તેના પર ડુંગળી, ટામેટાં પાથરી ઉપર ચીઝ પાથરે છે અને તેના ઉપર મસાલા અને ચાટ મસાલો ભભરાવે છે. ત્યારબાદ તેને તવી પર શેકાવા મૂકે છે અને માત્ર 15 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે ક્રિપી અને ખૂબજ સ્વાદિષ્ટ પિઝા.

લાંબા સમયથી હું એમજ માનતો આવ્યો છું કે, મૂળ ઈટાલિયન પિઝા ખાવાની આ જ યોગ્ય અને પૌષ્ટિક રીત છે. આ દરમિયાન 2013 મને અમદાવાદમાં જશુબેનના પિઝા વિશે ખબર પડી ત્યારે તો આ અંગે જાણવાની મારી ઉત્કંઠા બહુ વધી ગઈ.

તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ 90 ના દાયકામાં ભાખરી પિઝાની પહેલ કરનાર ઉદ્યોગ સાહસિક જશુબેન અને આંદેરબેનનાં બહુ વખાણ કર્યાં હતાં.

Pizza

યુનિક પિઝા ઓવન

આ મહિલાઓએ માત્ર દેશી સ્ટાઇલના પિઝા જ નથી બનાવ્યા, પરંતુ એલપીજીની મદદથી પિઝા બેક કરવાનું અનોખુ ઓવન પણ લાવ્યાં છે. જશુબેને આંદેરબેનને થોડા રૂપિયા આપ્યા પછી આ વ્યવસાય શરૂ થયો, જેથી પછીથી તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે. 40 વર્ષ બાદ પણ લૉ ગાર્ડન રોડ પર જશુબેન શાહ ઓલ્ડ પિઝા માત્ર 80 રૂપિયાના પોષાય એટલા ભાવમાં વેચાય છે અને દરેક પેઢીના લોકો તેના દિવાના છે.

આ આખી સફર અંગે મને આંદેરબેનના જમાઈ રાજેન્દ્ર સિંહે જણાવ્યું. 37 વર્ષના રાજેન્દ્ર સિંહે કહ્યું, “જશુબેનનું થોડાં વર્ષ પહેલાં જ અવસાન થયું. આંદેરબેન અને મારા સસરા જોરાવર સિંહે હવે આ વ્યવસાય મને સોંપ્યો છે.”

હોટેલ મેનેજમેન્ટમાં સ્નાતક થયેલ રાજેન્દ્રએ લગ્ન બાદ વર્ષ 2004-2005 માં આ વ્યવસાયની લગામ સંભાળી. આ બાબતે તેઓ કહે છે, “મારાં સાસરિયાંને કોઈ વ્યવસાય સંભાળી શકે તેવી વ્યક્તિની જરૂર હતી, એટલે મેં તેમને ટેકો કરવાનું નક્કી કર્યું. હું જ્યારે જોડાયો ત્યારે પિત્ઝા લોકપ્રિય થઈ રહ્યા હતા. આજે જશુબેન પિઝાના દરેક ગ્રાહકો આ સફર જાણે છે.”

90 ના દાયકામાં આંદેરબેન અને જોરાવરે જશુબેન સાથે રસોઈ બનાવવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ આંદેરબેને તેમનો પોતાનો વ્યવસાય શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. આ બાબતે રાજેન્દ્ર સિંહ જણાવે છે, “જશુબેન વ્યવસાય માટે આર્થિક મદદ અને અન્ય મદદ કરવા તૈયાર થઈ ગયાં. 1994 માં પિઝા હજી નવા-નવા હતા અહીં અને આંદેરબેન તેને સ્ટ્રીટ ફૂડ તરીકે અજમાવવા ઈચ્છતાં હતાં.”

જોકે તે સમયે પિઝા ઓવન ભાગ્યે જ જોવા મળતાં અને વ્યવસાયિક રૂપે તે બહુ મોંઘાં પડે એમ હતાં. તે સમયથી અત્યાર સુધી વપરાતું પિઝા ઓવન બતાવતાં તેઓ જણાવે છે, “આ બંનેએ પિઝા બનાવવાની એક નાનકડી ભઠ્ઠી ડિઝાઇન કરી અને કલ્પના કરી કે, તેને ગેસ સિલેન્ડરથી કામ કરશે. આ ભઠ્ઠી એક નાના કબાટ જેવી હોય છે થોડી ઊંચી અને અંદર 8 ખાનાં હોય છે. પહેલાં પિઝા પહેલા સ્તર પર મૂકવામાં આવે છે. ધીરે-ધીમે તેને ઉપરના સ્તર પર ખસેડાતો રહે છે અને 15 મિનિટમાં તે આઠમા સ્તરે પહોંચી જશે. આ ભઠ્ઠીમાં એકસાથે 25 પિઝા બની શકે છે.”

Street Food

ભરપૂર યાદો
વિસ્તૃતમાં જણાવતાં રાજેન્દ્ર જણાવે છે, “પિઝાનો લોટ અને ટામેટાની પ્યૂરી ઘરેથી જ તૈયાર કરી દેવામાં આવે છે. ત્યારબાદ બેઝ પર ટામેટાનો સોસ લગાવવામાં આવે છે. ત્યારબાદ તેના પર ડુંગળી, કેપ્સિકમ વગેરે પાથરવામાં આવે છે. ત્યારબાદ તેના પર સ્થાનિક ચીઝનું એક લેયર બનાવવામાં આવે છે.”

આ બાબતે એક રસપ્રદ વાત જણાવતાં રાજેન્દ્ર કહે છે, અને હા, આ પિઝામાં કોઈપણ જાતનું એક્ઝોટિક લેયર નથી હોતું, જેમકે, જલેપિનો, બેબી કોર્ન, મશરૂમ્સ, પનીર, ઓલિવ્સ વગેરે.

વધુમાં ઉમેરતાં તેઓ કહે છે, “છેલ્લાં 20 વર્ષમાં રેસિપિમાં જરા પણ બદલાવ કરવામાં આવ્યો નથી. મેનુમાં કેટલીક વિવિધતા આપવામાં આવે છે – ઈટાલિયન, જૈન, ચીઝ બેક્ડ, પ્લેન ચીઝ, માર્ગારિટા, ડબલ ચીઝ અને પાઈનેપલ ચીઝ પિઝા. પાંચ ઈંચના પિઝાની કિંમત 80 થી 100 રૂપિયાની વચ્ચે રહે છે.”

લૉગાર્ડન સિવાય બીજી પણ બે બ્રાન્ચ છે, એક કૉમર્સ છ રસ્તા અને બીજી પ્રહલાદનગર. રાજેન્દ્રના જણાવ્યા અનુસાર, રોજના લગભગ 300 પિઝા વેચાય છે અને રોજનો લગભગ 30,000 આસપાસ વકરો રહે છે.

Ahmedabad

અમદાવાદ સ્થિત આઈટી ઉદ્યોગસાહસિક આર્જવ દવે જણાવે છે કે, જશુબેનના પિઝા સાથે તેમની ઘણી સરસ યાદો જોડાયેલ છે, જ્યાં તેમણે મિત્રો સાથે ઘણો સમય પસાર કર્યો છે અને ભેગા મળીને થીક ક્રસ્ટ પિઝા ખાધા છે. આ બાબતે તેઓ કહે છે, “આ તાજા જ બનાવેલ હોય છે અને સૌથી સારી બાબત છે તેનું પાતળું અને ક્રિસ્પી પડ. આ જ લાઈનમાં બીજી પણ કેટલીક ખાણી-પીણીની દુકાનો છે, પરંતુ આ બધામાં જશુબેનના પિઝા સૌથી વધારે પ્રખ્યાત છે.”

આર્જવ કહે છે કે, તેમના કાકા તો ઘણીવાર ઠેક ગાંધીનગરથી અહીં માત્ર પિઝા ખાવા માટે આવે છે.

તો રાજેન્દ્ર કહે છે કે, તેમના 60% ગ્રાહકો તો એવા છે, જેઓ વર્ષોથી અહીં આવે છે નિયમિતપણે. વધુમાં ઉમેરતાં તેઓ કહે છે, “દાદા, પિતા અને પછી પુત્ર અને પુત્રીઓ એમ એકજ પરિવારની બધી જ પેઢીઓને અહીં આવતી જોઈ છે અમે. ગ્રાહકો તેમને મળતી ગુણવત્તામાં ખૂબજ સભાન હોય છે અને સ્વાદમાં જરા પણ ફરક દેખાય તો તેઓ તરત જ જાણ પણ કરે છે. આ જ તો આ જગ્યાની ખાસિયત છે. અમે અમારી ગુણવત્તા અને સ્વાદને જાળવી રાખવામાં ખૂબજ સભાન રહીએ છીએ.”

આજે પિઝા એટલા બધા જાણીતા બની ગયા છે કે, દરેક જગ્યાએ મળી રહે છે, પરંતુ પહેલાં આવું નહોંતું. આંદેરબેને આ વ્યવસાયને નફો કરતો કરવા માટે 6 વર્ષ સંઘર્ષ કર્યો છે. આ બાબતે તેઓ કહે છે, “અત્યારે પિઝા જેટલા પ્રખ્યાત છે એટલા ત્યારે નહોંતા અને લોકોએ તેને અન્ય વાનગીઓની જેમ સ્વિકાર્યા પણ નહોંતા. ઉપરાંત તે સમયે આ વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે કોઈ ડિજિટલ માર્કેટિંગ કે સોશિયલ મીડિયાનો સહારો પણ નઓંતો. લોકોને આ સ્વાદમાં ટેવાવામાં સમય લાગ્યો અને જ્યારે તેમને ગમી ગયા ત્યારે તેને ખ્યાતિ પણ મળવા લાગી.” બસ ત્યારથી જ લૉ ગાર્ડન ફૂડ હબ તરીકે પણ વિકસ્યું. ખાણીપીણીના માર્કેટને વેગ મળવામાં તેનો બહુ મહત્વનો ભાગ છે.

જશુબેનના પિઝા અત્યારે એટલા બધા પ્રખ્યાત થઈ ગયા છે કે, બીજી પણ ઘણી દુકાનોવાળાઓએ તેને વેચવાનું શરૂ કરી દીધું છે. આ બાબતે રાજેન્દ્ર કરે છે, “ઘણા લોકો તેને અલગ-અલગ નામથી વેચે છે. પરંતુ આજસુધી કોઈ આની ગુણવત્તા અને યુનિક સ્વાદની સરખામણી કરી શક્યું નથી.”

રાજેન્દ્ર જણાવે છે કે, ભવિષ્યમાં તેઓ નવી વાનગીઓ અને નાસ્તા બનાવવા ઈચ્છે છે. વધુમાં ઉમેરતાં તેઓ કહે છે, “જશુબેન પિઝા તો ચાલુ જ રાખવામાં આવશે, પરંતુ આગામી અઠવાડિયાંમાં કેટલીક વિવિધતા પણ ઉમેરવામાં આવશે.”

મૂળ લેખ: HIMANSHU NITNAWARE

આ પણ વાંચો: નોકરીની સાથે સાથે શરૂ કર્યો સાબુનો બિઝનેસ, આજે મહિને મળે છે 500 ઑર્ડર

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon